Get The App

આરોગ્ય સંજીવની - ડૉ. જ્હાનવીબેન ભટ્ટ

- ''શ્વાસ'' અને તેનાં સરળ ઉપાયો

Updated: Jul 7th, 2020

GS TEAM

Google News
Google News
આરોગ્ય સંજીવની - ડૉ. જ્હાનવીબેન ભટ્ટ 1 - image


અતિકષ્ટદાયક રોગોમાં 'શ્વાસ' રોગનો સમાવેશ કરવામાં આવેલો છે. મનુષ્યને અંતકાળે તીવ્રકષ્ટ આપનાર 'શ્વાસ' રોગ મોટાભાગે થતો જોવા મળે છે. આ સિવાય ઋતુનાં સંધિકાળમાં શ્વાસના દર્દીઓ આ બીમારીથી ખૂબ ત્રાસી ઊઠે છે. સામાન્ય ભાષામાં આ વ્યાધિને 'દમ' તરીકે પણ ઓળખવામાં આવે છે. રોગીને શ્વાસ થાય ત્યારે કફ છાતી ઉપર આવવાથી ગભરામણ અને મુંઝારો થાય છે. બોલી-ચાલી શકાતું નથી. આંખો ચઢી જાય છે. રાત્રે ઊંઘ આવતી નથી અને કદાચ ઊંઘ આવે તો પણ ઊંઘી શકાતું નથી. બેસી રહેવાથી રોગીને આરામ લાગે છે. આમ આ રોગમાં દર્દીને ઘણી પરેશાની થાય છે.

આયુર્વેદ શાસ્ત્રમાં શ્વાસ-દમનાં પાંચ પ્રકાર બતાવેલાં છે. (૧) મહાશ્વાસ (૨) ઉર્ધ્વશ્વાસ (૩) તમક શ્વાસ (૪) છિન્નશ્વાસ (૫) ક્ષુદ્રશ્વાસ.

આ પ્રકારો પૈકી મહાશ્વાસ અને ઉર્ધ્વશ્વાસ અતિકષ્ટદાયક અથવા અસાધ્ય બતાવેલ છે. ક્ષુદ્રશ્વાસ આજકાલ સામાન્ય થઇ ગયો છે અને તે સહેલાઈથી મટાડી શકાય છે. અતિશય શ્રમ કરવાથી આ શ્વાસ થાય છે અને ૧૫થી ૨૦ મિનિટમાં તે મટી પણ જાય છે. પરિશ્રમનો ત્યાગ કરવાથી આ શ્વાસમાં અન્ય પ્રકારોની માફક શરીરમાં અથવા ઇન્દ્રિયોમાં કોઈ વિશેષ પ્રકારની પીડા થતી નથી. તેમજ અન્નપાનની કોઈ ગતિ રોકાતી નથી. છિન્નશ્વાસમાં રોગી અટકી-અટકીને શ્વાસ લેતો હોય છે. ઘણીવાર તો રોગી થોડા સમય સુધી શ્વાસ લઇ જ ન શકે તેવું લક્ષણ પણ આ પ્રકારના શ્વાસમાં જોવા મળે છે. આ શ્વાસને પણ આયુર્વેદમાં પ્રાણઘાતક કહેલ છે.

તમક શ્વાસ એ હાલના સમયમાં વધારે જોવા મળે છે. આ શ્વાસને પણ આયુર્વેદમાં કષ્ટસાધ્ય કહેલ છે. આધુનિક ચિકિત્સા શાસ્ત્રમાં આ શ્વાસ મ્ર્હિબરૈચન છજારસચ કહે છે. આ શ્વાસનાં લક્ષણોમાં રોગી ખૂબ કષ્ટ સાથે શ્વાસ લઇ શકે છે. વારંવાર શ્વાસ ચઢવાનાં કારણે ગભરામણ થાય છે. આ શ્વાસમાં રોગી ઊંઘી શક્તો નથી. સુવાથી શ્વાસ રોગમાં વૃધ્ધિ થાય છે. દર્દીને કપાળમાં પરસેવો તથા આંખો સૂઝી જાય છે. આ શ્વાસમાં બેસવાની સ્થિતિમાં રોગીને આરામનો અનુભવ થાય છે. વરસાદ, ભેજ, પવન અને ધુમાડાથી આ શ્વાસના દર્દીની તકલીફ વધી જાય છે. આ તમકશ્વાસ કષ્ટસાધ્ય હોવા છતાં નિયમિત ચિકિત્સા અને પથ્યાપથ્યનું પાલન કરવાથી તે મટી શકે છે.

