Get The App

હૃદયરોગ અને આયુર્વેદ .

Updated: Jan 27th, 2025

GS TEAM


Google News
Google News
હૃદયરોગ અને આયુર્વેદ                                 . 1 - image


- આરોગ્ય સંજીવની

હૃદયરોગ એ આજકાલ ઘણો સામાન્ય રોગ છે. મોટાભાગે ૫૦-૬૦ વર્ષ પછી ઘણાં બધાં દર્દીઓમાં આ રોગ જોવા મળતો હોય છે, તે રોગનું નામ છે ''હૃદયરોગ''.

હૃદયરોગ ઉપર આયુર્વેદની અસર ખૂબ જ અસરકારક રહી છે. હૃદયનાં સ્વાસ્થ્ય પ્રત્યે આપણે ઘણીવાર બેકાળજીપૂર્વક વર્તતા હોઈએ છીએ. પરિણામે હૃદયની અનેક બનારીઓનો ભોગ બનીએ છીએ. પુરૂષ દર્દીઓમાં વધારે જોવા મળતો આ રોગ આજનાં સમયમાં મહિલા દર્દીઓમાં પણ વ્યાપક રૂપે જોવા મળતો થઈ ગયો છે. હૃદય એ શરીર માટે બહુ જ અગત્યનું અંગ છે. હૃદય બે સેકન્ડ માટે પણ વિશ્રામ લે તો આપણે જંદગીથી વિશ્રામ લઈ લેવો પડે. હૃદયરોગ ઉપર આયુર્વેદ ખૂબ કારગત નિવડયું છે. આજે કેટલાંક એવા ઔષધો વિશે ચર્ચા કરીશું કે, જે સમયસર લેવાથી આ રોગથી જીંદગીભર મુક્ત રહી શકાય છે.

હૃદયરોગનાં કારણોની ચર્ચા કરીએ તો, અતિમાનસિક તનાવ, ચિંતા, ભાગદોડભર્યું જીવન, અતિ માનસિક તનાવ, ચરબીયુક્ત આહાર જેવા કે, ઘી, તેલ, માખણ વગેરેનો વધુ પડતો ઉપયોગ, વધુ પડતો શ્રમ, હાયબ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરેનાં કારણે આ રોગ થવાની સંભાવનાઓ વધી જાય છે. આ ઉપરાંત ધૂમ્રપાન, તમાકુસેવન, મદ્યપાન, માંસહાર વગેરેનું સેવન કરનાર વ્યક્તિમાં સામાન્ય માણસ કરતાં હૃદયરોગ થવાની સંભાવના ૭૫ % જેટલી વધારે હોય છે. ઘણીવાર સ્ત્રીઓમાં વારંવાર કરવામાં આવતો ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ બ્લડપ્રેશરને વધારે છે. જેથી આવી સ્ત્રીઓમાં હૃદયરોગનાં હુમલા આવવાની શક્યતાઓ વધારે જોવા મળે છે.

હૃદયરોગ થાય તે સમયે દર્દીમાં કેટલાંક લક્ષણો જોવા મળે છે, જેમકે, હૃદયરોગનાં હુમલા વખતે હૃદયપ્રદેશ પર તીવ્ર પીડા થાય છે. પીડા એટલી બધી હોય છે કે રોગી તે સહન કરી શકતો નથી. ઘણીવાર હૃદયપ્રદેશમાં પીડા ન થતાં વામહસ્તપ્રદેશથી પીડાનો આરંભ થાય છે, અને ધીમે ધીમે પીડા વધતી જાય છે. પીડાનાં કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પરિણામે દર્દી મરણાસન્ન અવસ્થામાં આવી જાય છે. આ રોગ અચાનક જ શરૂ થાય છે અને હુમલો તીવ્રરૂપ ધારણ કરી લે છે. હાર્ટએટેકેનાં પ્રથમ હુમલા સમયે દર્દી જો બચી જાય તો કેટલાંક દિવસ કે મહિનાઓ પછી હૃદયશૂલનો બીજો હુમલો આવવાની સંભાવના પણ રહે છે. હૃદયશૂલનો ત્રીજો હુમલો બીજા હુમલાની તુલનામાં વધારે તીવ્ર અને ઝડપી થાય છે. હાર્ટએટેક સમયે હૃદય પર ગુરૂતા અને તીવ્ર પીડા અનુભવાય છે. પીડાનાં કારણે રોગી પરસેવાથી લથ-પથ થઈ જાય છે. ઘણીવાર શ્વાસાવરોધ પણ થાય છે, તીવ્ર શ્વાસાવરોધની પરિસ્થિતિમાં મૃત્યુ થવાની સંભાવના પણ રહી શકે છે. આ હુમલાની સ્થિતિ ૧ મિનિટથી લઈને ૧ કલાક સુધીની પણ હોઈ શકે છે.

