Magazines

ડાયાબિટિસના દર્દી માટે મરચું કેટલું ઉપકારક બની શકે?

By GS Team
13 Mar 20233 mins read
This article was originally published on 13 Mar 2023
ડાયાબિટિસના દર્દી માટે મરચું કેટલું ઉપકારક બની શકે?

ભારતમાં તીખાં તમતમતાં મરચાંં વિના રસોઈની કલ્પના કરવી મુશ્કેલ છે. કિચનમાં લીલા મરચાં અને મરચાંની ભુકીની હાજરી જરૂરી છે. વાનગીમાં સ્વાદ લાવવા મરચાંનો ઉપયોગ કરાય છે, પરંતુ હકીકતમાં એમાં ઔષધિય ગુણો પણ છે. બહુ ઓછા લોકો જાણે છે કે મરચાંમાં કાપાઇસિન નામનું એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે બહુ બધી રીતે ઉપયોગી છે. એનો સૌથી મોટો ગુણ એ છે કે એનાથી ડાયાબિટિસની રોકથામ અને એનું મેનેજમેન્ટ- બંને થઈ શકે છે.

તાજેતરમાં ઇરાનિયન જર્નલ ઓફ બેસિક મેડિકલ સાયન્સિસમાં પ્રગટ થયેલા એક અભ્યાસ મુજબ લાલ મરચુ અને કાપાઇસિન મેટાબોલિક સિન્ડ્રોમ અને એના સંબંધી ડાયાબિટિસ જેવી બીમારીઓને અંકુશમાં રાખવામાં મદદરૂપ થાય છે એટલે અહીં આપણે એ બાબતની ચર્ચા કરીશું કે મરચું ડાયાબિટિસના દર્દીઓ માટે કેટલું ઉપકારક છે?

દુનિયામાં ફેલાયેલી ઓટોઇમ્યુન વ્યાધિઓમાં ટાઈપ-૧ ડાયાબિટિસનો નંબર પહેલો આવે છે. ટાઇપ-૧ ડાયાબિટિસ શરીરની રોગપ્રતિકારક યંત્રણા (ઇમ્યુન સિસ્ટમ)ના મહત્ત્વના ઘટક ટી-સેલ્સ પર સકંજો આવે છે, જેનું ઓટો ઇમ્યુન રિએક્શન આવતા શરીર પોતે જ પોતાની સ્વાદુપિંડ (પેન્ક્રિયાઝ)ની સેલ્સ (ગ્રંથિઓ) પર આક્રમણ છે અને એના પરિણામે ઇન્સ્યુલિન પેદા થવામાં અવરોધ આવે છે. મરચાંમાં રહેલા કાપાઇસિનમાં ઇમ્યુન સિસ્ટમમાં બદલાવવાનો ગુણ હોય છે એટલે મરચુ ખાવાથી શરીરને મળતા આ મહત્ત્વના કમ્પાઉન્ડથી સ્વાદુપિંડમાં ઓટોઇમ્યુન રિએક્શન્સને દબાવી ટાઈપ-વન ડાયાબિટિસને વિકસતા રોકી શકાય છે.

કેટલીક સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ગેસ્ટેશનલ ડાયાબિટિસ (જીડી) થાય છે. જીડી  મા અને બાળક બંને માટે જોખમી છે. જીડીને લીધે ગર્ભવતી મહિલાને હાઇબીપી અને હાથ-પગમાં સોજો આવવા જેવી તકલીફ થાય છે  જ્યારે એને કારણે ગર્ભમાના શિશુનો અધુરા મહિને જન્મ ઉપરાંત ગર્ભમાં જ એના મોત જેવા જોખમો ઊભા થાય છે. જીડીથી પીડાતી ૪૨ ગર્ભવતી સ્ત્રીઓના અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે કાપાઇસિન કમ્પાઉન્ડ ધરાવતાં મરચાંવાળી વાનગીઓ ખાવાથી મહિલાઓમાં ભોજન પછી ગ્લુકોઝની માત્રા વધવા ઉપરાંત ઇન્સ્યુલિન અને કોલેસ્ટરોલનું લેવલ પણ ઊંચે જાય છે. પરિણામે નવજાત શિશુ સુરક્ષિત રહે છે.

