આજકાલ બજાર જાતજાતના ક્રિમથી ઉભરાય છે. કોલ્ડ ક્રિમ, મોઈશ્ચરાઈઝર ક્રિમ, નાઈટ ક્રિમ, સનબ્લોક ક્રિમ વગેરે વગેરે... પરંતુ કયું ક્રિમ ક્યારે વાપરવું એ બાબતથી મોટાભાગની નારીઓ અજાણ છે. મારી જ વાત કરું તો મને કોઈએ કહ્યું કે રોજ રાત્રે નાઈટ ક્રિમ વાપરવું જોઈએ. એ ચહેરા પરની કરચલીઓ તેમ જ અણગમતી રેખાઓ દૂર કરે છે અને સવારે આરસીમાં નજર કરતાં એક નવો જ ચહેરો જોવા મળશે. નિર્મળ તેજસ્વી ક્રાંતિ અને ચહેરા પરની નરમાશ જોઈને તું પોતે તારી જાતને ઓળખી શકશે નહીં. પરંતુ મારા મત મુજબ નાઈટ ક્રિમ પણ એક ઈમેજથી ઘેરાયેલું છે. લોકો એમ જ માને છે કે નાઈટ ક્રિમ ઘાટું અને ચીકણું ક્રિમ છે જે વાપરવાનો ઈજારો માત્ર શ્રીમંત ઘરની સુખી મહિલાઓ પાસે જ છે. મોટાભાગની નારીઓ દિવસે કે રાત્રે એક જ ક્રિમ અથવા મોઈશ્ચરાઈઝર વાપરે છે. પણ આજકાલ બજારમાં જે રીતે નવા નવા નાઈટ ક્રિમ મૂકાતા જાય છે એ જોતા એક પ્રશ્ન જરૂર ઉત્પન્ન થશે કે શું આપણી ત્વચાને સમય વિશે જ્ઞાાન છે ખરું?
ત્વચા નિષ્ણાતો કહે છે કે રાત્રે વાપરેલું ક્રિમ તમારી ત્વચાને સુંવાળી રાખે છે. તેમાં રહેલું તેલને કારણે ત્વચા એક આવરણ ઉત્પન્ન કરે છે જેને કારણે ત્વચાની અંદર રહેલા ભેજનું બાષ્પીભવન થતું નથી. આથી સવારે ઉઠતાંની સાથે તમને ફાયદો થયો હોવાનું લાગશે. પરંતુ દિવસે વપરાતા અને રાત્રે વપરાતા ક્રિમ વચ્ચે તફાવત શું છે એ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ રહે છે.
નાઈટ ક્રિમમાં તૈલી તત્ત્વોનું પ્રમાણ વધુ હોય છે. આ કારણે તે મુલાયમ, શીતળતા અપનારું ક્રિમ છે જે દિવસે વાપરવું વ્યવહારું નથી. નાઈટ ક્રિમમાં સનસ્ક્રીન હોતું નથી જ્યારે દિવસે વપરાતા મોઈશ્ચરાઈઝરમાં સનસ્ક્રીન હોવું જરૂરી છે.
સૌંદર્ય શાસ્ત્રના તેમ જ ત્વચા નિષ્ણાતો એમ પણ માને છે કે નાઈટ ક્રિમ વાપરવાને કારણે ત્વચાની મુલાયમતા તેમ જ કુમળા જળવાઈ રહેતી હોવાને કારણે સવારે તાજગી અને આત્મવિશ્વાસનો અનુભવ થાય છે. નાઈટ ક્રિમમાં રહેલા વિટામીન 'એ' અથવા આલ્ફા હાઈડ્રોક્સી એસિડ્સ્ (એએમએેસ) ત્વચા પર સૂર્યના કિરણો દ્વારા થયેલું નુકસાન દૂર કરવામાં મદદરૂપ બને છે અને અકાળે પડતી કરચલીઓ તેમ જ પિગમેન્ટેશનની સમસ્યા નિવારે છે.
મોટાભાગના લોકોને રાત્રે ભારે મોઈશ્ચરાઈઝરની જરૂર હોતી નથી. આથી હવે ઓછા સ્નિગ્ધ નાઈટ ક્રિમ બજારમાં મૂકવામાં આવ્યા છે જે દરેક પ્રકારની ત્વચા માટે ઉપયોગી છે. ખાસ કરીને તૈલી ત્વચાને ધ્યાનમાં રાખીને જ આ ક્રિમ તૈયાર કરવામાં ાવ્યા છે. કારણ કે આ ક્રિમ ત્વચા પર રહેલા છીદ્રો ખુલ્લા રાખે છે.
મોટાભાગના નાઈટ ક્રિમ રાત્રિના સમયે ત્વચા પર પહોંચેલા ઘસારાને દૂર કરવાનું કામ કરે છે અને દિવસ દરમિયાન સહન કરવા પડતા પ્રદૂષણો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. અમુક ત્વચા નિષ્ણાતો એવો દાવો કરે છે કે રાત્રે વપરાશ માટેના ક્રિમમાં જે પોષક તત્ત્વો હોય છે તે રાત્રે બેથી ચાર ની વચ્ચે પોતાની અસર દેખાડે છે. કારણ કે આ દરમિયાનમાં ત્વચાનું પોતાનું ''બાયોલિજિકલ ક્લોક'' ચામડીના કોષોનું પુન:પલ્લવિત કરવાનું કામ કરે છે.
