- પરિવારના રસરુચિની દ્યોતક
ઘરનું સરસ રીતે શણગારેલું પ્રવેશદ્વાર જે તે પરિવારની રસરુચિનું દ્યોતક બની રહે છે. ઘરમાં રહેતાં લોકો પણ જેટલી વખત ઘરમાં આવ-જા કરે એટલી વખત સુંદર પ્રવેશદ્વાર તેમનુંમન પ્રફુલ્લિત કરતું રહે. અને મહેમાનો તેની સજાવટથી અચૂક પ્રભાવિત થાય. પરંતુ કેટલાંક લોકો પ્રવેશદ્વારની સજાવટ કેવી રીતે કરવી કે કરાવવી તેના વિશે મૂંઝવણ અનુભવતાં હોય છે. જો કે તેમને ચિંતા કરવાની જરૂર નથી. ઈન્ટિરિયર ડિજાઈનરો કેટલાંક સાવ સરળ સૂચનો કરીને તમારા પ્રવેશદ્વારને આકર્ષક બનાવવાનો માર્ગ ચીંધે છે. તેઓ કહે છે....
અરીસો : પોતાને આઈનામાં નિહાળવાનું કોને ન ગમે?
ઘરના પ્રવેશદ્વાર સાથે જોડાયેલી દિવાલ પર સરસ મઝાનો અરીસો જડાવી દો. તમે જેટલી વખત ઘરની બહાર નીકળશો એટલી વખત પોતાને પગથી માથા સુધી નિહાળીને સંતોષપૂરક બહાર જઈ શકશો.
ગણેશજીની મૂર્તિ : જો તમારા પ્રવેશદ્વારની બરાબર સામે ભીંત આવતી હોય તો ત્યાં ગણેશજીની મૂર્તિ પધરાવો. જો જગ્યા સાવ ઓછી હોય તો ભીંતસરસી ચાંપી શકાય એવી મૂર્તિ પદરાવીને તેની નીચે તેના માપ મુજબની શેલ્ફ લગાવી દો. તમે ચોહો તો ગણેશજીની સુંદર છબિ પણ ટીંગાડી શકો. વાસ્તવમાં ગણરાયા પ્રથમ સ્મરણીય દેવ અને વિઘ્નહર્તા ગણાય છે. તેથી ગણપતિ બાપાની મૂર્તિ અથવા છબિ પધરાવવાનું સૂચન કરવામાં આવે છે. જો તમે સૂંઢાળા દેવ સિવાય અન્ય કોઈ દેવી-દેવતાની મૂર્તિ અથવા ડેકોરેટિવ પીસ મૂકવા ઈચ્છતા હો તો એ વિકલ્પ પણ અજમાવી શકાય.
ડેકોરેટિવ ટેબલ : જો તમારા પ્રવેશદ્વારની બહાર મોટી લોબી હોય તો ત્યાં બે ફૂટ પહોળું અને ચારેક ફૂટ લાંબુ આકર્ષક ટેબલ મૂકીને તેના પર નાના નાના કુંડા અથવા ફ્લાવરવાઝ, ડેકોરેટિવ પીસ મૂકી શકો. તમે ચાહો તો ત્યાં પગરખાં મૂકવા માટેનું સરસ મઝાનું કબાટ બનાવડાવીને તેના ઉપર ડેકોરેટિવ પીસ, કુંડા કે ફ્લાવરવાઝ મૂકી શકો.
પગલૂછણિયું : આજે બજારમાં અનેક પ્રકારના ડોરમેટ આસાનીથી મળી રહે છે. તમે તેમાંથી પ્રવેશદ્વારની શોભા વધારે એવું પગલૂછણિયું ખરીદી શકો.
લાઈટિંગ : ઘરના દરવાજાના બરાબર ઉપરના ભાગમાં લાઈટ અચૂક લગાવવી. જો તમારી પાસે વધારે જગ્યા હોય તો વોલ-માઉન્ટેડ લેમ્પ, પેન્ડન્ટ લાઈટ કે લેન્ટર્ન પણ લગાવી શકાય. હળવી-હુંફાળી લાગે એવી રોશની સમગ્ર સજાવટના માથે મુકુટ સમાન દેખાશે. હા, સલામતીના ધોરણોને ધ્યાનમાં રાખીને તમેચાહો તો મોશન- સેન્સર લાઈટ પણ લગાવી શકો. તેવી જ રીતે દરવાજાની ફ્રેમ પર અવકાશ હોય તો આખી ફ્રેમ પર પ્રસંગોપાત રોશની કરી શકાય.
ડેકોરેટિવ પોટ-બાઉલ : ઘરના ઉંબરાની બહાર ડેકોરેટિવ પોટ અથવા બાઉલ મૂકો. તેમાં રંગીન પાણી ભરીને તેના ઉપર ફૂલની પાંખડીઓ વેરી દો. તેની સાથે તરતા દીવડાં પણ મૂકો.
કુંડા-છોડવા : પ્રવેશદ્વાર પાસે જગ્યા હોય તો મધ્યમ કદનું કુંડુ મૂકો. તેમાં ઉગેલો છોડ આંખોને ટાઢક આપવા સાથે ઘરમાં પ્રાણવાયુનો સંચાર કરશે અને દરવાજાની શોભા વધારશે.
- વૈશાલી ઠક્કર


