બ્લેકહેડ્સ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય - ઋજુતા
આજની તારીખમાં સર્વત્ર પ્રદૂષણનું રાજ છે. સડકો પર લાખોની સંખ્યામાં દોડતાં વાહનો, હવા-પાણીને દૂષિત કરતાં અનેકવિધ ઉદ્યોગો, બાંધકામ, હરિયાળીનો અભાવ ઈત્યાદિ સમગ્ર વાતાવરણને પ્રદૂષિત કરી નાખે છે. આવી સ્થિતિમાં આપણી ત્વચાને તેની અસર ન થાય એવું બને ખરું? વળી મોસમ બદલાય તેની સીધી અસર ત્વચા પર થાય છે. કોઈક ઋતુમાં ચામડી સાવ સુકી થઈ જાય છે તો કોઈક મોસમમાં તૈલીય. આવામાં ત્વચા પર બ્લેકહેડ્સ આવવાના જ. આ બ્લેકહેડ્સ ચહેરાના સૌંદર્યને હણી નાખે છે. પરંતુ તેનાથી છૂટકારો મેળવવો ખાસ અઘરો નથી. આજે આપણે બ્લેકહેડ્સ દૂર કરવા વિષયક માહિતી મેળવીએ.
આપણા રસોડામાં ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ ચહેરા પરના બ્લેકહેડ્સ દૂર કરવામાં ઉપયોગી થઈ શકે છે. ત્વચા નિષ્ણાતો તેના વિશે માહિતી આપતાં કહે છે .....,
ગ્રીન ટી :
ટી-બેગને એક કલાક માટે હૂંફાળા પાણીમાં મૂકી રાખો. હવે આ પાણી જ્યાં બ્લેકહેડ્સ દેખાતા હોય એ ભાગ પર રૂના પુમડા વડે લગાવો. થોડીવાર પછી તે સુકાઈ જાય ત્યારે ચહેરો ધોઈ લો. આ પ્રયોગ ધીરજપૂર્વક દરરોજ કરો. (બ્લેકહેડ્સ દેખાતા બંધ થાય ત્યાં સુધી)
ખાંડ :
એક કપ સફેદ અથવા બ્રાઉન સુગર લો. તેમાં ચાર ટેબલસ્પૂન જોજોબા તેલ નાખીને તેનુ ંમિશ્રણ બનાવો. હવે આ મિશ્રણ એકસમાન રીતે લગાવીને હળવા હાથે સ્ક્રબ કરો. આમ કરવાથી જે તે અંગ પરની મૃત ત્વચા નીકળી જશે અને રક્ત પરિભ્રમણ પણ વધશે. આમ આ પ્રયોગથી તમારી ચામડી સ્વચ્છ- તરોતાજા લાગશે.
તજ :
તજનો પાવડર બનાવી તેમાં મધ ભેળવો. બંનેને સારી રીતે ભેળવીને એ મિશ્રણ ચહેરા પર લગાવો. તેમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ તત્ત્વો બ્લેકહેડ્સ દૂર કરવાનું કામ કરશે. ૧૫ મિનિટ સુધી આ મિશ્રણ ચહેરા પર રહેવા દો. ત્યારબાદ ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવી દો.
મધ અને દૂધ :
એક ટી.સ્પૂન દૂધ અને એક ટી.સ્પૂન મધ સારી રીતે મિક્સ કરીને બ્લેકહેડ્સ હોય એ ભાગ પર લગાવો. આ મિશ્રણ પાતળુ હોવાથી તેના ઉપર રૂની પાતળી પરત લગાવી દો. થોડીવાર પછી ધીમેથી આ રૂ ખેંચી લો. હવે સાદા પાણીથી ચહેરો ધોઈ લો.
લીંબુનો રસ :
લીંબુના રસમાં રહેલું સાઈટ્રીક એસિડ બ્લેકહેડ્સ દૂર કરવામાં મદદગાર પુરવાર થાય છે. એક વાટકીમાં લીંબુ નીચોવીને તેનો રસ રૂના પૂમડા વડે બ્લેકહેડ્સ પર થપથપાવો. તેનાથી મૃત ત્વચા દૂર થશે અને રોમછિદ્રો ખુલશે. સાથે સાથે બ્લેકહેડ્સ પણ દૂર થશે.