દિવસ દરમિયાન પ્રદૂષણ, સૂર્યના પ્રખર કિરણો તેમ જ ધૂમાડાનો સામનો કરીને ચામડીની પ્રતિરક્ષક શક્તિ ઘટે છે. ત્વચા પાસેના વિટામીન 'સી' તેમ જ 'ઈ' નું કુદરતી સ્ત્રોત આ સામે રક્ષણ કરવા માટે વપરાઈ જાય છે. આથી નાઈટ ક્રિમમાં રહેલા વિટામીન 'ઈ' અને 'સી' આ ખોટ ભરપાઈ કરે છે અને ત્વચાની કુમાશ જાળવી રાખવામાં સહાય કરે છે.
કેટલાક ત્વચા નિષ્ણાતોની માન્યતા મુજબ નાઈટ ક્રિમ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે ચામડીના અંદરના સ્તર સુધી પહોંચી શકે છે. ચાલીસીમાં પ્રવેશ્યા પછી વિટામીન 'ડી' નું ઉત્પાદન કરવાની ત્વચાની ક્ષમતા ઘટી જાય છે. આથી ત્વચાની સ્થિતિ સ્થાપકતા પણ ઓછી થતી જાય છે. આની સારવાર માટેનો સૌથી શ્રેષ્ઠ સમય રાત્રિ દરમિયાન છે. કારણ કે આ સમયે પ્રકાશ, ભેજ અથવા તાપમાનમાં ઝાઝો ફરક પડતો નથી અને ચહેરાનું હલનચલન પણ ઓછું થાય છે અને આ સમયે નાઈટ ક્રિમ વાપરવાથી ત્વચાની સ્થિતિ સ્થાપકતા જળવાઈ રહે છે. આ ઉપરાંત કેટલાક નાઈટ ક્રિમમાં રહેલું નોક્ટોફેરાઈન નામનું તત્ત્વ ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે.
આમ છતાં પણ કેટલીક વ્યક્તિઓની માન્યતા છે કે દિવસે અને રાત્રે જુદા જુદા ક્રિમ વાપરવા કરતાં બધા ગુણો ધરાવતું એક મોઈશ્ચરાઈઝર વાપરવાથી પણ આ બધા ફાયદા મળી રહે છે. દિવસ દરમિયાન ત્વચાને સૂર્ય કિરણો તેમ જ પ્રદૂષણથી બચાવવી. એ જ વધુ અગત્યનું છે.
નાઈટ ક્રિમ વાપરતા પૂર્વે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
- આંખ પરનો મેકઅપ દૂર કરવા માટે ખાસ કાળજી રાખો. માત્ર સાબુ કે ફેસિયલ ક્લીન્ઝરથી કામ ચાલશે નહીં. તૈલી તત્ત્વ ધરાવતું મેકઅપ રિમુવર પસંદ ન હોય તો જેલ અથવા લોશન વાપરવાનું રાખો. આ રિમૂવરને રૂ પર લગાડી આંખ પરનો મેકઅપ દૂર કરો.
- દિવસ દરમિયાન ધૂમ્રપાન તેમ જ સૂર્યના તડકામાં રખડવાની આદત હશે તો નાઈટ ક્રિમ લગાડવાથી કોઈ ફાયદો થશે નહીં. સૂર્યના પ્રખર કિરણોને કારણે ત્વચા પર કરચલી તેમ જ ડાઘા પડી શકે છે. અને ત્વચાનું કેન્સર થવાનો પણ ડર રહેલો છે. આથી સૂર્યના તડકામાં જતા પૂર્વે ત્વચા પર સન પ્રોટેક્શન ક્રિમ લગાડો. ધૂમ્રપાનને કારણે ચામડીને ઓક્સિજનનો પૂરવઠો મળતો નથી આને કારણે પણ અકાળે કરચલી પડવાનો સંભવ છે.
- અપૂરતી નિદ્રાને કારણે આંખની આસપાસ કાળા કુંડાળા, આંખો સુજી જવી, ત્વચા શુષ્ક બની જવી જેવી સમસ્યાઓ નિર્માય છે. આથી રાત્રે સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે.
- પોલિએસ્ટર, સાટીન કે રેશમી ચાદર કરતા સુતરાઉ ચાદર ત્વચા માટે વધુ સારી છે.
- એરકંડિશનિંગ અને હિટીગ ત્વચા શુષ્ક બનાવવામાં ભાગીદાર છે. આથી નાઈટ ક્રિમ ત્વચાને તેનું મોઈશ્ચરાઈઝર સ્તર જાળવી રાખવામાં મદદરૂપ બને છે.


