તમારા રેફ્રિજરેટરની હાલત કેવી છે ?
- ફ્રિજનો મૂળ હેતુ તેમાં રહેતી વસ્તુઓને ઠંડી, ફ્રેશ રાખવાનો હોય છે, પણ જૂના પ્રકારમાં એવું બનતું કે દરેક કમ્પાર્ટમેન્ટમાં સરખું ઉષ્ણતામાન ન જળવાય. ક્યાંક ઓછી તો ક્યાંક વધુ ઠંડક રહે.
આજે જરા તમારું ફ્રિજ ખોલીને બે મિનિટ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરો કે અંદર શું પરિસ્થિતિ છે?
સંભવ છે કે અંદર દિવસો કે મહિનાઓ પહેલાં વાટકીમાં સંઘરી રાખેલી વાનગી હજી ય એક ખૂણામાં પડી હશે. નીચેની શેલ્ફ પર બહુ વખત પહેલાં ઢોળાયેલાં દૂધ કે દાળ-શાકના ડાઘ હશે. ફ્રિજરમાં હિમાલયના કોઈ શિખર જેટલો બરફ જામી ગયો હશે. વેજિટેબલ ટ્રેની અંદર થોડું સુકાયેલું શાક પડયું હશે. સાઈડ શેલ્ફ પર મહિના પહેલાં જેની એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય એવી કોઈ દવા પડી હશે. નસીબ ખરાબ હોય તો અંદર બે-ત્રણ વાંદા આંટા મારતા હશે. થોડી અણગમતી વાસ આવતી હશે.
આમાંથી કંઈ ન હોય તો તમને પરફેક્ટ હાઉસવાઇફનું સર્ટિફિકેટ આપવું જોઈએ. કહેવું પડે કે તમે ખરેખર તમારા ફ્રિજને સાચવો છો અને તમારું ફ્રિજ આઈડિયલ કન્ડિશનમાં છે.
પરંતુ હકીકત છે કે સોમાંથી નેવું ઘરમાં આવી આદર્શ પરિસ્થિતિ જોવા નહીં મળે. ફ્રિજને આપણે ગોડાઉન-સ્ટોર હાઉસની જેમ વાપરીએ છીએ. નાનાં છોકરાંવાળું મોટું ફેમિલી હોય તો તો રેફ્રિજરેટર પર થતા અત્યાચારોની લાંબી કહાણી લખી શકાય.
વર્ષો સુધી બાપડું રેફ્રિજરેટર મૂગું મૂગું બંધાયના જુલમ સહન કરતું રહે. પછી અવાજ કરવાનું શરૂ કરે, પછી થાકીને એની ઠંડક ઓછી થવા માંડે, પૂર્જા ઢીલા પડવા માંડે અને છેલ્લે બગડીને ફ્રિજમાંથી કબાટ બની જાય.
આવો દિવસ ન જોવો હોય તો અત્યારથી તમારા રેફ્રિજરેટરની સારસંભાળ લેવાનું શરૂ કરો અને નવું લાવવાનો વિચાર કરતા હો તો અત્યારથી તેના વિશે પૂરેપૂરું જાણી લો.
પહેલા થોડું આ સાધન વિશે..
આજથી પંદર વર્ષ પહેલાંનો સિનારિયો યાદ કરીએ તો માર્કેટમાં ચાર-પાંચ કંપનીનાં લિમિટેડ મોડેલ્સ ઉપલબ્ધ હતાં. એમાં પાછા બે જ પ્રકાર-નાનું અને મોટું. ઘરમાં ઓછા સભ્ય હોય તો નાનું ફ્રિજ લેવાનું અને મોટું કુટુંબ હોય તો મોટું ફ્રિજ જોઈએ આટલી જ અન્ડરસ્ટેન્ડિંગ ગ્રાહક અને દુકાનદાર વચ્ચે હતી.
આજે રેફ્રિજરેટરની માર્કેટમાં વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી ધરાવતાં એકએકથી ચઢિયાતા નમૂના મળે છે. ૧૦૦ લિટરથી ૭૫૪ લિટર સુધીની જુદી જુદી કેપેસિટી ધરાવતાં એક ડઝનથી વધુ મોડેલ્સ બને છે.
સાઈઝની સાથે કલરની પસંદગી મળશે. કિચનની દીવાલ અને તેના ફર્નિચર સાથે મેળ ખાય તેવા રંગના ફ્રિજ બને છે. સફેદ, ક્રીમ, કાળો, ભૂરો, લાલ, ગ્રે. હેન્ડલમાં પણ વરાયટીઝ. મોટા ભાગના ફ્રિજમાં બહાર ક્રોમિયમ પ્લેટ ધરાવતાં હેન્ડલ હોય છે. અત્યારે એક કંપની ગોલ્ડ પ્લેટેડ ફિટિંગ વાપરે છે.
દરવાજો પણ એક નહીં, સિંગલ ડોર, ડબલ ડોર, થ્રી ડોર, ફોર ડોર. દૂધની તપેલી બહાર કાઢવી હોય તો શાકભાજીના કમ્પાર્ટમેન્ટનું બારણું ખોલવાની જરૂર નથી.
