હળવા કબજિયાતની તકલીફનો રામબાણ ઈલાજ હર્બલ ટી
- કબજિયાત પોતે રોગ નથી પણ અનેક રોગ તેની આંગળી પકડીને શરીર સુધી આવી શકે છે
- અનેક અભ્યાસમાં પણ જણાયું છે કે કેટલાક પ્રકારના ઊકાળા(ટી) સીધી યા આડકતરી રીતે કબજિયાતમાં રાહત આપી શકે છે.હર્બલ કે વિવિધ છોડનાં પાન, બીજ,મૂળ,છાલ પાણીમાં ઊકાળી કબજિયાત માટેની હર્બલ ટી તૈયાર કરી શકાય છે.
આથક સદ્ધરતા માટેની દોટમાં શહેરીકરણ અને આધુનિક જીવનશૈલી અનિવાર્ય બન્યાં છે.શહેરીકરણ અને આધુનિક જીવનશૈલીએ કેટલાક માનસિક તથા શારીરિક રોગ અને બીમારીઓને મોકળું મેદાન આપ્યું છે.છૂટો દોર મળ્યા પછી રોગ અને બીમારીઓ શાંતિથી બેસે?ના,એ વારંવાર માથું ઊંચકવાનાં જ!
આમાંની એક તકલીફ છે કબજિયાત. બંધકોશ અને મળાવરોઘને નામે પણ ઓળખાતો કબજિયાત કોઈ રોગ નથી પણ એક લક્ષણ છે.મહત્ત્વની બાબત એ કે ભલે તે રોગ ન હોય પણ એની આંગળી પકડીને અનેક રોગ શરીર સુઘી આવી શકે છે.ક્રોનિક (લાંબાસમયના) કબજિયાત બવાસીર, ગુદાના રોગો જેવા કે ભગંદર અને ફિશરનું જોખમ વઘારે છે.આવા કબજિયાતથી આંતરડામાં એક ખાસ પ્રકારનો બલ્જ (આઉટપાઉચિંગ )બને છે.આથીઆંતરડાં -માં ઈન્ફેકશન કે સંકોચન થઈ શકે છે.તે આંતરડાં કે કોલન કેન્સરનું કારણ પણ બની શકે છે.
પેટ સાફ ના આવે,મળનું પ્રમાણ ધટે,મળ કઠણ થાય,મળ ત્યાગનું પ્રમાણ ધટે કે શૌચક્રિયા વેળાએ ખૂબ તકલીફ થાય,પેટનું ફૂલવું,પેટમાંદુથખાવો,ગેસ થવો,ચીડિયાપણું, તણાવ,માથાનો દુ:ખાવો,મોમાં છાલાં પડવાં, થાક-નબળાઈનોઅનુભવ,ચક્કર કે ઉબકા આવવા વગેરે કબજિયાતનાં લક્ષણો છે.આ તકલીફ બાળકથી માંડીને વૃદ્ધો સુધીના સૌ કોઈને થઈ શકે છે.
બેઠાડુ જીવનશૈલી,શારીરિક શ્રમ તથા કસરતનો અભાવ,જંક ફૂડ,પ્રૌસેસ્ડ ફૂડ,તળેલા અને મસાલેદાર ખાદ્યપદાર્થ,અકારણ ખાવું,પૂરતું પાણી ન પીવું,ધૂમ્રપાન,શરાબનું સેવન એ ઉપરાંત અનિદ્રા,ચિંતા,ઉદ્વેગ જેવાં કારણોસર કબજિયાત થાય છે.ઉંમર વધવા સાથે આંતરડાની હિલચાલ ઓછી થાય છે. આ જ કારણે વિર્શ્વના ૬૦ વર્ષથી વઘુ વયના લગભગ ૭૦ ટકા લોકોને કબજિયાત છે.