હૃદયરોગનાં દર્દીઓ કેટલીક કાળજી રાખવી અનિવાર્ય છે, જેમાં :-

(૧) બ્લડપ્રેશર અને વજનને નિયંત્રણમાં રાખવું.

(૨) ચા અને કોફીનું અલ્પ માત્રામાં સેવન કરવું.

(૩) નિયમિત હલકી કસરત કરવી.

(૪) વાતવર્ધક આહારથી પરેજી રાખવી.

(૫) સાદું અને હલકું ભોજન લેવું.

(૬) તાજું અને ઓછું ભોજન લેવું.

(૭) ભોજનમાં ચરબી, ઘી, તેલ વગેરેનો ઉપયોગ ઓછો કરવો.

(૮) મોટાપાથી બચવું અને કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું.

(૯) તનાવરહિત અને શાંતિપુર્ણ જીવન પસાર કરવું.

આયુર્વેદમાં એવા ઘણા બધા ઔષધો છે, જેનાથી તંદુરસ્ત વ્યક્તિ જીંદગીભર હૃદયરોગનાં હુમલાથી બચી શકે.

જેમાં, (૧) હૃદયના તમામ રોગો ઉપર ''અર્જુનત્વક'' શ્રેષ્ઠ બતાવી છે, અર્જુનની છાલનું ચૂર્ણ ૧૦ ગ્રામ, દૂધ ૧૫૦ મિલી, પાણી ૧૫૦ મિલી, ફુદીનાનાં પાંદડા ૪ થી ૫ નંગ, તુલસીપત્ર ૪ થી ૫ નંગ લઈ બધું જ ઉકાળવું. બધું જ પાણી બળી જાય અને દૂધ બાકી રહે ત્યારે ગાળીને સવાર-સાંજ પીવું. ''અર્જુનક્ષીરપાઠ''નો આ પ્રયોગ હૃદયરોગીઓ માટે પૂરો લાભકારી સાબિત થશે.

(૨) અર્જુનની છાલનું ચૂર્ણ ૫ ગ્રામ અને પુષ્કર મૂળનું ચૂર્ણ ૪ ગ્રામ લઈ પાણી સાથે દિવસમાં ૨ વખત સેવન કરવાથી લાભ થાય છે.

(૩) પ્રભાકર વટી ૧ થી ૨ ગોળી સવાર-સાંજ અર્જુન સિધ્ધ દૂધની સાથે લેવાથી ઘણો લાભ થાય છે.

(૪) હરડે, રાસ્ના, વય, પીપળો, પુષ્કર મૂળ અને સૂંઠ ૫-૫ ગ્રામ માત્રામાં લઈને કૂટી, લસોટી ઝીણું ચૂર્ણ બનાવીને રાખવું, ૩-૩ ગ્રામ ચૂર્ણ પાણીની સાથે સેવન કરવાથી કફજ હૃદયરોગ નષ્ટ થાય છે.

(૫) દરેક પ્રકારનાં હૃદયરોગ ઉપર લસણ ખૂબ જ અદ્ભૂત પરિણામ આપે છે. લસણ લોહીનાં ઉચ્ચ દબાણને પણ ઓછું કરે છે.

આ ઉપરાંત હૃદયાર્ણવરસ, જહરમહિરાપિષ્ટી, સ્વર્ણભસ્મ, રજતભસ્મ, મુકતાપિષ્ટી, અર્જુનારીષ્ટ વગેરે ઔષધોનો પ્રયોગ નિષ્ણાંતની સલાહમાં રહીને કરી શકાય છે. અર્જુન ઉપરાંત પીપળાનાં પાંદડાનો ઉકાળો પમ હૃદયરોગ ઉપર ખૂબ જ અસરકારક પરિણામ આપે છે. આ ઉકાળો લેતાં પહેલા પેટ એકદમ ખાલી ન રાખવું, પરંતુ હલકો નાસ્તો કર્યા પછી જ ઉપરોક્ત પ્રયોગ કરવો. હાર્ટએટેક પછી લગાતાર પંદરથી વીસ દિવસ સુધી આને લેવાથી હૃદય ફરીથી સ્વસ્થ થઈ જાય છે અને હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા ભવિષ્યમાં નહિવત થઈ જાય છે.

આમ, 'અર્જુન' અને 'પીપળો' એ હૃદય માટે ખૂબ અસરકારક સાબિત થયેલ છે. જેનો ઉપયોગ આ ગંભીર બીમારીમાંથી છૂટકારો અપાવે છે, જેમાં બે મત નથી.

- જ્હાનવીબેન ભટ્ટ

Tags :