ચુંબન કેટલું જોખમી? .
પ્રેમના અદ્ભુત અનુભવનું પ્રથમ સોપાન ચુંબન છે, પણ..
ચુંબન જેટલું રસપ્રદ છે તેટલું જ ચર્ચાસ્પદ પણ! ચુંબન કરવું યોેગ્ય છે કે નહીં? શરીર માટે નુકસાનકારક છે કે નહીં? ચુંબન દ્વારા જીવાણુઓની આપલે થાય છે કે નહિ! એ પ્રશ્નો અંગે હંમેશા મતમતાંતર રહ્યાં છે!
આમ છતાં ચુંબન સર્વવ્યાપી છે! નવી સવી માતા પોતાના વ્હાલુડા બાળકને હેતના ઉમળકામાં ચૂંબન ચોડી દે છે! શહેરના બગીચાના કોઈ 'બદનામ' ખૂણે ઉભેલાં વૃક્ષો ન જાણે કેટલાયે ચુંબનોના સાક્ષી બને છે!
સિનેગૃહોના અંધારામાં કેટલાંયે પ્રેમી યુગલો આસપાસના પ્રેક્ષકોની નજરથી બચીને કેટલાયે ચુંબનોની આપલે કરી લેતાં હશે!
ચુંબનનો સરળ અર્થ થાય છે સ્ત્રી અને પુરુષ એકબીજાને પોતાના હોઠનો સ્પર્શ કરાવીને પોેતાની હૃદયની લાગણીઓ વ્યક્ત કરે. આપણે અંગ્રેજી ફિલ્મો જોવા જઈએ છીએ ત્યારે તેમાં કીસમિસની અવનવી રીતો જોવા મળે છે. અંગ્રેજી સિરિયલોમાં પણ કિસોની ભરમાર હોય છે. હિન્દી ફિલ્મોમાં પણ હવે ચુંબનનાં દ્રશ્યો બેધડક દર્શાવાય છે. ટીવી સિરિયલોમાં જોકે આટલી છૂટછાટ લેવાતી નથી.
આ પૃથ્વી ઉપર જન્મેલો ભાગ્યે જ કોઈ એવો બદનસીબ હશે જેને ચુંબન પ્રયોગ કરવાની તક મળી ન હોય. મનુષ્યની જિંદગીમાં ક્યારેક તો કોઈ એવી વ્યક્તિ મળી જાય છે જેની સાથે તમારું દિલ મળી જાય છે અને પછી એક પળ એવી જરૂર આવે છે જ્યારે તમારી લાગણીઓની ભરતી તમને બેબસ કરી મૂકે છે અને પછી ગાલ ઉપર, કપાળ ઉપર, અને છેવટે હોઠ ઉપર ચુંબનો થવા લાગે છે.
ચુંબનો રાત્રિના અંધકારમાં શયનખંડમાં પણ થઈ શકે અને ખુલ્લા મેદાનમાં પ્રકૃતિની ગોદમાં, નાવમાં, વિમાનમાં, પર્વત ઉપર કે ખીણમાં, બાગમાં, જંગલમાં, માર્ગ ઉપર, ગલીકૂંચીમાં, સ્કૂટર ઉપર, કારમાં, ટ્રેઈનમાં ગમે ત્યાં કીસ થઈ શકે. રાજારાણી પણ કીસ કરે અને ભિખારી પણ કીસ કરે. બાળકો પણ કીસ કરે અને વેશ્યાઓ અને નાચનારીઓ પણ કીસ કરે. કોલેજમાં અને શાળામાં છોેકરા-છોેકરીઓ કીસ કરે અને કબૂતરો અને ચિપાન્ઝીઓ પણ કીસ કરે. અરે મેં તો પવનના સૂસવાટામાં પાસે પાસે ઊગેલા વૃક્ષોને પણ કીસ કરતા જોયા છે અને બે વાદળોને પણ કીસ કરતાં જોયા છે.
ચુંબન એક આવિર્ભાવ છે, એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એક આવેગ છે. ચુંબન અને સેક્સ બાદ કરતાં સ્ત્રી અને પુરુષ વચ્ચે માત્ર શબ્દોના સાથીયા પૂરવા સિવાય કશું જ વધતું નથી.
