શીળસ અને આયુર્વેદ .
- આરોગ્ય સંજીવની
આજના ઝડપી યુગમાં ખાન-પાન દિનાં અજ્ઞાાનને કારણે 'શીળસ' થવાની ફરિયાદ ખૂબ જ સામાન્ય થઇ ગઈ છે. વર્ષોથી શીળસ થતું હોય એને 'સેટ્રીઝીન' જેવી ગોળી લઇ રોગ દબાવી દેવાની આદતથી રોગ વધારે ને વધારે પકડ જમાવતો જતો હોય તેવું ઘણાં કેસમાં જોવામાં આવે છે અને ઘણી વખત તો આદત પડી જાય છે કે ચાલો 'સેટ્રીઝીન'થી બેસી જાય છે ને થાય ત્યારે દવા લઇ તેવી અત્યારે લાઈ લાગે ને જીભ ના સ્વાદને ન રોકી શકનાર મનુષ્યો પછી ખૂબ જ હેરાન થતાં હોય છે પછી એવો સમય આવે છે કે ગમે તેટલી સેટ્રીઝીન કે શામક એલોપથીની ગોળીઓ લેવાં છતાં તેનું શમન થતું નથી અને દર્દીને જ્યારે શીળસ ઉપડે ત્યારે આકુળ વ્યાકુળ થઇ જતાં હોય છે.
'શીળસ' રોગમાં હાથ ન રોકી શકાય તેટલી ખંજવાળ આવે છે. મધમાખી કરડી જાય અને જેવા ઢીમચા તેવાં ઢીમચા શરીરમાં ઠેર ઠેર થઇ જાય છે. ધીમે ધીમે જેમ જેમ આ તકલીફ લંબાતી હોય તેમ તેમ ખરજ ઉપરાંત દાહ (બળતરા) અને પીડા પણ ખૂબ થાય છે. ખાસ કરીને આ બીમારીમાં શીતળ વાયુ સતત લાગવાથી તે શીરનો કફ અને વાયુના સંપર્કમાં આવે છે. પરિણામે શરીરમાં રહેતા કફ અને વાયુને દૂષિત કરે છે. આ દુષિત કફ અને વાયુમાં પિત જઇને મળે છે અને પિત ને પણ દૂષિત કરે છે આ દૂષિત કફ પિત વાત ધાતુમાં પ્રવેશે છે અને ત્યાં નાના નાના ઢીમચા ઉત્પન્ન કરે છે. આ ઢીમચા તુરંત ઉપાય થાય અને શરૂઆતમાં જ મટાડી દેવામાં આવે તો ટૂંકા સમયની સારવાર અને ખાન-પાનની પરેજીથી તો મટી જાય છે પરંતુ તેની તરફ બહૂ લક્ષ્ય ન આપવામાં આવે તો તે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય છે ગમે ત્યારે શીતળવાયુ લાગે પરસેવો થાય ઠંડુ પાણી કે ખાવા પીવામાં કંઇક આવી જાય તો શીળસ તુરંત જ ઉઠી આવે છે. જ્યારે જ્યારે તે ઉઠી આવે ત્યારે ત્યારે દર્દી ને જંપી ને બેસવા દેતુ નથી. શરીરમાં ઠેર ઠેર ખંજવાળ ઉપડે છે અને બધી જગ્યાએ ખંજવાળી ન શકાય જેથી દર્દી અકળાઈ ઉઠે છે. જેની અસર તેના સ્વભાવ ઉપર થાય તો માણસ જલ્દીથી ઉશ્કેરાઇ જાય કે ચિડિયો થતો જણાય છે ખંજવાળ આવતા ખંજવાળ કરવાથી તેનો ફેલાવો વધતો જાય છે અને ખંજવાળેલાં ભાગમાં દાહ ઉત્પન્ન થાય છે. દાહ અને ખંજવાળ બંને સાથે થતાં હોવાથી શીળસનાં દર્દી ખૂબ બેચેન થાય છે.
તેથી શીળસ થવા માંડી કે તરત ખોરાકમાં અને રહન-સહનમાં ફેરફાર કરી, દવાઓથી તેને તાત્કાલિક દબાવી દેવાંનો ઉપાય ન કરતાં તે જડમૂળથી જાય તેવાં ઉપચાર કરી તેને દૂર કરવું જોઇએ.
