- મોબાઈલ ફોનનો અદ્રશ્ય શત્રુ
અનેક સ્માર્ટફોન અગાઉથી એવી ઈન્સ્ટોલ કરેલી એપ અને સેવા સાથે આવે છે જેને વપરાશકારો સહેલાઈથી હટાવી નથી શકતા. અનેક બ્રાન્ડ તો બહુવિધ ત્રીજા પક્ષની એપ ધરાવતી હોય છે જે બેકગ્રાઉન્ડમાં ચૂપચાપ ચાલતી રહીને બેટરીનો ઉપયોગ કરી નાખે છે. આવી કહેવાતી બ્લોટવેર એપ્સ બેટરીનો તો વધુ પડતો ઉપયોગ કરે છે સાથે ગોપનીયતા અને સુરક્ષાની ચિંતા પણ વધારે છે.
મોટાભાગના લોકો જ્યારે તેમના ફોનની બેટરી સાંજ પહેલા જ સમાપ્ત થઈ જાય તો પોતાના જૂના ફોનને દોષ આપતા હોય છે. વાસ્તવમાં સૌથી મોટો ગુનેગાર હાર્ડવેર નહિ પણ બેકગ્રાઉન્ડમાં ચૂપચાપ ચાલુ રહેતી એપ્સ હોય છે. તાજેતરમાં એક ટેલીકોમ કંપની દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણકારી મળી કે કેટલીક સૌથી વધુ વપરાતી એપ્સ બેટરીની મોટાભાગની શક્તિ હણી લે છે. નવાઈની વાત છે કે વપરાશકારો દ્વારા આવી એપ્સ સક્રિય ન હોવા છતાં તેનાથી બેટરીની ઊર્જા વપરાઈ જાય છે. આ જાણકારી ખાસ ભારતીય મોબાઈલ ધારકો માટે મહત્વની છે જેઓ સોશિયલ મીડિયા, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને શોર્ટ વીડિયો એપ પર કલાકો પસાર કરતા હોય છે.
આ યાદીમાં સૌથી ટોચ પર છે નેટફ્લિક્સ, જે કહેવાય છે કે દર મહિને પૂર્ણ બેટરી ચાર્જના ૧,૫૦૦ ટકા બરાબર ઉપયોગ કરે છે. આ આંચકાજનક આંકડો લગભગ ૬૦ કલાકના સરેરાશ સ્ક્રીન સમય ઉપરાંત ૧૩ કલાકની બેકગ્રાઉન્ડ ગતિવિધિ સાથેપણ સંકળાયેલો છે. એનો અર્થ એવો થયો કે વપરાશકારો કન્ટેન્ટ જોવાનું બંધ કરે પછી પણ એપ પાવર ઉપયોગ કરવાનું ચાલુ જ રાખે છે. હાઈ રેઝોલ્યુશન, ઓટોમેટિક પ્રીવ્યુ તેમજ સતત સીન્ક સાથે સ્ટ્રીમિંગ વીડિયો જોવાની આદત વધુ પ્રમાણમાં બેટરીનો પાવર ખર્ચે છે.
યાદીમાં બીજુ નામ છે ટીકટોકનું, જે હાલ તો ભારતમાં પ્રતિબંધિત છે. છતાં શોર્ટ વીડિયો પ્લેટફોર્મ કેવી રીતે આક્રમક રીતે બેટરીના પાવરનો ઉપયોગ ઓટોપ્લે વીડિયો, સતત નોટિફિકેશનો અને બેકગ્રાઉન્ડ રિફ્રેશિંગ દ્વારા કરે છે તેનું સચોટ ઉદાહરણ છે. તેના પછી યુટયુબનો ક્રમ આવે છે જે દર મહિને ૫૪૦ ટકાના દરે બેટરીનો ઉપયોગ કરે છે જ્યારે થ્રેડ આશ્ચર્યજનક રીતે વધુ એક મહત્વનો અપરાધી છે જે બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ દ્વારા દર મહિને લગભગ સાત કલાકની બેટરી ઉપયોગમાં લે છે.
બેટરી ખતમ કરતી કેટલીક સૌથી જોખમી એપ્સમાંથી કેટલીક એવી છે જેના પર વપરાશકારોને બિલકુલ શક ન હોય. દાખલા તરીકે સ્પોટીફાય સક્રિયપણે સાંભળતી વખતે તો ઓછા પાવરનો ઉપયોગ કરે છે પણ તેની વિસ્તૃત બેકગ્રાઉન્ડ ગતિવિધિ નાટયાત્મક રીતે એકંદર વપરાશમાં વધારો કરી નાખે છે. આ એપ દર મહિને ૧૩ કલાકથી વધુ બેકગ્રાઉન્ડમાં ચાલે છે. એવી જ રીતે ફેસબૂક પણ સતત સીન્ક, લોકેશન ટ્રેકિંગ તેમજ નોટિફિકેશન અપડેટને કારણે એપ બંધ હોય ત્યારે પણ મોટા પ્રમાણમાં બેટરીનો ઉપયોગ કરે છે.
ફોટો અને વીડિયોથી ભરેલા પ્લેટફોર્મ બેટરીનો અતિ ઉપયોગ કરનારો વધુ એક સ્રોત છે. ઈન્સ્ટાગ્રામ અને કેપકટ પ્રત્યેક બેટરીની લગભગ ૩૦૦ ટકા માસિક ક્ષમતાનો ઉપયોગ કરી નાખે છે. કેપકટ દર કલાકે લગભગ ૩૦ ટકા બેટરીનો ઉપયોગ કરીને સક્રિય ઉપયોગના પ્રતિ કલાક સૌથી વધુ ઉપયોગ કરનારી એપ તરીકે તરી આવે છે. દરરોજ રીલ અને શોર્ટ વીડિયો બનાવતા ભારતીય સર્જકો માટે આ બાબત તેમના ઉપકરણના પરફોર્મન્સ અને બેટરી ક્ષમતા ઘટાડી શકે છે.
