શિરઃશૂલ - માઈગ્રેન અને સારવાર
- આરોગ્ય સંજીવની
આયુર્વેદમાં ૧૧ પ્રકારનાં શિરઃશૂલનું વર્ણન કરવામાં આવેલું છે. ધૂમાડો લાગવાથી, તાપમાં ખૂબ ફરવાથી, વધુ પડતો વ્યાયામ કરવાથી, વાતપ્રકોપક આહાર-વિહારનું અતિશય સેવન કરવાથી, દિવસે અધિક ઉંઘવાથી, અધિક રડવાથી, માથામાં તેલ ન નાખવાથી, ઊંચા સ્વરે અધિક બોલવાથી, દૂષિત ''આમ''ના સંચયથી કે શિર પર અભિઘાત થવાથી આ રોગ ઉત્પન્ન થતો જોવા મળતો હોય છે.
ઘણીવાર સંપૂર્ણ માથામાં દુઃખાવો ન થતાં શિરનાં ડાબા કે જમણાં ભાગમાં જ અતિશય દુઃખાવો થતો જોવા મળે છે. આ દુઃખાવો ખૂબ જ અસહ્ય હોય છે. ઘણીવાર આ દુઃખાવાનાં કારણે ભ્રમર, આંખ, કાન, ડોક, કપાળમાં પણ ભયંકર વેદના થતી જોવા મળે છે. આ રોગને આયુર્વેદમાં ''આધાશીશી'' કે ''અધવિભેદક'' કહે છે. આજ-કાલ આ રોગ વ્યાપક પ્રમાણમાં દર્દીઓમાં જોવા મળતો હોય છે. મોર્ડનમાં આ રોગને 'માઈગ્રેન' નામ આપેલું છે.
આ રોગમાં અડધા મસ્તકમાં તાણ, ભેદ, ભ્રમ, અને પીડા રહે છે. તેમજ આ પીડા ગમે ત્યારે શરૂ થાય છે. રોગ વધતાં ક્યારેક સમગ્ર માથામાં પણ દુઃખાવો થતો હોય છે. ઘણી વખત એવાં દર્દીઓ જોવા મળે છે કે, જેમને જેમ-જેમ દિવસ ઉગતો જાય તેમ તેમ ભ્રમર-કપાળમાં દુઃખાવા સાથે માથાનો દુઃખાવો વધતો જાય છે અને સૂર્યાસ્ત સાથે દુઃખાવો ક્ષીણ થતો જાય છે.
મધ્યાહનનાં સમયે આવા દર્દીઓને મહત્તમ દુઃખાવો રહે છે. આયુર્વેદમાં આ રોગને ''સૂર્યાવર્ત''ના નામે ઓળખવામાં આવ્યો છે. કેટલીક વાર ત્રણેય દોષો ઝખાની ''મન્યા નાડી''ને પિડીત કરી ગ્રીવાના પાછળના ભાગમાં ખૂબ જ પીડા ઉત્પન્ન કરે છે. આ ત્રિદોષજ શિરો રોગને આયુર્વેદમાં ''અનંતવાત'' કહે છે. આ રોગમાં 'કોષ્ઠશુદ્ધિ' માટે સૌપ્રથમ વિરેચન આપવું જોઈએ.
માઈગ્રેન કે આધાશીશીનો રોગ ઘણી વખત બાળકોમાં પણ થતો જોવા મળે છે. ઘણીવાર અતિ સંવેદનશીલ વ્યક્તિઓમાં આ રોગ થતો વધારે જોવા મળે છે. આવી વ્યક્તિઓમાં માઈગ્રેનનાં હુમલા પણ વારંવાર આવતા જોવા મળે છે.
કોઈ પણ પ્રકારનાં શિરોરોગો, શિરઃશૂલ કે આધાશીશી-માઇગ્રેનનાં રોગીઓએ જરા પણ ગભરાયા વગર ખૂબ જ ધીરજથી ઔષધોપચાર ચાલુ કરવા.
શિરઃશૂલમાં પથ્યાદિ કવાથ ખૂબ જ ઉત્તમ ઔષધ છે. વૈધની સલાહ મુજબ તેનું નિયમિત સેવન કરવું. આ ઉપરાંત શિરઃશૂલ વજ્ રસ, પથ્યાદિ-ગુગળ, સપ્તામૃતલૌહ અને લક્ષ્મીવિલાસરસ પણ દરેક પ્રકારનાં શિરઃશૂલમાં સારું પરિણામ આપે છે, તેથી તેનો ઉપયોગ વૈદ્યની સલાહ મુજબ કરવો.
માઈગ્રેન કે અતિ શિરઃશૂલનાં રોગીએ સૂર્યોદય પહેલાં દૂધ અને જલેબી અથવા શીરો કે દૂધની વાનગી લેવી, જેથી વાયુનો પ્રકોપ શાંત થાય. અને ત્યારબાદ વૈદ્યની સલાહ મુજબ આભ્યાંતર ઔષધો લેવા.
આ ઉપરાંત પંચકર્મમાં બતાવેલ ''નસ્ય ચિકિત્સા'' અને ''શિરોધારા'' પણ શિરઃશૂલમાં અક્સીર પરિણામ આપે છે. નાક એ શિરનું દ્વાર છે જેથી ''નસ્યચિકિત્સા'' દ્વારા નાકમાં નાખેલું ઔષધ માઈગ્રેન આધાશીશીમાં ખૂબ જ ફાયદાકારક પરિણામ આપે છે.
આ ઉપરાંત ''શિરોધારા'' પણ શિરોરોગમાં ખૂબ સારું પરિણામ આપે છે. કપાળ અને શિર પર ઔષધયુક્ત ધૃત કે તેલ સ્વરૂપમાં પડતી ધારા સમગ્ર શિરમાં રક્તનો પ્રવાહ સુચારુ રૂપે કરાવે છે, જેથી મસ્તિષ્કનાં તમામ રોગોમાં શિરોધારાથી ખૂબ જ સારું પરિણામ મળે છે.
માઇગ્રેન કે શિરઃશૂલનાં દર્દીઓએ સાદું ભોજન કરવું. વાયુ કરે તેવા વાયડા, ખાટા પદાર્થોનો તથા દહીં, છાશ, રાજમા, કઠોળ વગેરેનો ત્યાગ કરવો.
પથ્યાપથ્યની સાવધાની અને નિયમિત ઔષધોપચાર આ રોગની સારવારમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
- જહાનવીબેન ભટ્ટ