Get The App

હોબોસેક્સ્યુઆલિટી : રહેને કો ઘર નહીં... સોને કો બિસ્તર નહીં...

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
હોબોસેક્સ્યુઆલિટી : રહેને કો ઘર નહીં... સોને કો બિસ્તર નહીં... 1 - image

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

- મોટા શહેરોમાં મકાનોની કિંમત વધારે છે તેથી ખરીદી શકાય તેમ નથી અને બીજી તરફ ભાડાં પણ એટલાં બધા છે કે, પાછળ કશું વધતું નથી. નવી કારકિર્દી બનાવવા આવેલા યુવાનો તેને જીરવી શકે તેમ જ નથી. આ સંજોગોમાં આથક સ્થિરતા મેળવવા, માથા ઉપર છત મેળવવા માટે યુવાનો હોબોસેક્સ્યુઅલ પાર્ટનર શોધે છે અથવા થવાનું પસંદ કરે છે.

ઘણા વર્ષો પહેલાં સંજય દત્ત અને પૂજા ભટ્ટને કાસ્ટ કરતું મુવી સડક આવ્યું હતું. ૧૯૯૧માં આવેલી આ ફિલ્મમાં એક ગીત હતું, રહેને કો ઘર નહીં... સોને કો બિસ્તર નહીં... આ ગીત ફિલ્મના હીરોની સ્થિતિ ઉપર ફિલ્માવવામાં આવ્યું હતું. તે સમયે તો આ ગીત ખૂબ જ ચાલ્યું હતું અને ફિલ્મ પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ ગીત આટલા વર્ષો પછી ૩૫ વર્ષ પછી પણ એટલું જ અસરકારક છે. હાલમાં આપણી સંસ્કૃતિમાં, આધુનિકતામાં, નવી લાઈફસ્ટાઈલમાં એક વિચિત્ર સડો પેઠો છે. આમ તો હજી આ રોગ શરૂઆતની સ્થિતિમાં છે પણ તેની અસર લાંબાગાળે વધારે થવાની છે તે નક્કી છે. પશ્ચિમની સાંસ્કૃતિક બદીઓ ધીમે ધીમે ભારતીય સંસ્કૃતિમાં ભળવા લાગી છે તેનો આ વધુ એક દાખલો છે.

દેશ અને દુનિયામાં જ્યારથી જેન ઝી પેઢીનો જન્મ થયો અને તેમનો વિકાસ થયો ત્યારથી તમામ બાબતોના દ્રષ્ટિકોણ અને મૂલ્યો બદલાઈ ગયા છે. આ પેઢીને કશું શાશ્વત રાખવું જ નથી અને ગમતું પણ નથી. તેમના સંબંધો હોય કે, તેમની જિંદગી કે તેમની વસ્તુઓ કે પછી તેમની સાથે સંકળાયેલી કોઈપણ બાબત તેમને લાંબું ખેંચાય તેમાં રસ જ નથી. તેઓ બધું જ યુઝ એન્ડ થ્રો જેવું જ રાખવા માગે છે. તેમની તમામ બાબતો ડિસ્પોઝેબલ જ રહી છે. જરૂર પડી, ઉપયોગ કર્યો અને છેડી દીધું, ભુલી ગયા. આ બધું હવે તેમની જિંદગીનો એક ભાગ બની ગયું છે. આવી જ એક વિચિત્ર વૃત્તિ અને પ્રવૃત્તિ ભારતીય સંસ્કૃતિમાં પગપેસારો કરી રહી છે. 

