- માતાપિતાના વર્તનને સંતાનો આદર્શ માની ચાલે છે
- સ્ક્રિન મેનેજમેન્ટ ફિલોસોફીમાં ટેલિવિઝનનું ફેમિલિ ડિવાઇસ તરીકે પુનરાગમન
ટેકનોલોજી દ્વારા વિકાસ સાધવામાં આવે તે સારી બાબત છે પણ આ ટેકનોલોજી જ્યારે માનવસંબંધોમાં આડખિલી બનવા માંડે તો શું કરવું? આજકાલ ડિજિટલ એડિક્શનને કારણે સમાજમાં જાતજાતની સમસ્યાઓ આકાર લઇ રહી છે. જાતજાતના સ્ક્રિન આપણી આસપાસ હાથવગાં થવા સાથે આપણે તેના ગુલામ બનવા માંડયા છે. સ્માર્ટફોન હવે સંવાદનું જ નહીં પણ બિઝનેસનું પણ મહત્વનું સાધન બનવા સાથે દરેક વ્યક્તિ માટે તે એક અનિવાર્ય ઉપકરણ બની ગયું છે જેના વિના આજના માણસને ઘડીભર પણ ચાલતું નથી. પરંતુ આ બધાં વચ્ચે તાજેતરમાં ભારતમાં કરવામાં આવેલાં એક સર્વેક્ષણના તારણો તપાસવા રસપ્રદ બની રહેશે.
એક સ્માર્ટફોન કંપની દ્વારા કરવામાં આવેલાં ભારતના છઠ્ઠા વાર્ષિક સર્વે અનુસાર ભારતીય માતાપિતાઓ રોજ સરેરાશ પાંચ કલાક સ્માર્ટફોન પર ગાળે છે તો તેમના સંતાનો રોજ સરેરાશ ચાર કલાક કરતાં વધારે સમય સ્માર્ટફોન પર ગાળતાં હોવાનું જણાયું છે. મજાની વાત એ છે કે ૬૯ ટકા સંતાનો અને ૭૩ ટકા માતાપિતાઓએ કબૂલ્યું હતું કે સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ તેમના સંતાનો અને માતાપિતા માટે સંઘર્ષનું કારણ બને છે. ભારતના આઠ શહેરોમાં ૧૫૪૩ સ્માર્ટફોન માલિકોને આવરી લેતો આ સર્વે નમૂનારૂપ છે.
બાર અને સોળ વર્ષના બે પુત્રોના પિતા ૪૫ વર્ષના બિઝનેસમેને પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે મારો મોટાભાગનો સ્માર્ટફોન પરનો સમય બિઝનેસ સબંધી હોય છે પણ મનોરંજન માટે હું ગેમ રમવાના રવાડે ચડયો છું. હું રોલ પ્લેઇંગ ગેમ્સ રમવા માંડયો હોઇ હવે મારો ઘણો સમય સ્માર્ટફોન પર વીતે છે. મેં સ્માર્ટફોનની લત છોડવાના તમામ પ્રયાસો કર્યા હોવા છતાં મને તેમાં હજી પુરી સફળતા મળી નથી. આ પિતા તેમની કિશોરાવસ્થાના સમયને વાગોળતાં જણાવે છે કે હું મારા પુત્રોની ઉંમરનો હતો ત્યારે ટીવી પર આ પ્રકારના કાર્યક્રમો જોવા મળતાં નહોતાં. પણ મારી કમ્પ્યુટર હતું જેની પર હું ગેમ રમ્યા કરતો હતો. એ જમાનામાં માતાપિતા કશું કહે તો સંતાનો તેનું પાલન કરતાં હતા. આજે કશું કહેવા જેવું જ રહ્યું નથી. રસપ્રદ હકીકત એ છે કે તેમના બંને પુત્રો પાસે તેમના આગવાં સ્માર્ટફોન્સ છે.
માનસશાસ્ત્રી એટલે કે સાયકોલોજીસ્ટના જણાવ્યા અનુસાર જ્યારે માતાપિતા જમતી વખતે તેમના સ્માર્ટફોનને ચેક કરી લેતાં હોય ત્યારે તેમના કિશોર વયના સંતાનો તેમના વર્તનને સામાન્ય ગણવા માંડે છે. સંશોધન દર્શાવે છે કે ૭૦ ટકા કિશોરોનું કહેવું છે કે તેમના માતાપિતા પરિવાર માટે ફાળવેલાં સમય દરમ્યાન પણ સ્માર્ટફોન્સનો ઉપયોગ કરી લેતાં હોય છે. જેના કારણે સંતાનોમાં સ્માર્ટફોનના વપરાશ વિશે ખોટો દાખલો બેસે છે. રસપ્રદ બાબત એ છે કે સર્વેમાં જ્યારે કિશોરોને તેમના માતાપિતાનો સ્માર્ટફોન ડિઝાઇન કરવા જણાવાયું ત્યારે ૯૪ ટકા કિશોરોએ ભારપૂર્વક જણાવ્યું કે તેમના સ્માર્ટફોનમાં માત્ર કોલ કરવાની અને મેસેજ મોકલવાની તથા કેમેરાની જ સુવિધા હોવી જોઇએ. કિશોરોએ ઇરાદાપૂર્વક તેમના માતાપિતાઓના સ્માર્ટફોનમાંથી સોશ્યલ મિડિયા, મનોરંજન અને ગેમિંગ એપની બાદબાકી કરવામાં આવે તેવો આગ્રહ રાખ્યો હતો. ઘરમાં આ પ્રકારની એડિક્ટિવ એપ્સ ઝઘડાંનું મોટું કારણ બની રહે છે.
