બફારામાં વાળની કાળજી .
- ગ્રીષ્મમાં વાળનું સૌંદર્ય જાળવવા આસાન ઉપાય
ઉનાળો આવતાની સાથે જ ત્વચા અને વાળની વિવિધ સમસ્યાઓ ઉત્પન્ન થવા માંડે છે. ધોમધખતા તાપમાં મહિલાઓ ઘરની બહાર નીકળતી વખતે ચહેરા પર તો સનસ્ક્રીન લગાડી લે છે, પરંતુ મોટે ભાગે વાળ પ્રત્યે બેદરકાર રહે છે. પરિણામે ખોડો, તૈલી વાળ, વાળ ખરવા, જૂ-લીખ, દ્વિમુખી વાળ વગેરે તકલીફો ઊભી થાય છે. આ ઋતુમાં વાળની વિશેષ કાળજી રાખી શકાય એ માટેની કેટલીક ટિપ્સ અહીં આપી છે.
ખોડો અને તૈલી વાળ
ગરમીની ઋતુમાં સખત તાપ અને પરસેવાને લીધે વાળ ચીકણા થઈ જાય છે. કારણ કે આ મોસમમાં સ્કેલ્પમાં અધિક પ્રમાણમાં સીબમ પેદા થાય છે જેને લીધે વાળ તૈલી અને ચીકણા લાગે છે.
ઉપાય
* વાળ ધોતી વખતે શેમ્પૂમાં લીંબુ કે આમળાનો રસ અથવા વિનેગારનાં ચાર-પાંચ ટીપાં મેળવીને વાળ ધોવાથી વાળની ચીકાશ અને ખોડો દૂર થાય છે. અને વાળમાં ચમક આવે છે.
* તાજું વલોવેલું દહીં વાળમાં લગાડવું અને અડધા કલાક બાદ વાળ સારી રીતે ધોઈ નાખવા. આમ કરવાથી ખોડો દૂર થાય છે અને સ્કેલ્પમાં ઠંડક રહે છે.
* સ્કેલ્પ અને વાળની સફાઈ માટે અઠવાડિયામાં બે વખત શેમ્પુ કરવું અને જો વધુ વખત શેમ્પુ કરવું હોય તો હળવું શેમ્પુ અને માઈલ્ડ કંડિશનર વાપરવું.
* દર પંદર દિવસે એક વખત હેયર માસ્ક જરૂર લગાડવો. આનાથી વાળની ચિકાશ અને ખોડાની સમસ્યા દૂર થાય છે.
* હેયર માસ્ક બનાવવા માટે ચાર મોટી ચમચી મેથીના દાણા આખી રાત પાણીમાં પલાળવા. સવારે તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવવી. પહેલા વાળમાં તેલથી માલિશ કરવી ત્યાર બાદ મેથીદાણાની પેસ્ટ વાળના મૂળમાં લગાડવી અને અડધા કલાક પછી સાદા પાણીથી વાળ ધોઈ નાખવા.
રૂક્ષ, નિસ્તેજ અને દ્વિમુખી વાળ
આકરો તડકો વાળના ક્યુટિકલ્સને નુકસાન પહોંચાડે છે જેને લીધે વાળ રૂક્ષ અને નિસ્તેજ થઈ જાય છે તેની ચમક ઓછી થતી જાય છે.
ઉપાય
* રૂક્ષ વાળમાં કોઈ સારી કંપનીનું ન્યુટ્રી ડિફેન્સ ક્રીમ લગાવવું. આ ક્રીમ વાળની ચમક જાળવી રાખવામાં મદદ કરે છે.
* નિસ્તેજ વાળને રિપેર કરવા માટે નાઈટ રિપેર હેયર ક્રીમ લગાડવી. આ ક્રીમ વાળને પ્રદૂષણ, કેમિકલ ટ્રીટમેન્ટ અને અન્ય આડઅસરોથી બચાવે છે.
