Get The App

ઉનાળામાં ઘરને ઠંડું કેવી રીતે રાખશો? .

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
ઉનાળામાં ઘરને ઠંડું કેવી રીતે રાખશો?                           . 1 - image


શિયાળો અને ઉનાળો એ કુદરતની સતત ગતિમાં રહેવાની પ્રક્રિયાનું એક ઉત્તમ ઉદાહરણ છે. પૃથ્વી પોતાની ધરી ઉપર અને સૂર્યની આસપાસ સતત ફરતી રહે છે. પરિણામે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સતત બદલાતું રહે છે. પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્કર મારતા ૧ વર્ષ લાગે છે અને પોતાની ધરી ઉપર એક ચક્કર મારતાં તેને ૧ દિવસ (૨૪ કલાક) લાગે છે, પરંતુ આપણાં ઘર તો એક જ જગ્યાએ સ્થિર રહે છે. કાશ! એ પણ ફરી શકતાં હોત! તો તો ગરમીની મોસમમાં આપણે તેને ઝાડની છાયામાં ગોઠવી દેત ખેર! જવા દો એ વાત જે શક્ય નથી અને વ્યવહારું પણ નથી. તો આજે હું તમને થોડા એવા આઇડિયા આપીશ કે જે ઉનાળાની ગરમીમાં ઘરને ઠંડુ રાખવામાં મદદરૂપ થઈ શકે અને તે પણ ખિસ્સા ખાલી કર્યા વગર આને માટે ગરમીનાં થોડા મૂળભૂત નિયમો જાણવા જરૂરી છે. ગરમી આપણા ઘરમાં દીવાલ, છત, ફ્લોર, બારી દરવાજા વગેરેમાંથી પ્રવેશે છે અને માનવશરીર માટે ૩૨ સેલ્સિયસ જેટલું તાપમાન અનુકૂળ છે.

સગવડ-અગવડ એ દરેકની વ્યક્તિગત મન સ્થિતિ પર આધાર રાખે છે. વાતાવરણના બદલાવ સાથે તેમાં પણ ફેરફાર થાય છે આ સગવડ-અગવડનો આધાર હવાની અવર-જવર ઝડપ, જમીનની ઠંડક, કપડાંનો પ્રકાર (સુતરાઉ, નાયલોન, સિલ્ક) વગેરે પર આધાર રાખે છે.

હવાની અવરજવરનો પ્રભાવ શરીરની ગરમી પર પડે છે અને તેથી ગરમીથી બચવા માટે આપણી આજુબાજુનું ઉષ્ણતામાન શરીરનાં તાપમાન કરતાં થોડું ઓછું હોવું જરૂરી છે. (શરીરનું ઉષ્ણતામાન લગભગ ૩૨થી ૩૪ જેટલું હોય છે) વાતાવરણમાં રહેલા ભેજ અને હવાની ગતિ પર પસીનાનાં બાષ્પીભવનનો આધાર રહેલો છે તેથી વાતાનું ઉષ્ણતામાન ૩૪ કરતાં ઓછું રાખવા અને ઘરમાં ઠંડકવાળું વાતાવરણ બનાવવા માટે કેટલાંક વિકલ્પો બહુ જરૂરી છે.

(૧) બહારની ગરમીને ઘરની અંદર શક્ય તેટલી ઓછી આવવા દો- અમદાવાદ શહેર ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. સૂર્યપથ દક્ષિણ પૂર્વથી દક્ષિણ પશ્ચિમ છે તેથી સૂર્ય કિરણો હંમેશા દક્ષિણ બાજુની દીવાલ ઉપર વધુ સમય રહે છે. આને કારણે ઘરની દક્ષિણ બાજુની દીવાલ બીજી દીવાલની સરખામણીએ વધુ ગરમ રહે છે. આ ગરમીને ઘરમાં પ્રવેશતી ઓછી કરવા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે. ઉત્તર કે પૂર્વ દિશા બાજુની બારીઓ શક્ય તેટલી વધુ ખુલ્લી રાખવી જોઈએ કે જેથી હવા ઘરમાં પ્રવેશે. જ્યારે દક્ષિણ દિશાના વેન્ટીલેશન ખુલ્લાં રાખવા જોઈએ. ગરમ હવા હલકી હોવાનાં કારણે તે ઉપર જાય છે. અને વેન્ટીલેશનમાંથી બહાર નીકળી જાય છે જ્યારે ઉત્તર અને પૂર્વ દિશાની બારીમાંથી ઠંડી હવા રૂમમાં પ્રવેશ છે. તેથી રૂમ ઠંડો રહે છે. પંખા પણ રૂમમાં હવાની હરફરમાં મદદરૂપ થાય છે.

(૨) ઘરમાં વાતાવરણમાં ઠંડક રાખવા માટે રાત્રે ઘરની દીવાલો, છત વગેરે ઠંડા થાય છે. આ ઠંડકને શક્ય તેટલી વધુ સમય રૂમમાં સાચવી રાખવા માટે રૂમનાં બારી બારણાં બંધ જ રાખો કદાચ બારી-બારણાં ખુલ્લા રાખો તો પણ તેનાં પડદાં તો બંધ જ રાખવા જોઈએ કે જેથી ઠંડી હવા ઓછી બહાર જાય ઉનાળામાં બે-ત્રણ વખત ભીનાં કપડાંથી લાદી લૂછવામાં આવે તો પણ લાદી ઠંડી રહે છે અને ઘરમાં ગરમીની માત્રા ઓછી થાય છે.

(૩) ગરમ હવાને બહાર ફેંકી દો - જ્યારે હવા ગરમ થાય ત્યારે તે હલકી બને છે અને ઉપર જાય છે જો રૂમમાં દીવાલની ઉપરની બાજુએ એકઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવામાં આવે તો ગરમ હવા રૂમમાંથી બહાર ફેંકાઈ જાય છે અને ઠંડી હવા માટે  જગ્યા થાય છે જો આ શક્ય ન હોય તો બારી-બારણાંની ઉપરના દરેક વેન્ટીલેશન ખુલ્લા રાખવા જોઈએ કે જેથી ગરમ હવા રૂમમાંથી બહાર નીકળી જાય અને રૂમમાં ઠંડક જળવાઈ રહેશે.

Tags :