Get The App

કાળા જીરાના બીના માથાથી લઈ પગ સુધીના હેલ્થ બેનિફિટ્સ

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
કાળા જીરાના બીના માથાથી લઈ પગ સુધીના હેલ્થ બેનિફિટ્સ 1 - image

આપણી વાનગીઓમાં નખાતા મસાલા મેડિસીનની ગરજ પણ સારે છે. એ વિટામિન્સ પણ છે અને ઔષધિ પણ છે. કિચનમાં રહેલો મસાલાનો ડબો લગભગ એક દવાનું બોક્સ જ છે એમ સમજો દાળ-શાક અને બીજી ચટપટી વાનગીઓમાં પડતું કાળું જીરું સ્વાદ અને સુગંધનો ભોજનમાં ઉમેરો કરે છે. વાનગીમાં લહેજત અને ખુશ્બુ લાવી દેવાનો ગુણ ધરાવતા જીરાના અનેક હેલ્થ બેનિફિટ્સ પણ છે.

આયુર્વેદમાં કાળા જીરાના દાણાના અનેક ઉપયોગ બતાવાયા છે. જીરાના બી હકીકતમાં વિટામિન્સ, પ્રોટિન્સ, આયર્ન, ક્રુડ ફાયબર, કેલ્સિયમ, સોડિયમ, પોટેશિયમ, ફેટ્ટી એસિડ્સ અને જલ્દીથી ઉડી જતા તેલોથી ભરપુર હોય છે. એને કારણે કાળુ જીરું સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી છે અને અનેક ઉપચારોમાં કામ આવે છે :

વાળ માટે ગુણકારી :

 શરૂઆત માથાથી કરીએ તો કાળા જીરાના દાણામાં એન્ટી-ઈન્ફલેમેટરી, એન્ટીફંગલ, એન્ટીબેક્ટીરિય અને એનાલજેસિક ગુણો હોવાથી એ માથાના તાળવાને નિરોગી રાખે છે. એ તાળવામાં ખોડો નથી થવા દેતું અને એની ભિનાશ જાળવવામાં મદદરૂપ થાય છે. કાળ જીરાનાં તેલમાં રિમોક્વિનોન નામનો એક પદાર્થ હોય છે, જે વાળને ફરી ઉગાડવામાં નિમિત્ત બને છે. આ તેલ નાખવાથી વાળ ખરતા અટકે છે અને કેશ નાની ઉંરમાં ધોળા પણ નથી થતા. ઈન શોર્ટ, વાળની તમામ સમસ્યાઓમાં જીરાના દાણાના તેલનો ઉપયોગ કરી શકાય.

દાંત નિરોગી રાખે :

 મોઢુ એકદમ ચોખ્ખુચણાંક અને નિરોગી રહેવું જરૂરી છે. મોઢું ચોખ્ખુ ન હોય તો દાંતમાં સડો થાય, પેઢામાંથી લોહી વહે અને એમાં સોજો પણ આવે. દાંતના રોગોમાં જીરાના બીજ અક્સીર ઈલાજ પુરવાર થયા છે.

સંધિવામાં રાહત આપે :

 કાળુ જીરુ સંધિવાથી પીડાતા લોકો માટે આશીર્વાદ રૂપ છે. વાના ઈલાજમાં એ મદદરૂપ થતું હોવાનું ઈમ્યુનોલોજિકલ ઇન્વેસ્ટિગેશન્સ નામના એક મેડીકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા સંશોધનમં જણાવાયું છે. જીરાના બીજમાં સોજા ઉતારતા ગુણધર્મો હોવાથી એ સંધિવાના દુખાવામાં મોટી રાહત પુરી પાડે છે.

દમના હુમલા રોકે :

 અસ્થમા અને એલર્જીસની તકલીફોમાં પણ કાળુ જીરું ઔષધિનું કામ કરે છે. અસ્થમાની દવાઓની સાથોસાથ જીરાના દાણાંની ફાંકડી ભરી જાવ એટલે દમના દર્દીઓને ખાંસી, છાતીમાં અને ગળામાં સાંસણી બોલવામાં અને ફેફસાંના ફંક્શનમાં સુધારો વર્તાય છે.