અત્યારે ટુ ડોર ક્રોસ્ટ ફ્રી મોડેલ વધુ ચાલે છે. બે દરવાજા હોય તેમાં ઉપણું સેક્શન ડીપ ફ્રિજર તરીકે વપરાય છે. લાંબો સમય સંઘરવાની ચીજો ત્યાં રાખી શકાય. એને વારંવાર ખોલવાની જરૂર નથી પડતી. નીચેનું મોડું ખાનું રોજબરોજના વપરાશ માટે હોય છે. કોલ્ડ ફ્રી હોવાથી તેમાં બરફ જામ થઈ જવાની વારની રહેતી નથી. ઓટો-ડીફોલ્ટ પ્રકારનાં ફ્રિજમાં રાતે એક વાર ડીફીસ્ટનું બટન દબાવવું પડે છે. સવાર સુધીમાં બધોય બરફ પીગળીને નીચેની ટ્રેમાં પાણીરૂપે જમા થઈ જાય. તે કાઢીને બહાર ફેંકવું પડે. ફ્રોસ્ટ ફ્રીમાં આ ઝંઝટ નથી એટલે લોકો તેને પસંદ કરવા લાગ્યા છે. મહિનાઓ સુધી ફ્રિજ બંધ ન કરો તો પણ ચાલે.
ફ્રિજનો મૂળ હેતુ તેમાં રહેતી વસ્તુઓને ઠંડી, ફ્રેશ રાખવાનો હોય છે, પણ જૂના પ્રકારમાં એવું બનતું કે દરેક કમ્પાર્ટમેન્ટમાં સરખું ઉષ્ણતામાન ન જળવાય. ક્યાંક ઓછી તો ક્યાંક વધુ ઠંડક રહે. હવે કંપનીઓ તેમનાં રેફ્રિજરેટરમાં યુનિફોર્મ કૂલિંગ રાખવા માટે ખાસ ફેન રાખે છે. દરેકમાં કામ તો સરખું જ થાય છે, પણ ગ્રાહકોને આકર્ષવા માટે કૂલિંગ સિસ્ટમને જુદાં જુદાં નામ અપાય છે. સેમસંગનું સુપર એક્સ ફ્લો, ગોદરેજનું ઈન્ટેલ ફ્લો, એલજીનું મલ્ટી એર ફ્લો, ડેવુનું ફ્રેશ મલ્ટી ફ્લો. જે કહો તે, અંતે તો હેમનું હેમ હોય.
પસંદગીની વિશાળ તક છે, પરંતુ ઘરમાં કેટલા સભ્ય છે, કેટલો વપરાશ થાય છે તે જોઈ-સમજીને જ ફ્રિજની પસંદગી કરવી. ચાર-પાંચ જણના પરિવાર માટે વધુમાં વધુ ૩૦૦ લિટર કેપેસિટીવાળું મોડેલ જોઈએ.
મોટા ફ્રિજના ફાયદા ઘણા છે પણ સૌથી મોટો ગેરફાયદો એ છે કે આપણને તેમાં વધેલું-ઘટેલું જથ્થાબંધ સંઘરવાની કુટેવ પડી જાય છે. ફ્રિજના અને આપણા, બંનેના સ્વાસ્થ્ય માટે આ હાનિકારક છે. કંપનીના નિષ્ણાતો શું કહે છે તે સાંભળો.
ફ્રિજની અંદર ગમે તેટલા દિવસ સુધી રાંધેલો ખોરાક તાજો, સારો રહે છે તે માન્યતા ભૂલભરેલી છે. રંધાયેલો ખોરાક વધુમાં વધુ બીજે કે ત્રીજે દિવસે ખાઈ લેવો જોઈએ. એ પછી વધે તો ફેંકી દો.
તમારું ફ્રિજ કંઈ એન્ટિસેપ્ટિક ચેમ્બર નથી કે તેમાં જીવાણું વિષાણુઓ ન થાય. તેમાં રાખલા ખોરાકમાં બેક્ટેરિયા તો વધતા રહે જ છે અને અમુક બેક્ટેરિયા તો ઠંડા વાતાવરણમાં વધુ ઝડપથી વધે છે. સાલ્મોનેલા, લિસ્ટેરિયા, યેર્સિનિયા આ બધા ય બેક્ટેરિયા એકથી પાંચ ડિગ્રી સેન્ટિગ્રેડ જેવા નીચા ઉષ્ણતામાનમાં ફળેફૂલે છે. કોબી, ફ્લાવર, આઈસક્રીમ, ચોકલેટ્સ, માંસાહારી વાનગીઓ તેમનું મનપસંદ ઘર છે. તેનાથી ફૂડ પોઈઝનિંગ અને બીજી બીમારીઓ થાય છે એટલે ફ્રિજમાંથી બીજે દિવસે બહાર કાઢેલો ખોરાક પણ બને ત્યાં સુધી બરાબર ગરમ કરીને ખાવો જોઈએ.