હાલમાં મોટા શહેરોમાં, ખાસ કરીને મેટ્રો સિટી અને તેની આસપાસ આવેલા શહેરોમાં યુવાનોની વસતી વધારે છે. લોકો ગામડાં છોડીને અભ્યાસ માટે, નોકરી કે વ્યવસાય માટે શહેરો તરફ ડગ માંડી રહ્યા છે. આ તમામ લોકોને શહેરોમાં આવ્યા પછી સૌથી પહેલો પ્રશ્ન આવે છે રહેવા અને ખાવાનો. મુંબઈ માટે કહેવાય છે કે, અહીંયા રોટલો મળી જાય પણ ઓટલો મળવો મુશ્કેલ છે. તેવી જ સ્થિતિ હાલમાં મોટા શહેરોમાં માઈગ્રેટ કરી રહેલી આ જેન ઝી અને તેમને સમકક્ષ લોકોની છે. તેનો ઉકેલ લાવવા માટે આ પેઢીએ અનોખો રસ્તો અપનાવ્યો છે. આપણને લિવ ઈન રિલેશન તો ખબર હતી. જેમાં લગ્ન કર્યા વગર બંને પાત્રે એકબીજા જોડે રહેતા હોય અને આનંદથી જીવન પસાર કરતા હોય. તેમાં ગૃહસ્થીની જવાબદારી હોતી નથી પણ ગૃહસ્થીનો આનંદ માણવાનો હોય છે. તેનાથી પણ એક ડગલું આગળ હવે નવી રિલેશનશિપ આવી છે જેણે નવી પેઢીને તદ્દન અલગ જ રવાડે ચડાવી દીધી છે. કેટલાક તેનો દુષણ તરીકે, કેટલાક મજબૂરીમાં તો કેટલાક તેનો અજાણતા જ ભાગ બની રહ્યા છે. 

આજકાલ યુવાનોમાં હોબોસેક્યુઆલિટીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ શબ્દ સાંભળીને જ નવાઈ લાગશે પણ આ સ્થિતિ મોટા શહેરોમાં વધી રહી છે. નાના શહેરો અને ગામડાઓમાં તો આ સ્થિતિ જોવા મળવાની જ નથી પણ જ્યાં વર્ક કલ્ચર વધારે છે અને માઈગ્રેશન વધારે છે ત્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, બે વ્યક્તિ વચ્ચે સંબંધ વિકસે અથવા તો વિસ્તરે ત્યારે તેની પાછળ સ્નેહ, લાગણી, પ્રેમ, સ્થાયી થવાની ભાવના કે પછી ઘણી વખત માત્ર સેક્સ જોડાયેલું હોય છે. એકબીજા માટે પ્રેમ, લાગણી, પોતાનાપણું, એકબીજા પ્રત્યે પ્રામાણિકતા પણ ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને પરફેક્ટ રિલેશનની વાત કરીએ તો તેમાં સંતુષ્ટ રહેવું, સિક્યોર રહેવું અને સ્ટેબલ રહેવું વધારે જરૂરી હોય છે. વર્તમાન સ્થિતિમાં સ્ટેબિલિટી અને સિક્યોરિટી મળવા ખૂબ જ જરૂરી છે. તેમાંય ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી અને સિક્યોરિટીનો તો સૌથી મોટો પ્રશ્ન ઊભો થયેલો હોય છે.

આ સંજોગોમાં હવે યુવાનો એવા પાર્ટનરની શોધ કરે છે જેની પાસે રહેવા માટે ઘર હોય, સારી નોકરી હોય. આવા પાર્ટનર સાથે રિલેશનશિપમાં એન્ટર થવાનું, તેની સાથે તેના જ ઘરમાં રહેવાનું. એકબીજા સાથે પ્રેમ ખરો પણ તેની પાછળ સ્વાર્થ વધારે હોય છે. હવે નવી પેઢીને બીજી વ્યક્તિ સાથે નહીં પણ તેના પૈસા, તેની પ્રોપર્ટી, તેની સ્ટેબલ ઈન્કમ, તેનું પોતાનું ઘર, સુવિધાઓ વગેરે સાથે પ્રેમ થાય છે અને તેના કારણે તે પ્રેમ અને શારીરિક સંબંધમાં જોડાય છે. 

હોબોસેક્સ્યુઆલિટી શબ્દ આમ તો પશ્ચિમી જેનઝી પેઢીના બોલચાલ અને ઈન્ટરનેટ કલ્ચરમાંથી આવ્યો છે. તેનો સીધો અર્થ એટલો જ થાય કે એવી વ્યક્તિ તે સંબંધોમાં પ્રેમને નહીં પણ પૈસા, ઘર કે પોઝિશનને પ્રાથમિકતા આપે અને પોતાના માટે એક આશ્રયસ્થાન શોધી કાઢે. વ્યક્તિ પોતાના અસ્તિત્વ માટે, ઓળખ માટે કે પોતાના જીવનની શરૂઆત માટે ક્યાંક આશ્રય શોધતી હોય ત્યારે આવા સંબંધોમાં પ્રવેશ કરતી હોય છે. અહીંયા સામેની વ્યક્તિને છેતરવાનો કે માત્ર ઉપયોગ કરીને નાસી છુટવાનો કે છોડી દેવાનો કોઈ આશય હોતો નથી પણ સૌથી પહેલાં પોતાની સુરક્ષા, સ્થાન અને સ્થિતિને સુધારવાનો હોય છે. તેના કારણે યુવાનો હોબોસેક્સ્યુઅલ બની રહ્યા છે. 