હ્યુમન એક્ટ નીડઝ કલ્મીનેશન એન્ડ ક્લાઈમેક્સ માનવીના આવેગજન્ય કર્મોની સર્વોચ્ચ સીમાને સ્પર્શવી જરૂરી છે. ટોચ ઉપર પહોંચવું જરૂરી છે.
એ ધસમસાટ પછી ધમણની માફક હાંફતાં ફેંફસાં અને ભયાનક ગતિથી ધબકારા મારતાં હૃદયને શાતાની જરૂરત હોય છે.
કીસ-સેક્સ અને સ્ત્રાવ પછી માનવી જાણે ટોચ ઉપર સ્થિર થઈ જાય છે. ત્યાં તેને સૃષ્ટિનું એક સુખમય દર્શન લાધે છે. આઈએમ હેપ્પી, આઈ હેવ ડન ઈટ. આ અદ્ભુત અનુભવનું પ્રથમ સોપાન ચુંબન છે.
પ્રારંભિક પરિચય પછી ઘણા સમય બાદ કેટલાક હોઠોનાં ચુંબન સુધી પહોંચે છે, તો કેટલાક હિંમતબાજ લોકો એકાએક સીધા જ હોઠોના ચુંબનથી પ્રારંભ કરે છે અને પછી ધીમે ધીમે કરતાં જાય છે. પ્રાગ ઐતિહાસિક કાળમાં ક્યારેક ચુંબનની ક્રિયા આપોઆપ પ્રેરણા થવાથી જન્મી હશે અને શક્ય છે કે તેની શરૂઆત સ્ત્રીએ જ કરી હશે. સ્ત્રી સિવાય ચુંબનની શોધ બીજું કોઈ કરી શકે નહીં. જંગલની ભયાનક રાતમાં, ખૂંખાર જાનવરોની ત્રાડો વચ્ચે પોતાના પુરુષને વળગીને સૂતેલી સ્ત્રી તેનો ડર કાબૂમાં રાખી શકી નહીં હોય અને તેનું મસ્તક પુરુષના મસ્તક સાથે એકાકાર થઈ ગયું હશે. અને હોઠને હોઠ સ્પર્શતાં કોઈક અજાણી ધુ્રજારી અનુભવી હશે અને પછી તે કાયમનો આનંદ બની ગયો હશે.
પશ્ચિમના જગતમાં કીસનું અત્યંત મહત્ત્વ છે. તેના ઉપર ઘણાં સુંદર કાવ્યો લખાયા છે.
સ્કોટ ફીટજરાલ્ડ લખે છે ચુંબનની શરૂઆત ત્યારે થઈ હોવી જોઈએ જ્યારે કોઈ એક નર સરીસૃપ માદા સરીસૃપને જીભ વડે ચાટયો હશે અને તેને ઈશારાથી કહ્યું હશે કે ગઈકાલે તે જે રસદાર જંતુનું ભોજન કર્યું હતું. હું પણ તેના જેવી જ રસદાર છું.
મીસ્ટીગ્યુએટ નામનો લેખક કહે છે કે ચુંબન અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન કે આશ્ચર્ય ચિહ્ન પણ હોઈ શકે. પ્રત્યેક સ્ત્રીએ શીખી લેવા જેવી આ પાયાની જોડણી છે.
અંગ્રેજો જેને કીસ કહે છે. તે બે પ્રેમીઓ વચ્ચેની સૌથી મહત્ત્વની ક્રિયા ગણાય છે. ચુંબનની આપ-લે પછી પ્રેમીઓ એકબીજાને શરણે થઈ જાય છે. ચુંબનના અનેકવિધ પાસા છે અને તેના ઉપર અનેકવિધ કાવ્યો લખાયાં છે. લીપ કીસ, ટંગ કીસ, ટીથ કીસ, માઉથ કીસ વગેરે શબ્દો આજકાલ પ્રચલિત છે. પ્રેમીઓને મન કીસ પ્રેમનો એકરાર છે. તો ડોક્ટરોના મન એ અનેક બીમારીઓનું ખુલ્લુ નિમંત્રણ છે. કીસને કારણે આપણે બાળકને ઘણી બધી બીમારીઓ બક્ષીસમાં આપીએ છીએ.
જીવનસાથી કે મિત્ર, માતા કે બાળકના આ વ્હાલના પ્રતિક અંગે વારંવાર વિવિધ ચર્ચાઓ થતી રહે છે. કોઈ કહે છે ચુંબન હાનિકારક છે.