ફ્રિજમાંથી બહાર કાઢેલી વસ્તુ થોડી વાર એમ ને એમ રાખીએ તો એના પર થીજેલો બરફ ઓગળે છે અને આમાંથી નીકળતું પાણી બેક્ટેરિયાનો ઓર ફેલાવો કરે છે. નાનાં બાળકો માટે આ વધુ ખતરનાક નીવડે છે.
કોઈ પણ વસ્તુ ફ્રિજમાં લાંબો સમય રાખવી યોગ્ય નથી.
અંદરનું ટેમ્પરેચર જળવાય તે પણ જરૂરી છે. ફ્રિજનું રેગ્યુલર ટેમ્પરેચર પાંચ ડિગ્રી સેન્ટિગ્રેડથી વધુ હોવું ન જોઈએ અને ફ્રિજરમાં વધુમાં વધુ ૧૮ ડિગ્રી.
તમારી પાસે ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર ન હોય તો તેને વારંવાર અઠવાડિયે-દસ દિવસે ઓછામાં ઓછું એક વાર ડીફ્રોસ્ટ કરવું જોઈએ.
ફ્રિજ અંદર અને બહાર બંને બાજુએ સાફ રહેવું જોઈએ. બે દિવસે સાબુનાં પાણીથી સાફ કરવું જોઈે. માઈલ્ડ ડિટર્જસ્ટ અને કિચન ડીસઈન્ફેક્ટન્ટ ભેળવેલાં પાણી અને સાફ કપડાથી લૂછવું જરૂરી છે. આનાથી ડાઘાડૂઘી ઉપરાંત નજરે ન પડે તેવા જીવાણુ પણ સાફ થઈ જશે.
ફ્રિજની અંદર ઢોળાયેલી ચીજવસ્તુને તત્કાળ સાફ કરવી જોઈએ એનાથી વાંદા થાય છે અને ખોરાક પર ફરતા વાંદા તમને બીમાર કરી દેશે.
ફ્રિજની અંદર ઢોળાયેલી ચીજવસ્તુને તત્કાળ સાફ કરવી જોઈએ. એનાથી વાંદા થાય છે અને ખોરાક પર ફરતા વાંદા તમને બીમાર કરી દેશે.
ફ્રિજના હેન્ડલને તો ખાસ સાફ રાખવાની જરૂર છે કારણ કે આપણને ગમે તેવા અસ્વચ્છ હાથે ફ્રિજ ખોલવાની આદત હોય છે. ખાસ કરીને વરસાદના દિવસોમાં તો આ બધી બાબતોનું વધુ ધ્યાન રાખવું જોઈએ.
સ્વચ્છતા જાળવવા ઉપરાંત બીજી પણ ઘણી વાતો યાદ રાખવાની જરૂર છે. કોઈ પણ ખાદ્યપદાર્થને ફ્રિજમાં ઢાંકીને જ રાખવો. ઉઘાડી વસ્તુ જલદી બગડી જાય છે અને તેના કારણે બીજી ચીજવસ્તુ પણ ખરાબ થવાની અને ફ્રિજમાં વાસ આવવાની ભીતિ રહે છે.
રાંધેલો ખોરાક ઉપરના ખાનામાં રાખવો. ત્યાં વધુ ઠંડક હોય છે. ફળ અને શાકભાજી સાવ નીચે રાખી શકો. ફ્રિજરમાં સંઘરાતા ખાદ્યપદાર્થો એરટાઈટ ડબ્બા કે પ્લાસ્ટિકની કોથળીમાં રાખવા જરૂરી છે.
ફ્રિજરમાં ક્યારેક ચોંટી જતી બરફની ટ્રે ઉખાડવા માટે તવેથા કે ચપ્પુનો ઉપયોગ ક્યારેય ન કરવો. તેનાથી ફ્રિજના સ્પેરપાર્ટ્સને નુકસાન થાય છે.
અંદર ઠાંસીઠાંસીને ભરાતી ચીજવસ્તુઓ ફ્રિજની કૂલિંગ કેપેસિટી પર અસર કરે છે. બને ત્યાં સુધી ઓછાં વાસણ રાખો. ત્રણ તપેલીમાં દૂધ રાખવાને બદલે તેને એકમાં કાઢો.
ફ્રિજનો પાછળનો ભાગ દીવાલથી થોડો દૂર રહેવો જોઈ.
ફ્રિજનો દરવાજો વધુ ખુલ્લો રાખવો હિતાવહ નથી. તેનાથી અંદરના ટેમ્પરેચર પર અસર થાય છે અને બહારનો કચરો, જીવજંતુ અંદર જાય છે.
અને છેલ્લે, ફ્રિજ દરેક ઘર માટે જરૂરી છે. ખોરાક બગડતો અટકાવે છે અને મનપસંદ ચીજોને થોડા દિવસ સંઘરી રાખવાની સગવડ આપે છે પરંતુ યાદ રાખો કે આ રેફ્રિજરેટર છે. જેમ તેમ, ગમે તેવો માલસામાન ઠાંસીઠાંસીને ભરવા માટેનું સ્ટોર હાઉસ નથી.