સૌ પ્રથમ તો શીળસ શું ખાવાથી થાય છે તો આપણાં આહારનું નિરીક્ષણ કરી તે નક્કી કરવું જોઇએ. 'શીળસ' ને જળમૂળથી કાઢવા માટે પથ્યાપથ્ય પાળવા તે પહેલી શરત છે. ત્યારબાદ આવે છે.
ઔષધ પ્રયોગો :
આપણાં ઘરમાંથી જ મળી રહે તેવાં અનેક ઔષધો શિતપિત (શીળસ)ની સારવાર માટે આયુર્વેદમાં બતાવેલા છે. આ ઔષધોના બે રીતે ઉપયોગ કરવાથી તેને જલ્દીથી મટાડી શકાય છે.
લેપન ઔષધ :
૧. કોકીના પાંદડા લાવીને ખૂબ બારીક વાટવાં અને તેનો લેપ શીળસ થયું હોય તો તે ભાગ પર કરવો.
૨. સિંધવને ખૂબ બારીક વાટી વસ્ત્ર ગાળ ચૂર્ણ કરવું. તેમાં ઘી ભેળવીને શીળસનાં ઢીમચાં પર લગાવવું.
૩. દુર્વા અને હળદર ને ભેગાં કરી તેનો લેપ કરવો.
* ઉપરોક્ત ત્રણ પ્રયોગોમાંથી કોઈપણ એક પ્રયોગ વૈદ્યની સલાહ મુજબ કરવો જેથી શીળસમાં અદ્ભૂત ફાયદો જણાશે.
સેવન ઔષધ :
૧. અરણીના મૂળને વાટીને ઘી સાથે સાત દિવસ પીવાથી શીળસનો ચોક્કસ નાશ થાય છે.
૨. આ સિવાય શીળસ માટે બીજો એક પ્રયોગ સૂચવું છું. સારી જાતની ઉંચી હળદર લાવીને સાફ કરીને તેનું બારીક ચૂર્ણ કરવું. આ હળદરનું ચૂર્ણ એક તોલો દરરોજ અડધો કપ પાણીમાં હલાવીને પલાળી રાખવું અને આખીરાત ઢાંકીને રાખી મૂકવું. સવારે નયણાંકોઠે પાણી ઉપર ઉપરથી નીતારી લેવું અને પી જવું તે પાણી પીધાં પછી બને તો એક કલાક સુધી બીજું કાંઈ ખાવું-પીવું નહિ વળી સવારે ફરીથી તે જ પ્રમાણે બીજી એક તોલો હળદર પલાડી રાખવી જેનું નીતર્યું પાણી બપોરે કે સાંજે પીવું. આ પ્રયોગથી શીળસ ઉપર ખૂબ જ ફાયદો જણાશે. આ સિવાય હરિદ્રાખંડ, આરોગ્ય વર્ધીની ગંધક રસાયણ વગેરે જેવાં દાણાં યોગો આયુર્વેદમાં દર્શાવેલા છે જેનો પ્રયોગ નિષ્ણાંતની સલાહ મુજબ કરવો. આયુર્વેદમાં શીળસનાં કાયમી ઉપચાર તરીકે ઘણાં પ્રયોગો બતાવ્યાં છે. આ પ્રયોગો ધીરજપૂર્વક કરવાથી શીળસ જળમૂળથી મટે છે. પણ તેમાં પથ્યાપથ્ય જાળવવાં ખૂબ જરૂરી છે. શીળસ નીકળતું હોય તેવાં દર્દીઓ માટે ખોરાકમાં મગ, ચોખા, કળથી, કારેલા, દાડમ અને ઘઉં ઉત્તમ છે. આવા દર્દીઓ મધુર સ્નિગ્ધ, તૂરા ખાટા પદાર્થો અને વિરુદ્ધ આહારનો ત્યાગ કરવો જરૂરી છે. શીતસ્નાન તથા શીતપવન અને આતપસેવન પણ અહિતકર છે. યોગ્ય ઔષધ પ્રયોગ અને આહારવિહાર આ બીમારીને અવશ્ય જળમૂળથી મટાડે છે.
- જ્હાનવીબેન ભટ્ટ