માનસશાસ્ત્રી જેન ફિબેકના કહેવા મુજબ, દરેક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે શારીરિક સંપર્કની જરૂર રહે જ છે. આપણે 'સ્પર્શ ભૂખ્યા' પ્રાણી તરીકે જાણીતા છીએ.
તેણીના કહેવા મુજબ જ્યાં સુધી માત્રા જળવાય ત્યાં સુધી ચુંબન હાનિકારક નથી!
ચુંબન દ્વારા જીવાણુઓની પણ આપલે થવાનો ભય રહે છે ચીનના એક અખબારે ચુંબનને નુકસાનકારક ગણાવ્યું છે.
ચુંબન ભયંકર પરિણામો લાવી શકે છે. માનવીના થૂંકમાં અનેક પ્રકારના જીવાણુઓ વાસ કરે છે. આ જીવાણુઓ જ્યારે ચુંબન પ્રક્રિયા દ્વારા તમારા થૂંકમાં ભળીને શરીરમાં દાખલ થઈ જાય છે ત્યારે તમને શરદી, ગાલપચોળીયું, વિષાણુઓનો ચેપ અને બીજા વારસાગત રોગો થઈ શકે છે.
ઓસ્ટ્ર્ેલિયાની એડીલેઈડ યુનિવર્સિટીના ઓરલ બાયોલોજી વિભાગના ડૉ. ટોની રોજર્સના કહેવા મુજબ ચુંબનના કારણે દાંતના રોગ પણ થાય છે!
વર્ષો પહેલાં અમેરિકામાં એક એવું સંશોધન કરાયું હતું કે ચાર હોઠ ભેગા થાય એટલે હૃદયના ધબકારા મિનીટના ૭૨ થી વધીને ૯૫ સુધી પહોંચી જાય છે.
ચુંબનનો સૌથી ભયાનક ખતરો તમારા હૃદય માટે છે. તેના ધબકારા એટલી હદે વધી જાય છે કે ક્યારેક તેને લીધે હેમરેજ થઈ જવાની વક્કી રહે છે. ઘણાના હૃદય બંધ પણ પડી ગયાના દાખલા છે.
એવું જાણવા મળ્યું છે કે એક ચુંબન તમારા જીવનમાંથી ત્રણ મિનિટની આવરદા ઘટાડી નાખે છે. આમ જો તમે અઠવાડિયામાં ૫૦૦ ચુંબન કરો તો તમારા જીવનમાંથી ૨૫ વર્ષ ઓછાં થઈ જશે. છતાં પ્રેમીઓ હજારો ચુંબનો કર્યા પછી પણ જો ૬૦ થી ૮૦ વર્ષનું આયુષ્ય ભોગવી શકે તો સમજવું કે આધુનિક ડોક્ટરોને હજુ ચુંબનનું અંતિમ રહસ્ય મેળવવાનું બાકી છે.
એક તબીબનો તો એવો દાવો છે કે દરેક ચુંબન આપણા જીવનની ૧૭ સેકન્ડ ઓછી કરે છે! અને ગાઢ ચુંબન પાંચ મિનીટ જેટલું જીવન ઘટાડી દે છે!!
હવે જોકે ડોક્ટરો ચુંબનની તરફેણ કરતા પણ થયા છે.
પેરૂના લીમા ખાતે ચુંબન અંગે સંશોધન કરનાર ત્રણ ડોક્ટરોના કહેવા મુજબ આપણા માટે ઉત્તેજના લાભદાયી છે. હૃદયના ધબકારા વધે ત્યારે શરીરના 'સેલ્સ'માં વધુ પ્રમાણમાં ઓક્સીજન ભળે છે અને ેતેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
જર્મનીની એક વિમા કંપનીએ એવું તારણ કાઢ્યું હતું કે સવારે ઓફિસે જવા માટે નીકળતા પહેલાં પત્નીને ચુંબન કરીને જે પતિ બહાર નીકળે તેને અકસ્માત નડવાની ઓછી શક્યતા રહે છે! તેઓ હંમેશા ખુશમીજાજ રહે છે ઓછી રજાઓ ભોગવે છે અને લાંબુ આયુષ્ય મેળવે છે!
આમ છતાં જો તમને જીવાણુઓનો ભય રહેતો હોય તો ચુંબનની જુની પ્રથા અપનાવો! પ.જર્મનીમાં આજે લોકો એકબીજાની હથેળી પર ચૂંબન કરવા તરફ વળ્યા છે જે અત્યંત સલામત છે!
