- આરોગ્ય સંજીવની - જ્હાનવી ભટ્ટ
વિસર્પને આધુનિક સાયન્સમાં હર્પિસ ઝોસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં આ વ્યાધિનું નામ વિસર્પ છે. આ એક ત્ત્વચાગત રોગ છે. હર્પિસ ઝોસ્ટર નામથી સામાન્ય માણસ પણ આ રોગથી પરિચિત છે.
આ રોગ વિશે વિગતવાર વાત કરીએ તો, કેટલીક વાર આપણાં શરીર પર વિભિન્ન જગ્યામાં નાની-નાની ફોડલીઓ થાય છે. ઘણીવખત આપણે તેને નજર અંદાજ કરી દઈએ છીએ, પણ આ ફોડલીઓ આગળ વધીને હર્પિસ ઝોસ્ટરમાં રૂપાંતરીત થઈ શકે છે. આ એક એવી બિમારી છે. જેમાં શરીર પર નાના-નાના પાણીથી ભરેલાં દાણા નીકળે છે. જે પાછળથી શરીરનાં અન્ય ભાગોમાં પણ ફેલાઈ જાય છે. અને દરરોજ આ દાણા સાઈઝમાં વધ્યા કરે છે.
આ રોગ ૫૦ વર્ષ પછી વધારે થતો જોવામાં આવ્યો છે. હર્પિસ ઝોસ્ટર વેરિસેલા જોસ્ટર વાયરસનાં કારણે થાય છે. આ એક સંક્રમક રોગ હોવાથી તેમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આમ તો આ રોગ ૫૦ વર્ષ પછી કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ થઈ શકે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે, આ વાયરસ એ વ્યક્તિને ઝડપથી પ્રભાવિત કરે છે, જેને પહેલાં ચિકનપોક્સ થઈ ગયેલ હોય. જો ચિકનપોક્સનો વાયરસ વેરિસેલા જોસ્ટર પહેલાંથી જ શરીરમાં હોય તો હર્પિસ ઝોસ્ટર થવાની શક્યતા ખૂબ વધી જાય છે.
જો આ બિમારી થયેલ હોય તો વાંચકમિત્રોને નમ્ર વિનંતી કે પાણી ભરેલાં દાણાને હાથ ન અડાડવો કે ન તો એમને ફોડવા. કારણ કે તેમને ફોડવાથી જે પદાર્થ દાણામાંથી નીકળે છે, તે શરીરનાં અન્ય ભાગો પર કે કપડાં પર લાગી શકે છે. આવી પરિસ્થિતિમાં રોગીને અન્ય લોકોથી દૂર રાખવો જોઈએ. તેનાં કપડાં, વાસણ અને તેણે ઉપયોગમાં લીધેલ કોઈ પણ વસ્તુને અલગ અને સંક્રમણ રહિત તથા સફાઈયુક્ત રાખવી જોઈએ. હર્પિસ રોગમાં ઘણીવાર જનનેન્દ્રિય અને શરીરનાં અન્યભાગો પર પાણી ભરેલાં દાણાં નીકળી આવે છે. જેવા આ દાણાં થોડાં મોટા થાય છે, તે ફૂટી જાય છે અને જ્યારે આ ફૂટેલાં દાણાનું પાણી શરીરનાં અન્યભાગોમાં લાગે છે, તો ત્યાં પણ સંક્રમણ ફેલાઈ શકે છે.
લક્ષણો :
(૧) આ રોગમાં જનનાંગે તથા શરીરના અન્ય ભાગોનાં પાણી ભરેલાં દાણા નીકળી આવે છે, જેવાં આ દાણા મોટાં થાય છે, તે ફૂટે છે અને જ્યારે આ પાણી શરીરના અન્ય ભાગોમાં લાગે છે, ત્યારે ત્યાં પણ સંક્રમણ ફેલાવાની શક્યતાઓ રહેલી છે.
(૨) સમગ્ર શરીરમાં દુ:ખાવો અને ખંજવાળ આવે છે. મોં સિવાય શરીરનાં અન્ય ભાગોમાં ઘાવ થઈ જાય છે.