નિષ્ણાતોનું માનવું છે કે આહાર અને જીવનશૈલીમાં સરળ ફેરફારો સાથે કબજિયાતની સારવાર કરી શકાય.પૂરતા પ્રમાણમાં ફાઈબરવાળો આહાર લેવો, પુષ્કળ પ્રવાહી લેવું,શારીરિક શ્રમ કરવાથી કબજિયાતમાં રાહત થાય છે. આયુર્વેદમાં આ તકલીફના અક્સીર ઈલાજો છે તો ઘરગથ્થુ ઉપચાર પણ કબજિયાત સામે કારગત નીવડયા છે. આમાં હર્બલ ટીનો પણ સમાવેશ થાય છે.
સદીઓથી લોકો પાચન સંબંધી તકલીફમાં રાહત મેળવવા વિવિધ હર્બલ(હર્બ-જડી-બુટ્ટી-વનસ્પતિના ઔષધીય ગુણોવાળા ધટકો)ટીનું સેવન કરતા આવ્યા છે.અનેક અભ્યાસમાં પણ જણાયું છે કે કેટલાક પ્રકારના ઊકાળા(ટી) સીધી યા આડકતરી રીતે કબજિયાતમાં રાહત આપી શકે છે.મોટા ભાગની રેચક(જુલાબ કરે તેવી) વનસ્પતિજન્ય ઔષધિમાં એન્થ્રેક્વિનોન નામનું કાર્બનિક સંયોજનહોય છે.આંતર- ડાંમાં રેચક અસર કરતા કેટલાક છોડવામાં આ સંયોજન જેવા મળે છે.રેચક જડી- બુટ્ટીઓ મોટા આંતરડામાં પાણીને ધકેલે છે અને એ રીતે આંતરડાની આંકુચન(સંકોચન) પ્રસરણની ક્રિયાનો વેગ વધારે છે.પરિણામે મોટા આંતરડામાંનો મળ મલાશયમાં ધકેલાય છે.હર્બલ કે વિવિધ છોડનાં પાન, બીજ,મૂળ,છાલ પાણીમાં ઊકાળી કબજિયાત માટેની હર્બલ ટી તૈયાર કરી શકાય છે. આવી લોકપ્રિય ટીમાં પેપમન્ટ ટી,કાસ્કારા ટી,ગ્રીન ટી,જીજંર ટી,ડેંડિલિ -અન ટી,સેન્ના ટી તથા લિકરિસ ટીનો સમાવેશ થાય છે.વિવિધ હર્બલ ટી હળવા પ્રકારના કબજિયાતમાં રાહત આપે એ અનુભવસિદ્ધ હકીકત છે.
પેપમન્ટ ટી : અર્થાત્ ફૂદીનાંનો ઉકાળો. ફૂદીનાના પાનમાં મેન્થોલ હોય છે.મેન્થોલમાં દર્દશામક ગુણ છે.આ ગુણ પેટનો દુ:ખાવો મટાડી મળને સરળતાથી મોટા આંતરડામાંથી પસાર કરે છે.ફૂદીનાનાં આવશ્યકતા મુજબનાં પાન પાણીમાં ઊકાળો એટલે પેપમન્ટ ટી તૈયાર!
