Get The App

શિયાળુ બીમારીઓના ઘરેલુ ઉપાય .

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
શિયાળુ બીમારીઓના ઘરેલુ ઉપાય                       . 1 - image

શિયાળાની ગુલાબી ઠંડી સહુને ગમે છે. પરંતુ જ્યારે આ ઠંડી હવા શરીરને અનેક બીમારીઓ આપી જાય છે ત્યારે બધી મજા બગડી જાય છે. ઠંડીની મોસમમાં વાયરસ અને બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે. બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોવાને કારણે મોસમી બીમારીઓ તેમને જલ્દી પોતાનો શિકાર બનાવે છે પરિણામે તેમને શરદી, ઉધરસ, બંધ નાક, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે સમસ્યાઓ થાય છે. અહીં શિયાળામાં થતી  સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તથા તેમના ઘરગથ્થુ ઉપચાર વિશે થોડી માહિતી આપી છે.

દમ

શિયાળો શરૂ થતાં જ અસ્થમા (દમ)ના રોગીઓની મુશ્કેલીઓ વધી જાય છે. આ શ્વાસનળી સાથે જોડાયેલી એક એવી સમસ્યા છે જે ઠંડીની ઋતુમાં વધી જાય છે. દમની તકલીફ કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે તેથી શિયાળામાં દમના દરદીઓને વધુ સાવધાની અને દેખભાળની જરૂર હોય છે.

ઘરગથ્થુ ઉપચાર

- લીંબુના રસમાં આદુનો રસ ભેળવીને લેવાથી દમની તકલીફમાં રાહત થાય છે.

- ૨૫૦ ગ્રામ આમળાનો મુરબ્બો, ૫૦ ગ્રામ પીપળનું ચૂર્ણ અને ૧૨૫ ગ્રામ મધ આ ત્રણે વસ્તુ ભેગી કરીને લેવાથી દમની સમસ્યાથી છૂટકારો મળશે. 

- પાંચ ગ્રામ સૂંઠ અને પાંચ ગ્રામ મોટી હરડે પીસીને ગરમ પાણી સાથે દર ત્રણ કલાકે લેવી. આ પ્રયોગ ૧૦થી ૧૨ દિવસ દરરોજ કરવો.

- જો દમની સમસ્યા પ્રારંભિક તબક્કામાં હોય તો દરરોજ રાત્રે સૂતાં પહેલા બેથી ત્રણ કાળાં મરી ચાવી જવા.

- તુલસીનાં પાનમાં કાળાં મરી વાટીને લેવાથી અસ્થમાની તકલીફમાં તરત રાહત થાય છે.

- રાત્રે સૂતા પહેલા ચણા ખાઈને ઉપર થોડું ગરમ દૂધ પીવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે.

- ૧૩ ગ્રામ મધમાં ૨૦ મિ.લી. તુલસીના પાનનો રસ મેળવીને પીવાથી દમમાં ખૂબ જ ફાયદો થાય છે.

- જુની હળદરના ગાંઠિયાને પીસીને તેનું ચૂર્ણ બનાવવું. આ અડધી ચમચી ચૂર્ણમાં બે ચમચી મધ મેળવીને ચાટી જવું આનાથી દમની તકલીફમાં રાહત થાય છે.

કેવી રીતે કરશો બચાવ?

- દમના રોગીએ ડોક્ટરની સલાહ અનુસાર ઇન્હેલર અને નેઝલ  સ્પ્રેનો ઉપયોગ કરવો અને તેને હંમેશા સાથે રાખવું.

- અસ્થમાના દરદીઓએ હીટર તેમજ બ્લોઅરનો વપરાશ બને તેટલો ઓછો કરવો કારણ કે આવાં સાધનોના પ્રયોગથી શ્વાસની તકલીફ વધી જાય છે.

- ખાદ્ય પદાર્થોમાં કૃત્રિમ રંગ કે એસેન્સ વપરાયાં હોય તેવો ખોરાક ન લેવો કેમ કે તેનાથી એલર્જી  થવાની શક્યતા છે.