શ્વાસરોગ એ સામાન્યત: વાતરૂપ છે. સાધારણ અસ્વસ્થામાં આ વાયુ શ્વાસકષ્ટતા ઉત્પન્ન કરતો નથી. પરંતુ જ્યારે આ વાયુ કફ દ્વારા અવરુધ્ધ થાય છે, ત્યારે જ શ્વાસરોગને ઉત્પન્ન કરે છે. જ્યારે ફેફસાના વાયુ કોષોમાં કફની અધિક્તાનાં કારણે વાયુ પ્રવેશ માટે સ્થાન અલ્પ થઇ જાય છે, ત્યારે આ રોગ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે.

શ્વાસરોગ માટે અહીં કેટલાક સરળ ઉપાયો સૂચવું છું. જેનો ઉપયોગ વૈદ્યની સલાહ સાથે કરવો.

(૧) સૂંઠનો ગાંગડો પાણીમાં નાખી ઉકાળી થર્મોસમાં ભરી રાખવું. સહેજ નવશેકું આ પાણી તરસ લાગે તેટલીવાર પીવું. આ સિવાય બીજું પાણી પીવું નહીં.

(૨) ૧ ચમચી તુલસીનો રસ અને ૧ ચમચી આદુનો રસ મધ મેળવી રોજ લેવાથી ધીરે ધીરે દમની બિમારીથી છુટકારો મળે છે.

(૩) ૨-૩ સૂકા અંજીર સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમ મટે છે.

આ ઉપરાંત શ્વાસકુઠીર રસ, લવંગાદિવટી, શ્વાસકાસ ચિંતામણી રસ, વાસાવલેહ, યષ્ટિમધુ ઘનવટી વગેરે અનેકનો ઉપયોગ આયુર્વેદમા શ્વાસ દમ માટે બતાવેલો છે. જેથી માત્રા અને પ્રયોગ વૈદ્યની સલાહ મુજબ ધીરજથી જો કરવામાં આવે તો શ્વાસ દમમાં ખૂબ જ ફાયદો થાય છે.

આ ઉપરાંત અહીં એક ખૂબ જ સરળ પ્રયોગ બતાવું છું. ઘણા દર્દીઓ આ પ્રયોગથી રોગમુક્ત થયા છે. ખાવાનું મીઠું ખરલમાં ખૂબ જ લસોટી બારીક બનાવવું, તેમાં મીઠાના સરખા ભાગે જ ખાવાનો સોડા નાખી ખૂબ લસોટી શીશીમાં ભરી લેવું. આ ચૂર્ણ ૧થી ૨ ગ્રામની માત્રામાં સુખોષ્ણ પાણી કે ચા સાથે લેવું. બિલકુલ નિર્દોષ પ્રયોગ છે. આ પ્રયોગ શ્વાસ-દમના દર્દીઓ ઉપર અદ્ભૂત પરિણામ આપે છે. આ ઉપરાંત 'આયુર્વેદ'માં 'નિદાન પરિર્જયેત એટલે કે, રોગ થવા માટે જવાબદાર કારણોનો ત્યાગ કરવો. આ એક શ્રેષ્ઠ ચિકિત્સા આયુર્વેદમાં બતાવેલ છે.'

આ ઉપરાંત પેટ સાફ રહે તેનું ધ્યાન રાખવું, દિવસ દરમિયાન સુખોષ્ણ જળ પીવું. કાળી દ્રાક્ષ, મધ, બકરીનું દૂધ, મગ, લસંણ, રીંગણ, ચોખા, પરવળ, કૂણા મૂળા, જેઠીમધ વગેરે હિતકર છે જ્યારે ધૂળ-ધૂમાડો, તમાકુ, સિગારેટ, બીડી, દારૂ ફરસાણ, મીઠાઈ, અડદ, મેંદો, કેળા, સરસવ, વાલ, વગેરે અહિતકર છે.

સાવધાનીપૂર્વક ધીરજથી કરવામાં આવેલી સારવારથી શ્વાસ-દમની બિમારીમાં ખરેખર કોઈપણ દમ રહેતો નથી.

Tags :