કાસ્કારા ટી : કાસ્કારા સાગ્રાડા એક જાણીતી રેચક ઔષધિ છે.મૂળ અમેરિકન વૃક્ષ કાસ્કારા બકથ્રોનની છાલમાંથી તે તૈયાર થાય છે.છાલમાંનું એન્થ્રેક્વિનોન આંતરડામાં રેચક અસર કરે છે તથા મોટા આંતરડાને સક્રિય કરે છે.આંતરડાના સંકોચનપ્રસરણને વધારે છે.પરીણામે મળ મોટા આંતરડામાંથી પસાર થાય છે.કાસ્કારા બકથ્રોનની એક ટી. સ્પૂન છાલ બેતૃતિયાંસ પાણીમાં પાંચદસ મિનિટ ઊકાળી આ ટી બનાવી શકાય.વધુ પડતી કાસ્કારા ટી પીવી સલાહભર્યું નથી
ગ્રીન ટી : ગ્રીન ટીમાં કેફિન હોય છે જે આંતરડાંની હિલચાલ(સક્રિયતા)ને ઝડપી કરે છે.ધ્યાન રાખવાની બાબત એ કે વધુ પ્રમાણમાં કેફીન લેવાથી ડાયેરિયા(ઝાડા)થઈ શકે છે.૨૦૧૬માં પ્રાણીઓ પર કરાયેલા એક અભ્યાસમાં જણાયું હતું કે ગ્રીન ટી માં સ્ટ્રિટીનિન નામનું સંયોજન છે.પ્રાણીઓને ગ્રીન ટી આપવામાં આવતાં જણાયું હતું કે સ્ટ્રિટીનિનની તેમને ભારે પ્રમાણમાં રેચક અસર થઈ હતી.ગ્રીન પાનને પાણીમાં થોડોક સમય ઊકાળતાં ગ્રીન ટી તૈયાર થાય છે.
જીંજર ટી : ખાદ્ય પદાર્થ બનાવવામાં તથા કબજિયાત સહિતની વાયુવિકાર(ગેસ)ની અનેક તકલીફમાં એમ બન્ને રીતે આદુ ઉપયોગી છે. ભોજન પછી આદુનો ઉકાળો પીવાથી આંતરડાં સક્રિય થાય છે અને ખોરાક સહેલાઈથી પચે છે.
ડેંડિલિઅન ટી : ડેંડિલિઅન એટલે પીળા રંગનાં ફૂલ આપતો વગડાઉ છોડ.ડેંડિલિઅન ટી હળવા કબજિયાતમાં રાહત આપે છે.આ ટીથી લિવર સક્રિય થઈ પિત્ત પેદા કરે છે. પરિણામે કબજિયાત દૂર થાયછે.ડેંડિલિ અન છોડવાનાં ફૂલ તથા પાન ધોઈ ૧૫થી ૨૦ મિનિટ પાણીમાં ઊકાળવા સાથે ડેંડિલિઅન ઉકાળો તૈયાર થાય છે.
સેન્ના ટી : સેન્ના સોફેરા એટલે કાસુંદરી નામનો છોડ.આ ઔષધીય ગુણોવાળા છોડવાનો આયુર્વેદમાં બહોળો ઉપયોગ થાય છે.સેન્નામાં ગ્લિકોસાઈડ્સ નામક સંયોજન છે. જે રેચક અસર કરે છે અને મળ સરળતાપૂર્વક આંતરડામાંથી પસાર થાય છે. સેન્નાનાં બેત્રણ ગ્રામ જેટલાં સૂકાં પાન પાણીમાં ઊકાળી સેન્ના ટી તૈયાર કરી શકાય. આ ટી દિવસમાં બે કપથી વધુ પીવી યોગ્ય નથી.
લિકરિસ રૂટ ટી : લિકરિસ રૂટ એટલે જેઠી- મધ.કબજિયાત સહિતની વિવિધ બીમારી- ઓના ઈલાજમાં જેઠીમધ વપરાય છે. જેઠી- મધમાં એન્ટીઈન્ફ્લેમેટરી, એન્ટીઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિઅલ એન્ટીફંગલ, એન્ટિવાયરલ ગુણ છે. આવશ્યક્તા મુજબ સવારે એક કપ નવશેકા પાણીમાં એક ચપટી જેઠીમધનો પાવડર નાખી પીવાથી હળવા કબજિયાત સહીતની સ્વાસ્થ્યની અનેક તકલીફમાં રાહત મળે છે.
મહત્વનું એ કે ક્યારેક થતા કબજિયાત માટે ટૂંક સમયના ઈલાજ તરીકે હર્બલ ટી લી શકાય. પરંતુ ક્રોનિક,હઠીલા કબજિયાત માટે નિષ્ણાત ડોક્ટરની સલાહ અનિવાર્ય છે.
- મહેશ ભટ્ટ