હીરા હૈ સદા કે લિયે .
- તેરે પહલૂ મેં ચાંદ સિતારેં લગા દૂં, તેરી માંગ હીરોં સે સજા દૂં...
એક અંગ્રેજી વાક્ય ક્યાંક વંચાયેલું ''ડાયમંડ્સ આર ગર્લ્સ ઍબસોલ્યુટ બેસ્ટ ફ્રેન્ડ'' અર્થાત હીરો સદાયનો સંગાથી. ડાયમંડ શક્તિ, વૈભવ અને સૌંદર્યનું પ્રતિક છે. પ્રેમી પોતાની આર્થિક સબળતા અને અખૂટ પ્રેમ દર્શાવવા માટે પ્રેમિકાને હીરાની ભેટ આપતા હોય છે. (સામાન્ય પ્રેમીઓએ ગુલાબથી ચલાવી લેવુ) હીરો યાદ આવે એટલે ઝળહળાટ, અનુપમ સૌંદર્ય, અખૂટ સંપત્તિ, મોહક અદા અને અતુલ્ય પસંદગી યાદ આવે છે. હીરો માનવીને નિસર્ગની અમુલ્ય ભેટ છે. બીજા કોઈપણ જવેરાતમાં હીરો શિરમોર જ ગણાયો છે. તેમાં રહેલી સાદગી, વિવિધતા, ઝળહળાટ, ગુણવત્તા, અલભ્યતા, અવિનાશીતાએ હીરાને પ્રેમનું પ્રતિક બનાવ્યો છે.
'ડાયમંડ' શબ્દ મૂળ ગ્રીક શબ્દ 'અડમ્સ' (છગચસજ) પરથી પ્રેરિત છે, જેનો અર્થ અવિજેય થાય છે. ઈતિહાસ હીરાની અજેયતાનો સાક્ષી છે. કંઈ કેટલાય રાજા મહારાજાઓએ, સુલતાનોએ આ કિંમતી પથ્થર મેળવવા માટે અનેક યુદ્ધો લડી નાંખ્યા છે. પરંતુ જગતમાં સૌથી પહેલાં હીરો ધારણ કરનાર યુવતીઓ એટલે રાજકન્યાઓ હતી. જ્યારે દુનિયામાં કોઈ હીરો પહેરતું નહોતું ત્યારે ભારતીય રાજકુમારીઓ મુગુટમાં, હારમાં, કંગનમાં, કમરપટ્ટામાં અને વીંટીમાં અતુલ્ય હીરા જડી પહેરતી હતી.
અમરપ્રેમના પ્રતિક હીરા વિશે દુનિયાની દરેક સંસ્કૃતિઓમાં જુદી જુદી આખ્યાયીકાઓ વહે છે. ગ્રીક સંસ્કૃતિમાં હીરાને ભગવાનના આંસુ ગણાવાય છે. પ્રાચીન રોમન લોકો તેને ખરતા તારાનો તૂટેલો ભાગ સમજતાં હતા. ઈટાલિયન પ્રજા હીરાને સરળ સમજૂતી કરાવતા અમૂલ્ય પથ્થર તરીકે ઓળખતી હતી, જે પથ્થર દ્વારા પતિ અને પત્ની વચ્ચે સંવાદિતા અને પ્રેમ સ્થપાતો હતો. એક સમયમાં સુધી હીરો ફક્ત રાજા મહારાજાઓ દ્વારા મહેલોમાં પહેરાતી અમૂલ્ય જણસ હતો. સાચા હીરા રાજાઓના મુગટની શોભા વધારતા હતા.
