હનીમૂનમાં 'હીટ એન્ડ ફીટ' રહેવા માટે કેવા દેખાવું જોઈએ એ તો તમે જાણતા જ હશો. પરંતુ માત્ર કલાસી વસ્ત્રોથી કામ નહીં ચાલે. તેને અનુરૂપ એક્સેસરીઝ પણ જરૂરી છે. આ વાત થોડી ફિલ્મી લાગશે, પણ અનોખી રીતે 'સજધજકે' તમે એમની સામે જશો તો 'તેરે ચહેરે સે નજર નહી હટતી, નજારે હમ ક્યા દેખે...' એવું જરૂર લાગશે. લગ્નમાં ભારેખમ આભૂષણો પહેરીને કંટાળી જવાય છે. પરંતુ હનીમૂન માટે હળવી જ્વેલરી જ યોગ્ય ગણાશે.
હનીમૂન એક્સેસરીજની ખરીદી લગ્ન પહેલા જ કરવી જોઈએ. ખાસ કરીને વસ્ત્રો ખરીદ્યા પછી તરત જ.
ડ્રેસના રંગ-ડિઝાઈન મુજબ મેચીંગ એક્સેસરીઝ લેવાનું સરળ પડશે. વળી મેચીંગ વસ્ત્રાભૂષણ ધારણ કરવાનો હનીમૂન જેવો અન્ય મોકો ક્યારે મળી શકે? સામાન્ય રીતે છોકરીઓ પાસે સોના-રૂપાની એક જ ઢબની જ્વેલરી હોય છે.
કોઈપણ ડ્રેસ પર વાપરી શકાય એવી ગોલ્ડ ચેન અને બંગડીઓ હોય છે. પણ કાનના લટકણિયાં, ટોપ્સ વગેરે કયા ડ્રેસ પર કેવી રીતે વાપરવા તેની સમજણ બધાને નથી હોતી. કેટલીક વખત તો એક્સેસરીઝ મેચિંગ છે કે નહીં તેનો વિચાર કર્યા વગર જ જે મળ્યું તે ખરીદીને આપણે ઘરભેગાં થઈ જઈએ છીએ.
એક્સેસરીજમાં ફક્ત જ્વેલરીનો જ સમાવેશ નથી હોતો પણ પર્સ, બેલ્ટ, સ્કાર્ફ અને જૂતાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એના વગર આપણા ડ્રેસિંગને ફાઈનલ લૂક આપી શકાય નહીં. આ અંગે કંઈપણ જાણકારી ન હોય તો ડિઝાઈનરની સલાહ પણ લઈ શકાય.
પ્રત્યેક ડિઝાઈનર એક લૂક નક્કી કરી આપે છે. તમારા શરીરનો બાંધો અને પસંદને ધ્યાનમાં રાખીને તે તમને સલાહ સૂચન આપશે.
હનિમૂન માટે આજની તારીખમાં પેસ્ટલ લૂક વધારે હોટ છે. સોનાં અને ડાયમંડનો વિચાર જ કરતા નહીં. રોજ નવી નવી જ્વેલરી પહેરવી હોય તો સોના-હીરાના ઘરેણાં પરવડશે પણ નહીં અને ઝાઝી વિવિધતા પણ નહીં મળે.
સોનું મનગમતા રંગોમાં નથી મળતું અને દરેક પ્રકારના કપડા પર શોભતું પણ નથી. તેના કરતાં અચ્છો કોશ્ચ્યુમ જ્વેલરી છે. તે દરેક જાતના વસ્ત્રો પર મેચ થશે અને સસ્તી પણ પડશે. આમાં સ્ટોન એક્સેસરીઝના વધારે ઉપયોગ કરો. તેમાં તમને મનપસંદ અને મેચિંગ થાય તેવા ઘણા રંગો મળી રહેશે. આવી જ રીતે ઘડિયાળત પણ એન્ટિક કરતાં મોડર્ન સ્ટાઈલનું પસંદ કરો.
ફરવા જતી વખતે શક્ય એટલાં ઓછો સામાન લો. અને હા, સાડી ગમે તેટલી ઘસડતી પહેરશો તો પણ ચાલતી વખતે સેન્ડલ દેખાશે જ. માટે તે પણ મેચિંગ હોવા જરૂરી છે.
ટૂંકમાં મનની બધી ઈચ્છાઓ પૂર્ણ કરવાની આ અમૂલ્ય તક છે. હરવું ફરવું તો તમે જીંદગીભર કરશો પણ હનીમૂન માણવાની તક માત્ર એક જ વખત આવે છે. તેને મનભરીને માણી લેવી જોઈએ.