(૩) હંમેશાં તાવ રહે છે. શરીરમાં લિંફનોડ મોટી થઈ જાય છે.
(૪) શરીર પર ઘણી જગ્યાએ લાલ રંગના ચકામા ઉભરી આવે છે.
(૫) દાણાં નીકળતાં પહેલાં રોગીને દર્દ ચાલુ થઈ જાય છે.
(૬) દર્દ થવાનાં કેટલાંક દિવસો પછી તે જગ્યાની ત્વચા પર લાલ-લાલ ફોલ્લીઓ નીકળવી શરૂ થઈ જાય છે. ધીરે ધીરે આ ફોલ્લીઓમાં પાણી ભરાય છે.
(૭) આ ઉપરાંત ઘુંટણમાં દુ:ખાવો, શિર:શૂલ, અને થાક પણ લાગે છે. ફોલ્લીઓમાં દર્દ થવો એ આ રોગનું સામાન્ય લક્ષણ છે. ઘણાં દર્દીઓમાં આ દર્દ ઘણું વધારે હોય છે.
વરસાદ તેમજ ઠંડીનાં વાતાવરણમાં આ રોગનું સંક્રમણ ફેલાવાની શક્યતા ખૂબ છે.
કારણ : આ રોગનાં વાયરસ સંક્રમિત વ્યક્તિની ત્વચા પર સતત હાજર હોય છે. આ વાયરસ સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવવાવાળા કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, અને તેમાં પણ સંક્રમિત વ્યક્તિ સાથે યૌનસંબંધ કે મુખમૈથુન કરવાથી પણ આ વાયરસનું સંક્રમણ અન્ય સ્વસ્થ વ્યક્તિમાં થવાની સંભાવનાઓ ખૂબ રહે છે.
મોટાભાગે હર્પિસનાં ઇન્ફેકશનની શરૂઆત ચહેરા અને શરીર પર જોવા મળે છે. એકવાર આ રોગ થઈ જવા પર તેને સંપૂર્ણ રીતે મટાડવો ખૂબ અઘરો છે. માત્ર સમય સમય પર આ રોગનાં લક્ષણો દેખાવા પર તેની સારવાર કરી શકાય છે.
* સારવાર
- આ રોગમાં સાધારણ ગરમ પાણીમાં મીઠું નાખીને નહાવાથી ફાયદો થાય છે.
- આ રોગમાં પંચકર્મ સારવાર ખૂબ ફાયદો કરે છે, જેમાં લંઘન (ઉપવાસ), વિરેચન, રક્તમોક્ષણ અને લેપથી ખૂબ સારું પરિણામ મળે છે, જે નિષ્ણાંતની સલાહ મુજબ કરવું.
- યષ્ટિમધુ, અર્જુન, ગાયનું ઘી, હરડે વગેરે પણ આ રોગમાં સારું પરિણામ આપે છે.
- અમૃતાદિ કવાથ ૫ ગ્રામની માત્રામાં સવાર-સાંજ ઉકાળી ભૂખ્યા પેટે તેનું સેવન હિતકર છે.
- પંચતિક્તધૃત ગુગ્ગલુ ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને ગરમ પાણી સાથે લેવી.
- જે ફોડલાઓમાં ખૂબ બળતરા હોય ત્યાં જાત્યાદિ મલમ લગાવવું જોઈએ.
- આ રોગમાં ફ્રૂટ, શાકભાજી-જેવા કે દૂધી, કારેલા, ગલકા, દાડમ વગેરે ખાવાથી ફાયદો થાય છે.
- યૌનસંબંધ, તેમજ પિત્ત વધારે તેવાં લસણ, ડુંગળી, મરચાં જેવા આહાર આ રોગમાં વર્જ્ય છે.
યોગ્ય આહાર-ઔષધ આ રોગ પર અવશ્ય નિયંત્રણ અપાવે છે તેમાં શંકાને સ્થાન નથી.


