આજકાલ કોઇ હિલસ્ટેશન કે કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય એવા સ્થળે હનીમૂનની ઉજવણી માટે જવાની નવપરિણીતોમાં જાણે કે ફેશન ચાલે છે. કેટલાંક પરિવારોમાં તો લગ્ન પહેલાં જ હનીમૂન ઊજવવા માટેના સ્થળ, મુસાફરી અને નિવાસનો કાર્યક્રમ નક્કી કરી લેવામાં આવે છે અને નવદમ્પતી લગ્ન પછી ઘેર પહોંચતાં જ હનીમૂન ઊજવવા નીકળી જાય છે. વાસ્તવમાં, આધુનિક રીતે પ્રથમ રાત વીતાવવા જવું તેને જ હનીમૂન ઊજવવા જવું એમ કહે છે. આધુનિક, શિક્ષિત તથા ફેશનેબલ લોકો લગ્ન પછી સોહાગરાત ઊજવવા પોતાના મિત્રો તથા સંબંધીઓથી દૂર બીજા કોઇક શહેરમાં કે સ્થળે જાય છે.
અલબત્ત, આમાં કંઇ જ ખોટું નથી, કેમ કે લગ્ન પછી નવવિવાહિત દમ્પતી એકાંત ઇચ્છે છે. તેમને ઘરમાં એકાંત મળતું નથી. તેમજ પૂરતી શાંતિ પણ મળતી નથી. ઘરમાં કુટુંબીજનો, સંબંધીઓ વગેરેની ભીડ હોય, ત્યારે કોઇ નવવિવાહિત દમ્પતી હનીમૂન ઊજવી શકે? નવવધૂને અનેક રિવાજોનું પાલન કરવાનું હોય છે, અનેકને પગે લાગવાનું હોય છે અને કેટલાયને ઘેર મળવા જવાનું હોય છે. ઘરમાં કુટુંબીજનો તથા સંબંધીઓ વચ્ચે શું નવવિવાહિત યુગલ મુક્ત મને મળી શકે? આથી જ એકાંત તથા શાંતિ પ્રાપ્ત કરવા માટે ક્યાંક બહારગામ જઇને હનીમૂનની ઉજવણી કરવી યોગ્ય છે.
આ ઉપરાંત આજકાલ મકાન પણ નાનાં-નાનાં હોય છે, જેમાં એક રૂમમાં નવવિવાહિત દમ્પતી રહે છે તો બીજા રૂમમાં માતા-પિતા અને સંબંધીઓ. એવી સ્થિતિમાં બંને કેવી રીતે ખુલ્લા મને મળી શકે? બંને વચ્ચે સંકોચ શરમનો પડદો પડેલો હોય છે કે ક્યાંક બાજુના રૂમમાં અવાજ ન સંભળાઇ જાય. આ દ્રષ્ટિએ પણ હનીમૂન ઊજવવા બહારગામ જવાનું વધુ ઉચિત છે.
છતાં આ સમસ્યાના બીજા પાસા વિશે પણ વિચારીઓ, તો શું આપણાં માતા-પિતા, દાદા-દાદી વગેરે હનીમૂન ઊજવવા ગયાં હતાં? છતાં શું તેઓનું દામ્પત્યજીવન સફળ ન નીવડયું? શું તેમને મિલન તથા એકાંતની જરૂર નહોતી? તેમને ક્યારેય એકાંતમાં વાતો કરવાની ઇચ્છા નહોતી થતી? આજનાં નવયુવક-યુવતીઓની માફક તેમના મનમાં પણ ઇચ્છાઓ અને આકાંક્ષાઓ જાગ્રત થતી જ હશે, પરંતુ એ માટે તેમણે મર્યાદાભંગ નહોતો કર્યો. સંયમપૂર્વક અને શિસ્તપાલન કરી મહેમાનોની વચ્ચે જ તેમણે હનીમૂનની ઉજવણી કરી લીધી હતી. એ માટે તેઓ ક્યાંય બહારગામ ગયાં નહોતાં.