અલ્સસર ન થવા દે :

 પેટમાં જમા થતા એસિડ્સ જઠરની સંરક્ષક દીવાલ બની જતી લાળ પર હાવી થઈ જાય ત્યારે પેટમાં અલ્સર (ચાંઠા) પડે છે. કાળા જીરાનું સેવન કરી પેટમાં પરુના આવા દુખતા ઘા થતા રોકી શકાય. વિવિધ સંશોધનો એવું દર્શાવે છે કે કાળા જીરાના બી જઠરની સંરક્ષણ દીવાલને બચાવી પેટમાં ચાંદા પડતા અટકાવે છે. પેટમાં અલસર થયું હોય તો એના ઈલાજમાં પણ જીરાના દાણાં અસરકારક સાબિત થાય છે.

હાઈ બીપી ઘટાડે :

 કાળા જીરાના દાણાં ઘણી બીમારીઓનો ઘરગથ્થું ઈલાજ બની રહે છે. જેમનું બ્લડ પ્રેશર કાયમ થોડું વધુ રહેતું હોય તેઓ નિયમિત કાળુ જીરું લેવાનું રાખે તો એમનું બીપી કન્ટ્રોલમાં રહે છે.

યાદશક્તિ સુધરે :

ડિમેન્શિયા (ચિત્તભ્રમ)ના લાક્ષણિક લક્ષણોમાં યાદશક્તિ અને જ્ઞાન મેળવવાની ક્ષમતા ઘટી જવી બે મુખ્ય બાબતો છે. દુનિયામાં કરોડો લોકોને વૃદ્ધાવસ્થા અને બ્રેઈન ઇન્જરીને કારણે એની અસર થાય છે. એક અભ્યાસ એમ કહે છે કે કાળુ જીરું યાદશક્તિ અને ગ્રહણશક્તિ સુધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કાળા જીરાના બીજમાં રહેલું એક્ટિવ કમ્પાઉન્ડ થાયમોક્યુઈનોન મગજના ડેમેજ થયેલા જ્ઞાનતંતુઓ (ટિસ્યુઝ)નો પણ ઈલાજ કરી શકે છે.

લિવર અને હાર્ટને હેલ્ધી રાખે :

 લિવર આપણાં શરીરના મહત્ત્વના અવયવો પૈકીનું એક છે. એનું મુખ્ય કાર્ય કીટાણુજન્ય ઝેરને શરીરમાંથી બહાર ફેંકી દેહની એકંદર સુખાકારી માટે જરૂરી પોષકો, પ્રોટિન્સ અને કેમીકલ્સને પ્રોસેસ કરવાનું છે. સંશોધકોનો અભ્યાસ એમ કહે છે કે કાળા જીરાના બી કેમિકલ્સમાંથી વિષનું પ્રમાણ ઘટાડી લિવરને ડેમેજ થવામાંથી બચાવે છે.

હવે હાર્ટ (હૃદય)ની વાત કરીએ. આપણાં શરીરમાં હાર્ટથી વધુ મૂલ્યવાન કોઈ ઓર્ગન (અંગ) નથી એટલે એને હેલ્ધી રાખવું દરેક માટે આવશ્યક બની જાય છે. કાળા જીરાના બીજમાં રહેલા એક્ટિવ કમ્પાઉન્ડ થાયમોક્વિનોનમાં હૃદયની રક્ષા કરવાના ગુણધર્મો છે. એને લીધે હાર્ટ એટેક અને સ્ટ્રોકથી ઓછું નુકસાન થાય છે. એને લીધે હૃદયની ધમનીઓ સાબુત રહે છે એ ઉપરાંત ઉક્ત કમ્પાઉન્ડ બેડ કોલેસ્ટેરોલ ઘટાડી ગુડ કોલેસ્ટેરોલ વધારવાનું કામ પણ કરે છે.

ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે : 

કાળા જીરાના બીમાં વોલટાઈલ ઓઈલ્સ, આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે એટલે જ એનું રોજ નિયમિત સેવન આપણા રોગ-પ્રતિકારક તંત્ર (ઇમ્યુન સિસ્ટમ)ને મજબુત બનાવે છે. જીરાના બીને ઉકળતા પાણીમાં નાખી એની નાસ લેવાથી નાક અને છાતીનો ભરાવો દુર થાય છે. એના એક બીજા ઉપાય તરીકે ગરમ પાણીમાં જીરાના  બીજનું તેલ અને મધ નાખીને પણ પી શકાય છે.

- રમેશ દવે