Get The App

તેરી ઝુલ્ફોં કે સાયે મેં જાણીતા ચહેરાને અજાણ્યો બનાવી દેતી હેરસ્ટાઈલો

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
તેરી ઝુલ્ફોં કે સાયે મેં જાણીતા ચહેરાને અજાણ્યો બનાવી દેતી હેરસ્ટાઈલો 1 - image

વિવિધ પ્રકારની હેરસ્ટાઈલ માનુનીના લુકને સમગ્રપણે બદલી નાખે છે. જો કોઈ મહિલા કાયમ એક જ પ્રકારના વાળ ઓળતી હોય અને તે અચાનક જ હેરસ્ટાઈલ બદલી નાખે તો તેને ઓળખવી મુશ્કેલ બની જાય છે. આજે આપણે અહીં વિવિધ પ્રકારની હેરસ્ટાઈલ શી રીતે કરવી તે જાણીશું.

ક્વિટ સ્ટાઈલ : 

આ સ્ટાઈલ વાંકડિયા વાળ ધરાવતી માનુનીને વધુ શોભે છે. વળી વાંકડિયા વાળમાં તે ઝડપથી કરી શકાય છે. જો કોઈ કન્યાના કેશ વાંકડિયા ન હોય તો તેણે વાળને હળવાં ભીના કર્યાં પછી સ્ક્રંચ કરવા. આમ કરવાથી વાળ વાંકડિયા દેખાય છે.

વાળને સ્ક્રંચ કર્યા પછી બધા કેશ કોઈપણ એક કાન તરફ લઈ જઈને પિનઅપ કરી દો. ત્યાર બાદ થોડાં થોડાં વાળને આંગળીમાં વીંટાળી તેના રોલ બનાવો, આ રોલને પિનઅપ કરી દો. ઉપરના વાળના ભાગ પાડો. હવે તેના એકાદ-બે મોટા રોલ બનાવો. બાકીના કેશ યથાવત્ રહેવા દો.

ફ્રન્ટ ટ્વિસ્ટ :

 એક કાનથી બીજા કાન સુધી સેંથી પાડીને વાળને બે ભાગમાં વહેંચી નાખો. હવે આગળના ભાગના કેશમાંથી નાના નાના ભાગ પાડીને તેને વળ આપતાં આપતાં પાછળની તરફ પીનઅપ કરતા જાઓ. છેલ્લે પાછળ વધેલા વાળની ઊંચી પોની બાંધો. ત્યાર બાદ પોનીના વાળને રોલ કરતાં કરતાં ટોપ પર પિનઅપ કરી દો. રોલને સારી રીતે સેટ કરી દો. 

પરફેક્ટ લુક : 

એક કાનથી બીજા કાન સુધી પાથી પાડીને વાળને ત્રણ ભાગમાં વહેંચી નાખો. હવે આગળના ભાગના વાળના ત્રણ ભાગ પાડો અને તેના રોલ બનાવીને પિનઅપ કરી દો. ત્યાર બાદ વચ્ચેના હિસ્સાના વાળના ચાર ભાગ પાડીને તેના ચાર રોલ બનાવી પિનઅપ કરો. છેલ્લે પાછળના હિસ્સાના કેશના ચારથી પાંચ ભાગ પાડીને નાના નાના રોલ બનાવી પિનઅપ કરો.

બ્યુટી ક્વીન : 

એક કાનથી લઈને બીજા કાન સુધી સેંથી પાડીને કેશને બે ભાગમાં વહેંચી નાખો. પાછળના ભાગના વાળમાંથી ઊંચી પોની વાળો. પોનીના વાળને સંખ્યાબંધ ભાગમાં વહેંચી દો. આ બધા ભાવમાંથી નાના અને મોટા રોલ બનાવી ટોપ પર પિનઅપ કરતાં જાઓ. હવે આગળના હિસ્સાના વાળમાં સાઈડ પર પાથી પાડીને વાળનો રોલ બનાવી કાન પાસે પિનઅપ કરો અને બીજી તરફ ફલેટ લુક આપી પિનઅપ કરો.

ટ્વિસ્ટેડ ચોટલો :

 આગળના વાળમાં બેક કોમ્બિંગ કરીને તેન હાઈટ આપો અને પછી પિનઅપ કરી દો. હવે પાછળના કેશને એક સાઈડમાં લઈ લો અને તેની પોની વાળી દો. ત્યાર બાદ પોનીના વાળના ત્રણ-ચાર ભાગ પાડીને ટ્વિસ્ટ કરતાં કરતાં ચોટલો વાળતા જાઓ.

ક્રાઉનિંગ ગ્લોરી :

 બધા વાળ  સારી રીતે ઉપર તરફ ઊંચા ઓળીને કાળા દોરાથી પોની બાંધી છે. હવે પોનીના બધા વાળને એકસાથે લઈને રોલ કરતાં કરતાં ક્રાઉન પર પિનઅપ કરી દો. ત્યાર પછી રોલને સરસ રીતે ફેલાવી દો. છેલ્લે તેને હેર એકસેસરીથી શણગારો.

ટોપ કર્લ્સ :

 આગળના થોડાં વાળમાંથી પફ બનાવીને તેને પિનઅપ કરી લો, ત્યાર પછી પાછળના વાળને ઓળીને ઉપર લેતાં લેતાં ટ્વિસ્ટ કરીને કિલપ લગાવી દો, છેલ્લે વધેલા વાળને બેક કોમ્બિંગ કરીને તેના ફિંગર રોલ બનાવી ખુલ્લાં મૂકી દો.