જો કે આનો અર્થ એ નથી કે આપણે પણ આજથી ૫૦ વર્ષ પહેલાંનું જીવન જીવીએ. ત્યારે આજની માફક મુક્ત વાતાવરણ નહોતું. લોકો આટલા ઉદાર વિચાર પણ ધરાવતા નહોતા, તેમના વિચારો આટલા સ્વતંત્ર અને મુક્ત નહોતા. વહુઓને તેમજ દીકરીઓને એટલી સ્વતંત્રતા નહોતી કે તેઓ માતા-પિતાની આજ્ઞાા વિના ક્યાંય જવાનો કાર્યક્રમ ઘડે. આવો વિચાર કરવાનું પણ તેમના માટે અકલ્પનીય હતું. પરંતુ આનો અર્થ એવો નથી કે હનીમૂનની ઉજવણી ઘરમાં જ કરવી જોઇએ અને તે માટે બહારગામ જવાનું ઉચિત નથી.
હા, એ વાત સાચી છે કે લગ્ન પછી હનીમૂનની ઉજવણી માટે નવદમ્પતીને આરામ, એકાંત અને સુંદર તથા શાંત વાતાવરણની આવશ્યકતા હોય છે, પરંતુ તે માટે તેમણે સામાજિક પ્રથાઓ અને પરંપરાઓ વીસરી જવી જોઇએ નહીં. આ દ્રષ્ટિએ ઘરમાં હનીમૂન ઊજવવાનું વધુ યોગ્ય છે. ચાલો, આ અંગે પણ વિચાર કરીએ.
લગ્ન પછી નવદમ્પતીએ થોડા દિવસ ઘરે જ રહેવું જોઇએ. ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ક્યાંય બહારગામ જવું જોઇએ નહીં અને ઘરમાં મહેમાનો હોય, ત્યાં સુધી તો ન જ જવું જોઇએ. ઘરમાં મહેમાનો આવેલા હોય અને પતિ-પત્ની સભ્યતા તથા શિષ્ટાચારની લક્ષ્મણરેખા ઓળંગીને હનીમૂન ઊજવવા બહારગામ ચાલ્યાં જાય, તે સારું નથી લાગતું. પતિ-પત્ની હનીમૂન ઊજવવા જાય, તેનો હેતુ સૌ કોઇ જાણે છે. જરા વિચારી જુઓ કે ઘરમાં તમામ વડીલો, જેમની નજર સામે છોકરો મોટો થયો હોય, તેમની ઉપેક્ષા કરીને પોતાની નવપરિણીતા પત્ની સાથે હનીમૂન ઊજવવા બહાર જાય, તો તે વડીલો અને સંબંધીઓ પ્રતિ અસભ્ય વર્તન નહીં ગણાય? જે દૂર-દૂરથી લગ્નમાં હાજરી આપવા આવ્યા હોય, તેવા વડીલો અને સગાંઓ પ્રત્યે આ અશિષ્ટ વ્યવહાર નથી?
પ્રણવના લગ્નમાં આમ જ બન્યું. લગ્નના બીજા જ દિવસે પ્રણવ રાતની ટ્રેઇન દ્વારા પોતાની નવવધૂ સાથે હનીમૂન ઊજવવા ચાલ્યો ગયો. એમના ગયા બાદ બીજા જ દિવસે પ્રણવનાં નાની નાના નવવધૂને આશીર્વાદ આપવા આવ્યાં. તેમને જ્યારે ખબર પડી કે પ્રણવ હનીમૂન ઊજવવા માટે બહારગામ ગયો છે, ત્યારે એમણે કટુ સ્મિત સાથે કહ્યું.