* ત્રણ-ચાર પલાળીને પીસેલી બદામની પેસ્ટ હૂંફાળા નાળિયેર તેલમાં મેળવીને વાળના મૂળમાં લગાડવું. થોડી વાર પછી ગરમ પાણીમાં ટુવાલ પલાળી, નિચોવીને વાળ પર લપેટવો અને અડધો કલાક રાખ્યા બાદ શેમ્પુથી વાળ ધોઈ નાખવા.
* દ્વિમુખી વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે વાળને દર મહિને ટ્રીમ કરાવવા.
* વાળ હંમેશા હૂંફાળા પાણીથી જ ધોવા. કારણ કે ગરમ પાણી સ્કેલ્પમાંથી પ્રાકૃતિક તેલ દૂર કરે છે અને વધુ પડતા ગરમ પાણીથી વાળ ધોવાથી સ્કેલ્પને નુકસાન થાય છે.
* તડકામાં નીકળતી વખતે વાળને સ્કાર્ફથી બાંધી દેવા અથવા છત્રીનો ઉપયોગ કરવો.
વાળ ખરવા
જ્યારે વાળ તૂટીને ખરે છે ત્યારે તેની જગ્યાએ નવા વાળ ઊગે છે, પરંતુ વાળ વધુ પ્રમાણમાં ખરવા માંડે તો આ એક સમસ્યા બની જાય છે.
ઉપાય
* ગરમીની ઋતુમાં બ્લો ડ્રાયર, ઇલેક્ટ્રીક કર્લર અને કેમિકલ ટ્રીટમેન્ટનો બને એટલો ઓછો ઉપયોગ કરવો.
* વાળમાં નેચરલ સ્ટાઇલિંગ લુક લાવવા માટે લિવ ઇન કંડિશનર લગાડવું.
* પવનથી વાળનું રક્ષણ કરવા માટે એન્ટી ફિઝ સીરમનો ઉપયોગ કરવો.
* ઓલિવ ઓઈલ, નાળિયેર તેલ અને બદામના તેલને એક સરખા પ્રમાણમાં મેળવીને વાળમાં માલિશ કરવી.
* અઠવાડિયામાં બે વખત હેયર મસાજ કરવું. આનાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને સ્કેલ્પમાં ઠંડક રહે છે. મસાજ પછી ગરમ પાણીમાં પલાળીને નિચોવેલો ટુવાલ વાળમાં લપેટી દેવો.
હેયર માસ્ક
* તૂટેલા અને ખરતા વાળ માટે જાસૂદનાં થોડાં ફૂલ પીસીને તેમાં ચાર- પાંચ ટીપા ગુલાબનું તેલ અને થોડું મધ ભેળવીને વાળના મૂળમાં લગાડવું. આ પેક નિયમિત લગાડવાથી વાળ તૂટતા નથી.
* જાસૂદનાં તાજાં ફૂલ અને ફુદીનાનાં પાંદડા પીસી લેવા. એમાં થોડું મધ મેળવીને વાળના મૂળમાં લગાડી અડધા કલાક બાદ ધોઈ નાખવા.
* એલોવીરા, નાળિયેરનું દૂધ અને થોડું દહીં મેળવીને વાળમાં લગાડવું અને અડધા કલાક બાદ ધોઈ નાખવું. આનાથી વાળ મજબૂત બને છે અને ખરતા અટકે છે.
ઉપયોગી ટિપ્સ
* ભીના વાળમાં દાંતિયો ફેરવવાથી વાળ વધારે તૂટે છે તેથી વાળ સૂકાયા બાદ જાડા દાંતવાળો દાંતિયો ફેરવવો.
* વાળના મૂળમાં દરરોજ દસ-પંદર મિનિટ નાળિયેર અથવા બદામના તેલથી માલિશ કરવી.
* ખોરાકમાં પ્રોટીનની માત્રા વધુ લેવી.
* રોજિંદા ભોજનમાં દૂધ, દહીં અને છાશનો પ્રયોગ વધારવો.
* સોયાબીન, ફણગાવેલાં કઠોળ, સૂકો મેવો, લીલાં શાકભાજી, સલાડ અને મોસમી ફળો વધુ પ્રમાણમાં લેવાં.
- નીપા