શરદી - સળેખમ

શરદી એ કોઈ બીમારી નથી. પરંતુ  વાઈરલ ઇન્ફેકશનને કારણે લોકોમાં ફેલાય છે. કેટલાક લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે તેમને ઝડપથી શરદી થઈ જાય છે. 

ઘરગથ્થુ ઉપચાર

-  એક ચપટી મીઠું લઈ તેમાં એકથી બે ટીપાં રાઈનું તેલ ભેળવીને નસકોરાંની આજુબાજુ, ગળા પર અને છાતી પર લગાડવું.

- ગોળ અને કાળાં મરીનું ચૂર્ણ ભેગું કરીને પાણીમાં ઉકાળવું અને ચાની જેમ ગરમ-ગરમ પી જવું.

- ગરમ દૂધમાં કાળાં મરીનું ચૂર્ણ નાખીને પીવાથી શરદી અને ઉધરસ બન્નેમાં રાહત થાય છે.

- મધ અને આદુનો રસ એક-એક ચમચી ભેગો કરીને સવાર-સાંજ પીવાથી શરદી મટી જાય છે.

- નાગરવેલનાં ૨-૪ પાન ચાવી જવાથી પણ શરદીમાં આરામ મળે છે.

- દૂધ ગરમ કરીને તેમાં હળદર અને ગોળ નાખીને પીવાથી શરદી, કફ તેમજ કળતર દૂર થાય છે. 

- સિંધવ મીઠું અને ત્રણ-ચાર કાળાંમરી પીસીને હૂંફાળા પાણી સાથે ફાકી જવા.

- તજ અને જાયફળ એ બન્નેને એક સરખી માત્રામાં પીસીને મધ સાથે મેળવીને સવાર-સાંજ ચાટવાથી વારંવાર થતી શરદીથી છૂટકારો મળે છે.

- સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડું ઘી મેળવીને ૩૦-૪૦ ગ્રામ જેવડા  લાડુ બનાવી રાખવા. આ લાડુ સવાર-સાંજ ખાવાથી શરદી - ઉધરસ મટી જાય છે.

- એક ચમચી અજમો અને થોડું સિંધવ મીઠું ભેગું કરી હૂંફાળા પાણી સાથે ફાંકી જવાથી શરદીમાં રાહત થાય છે.

કેવી રીતે કરશો બચાવ?

- શરદી-સળેખમ સંક્રમણથી ફેલાય છે તેથી શારીરિક સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું.

- કંઈ પણ ખાતા પહેલાં સાબુથી હાથ ધોવા.

- કોઈનો ટુવાલ, રૂમાલ વગેરે વાપરવો નહિ. 

- શરદી થાય ત્યારે ગરમ પાણીમાં વિક્સ નાખી વરાળ લેવાથી જલ્દી આરામ મળે છે.

- એવા ખાદ્યપદાર્થોનું સેવન ન કરવું જેની તાસીર ગરમ હોય.

- શરદી થાય ત્યારે સંતરાં, લીંબુ, દ્રાક્ષ વગેરે વિટામીન 'સી'થી ભરપૂર હોય એવાં  ફળોનું સેવન કરવું. વિટામીન 'સી' શરદી દૂર કરવામાં મદદ કરે છે.

- આ સમય દરમિયાન શરીરને આરામની જરૂર હોય છે જેથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ શરદીના વાયરસનો સામનો કરી શકે.

કોલ્ડ ફલૂ

જે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોય છે તેમને આ બીમારી વધુ ઝડપથી થાય છે. ત્રણથી પાંચ દિવસ સુધી રહેનારા આ ફલુનાં લક્ષણો શરીરમાં નબળાઈ, માંસપેશીઓમાં દુખાવો, શરદી-ઉધરસ અને તાવ છે. આનાથી બચવા માટે બને ત્યાં સુધી આ રોગથી સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. આપણા શરીરમાં ઠંડી સૌપ્રથમ પગ, માથા અને કાન દ્વારા પ્રવેશે છે તેથી આ અંગોને સારી રીતે ઢાંકવા. વિટામીન 'સી'ન ું સેવન વધુ કરવું જેથી કોઈપણ રોગ સામે લડવામાં શરીરને મદદ મળશે.

- નીપા