Get The App

ચિરંજીવ દાંપત્યની ગુરુ ચાવી

Updated: Nov 29th, 2021

GS TEAM

Google News
Google News
ચિરંજીવ દાંપત્યની ગુરુ ચાવી 1 - image


- પતિ સમક્ષ સતત કંટાળાની થાકોડાની લાગણીના રોદણાં ન રડવા માંદી પત્ની કોઈ પતિને ગમતી નથી. આટલી વયે પણ હજુ તમે આકર્ષક છો જ એવું તેને લાગવા દો. આમ કરશો તો પતિને પણ તમારી સમક્ષ આકર્ષક દેખાવાની પ્રેરણા મળશે. સુડોળ પત્ની સમક્ષ તેને પણ એટલા જ હેન્ડસમ દેખાવાનું મન થશે. 

બે દીકરીઓના લગ્ન થઈ ગયા પછી અને પાંચેક વર્ષના દોહીત્રો ધરાવતા મહેશભાઈનો સંસાર અસાર બની રહ્યો છે. પત્નીના હાથમાં શરૂઆતના વર્ષોથી સંસારનો એક હથ્થુ દોર  હતો જે આજ સુધી છે. ડીટેક્ટરશીપ રીતસરની પારકાને જણાય એ હદે ઘરમાં તેનું વર્તન હોય છે. આવા તો કંઈ કેટલાયે કિસ્સાઓ હશે. વિદેશોમાં તો સ્થિતિ આ હદે જાય એ પહેલાં વધુ ખરું છૂટાછેડા લઈ લેવાતા હોય છે. આપણે ત્યાં બેમાંથી એક પાત્ર અનુરૂપ ન હોય છતાં સમાજ વ્યવસ્થાને લીધે લગ્ને ટકી રહે છે કે ટકાવી રખાય છે. પણ જાણીતા લેખક ગુણવંત શાહ તેમના પુસ્તકમાં લખે છે તેમ ઉમળકો કે પ્રેમ વગરના સંબંધો, મુરઝાઈ ગયેલા આવા સંબંધોનો અર્થ ખરો? આવું પરાણે ગાડું ખેંચે રાખવો તે દુનિયાની આંખમાં અમારો સંસાર છે તે વિશેષ કશું નથી. મોટાભાગના કેસમાં આપણે ત્યાં પત્ની સહન કરી લેતી હોય છે. આમ છતાં કેટલાક કેસોમાં પતિને પણ સહન કરવાનો વખત આવતો હોય છે. સંબોધોને મીઠા મધુરા કેમ રાખશો અથવા બગડે ત્યારે કેવી કાળજી લેશો તેનો માર્ગ બતાવવાની અહીં કોશિશ કરી છે. આ શીખ માત્ર બહેનોને છે.

જીવનમાં સંબંધો ગમે તેટલા ગાઢ કેમ ન હોય ક્યારે ને ક્યારે તો આ સુમેળભર્યો સંબંધોમાં ખારાશ આવે છે આવે સમયે કંઈ થોકડો અનુભવાય એ હદે જહેમત ઉઠાવવાની જરૂર નથી. થોડી કળ વાપરીને વાતને સમજી લેવાથી બગડતી બાજી સુધારી શકાય છે. તેમાં નવેસરથી સુગંધ ભેળવી શકાય છે.

મનુષ્ય સહજ પ્રકૃતિ પ્રમાણે એક વખત આપણને સંબંધોના સલામતી વિશે ખાતરી થઈ જાય એટલે આપણે બેદરકારી બની જતા હોઈએ છીએ. શરૂઆતના વર્ષોની મીઠી છેડછાડ, એકાએક ગુમ થઈ જાય છે. પણ આ ગલત છે. લગ્નજીવન સુમેળભર્યું રાખવા માટે પ્રેમ, જાતીય સંબંધોનું ઘણું મહત્ત્વ છે. પતિ સારા મૂડમાં હોય ત્યારે તેની સાથે ખભા પર કે કમર પર હાથ મૂકી થોડી મીઠી વાતો કરવાથી ઘરેડ અનુભવી રહેલા પતિને પત્નીને હજી પોતાનામાં રસ  છે એવી લાગણીની અનુભૂતી થાય છે. લગ્ન સંબંધોમાં માત્ર જ્યારે આપણા બીજા કેટલાંક કાર્યોમાંના એક બની રહે છે ત્યારે તેમાં માનસિક તૃપ્તિ અનુભવાતી નથી. આવા ઘરેડ બની ગયેલા સંબંધોને નવપલ્લિત કરવા માટે તેમાં યુવાનીની થોડી 'કરામત' ઉમેરવી અનિવાર્ય છે.

પતિને  તમે હવે ઘરડા દેખાઓ છો કે બુઢ્ઢા લાગો છો એવું કહી ઊંધો પડકાર ક્યારેય ન આપવો એથી ઊંધુ આ ઉંમરે પણ શરીર આટલું સાચવી રાખ્યું છે એવું જો ક્યારેક ક્યારેક કહેવામાં આવે તો પુરુષના અભિમાનને ઠેસ નથી લાગતી. બંને જણા ઘડપણની લાગણી અનુભવવા લાગે તો તેની અસર જાતીય સંબંધો પર અને પછી મન પર પડવા લાગે છે અને સંસાર મોટી ઉંમરે પણ અસાર બની શકે છે. બંને જણા એકમેકને પ્રેમ-છેડછાડ કરે તો એના નશાચમાં નાની વયની જેમ જ ધરબાઈ રહેલી કેટલીક લાગણીઓ ખીલી ઉઠે છે એવે વખતે આપણને આપણા જીવનસાથીની ઉણપોને સ્થાને ખૂબીઓ દેખાય છે. લગ્નજીવનના જાતીય સંબંધો આવી ખૂબીઓ માટે મહત્ત્વ ધરાવે છે. તમે સંસારમાં વ્યસ્ત થઈ ગયા હોવા છતાં પતિમાંથી રસ ગુમાવી દીધો નથી એવી અનુભૂતિ એેને થવી જ જોઈએ. વારંવાર તેના પર કટકટ કરવાને બદલે તેની ખૂબીઓની પ્રશંસા કરો આ કંઈ તમે માત્ર તેની ખુશી માટે જ કરો છો એવું નથી કારણ કે એની ખુશીની  સાથોસાથ આમાં તમારી પણ ખુશી છે. આમ મીઠા શારીરિક સંબંધો સુખી લગ્નજીવન પાયો છે.