આ યાદીમાં અન્ય એપ છે સ્નેપચેટ અને ચેટજીપીટી. નિયમિત વપરાશ દરમ્યાન તેઓ એટલી બેટરીનો ઉપયોગ ભલે ન કરતી હોય તેવું જણાય, પણ બેકગ્રાઉન્ડમાં સતત સીન્કિંગ, નોટિફિકેશનો અને એઆઈ પ્રોસેસિંગ લાંબા સમય દરમ્યાન નોંધપાત્ર પ્રમાણમાં બેટરીનો ઉપયોગ કરી નાખે છે.
ભારતમાં આ મુદ્દો વધુ ગંભીર એટલા માટે છે કારણ કે અનેક સ્માર્ટફોન અગાઉથી એવી ઈન્સ્ટોલ કરેલી એપ અને સેવા સાથે આવે છે જેને વપરાશકારો સહેલાઈથી હટાવી નથી શકતા. અનેક બ્રાન્ડ તો બહુવિધ ત્રીજા પક્ષની એપ ધરાવતી હોય છે જે બેકગ્રાઉન્ડમાં ચૂપચાપ ચાલતી રહીને બેટરીનો ઉપયોગ કરી નાખે છે. આવી કહેવાતી બ્લોટવેર એપ્સ બેટરીનો તો વધુ પડતો ઉપયોગ કરે છે સાથે ગોપનીયતા અને સુરક્ષાની ચિંતા પણ વધારે છે. અહેવાલો મુજબ ભારતીય સરકાર નિયમો ચકાસી રહી છે જેનાથી વપરાશકારો આવી અગાઉથી બેસાડવામાં આવેલી એપ સહેલાઈથી હટાવી શકે.
વધતી સમસ્યાની ઓળખ કરીને ગૂગલે પગલા લેવાનું શરૂ કર્યું છે. માર્ચ ૨૦૨૬થી ગૂગલ પ્લે સ્ટોરે વપરાશકારોને અતિશય બેકગ્રાઉન્ડ ગતિવિધિ દ્વારા દરરોજ બે કલાકથી વધુ માટે મોબાઈલને સક્રિય રાખતી એપ્સ વિશે ચેતવણી આપવાનું શરૂ કર્યું છે. આ ચેતવણીઓ ખાસ કરીને આંશિક વેક લોક્સનો ઉપયોગ કરતી એપ્સને લક્ષ્યાંક બનાવે છે. આ એક એવી સીસ્ટમ છે જે ફોનને પાવર-સેવિંગ મોડમાં જતા અટકાવે છે.
વપરાશકારો માટે આ સમસ્યાનું નિરાકરણ સજાગતા સાથે થાય છે. એન્ડ્રોઈડ ફોનમાં પહેલેથી 'સેટિંગ્સ-બેટરી-બેટરી વપરાશ' હેઠળ બેટરી વપરાશના આંકડા વિગતવાર આપેલા હોય છે. આ સેક્શન નિયમિતપણે ચેક કરવાથી કઈ એપ સૌથી વધુ પાવરનો ઉપયોગ કરે છે તે જાણી શકાય. નિષ્ણાંતો ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ જેવી એપના બ્રાઉઝર વર્ઝન ઉપયોગ કરવાની, લાઈટ વર્ઝનોનો ઉપયોગ કરવાની, ઓટોપ્લે વીડિયો બંધ કરવાની તેમજ બિન-જરૂરી એપ્સ માટે બેકગ્રાઉન્ડ ગતિવિધિ બંધ કરવાની ભલામણ કરે છે.
જે એપ્સ સંપૂર્ણપણે હટાવી નથી શકાતી તેને ફોન સેટિંગ દ્વારા હજી પણ નિષ્ક્રિય કરી શકાય છે અને તેમની ગુપ્ત બેકગ્રાઉન્ડ પ્રક્રિયાઓ અસરકારક રીતે અટકાવી શકાય છે.
ઓફલાઈન વપરાશ માટે વીડિયો અથવા સંગીત વાઈફાઈ દ્વારા ડાઉનલોડ કરીને પણ સતત ડાટા અને બેટરી ઉપયોગ ઘટાડી શકાય. સ્પોટીફાયના કિસ્સામાં માત્ર બેકગ્રાઉન્ડ ગતિવિધિ અટકાવીને સામાન્ય પ્લેબકને અસર કર્યા વિના બેટરીની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરી શકાય.
ટેલીકોમ કંપનીના અભ્યાસમાં એવી વાસ્તવિકતા ઉજાગર થઈ છે જેની અનેક સ્માર્ટફોન વપરાશકારો અવગણના કરતા હોય છે, જેમ કે બેટરીનો ઉપયોગ માત્ર સ્ક્રીન ચાલુ હોય ત્યારે જ થતો હોય એવું નથી. સૌથી વધુ પાવર ઉપભોગ બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ, ડાટા એકત્ર કરવો, ફીડ રિફ્રેશ કરવી અને સતત કનેક્ટેડ રહેવા દ્વારા થતો હોય છે.
'આધુનિક સ્માર્ટફોન યુગમાં ખરો બેટરી સંઘર્ષ ત્યારે શરૂ થાય છે જ્યારે સ્ક્રીન બંધ હોય.'
- ઉમેશ ઠક્કર