દુનિયાની દરેક સંસ્કૃતિમાં હીરા શાશ્વત પ્રેમના પ્રતિક તરીકે માન્ય રહ્યા છે. સર્વપ્રથમ સગપણની વીંટીમાં હીરો જડીને પ્રેમની પ્રથમ ભેટ તરીકે, રાજકુમારી મેરી ઑફ બરગન્ડીને ઑસ્ટ્રિયાના રાજકુમાર આર્કડયુક મેક્સિમીલરએ આંગળીમાં પહેરવી હતી. ત્યારથી ડાબા હાથની ત્રીજી આંગળીમાં હીરા જડિત સગપણની વીંટી પહેરવાનો રિવાજ પ્રચલિત થયો. આમ જોતા ડાબા હાથની ત્રીજી આંગળીમાંથી પસાર થતી લોહીની નસ સીધી હૃદય સાથે જોડાયેલી હોય છે તેથી કદાચ હીરા જડિત વીંટી ડાબા હાથની ત્રીજી આંગળીમાં પહેરાતી હશે. ખનિજશાસ્ત્રમાં હીરાની ગણના નિસર્ગની સૌથી સુંદર ઉત્પત્તિ તરીકે કરવામાં આવે છે. એની નક્કરતા, ચળકાટ અને મોહક સૌંદર્ય એની અમૂલ્યતામાં હંમેશા ઉમેરો કરતા રહે છે. હીરાના દરેક અમૂલ્ય પત્થર પર નિસર્ગદત્ત નિશાની હોય છે જે કુદરતના હસ્તાક્ષર તરીકે ઓળખાય છે. આ નૈસર્ગિક નિશાનીઓ હીરાને બીજા પત્થરો કરતાં અલગ પાડે છે. એક વણસ્પર્શી નિતાંત સુંદરતા હિરાને મોહિની સ્વરૂપ આપે છે. હીરાઓની તારવણી તેમના આંતરિક ચળકાટ અને બાહ્ય પ્રકાશને પરિવર્તીત કરવાની ક્ષમતા પરથી કરવામાં આવે છે.
હીરા તેની દુર્લભતા માટે પ્રખ્યાત છે. ખૂબ જ સખત ગરમી અને પ્રતિકૂળ વાતાવરણવાળી ઓછી જમીનોમાં હીરાની ખાણો આવેલી છે. જમીનમાંથી મળ્યા બાદ દુનિયાના ચાર ખંડોમાંથી આ પત્થર સફર કરે છે અને હજારો લોકોના હાથમાંથી પસાર થયા બાદ સુંદર પાંસાઓ યુક્ત ચળકાટ ભર્યો હીરો જવેરાતમાં જડવા યોગ્ય બને છે. આજ દિન સુધી હીરો નસીબ, સૌષ્ઠવ, હીંમત, ઐશ્વર્ય અને શક્તિની નિશાની ગણાય છે. તેનું મોહક સૌંદર્ય પુરૂષ અને સ્ત્રી બંનેને સરખો મોહ પમાડે છે.
પરંતુ હીરો હવે ફક્ત રાજવી પરિવારોનો ઈજારો રહ્યો નથી. આજકાલ હીરા અલગ-અલગ રીતે ઓછી વધતી કિંમતે સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે. જીવનની યાદગાર ક્ષણોનો હીરો સહજ સાક્ષીદાર બની રહ્યો છે. રાજમહેલોની હદ પાર કરતાં હીરાની હાજરીમાં આજના આધુનિક નર-નારીના શુભ પ્રસંગો યાદગાર બની રહ્યાં છે. પ્રેમાળ વ્યક્તિ પ્રત્યે પ્રદર્શિત થતો અખૂટ પ્રેમભાવ, હક્ક અને પ્રતિપ્રેમની મહેચ્છા હીરાની ભેટ સાથે સંકળાયેલા હોય છે. દરેક સ્ત્રીના હૃદયમાં ભાવ રહેલો હોય છે કે પ્રિય વ્યક્તિ દ્વારા અપાતી હીરાની ભેટ એટલે સૃદૃઢ સનાતન પ્રેમ સંબંધ બાંધવાની પુરુષ ઈચ્છા. 'અલ્ટીમેટ ગીફ્ટ ઑફ લવ' એટલે ઝળહળતો હીરો.