આ સ્થિતિ પાછળ ઘણા કારણો જવાબદાર છે. સૌથી પહેલાં વાસ્તવિક કારણ જોઈએ તો મુંબઈ, દિલ્હી, નોઈડા, બેંગ્લુરૂ, કોલકાતા, ચેન્નઈ જેવા શહેરોમાં મકાનોના ભાવ અને મકાનોના ભાડા એટલા ઉંચા અને તોતિંગ છે કે, નવી કારકિર્દી બનાવવા આવેલી વ્યક્તિ તેને જીરવી શકે તેમ જ નથી. અહીંયા મકાનોની કિંમત વધારે છે તેથી ખરીદી શકાય તેમ નથી અને ભાડા પણ એટલા વધારે છે કે પછી પાછળ કશું વધતું નથી. આ સંજોગોમાં આથક સ્થિરતા મેળવવા, માથા ઉપર છત મેળવવા માટે યુવાનો હોબોસેક્સ્યુઅલ પાર્ટનર શોધે છે અથવા થવાનું પસંદ કરે છે. 

થોડા સમય પહેલાં જ એક યુવતી સાથે વાત થઈ હતી તેણે પોતાની આપવિતી કહી હતી. તેનું નામ હતું અભિપ્સા. આ યુવતી બેંગ્લુરૂમાં રહેતી હતી. તે આઈટી ફિલ્ડમાં એન્ટરપ્રિન્યો હતી. તેનું સાહસ સરસ રીતે ચાલતું હતું. અભિપ્સાની પાસે રહેવા માટે સરસ ઘર હતું. તે ભાડે જ રહેતી હતી પણ તેની લાઈફ સેટલ થવા માટે ઘર પર્યાપ્ત હતું. આ દરમિયાન તેની મુલાકાત વિપ્લવ સાથે થઈ હતી. વિલ્પવ માર્કેટિંગ ફિલ્ડમાં જોબ કરતો હતો. તે થોડા સમય પહેલાં જ બેંગ્લુરૂ શિફ્ટ થયો હતો. બંને વચ્ચેની પ્રારંભિક અનૌપચારિક અને બિઝનેસને મુલાકાત થઈ. થોડા સમય બાદ તેમની વચ્ચે મિત્રતા થઈ અને ત્યારબાદ દર વિકેન્ડમાં મુલાકાતો શરૂ થઈ. આ રીતે સંબંધ વધવા લાગ્યા હતા. 

લગભગ છ મહિનાની મિત્રતા અને સંબંધો પછી અભિપ્સાને લાગ્યું કે તે વિલ્પવને પ્રેમ કરે છે. વિલ્પવે પણ તેના પ્રેમનો સ્વીકાર કર્યો. લગભગ બે મહિના પ્રેમની લાગણી વહેતી રહી અને આખરે વિલ્પવ એક દિવસ અભિપ્સા સાથે રહેવા માટે તેના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો. બંને વચ્ચે લગભગ દોઢ વર્ષ જેવો સંબંધ રહ્યો. ત્યારબાદ અભિપ્સા થાકવા લાગી હતી. તેને સમજાતું હતું કે, ઘરના ભાડા ભરવાનો, જરૂરિયાતો સંતોષવાનો ભાર તો તે ઉપાડતી જ હતી પણ સાથે સાથે એકતરફી સંબંધનો ભાર પણ તે જ વેંઢારતી હતી. ધીમે ધીમે વિપ્લવ ઝઘડા કરવા લાગ્યો, ક્યારેક મકાનના ભાડાનો ભાગ આપે નહીં, ઘણી વખત રસોઈ બનાવે નહીં કે ઘરના કામમાં મદદ કરે નહીં. ઘણી વખત પૈસા નથી બહાનું કાઢીને ગ્રોસરી પણ લાવે નહીં. અભિપ્સાને સૌથી વધારે જ્યારે ઈમોશનલ સપોર્ટની જરૂર હોય ત્યારે તો વિલ્પવ હોય જ નહીં. તે પાસે બેઠો હોય છતાંય તેની ચિંતા કરે નહીં. આવી ઘણી મુશ્કેલીઓ બાદ બંને છૂટા પડયા અને અભિપ્સાએ ફરી એકલા રહેવાની શરૂઆત કરી. બીજી તરફ વિપ્લવ બીજી કોઈ છોકરીના ઘરે શિફ્ટ થઈ ગયો. 