પ્રેમીઓ કે પતિ-પત્ની પ્રેમાવશમાં આવીને એકબીજાને આલિંગીને એકમેકને ચુંબનો કરતાં હોય છે. આમ ચુંબન દ્વારા તેઓ પોતાના ઉત્કટ પ્રેમાવેશને શાંત કરીને અવર્ણીનીય આનંદનો અનુભવ કરે છે. કામશાસ્ત્રમાં કામશાસ્ત્રીઓએ સ્ત્રી-પુરુષો વચ્ચેના જાતીય સંબંધોની ઉત્કટતા માટે ચુંબનને ઘણું મહત્ત્વનું સ્થાન આપ્યું છે. પ્રેમક્રીડામાં ચુંબનનો મહિમા ઘણો આલેખાયો છે.
પરમ જાતીય આનંદ માટે ચુંબન ચોડવું એ પ્રથમ અગત્યનું સોપાન ગણાય છે. પ્રેમી પોતાની પ્રેમિકાના કોમળ ગુલાબી ગાલ પર પ્રેમાવશમાં આવીને ચુંબન ચોડી દે છે ત્યારે બંનેમાં એક પ્રકારની મીઠી ઝણઝણાટી ફરી વળે છે તે કલ્પનાતીત હોય છે.
પણ આગળ વધેલા અત્યારના વિજ્ઞાાને હવે તે અંગે એક લાલબત્તી ધરવા માંડી છે.
છેલ્લા સંશોધન અનુસાર ઘણીવાર આ સ્નેહ વરસાવતી લાગણી પણ હાનિકારક પુરવાર થાય છે.
સંશોધનના જણાવ્યા મુજબ, જ્યારે પ્રેમી પોતાની પ્રેમિકાને, માતા-પિતા પોતાના વ્હાલસોયા સંતાનને ચુંબન ભરે છે ત્યારે ચુંબનના માધ્યમ દ્વારા એન્ટા અમીબા જિનાજીવૈલીસ નામના જંતુ બીજાના શરીરમાં પ્રવેશતાં હોય છે. આના પરિણામે પાયોરિયાનો પ્રારંભ થાય છે.
સામાન્ય રીતે માનવ શરીરમાં લગભગ બે ડઝન જેટલા આવા જીવાણુઓ હસ્તિ ધરાવતા હોય છોે જેમાંના અમુક જીવાણુઓ બિનહાનિકારક હોય છે તો કેટલાક જીવાણુઓ નુકસાનકર્તા હોય છે. એન્ટી અમીબા જિનાજીવૈલિસ જીવાણુઓ ઘણા જ નુકસાનકર્તા હોય છે. આ જીવાણુઓ કે જંતુઓ માણસના શરીરમાં ચુંબન દ્વારા પ્રવેશી જાય છે અને દાંત અને પેઢામાં છિદ્ર પાડવાનું કામ કરવા લાગી જાય છે પછી ધીમે ધીમે દાંત અને પેઢા પર એવાં જંતુઓની સંખ્યા અનેકગણી વધી જાય છે અને છેવટે તે દાંત અને પેઢામાં ભયંકર સડો ઉત્પન્ન કરે છે જેના પરિણામે પાયોરિયા થઈ આવે છે.
ચુંબનના ચાહકો કહે છે કે એક જ ધીમું ચુંબન કરતી વખતે તમારા ચહેરના ૧૨ સ્નાયુઓને સરસ મજાની કસરત મળે છે. આવા ચુંબનને પેક કહે છે. જ્યારે સ્મુચ ચુંબન વધુ જોરપૂર્વક કરવાની કળા છે અને ૨૯ સ્નાયુઓનો ઉપયોગ થતો હોવાથી ચહેરાને નવી જ રોનક મળે છે. આથી ચહેરા ઉપર કરચલીઓ પડતી અટકાવી શકાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ડૉ. જેકબ રેબીનોવીઝ ચુંબન દ્વારા થતી ઉત્તેજના શરીર માટે ખૂબ જ લાભદાયક છે એવું માને છે.