''આજકાલનાં યુવક-યુવતીઓએ શરમ નેવે મૂકી છે. અમે પણ યુવાન હતાં, છતાં યુવાનીનો ઉન્માદ ક્યાંય નથી દેખાડયો અને મર્યાદામાં રહીને જ યુવાનીના દિવસો વિતાવ્યા છે. ક્યારેય આવું બેશરમ વર્તન નથી કર્યું.'' ઘેર આવેલ બધા મહેમાનોએ એમની વાતને અનુમોદન આપ્યું. કહેવાનો અર્થએ છે કે લગ્ન પછી તરત જ હનીમૂન ઊજવવા માટે ઉપડી જવું ન જોઇએ, ખાસ કરીને જ્યારે ઘરમાં મહેમાનો હાજર હોય કે આવવાના હોય, ત્યારે તો કદી નહીં.
નવદમ્પતીએ લગ્ન પછી થોડા દિવસ ઘેર જ રહેવું જોઇએ, જેથી કુળના તમામ જરૂરી રીત-રિવાજ સહેલાઇથી સમ્પન્ન થઇ શકે. તદુપરાંત, કુટુંબના બીજા સભ્યો પણ નવપરિણીત દમ્પતીને અકારણ દોડધામ તથા વધારે કામ કરવા દેતા નથી, તેથી તેમને આવશ્યક આરામ પણ મળી જાય છે.
જ્યારે હનીમૂન ઊજવવા માટે બહારગામ જતાં તેમની 'પ્રથમ રાત' તો ઘણું ખરું ટ્રેઇનમાં જ વીતી જાય છે. ઘરમાં લગ્નના વાતાવરણને કારણે પહેલાં પણ કેટલીય રાતના ઉજાગરા થયા હોય અને તેમાં ઉમેરો કરતું આ વધારાનું જાગરણ થાય છે. જ્યારે ઘેર રહેવાથી કુટુંબીજનો નવદમ્પતી માટે રાતે પૂરતા એકાંત તથા સુરક્ષિત જગ્યાની વ્યવસ્થા કરી આપે છે.
નવવધૂ જ્યારે પોતાનાં માતાપિતા, ભાઇ-બહેન વગેરેને છોડીને એક નવા જ કૌટુંબિક તથા સામાજિક વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે એનામાં બધાં વિશે જાણવા-સમજવાની ઉત્સુકતા રહેલી હોય છે, કેમ કે હવે એણે આજીવન આ વાતાવરણમાં જ રહેવાનું હોય છે. આ માટે પણ નવવધૂ શરૂઆતમાં ઘરમાં જ રહે તે જરૂરી છે, જેથી તેને બધાંને જાણવા-સમજવાની પૂરતી તક મળી શકે. આ વખતે તેને સંપૂર્ણ એકાંતની ચાહના નથી હોતી. સંપૂર્ણ એકાંત માટે એનું મન ધીમે-ધીમે વ્યવસ્થિત થાય છે.
નવવધૂ જ્યારે સાસરે આવે ત્યારે એના મનમાં પોતાનાં પ્રિયજનોની યાદ આવતી હોય છે, કેમ કે જ્યાં તેનંન બાળપણ વીત્યું હોય, જે માતાપિતાનો ખોળો ખૂંદીને એ મોટી થઇ હોય, એ બધી વાતને ભૂલવી સહેલી નથી. આવી સ્થિતિમાં એ ક્યાંય જવા ઇચ્છતી નથી હોતી. પતિને સંપૂર્ણપણે સમર્પિત થવામાં પણ એને થોડો સમય લાગે છે. તેથી ઘરમાં જ હનીમૂન ઊજવવું વધારે સારું.
બહારગામ હનીમૂન ઊજવવા જવામાં પૈસા પણ વધારે ખર્ચાય આ સમય એવો હોય છે, જ્યારે નવદમ્પતીને પૈસા ખર્ચવા અંગેનો વિવેક નથી હોતો. પરિણામે, પાછળથી પસ્તાવાનો વારો આવે છે. પરંતુ ઘરમાં જ હનીમૂન ઊજવવાથી વધારે પડતો ખર્ચ થતો નથી. અલબત્ત, મોડી રાત સુધી રાહ જોવી પડે છે ખરી.
