Get The App

આરોગ્ય સંજીવની - ડૉ. જ્હાનવીબેન ભટ્ટે

- રોગ અને તેનું સર્વોત્તમ ઔષધ

Updated: Jun 30th, 2020

GS TEAM

Google News
Google News
આરોગ્ય સંજીવની - ડૉ. જ્હાનવીબેન ભટ્ટે 1 - image


આયુર્વેદ એ જીવનનું વિજ્ઞાાન છે. હજારો વર્ષ જૂનાં આ ચિકિત્સા વિજ્ઞાાનમાં દરેક રોગની ચિકિત્સા તેના આહાર-વિહાર પરેજી વગેરે બધાનું વર્ણન કરેલું છે. દરેક રોગોની એક કરતાં વધારે દવા પણ બતાવેલી છે. જેમ કે, યાદશક્તિ વધારવા માટે બ્રાહ્મી, શંખપુષ્પી, વચા જેવી ઘણી ઔષધી બતાવી છે, પણ ત્યારે એવો સવાલ થાય કે, સામાન્ય રીતે જે-તે રોગ ઉપર શ્રેષ્ઠ શું છે ? આમ તો નિષ્ણાંત રોગ, દર્દીની પ્રકૃતિ તેની જીર્ણતા તે કેટલા વર્ષ જૂનો છે, તે બધી વિગતો પરથી દર્દી માટે જે-તે દવા નક્કી કરતાં હોય છે. પણ આજે એવા ઔષધો અને રોગો પર પ્રકાશ પાડવા જઈ રહી છું કે જે, સામાન્યતઃ જે-તે રોગ માટે શ્રેષ્ઠ છે.

અત્યારે કોરોનાનો કેર સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે તો તેના લક્ષણો પ્રમાણે સૌ પ્રથમ ઔષધોની વાત કરીએ. જેમાં ફલ્યુનું સર્વોત્તમ ઔષધ તુલસી છે.

- મેલેરિયાનું સર્વોત્તમ ઔષધ સપ્તપર્ણ છે.

- વાતજ્વરનું સર્વોત્તમ ઔષધ સૂંઠ છે.

- શરદીનું સર્વોત્તમ ઔષધ આદુ છે.

- શ્વાસનું સર્વોત્તમ ઔષધ ભારંગમૂળ છે.

- કાકડાનું સર્વોત્તમ ઔષધ હળદર છે.

- ક્ષયનું સર્વોત્તમ ઔષધ અરડૂસી છે.

- તાવનું સર્વોત્તમ ઔષધ ગળો છે.

- ઉરઃક્ષતનું સર્વોત્તમ ઔષધ લાખ છે.

એ સિવાય અન્ય રોગોનાં ઉત્તમ ઔષધો વિશે વાત કરીએ તો,

- અનિંદ્રામાં પીપરીમૂળ શ્રેષ્ઠ છે.

- અમ્લાપિત (એસીડીટી)માં 

આમળા શ્રેષ્ઠ છે.

- અસ્થિભંગમાં શ્રેષ્ઠ લાખ છે.

- આમવાતમાં શ્રેષ્ઠ સૂંઠ છે.

- આર્તવદોષમાં શ્રેષ્ઠ કુંવાર છે.

- ઉનવામાં શ્રેષ્ઠ ગોખરું છે.

- કૃમિમાં શ્રેષ્ઠ વાવડીંગ છે.

- કબજીયાતમાં શ્રેષ્ઠ હરડે છે.

- કૃશતામાં શ્રેષ્ઠ અશ્વગંધા છે.

- ગંડમાલામાં શ્રેષ્ઠ કાંચનાર છે.

- ખુજલી-કંડુમાં શ્રેષ્ઠ લીમડો છે.

- ગાંડપણમાં શ્રેષ્ઠ બ્રાહ્મી છે.

- ચર્મરોગમાં શ્રેષ્ઠ લીમડો છે.

- દાઝ્યામાં શ્રેષ્ઠ રાળ છે.

- નેત્રરોગમાં શ્રેષ્ઠ ત્રિફળા છે.