અભ્યાસમાં એવો પણ નિષ્કર્ષ નીકળ્યો હતો કે મરચાંમાં મળતું કાપાઇસિન ગ્લુકોઝની વિવિધ કામગીરી વચ્ચે સંતુલન રાખવામાં મદદરૂપ થઈ ડાયાબિટિસ થવાનું જોખમ ઘણું બધું ઘટાડી દે છે. લોહીમાં સપ્રમાણ ગ્લુકોઝ જાળવવા માટે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન વચ્ચે જે બેલેન્સ જાળવવું જરૂરી છે એને મેડિકલ જારગોનમાં ગ્લુકોઝ હોમિયોસ્ટેસિસ કહેવાય છે. કાપાઇસિનથી ભરપુર મરચું ખાવાથી એક પ્રકારના રિસેયર્સ સક્રિય થાય છે, જે ઇન્સ્ટુલિન સામેનો પ્રતિકાર અને કોલેસ્ટોરલનું લેવલ વધતું રોકવા ઉપરાંત બળતરા ઓછી કરવામાં મદદરૂપ થાય છે. એને લીધે ડાયાબિટિસનું મેનેજમેન્ટ યોગ્ય રીતે થઈ શકે છે.

સૌ જાણે છે એમ શરીરમાં ડાયાબિટિસનો રોગ ઘર કરી જાય એ માટેનું એક મોટું કારણ ઓબેસિટી (મેદસ્વિતા) છે. સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે કાપાઇસિનથી ભરપુર ખોરાક લેવાતી મેદસ્વિતા ઓછી થાય છે. ઓવર વેઇટ કે મેદસ્વી વ્યક્તિઓ કાપાઇસિન ધરાવતા મરચાંનું લાંબા સમય સુધી સેવન કરે તો વેઇટ મેનેજમેન્ટમાં એનું પોઝિટિવ પરિણામ જોવા મળે છે. સામાન્યપણે લીલા મરચાં  અને મરચાંની ભુકીનો ઉપયોગ ભારતમાં મોટાભાગની વાનગીઓ થતો હોવાથી આપણા માટે લાંબા ગળા સુધી મરચાંનું સેવન સહેલી બાબત બની રહે છે. દેહનું આ રીતે વજન ઘટવાથી મેદસ્વિતાને લીધે થતા ડાયાબિટિસનું જોખમ પણ ઓછું થઈ જાય છે.

કેટલાક અભ્યાસ એમ કહે છે કે લાલ મરચાંમાં વિટામિન સી મોટા પ્રમાણમાં હોય છે, જે ખોરાકમાંથી આયર્ન વધારે પ્રમાણમાં શોષવામાં નિમિત્ત બને છે. આયર્ન લાલ રક્તકણોનું ઉત્પાદન અને એની સપ્લાય વધારી દે છે, પણ એનું વધતું પ્રમાણ સ્વાદુપિંડના સેલ્સને ડેમેજ કરે છે. પરિણામે ઇન્સ્યુલિનના સ્ત્રાવમાં સમસ્યા ઊભી થાય છે એટલે ડાયાબિટિસ કે પ્રિ-ડાયાબિટિસના દર્દીઓમાં મરચાંંનું વધુ પડતું સેવન એમનું સ્વાસ્થ્ય બગાડી ગુંચવણો ઊભી કરી શકે છે. બીજું, તીખું તમતમતું મરચું પેડુના દુખાવા, ડાયરિયા, બળતરા અને પેટ ફુલી જવા જેવી સાઇડ ઇફેક્ટ્સમાં જઠરમાં ઊભી કરી શકે છે. જેમનું પાચન તંત્ર નબળું હોય એમના માટે મરચું અભિશાપ બની રહે છે. મરચું ડાયાબિટિસની રોકથામ અને એના મેનેજમેન્ટમાં મદદરૂપ થાય છે એ હકીકત છે, પરંતુ આખરે તો એ એક તેજાના છે  એટલે એનો પ્રમાણસર ઉપયોગ જરૂરી છે. આ સંદર્ભમાં ડૉક્ટર કે ડાયેટિશિયનને કન્સલ્ટ કરવાનું વધુ સલાહભર્યું ગણાય.

- રમેશ દવે