ચુંબનની ક્રિયા વખતે હૃદયની ગતિ એટલી બધી વધી જાય છે કે શરીરના પ્રત્યેક કોષમાં નવો તાજો પ્રાણવાયુ દાખલ થઈ જાય છે. તેને કારણે રોગ પ્રતિકારક એન્ટીબોેડીઝનું પ્રમાણ વધે છે અને તેથી વ્યક્તિ લાંબુ જીવે છે. ચુંબન આમ આડકતરી રીતે વિવિધ બેક્ટેરિયા અને વાયરસોની સામે લડવાની શક્તિ પેદા કરે છે. આ વિચાર જો સાચો હોય તો તમારે ન ગમે તો પણ વારંવાર ચુંબનો કરવા જ જોઈએ. પ્રેમીનું દિલ બહેલાવવા અને તેને નવી તાજગી આપવાનો આ સૌથી સસ્તો માર્ગ છે.
પરંતુ ચુંબન કરનારા લોકોના અનુભવો તુંડે તુંડે જુદા પડતા જાય છે. એક એક્ટર છે, નિકોલસ કેઈજ. તેણે પ્રથમવાર ચુંબન કર્યું ત્યારે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. આમ તો પ્રથમ ચુંબન એક ઐતિહાસિક અનુભવ ગણાય. પરંતુ નિકોલસની વાત જરા ન્યારી છે.
મેં નૃત્યમાં પહેરવાનો ખાસ કોટ ટકસેડો ભાડે લીધોે હતો. તે ધારણ કરીને મારી પ્રેમિકાને એક ભવ્ય કારમાં બેસાડીને કોલેજના પ્રોમ (નૃત્ય) કાર્યક્રમમાં લઈ ગયો હતો. મેં તેને ચુંબન કરવાનો પ્રયત્ન કર્યો અને તે પણ ઉત્સુક હતી પણ મારી અંદર કાંઈક એવો ગભરાટ પ્રસરી ગયો કે હું સાવ ઢીલો પડી ગયો. પેટમાં કાંઈક ગડબડ થવા લાગી. મેં તેને કહ્યું, મને ક્ષમા કરજે અને પછી નાઠો.
આવો જ અનુભવચ લીયોનાર્દો ડી કેપ્રીયોને પ્રથમ ચુંબન વખતે થયેલો તેની પ્રેયસી નિકોલી બીયરને પણ હજુ ચુંબન કેમ કરાય તેની પૂરી ફાવટ નહોતી. લીઓએ પ્યાલાની જેમ નિકોલીનો ચહેરો પકડયો, આગળ ઝૂક્યો અને તેના નાક સાથે જોરથી અથડાયો અને પેલીના મોંમાંથી સીસકારો નીકળી ગયો. પણ બીજી વાર ચુંબન કર્યું ત્યારે તેમને ખરેખર આનંદ થયો હતો. ત્યાર બાદ લીઓ અચ્છો કિસર બની ગયો હતો.
કેઈજ અને કેપ્રીઓનો અનુભવ કાંઈ નવો નથી. જગતના ૯૦ ટકા પ્રેમીઓ ચુંબનો કરે છે. હોઠોને મિલાવે છે અને પ્રેમનું આદાનપ્રદાન કરે છે.
સવાલ એ ખડો થાય છે કે ચુંબન કરવાની ઈચ્છા શા માટે થાય છે તેની પાછળનું કારણ શું છે? જ્યારે તમે કારણો જાણવાનો પ્રયત્ન કરો છો ત્યારે તેમાં દરેક વર્ગનો અભિપ્રાય અલગ અલગ હોય છે. દાખલા તરીકે ડોક્ટરો એક વાત કરે છે તો માનસ શાસ્ત્રીઓ બીજી સમાજ શાસ્ત્રીઓ ત્રીજી તો સેક્સોલોજીસ્ટો ચોથી પણ આ બધા જ એક યા બીજા પ્રકારના અનુમાનો જ કરતાં રહે છે.
એક અનુમાન એવું છે કે બહુ પ્રાચીન કાળમાં માતા-પિતા પોતાના નાનકડા શિશુને સ્તનપાન છોડાવીને જ્યારે ખોરાક ઉપર ચઢાવતાં હતાં ત્યારે પોતાના મોંમાં ખોરાક ચાવીને તેને બાળકના મોમાં પ્રવાહી સ્વરૂપે દાખલ કરતાં હતાં.
આ મંતવ્ય બ્રિટનના સમાજશાસ્ત્રી અને ડોેક્ટર પીટર માર્શનું છે અને તે કાંઈ ગળે ઊતરે તેવું છે.
