હેર પ્રોટીન ટ્રીટમેન્ટનો નુસખો
સુંદરતામાં વાળ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તે શરીરનો અતિ નાજુક ભાગ છે. લાંબા વાળ સુંદરતાની પહેલી નિશાની ગણાય છે. આજે આધુનિક સમયમાં હવા, પાણી અને ખોરાક બદલાતાં વાળની સુંદરતા ટકાવી રાખવા કંઈક નક્કર પ્રયત્નો કરવા પડે છે. વાળ લાંબા હોય કે ટૂંકા, સફેદ હોય કે કાળા પરંતુ તેમની માવજત જરૂરી છે. આ માટે આજકાલ 'હેર ટ્રીટમેન્ટ' બહુ પ્રચલિત થઈ રહી છે. તેમાં કુદરતી તત્ત્વો દ્વારા વાળની સુંદરતા વધારવાની રીત અપનાવવામાં આવે છે.
'હેર પ્રોટીન ટ્રીટમેન્ટ' એટલે શું?
આ પદ્ધતિ મુજબ વાળનાં મૂળભૂત તત્ત્વો જળવાઈ રહે એવી રીતે તેમની માવજત કરવામાં આવે છે. આ માટે આશરે ૪૦ જાતની વનસ્પતિનો પાઉડર આંબળા તથા ભાંગરાના રસમાં પલાળીને લેપ તૈયાર કરવામાં આવે છે, જેને વાળમાં લગાવી થોડા કલાક પછી ધોવાથી વાળ ચમકદાર, સુંવાળા તથા સુંદર બને છે. ચાલો, આપણે આ વનસ્પતિઓ તથા તેમના ફાયદા વિશે પણ થોડું જાણીએ.
ભાંગરો : આ વાળ કાળા કરવા માટે વાપરવામાં આવે છે.
બ્રાહ્મી : માથામાં ઠંડક પહોંચાડવા તથા યાદશક્તિ માટે તેનો ઉપયોગ થાય છે.
શંખપુષ્પી : આ પણ માથાને ઠંડક આપે છે અને ગરમી દૂર કરે છે.
આંબળા : વાળ કાળા અને સુંવાળા બનાવે છે.
હરડે : વિરેચક છે. ગરમી કાઢવા માટે ઉપયોગી છે.
બહેડાં : આમાં કેશ્ય તત્ત્વ વધુ હોવાથી તે ઉપયોગી છે.
ગળો : આ શીત અને જંતુનાશક હોવાથી કેશ માટે ફાયદાકારક છે.
કડવો લીમડો : જંતુનાશક હોવાથી વાળ માટે જરૂરી છે.
ગોટલી : કેશવર્ધક માનવામાં આવે છે.
ચણોઠી : કેશ્ય તત્ત્વ સૌથી વધુ હોવાને લીધે ટાલ માટે તથા વાળ વધારવા માટે ખૂબ ઉપયોગી મનાય છે.
લોહભસ્મ : આ ભસ્મ ખાસ કરીને વાળમાં વિટામીન અને પ્રોટીનની ઊણપને દૂર કરે છે.
લોહકાટ : આ તત્ત્વ વાળને ભરાવદાર બનાવે છે.
જાસૂદનાં ફૂલ : વાળ કાળા કરવા માટે વપરાય છે.
તલનું તેલ : વાળને પોષણ પૂરું પાડે છે.
મેંદી : વાળને ચમકદાર બનાવે છે તથા માથામાં ઠંડક પહોંચાડે છે.
ઘોડાવ્રજ : ખોડો દૂર કરવામાં ઉપયોગી છે.
ગોખરું : આ એક કન્ડિશનર છે.
મજીઠ : વાળને કાળા કરે છે અને પોષણ આપે છે.
ઈંડા : વાળને કાળા, સુંવાળા બનાવે છે તે કન્ડિશનર તરીકે પણ કામ કરે છે.
અશ્વગંધા : આમાં પોષક તત્ત્વો રહેલા છે.
શિકાકાઈ : માથું સાફ કરે છે.
અરીઠા : વાળ સુંવાળા બનાવે છે.