જો કે, ઘણાં લોકો સ્ક્રિન ટાઇમ મેનેજમેન્ટ કરવામાં સફળ પણ થાય છે. સુરભિ જોશીનો દાખલો લઇએ તો બાર અને અઢાર વર્ષની બે કિશોરીઓની માતા સુરભિ વડોદરાથી આઠ વર્ષ અગાઉ મુંબઇ આવી હતી. એ સમયે સોશ્યલ મિડિયા નવી વરચ્યુઅલ દુનિયાનું પ્રવેશદ્વાર હતું. મુંબઇની હાઉસિંગ સોસાયટીમાં પોતે પછાત ન દેખાય એ માટે સુરભિએ ૪૩ વર્ષની વયે સોશ્યલ મિડિયા વાપરવાની શરૂઆત કરી હતી. સુરભિ કહે છે મારી મોટી પુત્રી દસમા ધોરણમાં આવી ત્યારે મેં તેને ઇન્સ્ટાગ્રામ છોડી દેવાની સલાહ આપી જેથી તે અભ્યાસમાં ધ્યાન આપી શકે. પણ મને સમજાયું કે જો તે ઇન્સ્ટા છોડી દે તો મારે પણ તે છોડી દેવું જોઇએ.મેં ત્રણ વર્ષ અગાઉ જ ઇન્સ્ટા છોડી દીધું. જ્યારે મારી પુત્રી એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એકઝામ માટે તૈયારી કરતી હતી ત્યારે હું સોશ્યલ મિડિયાથી દૂર રહી હતી.
સુરભિ અને તેના પતિ ઇન્સ્ટા અને ફેસબુક ટાળે છે. ઘરમાં સ્માર્ટફોન-લેપટોપ બધાં વાપરે છે. મજાની વાત એ છે કે સુરભિનો પરિવાર હવે સમાચાર જાણવા માટે ટેલિવિઝન જોવાનું વધારે પસંદ કરે છે.સુરભિ કહે છે સાંજે અમે બધાં સ્માર્ટફોન પર સ્ક્રોલિંગ કરવાને બદલે સાથે મળીને ટીવી સમાચાર જોઇએ છીએ. આ સમયે અમે દુનિયામાં શું થઇ રહ્યું છે તેની ચર્ચા પણ કરીએ છીએ. ફોન પર તો દરેક જણને વ્યક્તિગત સમાચાર મળી જ રહે પણ તેમાં પરિવારના અન્ય સભ્યો સાથે સંવાદ કરવાની તક મળતી નથી. સોશ્યલ મિડિયા તમને એ જ બતાવે છે જે અલગોરિધમ માને છે કે તમને ગમે છે. સુરભિ કહે છે, અમે નાના હતા ત્યારે અમારા માતાપિતા એમ માનતા હતા કે ટીવી જોવું ખરાબ છે. પણ હવે અમને લાગે છે કે તે કમ સે કમ સ્માર્ટફોન પર સ્ક્રોલિંગ કરવા કરતાં તો બહેતર જ છે. વીસ વર્ષ અગાઉ બાળકોને સૂવાડવા માટે વાર્તાઓ કહેવામાં આવતી હતી. આજે સ્ક્રિન ટાઇમ ઘટાડી બાળકો પરિવારને સમય આપે તે માટે મથામણ કરવી પડે છે.
આની સામે રમીલાની સ્ટોરી પણ રસપ્રદ છે. રમીલા તેના બાર વર્ષના પુત્રને સોશ્યલ મિડિયાથી દૂર રાખવા માટે ઘણાં ધમપછાડાં કરે છે. રમીલા કહે છે, મેં મારા પુત્રને સ્માર્ટફોન લઇ આપવાની પણ ના પાડી છે. તેના બધાં ક્લાસમેટ પાસે સ્માર્ટફોન છે એટલે અમારે આ બાબતે ઘણાં ઝઘડાં થાય છે. પણ રમીલાએ તેની સોશ્યલ મિડિયાની કુટેવને છોડવા માટે ભરતકામનો શોખ વિક્સાવ્યો છે. રમીલાના ડાઇનિંગ ટેબલ પર હવે જાતજાતની રંગીન પેન્સિલો અને વૂલ જોવા મળે છે. તે માત્ર પિન્ટરેસ્ટ પર ભરતકામની અવનવી ડિઝાઇન જોવા પૂરતો જ ફોન વાપરે છે. રમીલા કહે છે, ડિજિટલ એડિક્શન છોડવું હોય તો તમને ગમે તે શોખની પ્રવૃત્તિને કરો. આને કારણે બાળકોને પણ તેમની ગમતી પ્રવૃત્તિ કરવાનું પ્રોત્સાહન મળશે. જ્યારે બાળકો શોખની વિવિધ પ્રવૃત્તિ કરે અથવા સ્પોર્ટ્સમાં ભાગ લે તો તેના કારણે તેમને સ્માર્ટફોનની લત પડતી નથી. મારી પુત્રી હવે ભરતકામનો શોખ ધરાવતી થઇ ગઇ છે તો મારો પુત્ર હવે સ્પોર્ટ્સ રમવામાં મશગૂલ રહે છે. આમ, મારા પરિવારમાં આજે સ્માર્ટફોનનું વળગણ કોઇને રહ્યું નથી તેમ રમીલા ગૌરવથી જણાવે છે. આજના જમાનામાં ટેકનોલોજીનો બુદ્ધિગમ્ય ઉપયોગ કરવામાં ન આવે તો સમય જતાં ટેકનોલોજી તમને તેમના ગુલામ બનાવી લે છે. માતાપિતાઓ માટે ટેકનોલોજીના વ્યસનથી કેમ બચવું એ આજના જમાનામાં મોટી જવાબદારી બની ગઇ છે.
- વિનોદ પટેલ