આ માનસિકતા પાછળ વિચાર કરીએ તો સૌથી પહેલાં તો નિર્ભરતાનો સિદ્ધાંત કામ કરે છે. ઘણા લોકોને બાળપણમાં પૂરતી સુરક્ષા મળી ન હોય, અથવા તો પેમ્પરિંગ વધારે થયું હોય ત્યારે તેઓ બીજાને આધિન રહેવા ટેવાઈ ગયા હોય છે. તે સતત વ્યક્તિ શોધતા રહેતા હોય છે. ઘણી વખત વ્યક્તિમાં કોટસોલ લેવલ ખૂબ જ વધી જાય છે. આ સંજોગોમાં વ્યક્તિ સેક્સ થકી રાહત મેળવવા લાગે છે. તેને જ્યારે આવી આદત પડી જાય છે ત્યારે તે આના માટે પાર્ટનર શોધવા લાગે છે. ઘણા લોકોના મનમાં એકલા રહેવાનો ભય હોય છે. તેના નિવારણ માટે તે પાર્ટનર તો શોધે જ છે સાથે સાથે સુવિધાઓ મળતી હોય તો તેનો વધારે સ્વીકાર કરે છે. આવી વિવિધ મનોવૃત્તિ વ્યક્તિને હોબોસેક્સ્યુઆલિટીમાં પ્રવૃત્ત થવામાં અસર કરતી હોય છે.

બીજી તરફ વિચારીએ તો શહેરોમાં મકાનોના ઉંચા ભાવ, ઉંચા ભાડા લોકોને પોસાય તેમ હોતા નથી. તેના કારણે લોકો ઘણી વખત રોમાન્સની સાથે સાથે રણનીતિનો પણ ઉપયોગ કરે છે. આ સિવાય એવું પણ જોવા મળ્યું છે કે, વધારે ચિંતાગ્રસ્ત રહેતી વ્યક્તિ કે બીજા ઉપર આધારિત રહેતી વ્યક્તિ આવા મનોવૃત્તિ ઝડપથી કેળવે છે. તે કોઈની સાથે સંબંધમાં જોડાઈને સુવિધાની સાથે સાથે નિકટતાનો પણ ભાવ રાખે છે. પોતાની અધૂરી ઈચ્છાઓ આવા પાર્ટનર થકી સંતોષે છે. આજે જે ડેટિંગ કલ્ચર ચાલ્યું છે તેણે પણ ઘણી માઠી અસર કરી છે. વર્તમાન સમયમાં કોહેબિટેશનની પ્રવૃત્તિ અને માનસિકતા છેલ્લાં બે દાયકાની સરખામણીએ ઘણી વધારે પ્રમાણમાં વધી ગઈ છે. તેના કારણે પણ લોકો આવા સંબંધોમાં આવી રહ્યા છે.  આ સ્થિતિ કોઈના માટે બચાવ પ્રયુક્તિ કે જીવન સેટ કરવાની યુક્તિ હોઈ શકે છે પણ જ્યારે સામેનું પાત્ર વધારે ગંભીરતાથી સંબંધમાં જોડાયું હોય ત્યારે તેને અંતે નિષ્ફળતા કે નિરાશા મળે ત્યારે સ્થિતિ વધારે ખરાબ થતી હોય છે. આ ટ્રેન્ટ થોડો સમય ચાલે ત્યાં સુધી કદાચ ઠીક છે પણ જો દુષણ વધતું ગયું તો સમાજને હચમચાવી નાખશે.