બહારગામ હનીમૂન ઊજવતી વખતે ઘણીવાર એવા બનાવ પણ બને છે, જે પ્રથમ રાતે જ વિસ્ફોટ બની જાય છે. જેમ કે, દંપતીમાં સંયમ, શિસ્ત તથા સહનશીલતાનો અભાવ વગેરે. આવી બાબતો એકલાં હોય ત્યારે ઝડપથી પ્રગટ થઇ જાય છે અને ક્યારેક તે કલેશનું રૂપ પણ ધારણ કરી નાખે તો પ્રથમ રાતે જ મધુર દામ્પત્યજીવનનાં શમણાં ભાંગીને ભુક્કો થઇ જાય છે, જ્યારે ઘરમાં અંકુશ, સંયમ તથા મર્યાદાને કારણે ધીમે-ધીમે તેમની વચ્ચેનું અંતર ઘટતું જાય છે. આથી કોઇ અણગમતી બાબત બને તોપણ તે વધુ વિકટ રૂપ ધારણ કરી શકતી નથી, કેમ કે ઘરે સંયમ, સભ્યતા અને શિષ્ટાચારવાળું વાતાવરણ તેમ જ અનિચ્છિત બાબતનો સમજાવી-પટાવીને ઉકેલ લાવનારાં કુટુંબીજનો પણ હોય છે. બહારગામ હોય ત્યારે જાતને નિયંત્રણમાં રાખવાનું શક્ય હોતું નથી. એથી વિપરીત, ઘરમાં રહેવાથી આપોઆપ દંપતી સંયમપૂર્વક વર્તે છે.
વળી, આજકાલ હૉટલો વગેરેના રૂમોમાં ઑટોમેટિક કેમેરા ગોઠવેલા હોય છે અને તે અમુક સમયે કાર્ય કરે છે. આવા કૅમેરાથી હૉટલના મેનેજર દમ્પતીના દરેક પોઝના ફોટા લઇ અવળા ધંધા ચલાવી શકે છે અને પતિ-પત્નીને આ વાતની ગંધ સુધ્ધાં નથી આવતી.
ઉપરોક્ત વિવેચનથી એક વાત એકદમ સ્પષ્ટ થાય છે કે, લગ્ન બાદ હનીમૂનની ઉજવણી ઘરમાં જ કરવી વધારે હિતાવહ છે. જો કે આનો અર્થ એવો નથી થતો કે હનીમૂન ઊજવવા માટે બહારગામ જવું જ નહીં. જો પરિસ્થિતિ અનુકૂળ હોય, તો નવદંપતીએ અવશ્ય બહારગામ જવું, કેમ કે આ સોનેરી દિવસો જીવનમાં એક જ વાર આવે છે. પતિ-પત્ની આ દિવસો યાદ કરીને આજીવન આનંદિત રહે છે અને પ્રણયના મજબૂત બંધનમાં બંધાયેલાં રહે છે.
જો નવદંપતી હનીમૂન ઊજવવા માટે બહારગામ જવા ઇચ્છતાં હોય, તો તેમણે એક વાતનો ખ્યાલ રાખવો જોઇએ કે લગ્ન પછી તરત જ હનીમૂન ઊજવવા ઉપડી જવું નહીં. લગ્નના એક અઠવાડિયા પછી કે ૧૦:૧૨ દિવસ પછી જવું વધારે સારું. આટલા દિવસ દરમ્યાન બધા મહેમાનો પણ વિદાય થઇ ગયા હોય છે તથા નવવધૂ પણ કુટુંબના તમામ સભ્યોના અને પોતાના પતિના સ્વભાવથી પરિચિત થઇ જાય છે. વળી, ફક્ત અઠવાડિયામાં જ નવીનતાનો અંત આવતો નથી. જ્યારે મનમાં ઉમંગ ઊછળતો હોય ત્યારે દરેક વસ્તુ સુંદર લાગતી હોય છે. લગ્ન પછી થોડા દિવસે હનીમૂન ઊજવવા જવામાં શો વાંધો? એમાં જ નવદમ્પતીનું હિત સમાયેલું છે અને આમ કરવાથી ક્યારેય તેમની સામે કોઇ આંગળી ચીંધી શકશે નહીં.