- પથરીમાં શ્રેષ્ઠ પાષાણભેદ છે.

- પાર્શ્વશૂળમાં શ્રેષ્ઠ પુષ્કરમૂળ છે.

- મુખરોગનું શ્રેષ્ઠ ઔષધ ખેર છે.

- મંદાગ્નિનું શ્રેષ્ઠ ઔષધ આદું છે.

- રક્તદોષનું શ્રેષ્ઠ ઔષધ સારિવા છે.

- રક્તપિત્તનું શ્રેષ્ઠ ઔષધ અરડૂસી છે,

- વંધ્યત્વનું શ્રેષ્ઠ ઔષધ લક્ષ્મણા છે.

- વાયુનાં રોગોમાં શ્રેષ્ઠ રાસ્ના છે.

- હૃદયરોગમાં શ્રેષ્ઠ ઔષધિ અર્જુન છે. - - ટાલમાં શઅરેષ્ઠ કડવી પરવળ છે.

- રક્તાર્શમાં ઈન્દ્રજવ શ્રેષ્ઠ છે.

- વ્રણમાં લીમડો શ્રેષ્ઠ છે.

આ ઉપરાંત આજે શરદી માટે કેટલાંક સરળ ઉપાયો સૂચવું છું. જે વાંચક મિત્રોને 'શરદી'ની વારંવાર તકલીફ રહેતી હોય તેને આ ઉપાયો ઘણાં જ ફાયદાકારક સાબિત થશે. જેમાં,

(૧) કાળા મરી છ દાણા લઈ તેનો તાજો પાવડર બનાવી ચમચી ઘીમાં મેળવી જમ્યા પછી ચાટી જવું. જ્યાં સુધી બિલકુલ શરદી મટે નહીં ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો.

(૨) સાકર અને કપૂરને વાટી ચણા જેવડી ગોળી બનાવી રોજ ૩ થી ૬ ગોળી ખાવી. ગોળી બનાવીને મરીના ચૂર્ણમાં રાખવી કારણ કે મરી કપૂરને ઉડવા દેતાં નથી.

(૩) આંખની ભ્રમરોની વચ્ચે જ્યાં તિલક કરીએ છીએ તે જગ્યાએથી નાકનાં મૂળ સુધી ઘર્ષણ કરવું, જેનાથી સળેખમ તુરંત જ હલકું પડી જાય છે. જ્યાં સુધી મટી ન જાય ત્યાં સુધી વારં-વાર દિવસમાં ત્રણ-ચાર વાર આ પ્રમાણે કરવું. આ ઉપરાંત સરસિયાનું તેલ પણ નાક ઉપર ઘસી શકાય છે.

(૪) સળેખમ થયું હોય તો પ્રથમ ૨૪ કલાક સુધી ઠંડુ પાણી કે વધારે પડતો પ્રવાહી ખોરાક લેવો નહીં. કારણ કે ઠંડુ પાણી પીવાથી સળેખમ વધે છે. ગળાની ફરતે ગરમ કપડું વિંટાળી રાખવું.

(૫) ગોળ, ઘી, પીપરીમૂળ અને સૂંઠની રાબ બનાવી. સવાર-સાંજ લેવાથી પણ શરદીમાં ઘણો ફાયદો થાય છે.

(૬) દર્દીએ ગરમ પદાર્થોનો આહારમાં પ્રયોગ કરવો, જેનાથી શરદી જલદીથી પાકી જાય છે. જે માટે ગરમ પાણી પીવું. તેમજ ગરમ પીણાનું સેવન કરવાનો આગ્રહ રાખવો. જરૂર લાગે તો દૂધમાં આદું અથવા સૂંઠ નાખીને સુખોષ્ણ  કરી પીવાથી પણ દોષો જલદીથી છુટા પડી જાય છે. જે વાંચકમિત્રોને ખૂબ લાંબા સમયથી શરદીની બિમારી હોય કે જૂની શરદી હોય તેમણે શક્ય હોય તો રોટલી અને મગ જ ખાવા જોઈએ.

Tags :