કક ઉપલેટ : માથાની ચામડી સ્વસ્થ રાખે છે.
આમ કેટલીક ઉપયોગી વનસ્પતિઓનું મિશ્રણ તૈયાર કરીને પ્રોટીન ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ એક વિશિષ્ટ માવજત માગી લે તેવી ટ્રીટમેન્ટ છે અને કોઈ અનુભવી પાસેથી જ તે લેવી વધુ હિતાવહ છે. વળી, એમાં વનસ્પતિઓનું યોગ્ય પ્રમાણ ન જળવાતાં તેમાં ફાયદા કરતાં નુકસાન થવાની સંભાવના પણ રહેલી છે.
જો આપને કોઈ બ્યુટી ક્લિનિકમાં ન જવું હોય તથા આપના વાળને વધુ માવજતની જરૂર ન હોય, તો પણ તેમની વધુ સારી સારસંભાળ માટે આપ ઘેર પણ 'પ્રોટીન ટ્રીટમેન્ટ' લઈ શકો છો. તેમાં કોઈ નુકસાન નથી. આ માટે ભાંગરો, આંબળા, હરડે, બહેડાં, શંખપુષ્પી, બ્રાહ્મી વગેરે દરેક વસ્તુ સો ગ્રામ જેટલી માત્રમાં લઈ તથા શિકાકાઈ અને અરીઠા અઢીસો ગ્રામ લઈને તેનો લેપ બનાવો, પછી આ લેપ રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે લેપ લગાવી ત્રણ-ચાર કલાક રાખી બપોરે માથું સાદા પાણીથી ધોવું. તેમાં ઇચ્છા મુજબ થોડી મેંદી પણ ઉમેરી શકાય છે.
બ્યુટિપાર્લરમાં આ 'પ્રોટીન ટ્રીટમેન્ટ' લગભગ ૧૦ જેટલી સિટિંગ્સમાં લેવી પડે છે. જેમાં લેપ ઉપરાંત સ્ટીમ તથા મસાજ વગેરે આપીને વાળને પ્રોટીનસભર બનાવવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ આજકાલ ખૂબ પ્રચલિત થઈ રહી છે. જોકે આ ટ્રીટમેન્ટ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તે યોગ્ય જાણકાર અને ખાસ તો બ્યુટી ક્લિનિકમાં જઈને લેવી જ હિતાવહ ગણાય છે.
શું વાળ વિશે તમે આ જાણો છો?
* માથાના વાળ આશરે સાડાચાર લાખ જેટલા હોય છે.
* વાળ સફેદ થયા પછી કોઈ ટ્રીટમેન્ટ કે દવાથી કાળાં થતાં નથી.
* દુનિયાની સ્ત્રીઓ લગભગ ૧૮૦૦ પ્રકારની હેરસ્ટાઇલ કરે છે.
* નાની ઉંમરે સફેદ વાળ થવા મોટે ભાગે વારસાગત હોય છે.
* કોરા વાળ ઓળવાથી વાળ વધુ તૂટે છે અને ખરે પણ છે.
* વાળમાં ૯૫ ટકા પ્રોટીન અને કેલ્શિયમ હોય છે એટલે વાળની સમસ્યા દૂર કરવા ખાસ પ્રોટીન અને કેલ્શિયમ ડોક્ટરની સલાહ મુજબ જ લેવા જોઈએ.
* વાળ સાથે અનેક પ્રશ્નો સંકળાયેલા હોવા છતાં જેવા વાળ એવી હેરસ્ટાઇલ કરવાથી વ્યક્તિત્વ આકર્ષક બને છે. દા. ત. નાના કદના ચહેરા માટે નાના કદની હેરસ્ટાઇલ અને મોટા કદના ચહેરા માટે મોટી ભરાવદાર હેરસ્ટાઇલ વધુ સારી લાગે છે.
* વાળના સૌંદર્યનો આહાર સાથે સંબંધ છે માટે સૌંદર્ય પ્રસાધનો ઉપરાંત સંતુલિત આહાર ખૂબ જરૂરી છે.