આ તબક્કે બાળક અને માતા વચ્ચે એક નવી જ આત્મીયતા બંધાવા લાગે છે. પક્ષીઓ પણ આવું જ કરે છે. આફ્રિકાના શિયાળ અને વરુ પણ દૂર દૂર જઈને શિકાર કરીને પેટમાં ખોરાક ભરી લાવે છે અને પછી તે ઓકીને બચ્ચાને ખવડાવે છે. પ્રેમીઓ પણ આ જ રીતે આત્મીયતા કેળવે છે, યુવાવસ્થામાં ચુંબનનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે.
બીજી માન્યતા એવી છે કે પ્રાચીન કાળમાં આપણા પૂર્વજો નાક ઘસીને એક બીજાનું આહવાન કરતા હતા અને તે વખતે હોઠોનું મિલન આપોઆપ થઈ જતું હશે. આજે પણ નાક રગડવાનો રિવાજ ઘણા દેશોમાં જોવા મળે છે. કીસ એકટસ એઝ એ બોન્ડ. ચુંબન બે વ્યક્તિને જોડે છે એ તો નિર્વિવાદ વાત છે. જ્યારે બે વ્યક્તિ મળે છે ત્યારે ચુંબનથી એક બીજાનું ઉમળકાભેર સ્વાગત કરે છે. ત્યારે ભૂતકાળમાં તેમનો પ્રેમ સંબંધ હતો તે સાબિત થઈ જાય છે. આને કીસ હેલોવ કહે છે.
એવી જ રીતે કીસ ગુડબાય પણ પ્રેમનું પ્રતીક બની રહે છે. ભવિષ્યમાં પણ પ્રણય ચાલુ જ રહેશે તેની ખાતરી આપોઆપ મળી જાય છે. તમે કેવી અદાથી કીસ કરો છો તેના ઉપરથી તમારો પ્રેમ કેટલો ઉત્કટ છે તે સાબિત થઈ જાય છે. સોશ્યલ કીસ એક સામાજિક આદાનપ્રદાન છે. તે માત્ર ગાલ ઉપર જ કરી શકાય છે. પ્રેમીઓ જ હોઠોની કીસ કરી શકે છે છતાં આવી કીસ કરનાર વ્યક્તિ વિશિષ્ટ જ હોય છે પણ તેમાં લવર્સની ઈન્ટીમસી હોતી નથી.
ડૉ. માર્શે લેંગ્વેજ ઓફ કીસીંગ ઉપર ઊંડુ સંશોધન કરેલું છે. તમે તમારી મેજબાનના ખભા પકડીને એક ફૂટ દૂરથી ગાલ ઉપર બચી ભરો છો તેનો અર્થ એવો થાય છે કે તમારા સરસ ભોજન બદલ આભાર. અમે તમારી પરવાનગી મેળવીને વિદાય થઈએ છીએ. આ ચુંબન દ્વારા હું તમને પ્રેમની જાળમાં ફસાવવાનો કોઈ જ ઈરાદો રાખતો નથી.
ચુંબન કરતી વખતે આપણી લાગણીઓ જ નહીં આપણી જૈવિક લાક્ષણિકતા પણ બહાર આવે છે. આપણે ચુંબન કરીએ છીએ ત્યારે આપણા સમગ્ર શરીર તથા મોંની અંદર આવેલી સેબેસીયસ ગ્રંથિઓમાંથી સીબમ નામનું રસાયણ ઝરે છે જે બંને પ્રેમીઓ વચ્ચે નિકટતા સ્થાપે છે. મા-બાપ અને સંતાન વચ્ચે પણ લાગણીના તંતુઓ બંધાય છે. શિશુ પણ ચુંબનની ભાષા સમજી શકે છે. અરે, પ્રેમીઓ એકબીજાના સીબમના નશામાં એટલા તો જકડાઈ જાય છે કે તેમને એક જાતનો નશોે પણ ચડે છે.
બધા જ પેરબોન્ડીંગ એનીમલ્સની વચ્ચે જોડી જમાવવામાં સીબમનું મહત્ત્વ ખૂબ જ છે. પક્ષીઓ એટલે જ ચાંચમાં ચાંચ પરોવે છે. હાથીઓ એકબીજાના મોમાં સૂંઢ પરોવીને સીબમની આપલે કરે છે.