આપણામાંના મોટાભાગના જાહેરમાં બહુ સારી રીતે વર્તીએ છીએ. ડગલને પગલે સોરી, થેંક્યુનો પ્રયોગ કરીએ છીએ. અતિ નમ્રતાપૂર્વક વર્તનારા આપણે જેવા ઘરમાં પ્રવેશીએ છીએ કે કેમ આ નમ્રતા ઓગળી જાય છે અને એનું સ્થાન કટકટ અને ચિઢિયા દાંતિયા કેમ લઈ લે છે?  પોતાના સ્વજનો સમક્ષ કૃત્રિમ શિષ્ઠાચાર ન જળવાય કે ન જાળવવો એ અમુક હદે મનાય છે. દરેક વખતે ઘરના માણસ પતિ કે પત્ની દાખલ થાય ત્યારે કંઈ ભવ્ય સ્વાગત થાય એવી તેની અપેક્ષા હોતી નથી. એવા કૃત્રિમ દેખાડાથી ત્રણ દિવસમાં ત્રાસી જવાય. અહીં કહેવાનો મુદ્દો એટલો જ છે કે આની સાથે ગમે તેમ વર્તીએ તો હવે ક્યાં જવાનો છે? કે જવાની છે? સહન નહિ કરે તો જશે ક્યાં? પરિસ્થિતિ આ હદે પહોંચવી ન જોઈએ . અગર સ્થિતિ આ હદે પહોંચે તો સામી વ્યક્તિની ઘરમાં હાજરી હોવી કે ન હોવી કંઈ ફરક  જ નથી પડતો. આવા સંજોગોમાં સંબંધો મીઠા કઈ રીતે બની શકે? પત્ની વાત કરતી હોય ત્યારે પુસ્તકમાં મોં નાખી બેસી રહેતા પતિઓ, અધુરી વાત હોય અને ત્યાંથી ઉઠીને ચાલતી પકડી પત્નીઓ એકે વાત  ભૂલી જાય છે કે સામા પક્ષની વ્યક્તિને આમાં અપમાનની લાગણી અનુભવાય છે. અવગણના થતી હોય એવો અહેસાસ થાય છે. પોતાનું કોઈ મહત્ત્વ જ નથી એવું લાગે છે.

તમારા પતિ સાથે એક અજાણ્યા સાથે વર્તાવ કરીએ એવો વર્તાવ કરો. પ્રત્યેક વખતે આવી કૃત્રિમ પ્રક્રિયા દોહરાવવી જરૂરી નથી, પરંતુ ગુસ્સાથી લાલપીળા હો, તમારું મન અસ્વસ્થ  હોય ત્યારે આવા સંજોગોમાં ત્રાહિત વ્યક્તિ સાથે હું કઈ રીતે વર્તી હોત? એટલો વિચાર કરી આગળ વધી જુઓ કેટલો ફરક પડી જાય છે આમ આપણા સામા  પક્ષ સાથેની, વ્યક્તિ પ્રત્યેના વર્તનમાં નમ્રતા આણો. કોઈ પણ વ્યક્તિ પર આક્રમક બની તૂટી પડવું એ સંબંધોને વણસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવવા જેવું છે. 

તમારી ઓળખાણ સૌ પ્રથમ તમારા પતિ સાથે થઈને સમયના સંભારણા મમળાવો.  તે વખતે એકમેકની પસંદગીમાં ક્યાંક ફરક જ નહોતો.   સંબંધો વધુ ગાઢ અને ઉષ્માભર્યા બની રહે એ માટે બંનેની  પસંદ, નાપસંદ હતા ને!  લાંબો સમય સાતે રહ્યા પછી આ  સરખાપણા-સમાનતાની વાતો વિસારી દેવાય છે. કદાચ આવી સમાન પસંદગી જ તમને બંનેને તે વખતે એકત્રિત કરવામાં અગત્યનું ભાવ ભજવી ગઈ હોય. એનો કોઈ વિચાર કરતું નથી. પરિણામે લગ્નજીવનની રજત જયંતિ વર્ષમાં તમને જીવન રસકસ વિનાનું સાવ ફિક્કુફસ ભાસે છે.

અઠવાડિયામાં તમારો જે વિષયમાં રસ હોય તેનો વિકાસ સાધવામાં થોડોે સમય ગાળો. એ જ પ્રમાણે તમારા પતિના એના ચાહનાના ક્ષેતરે થોડો સમય ફાળવવાની સ્વતંત્રતા આપો. વ્યક્તિગત રસના વિષયો, પ્રવૃત્તિઓ અને આવડતનો વિકાસ થવા દેવાથી નવા અનુભવો મળે છે. આ અનુભવો કદાચિત શુષ્ક જીવનને નવપલ્લિત કરવામાં પ્રાણવાયુની ભૂમિકા ભજવી જાય છે.

 પતિ સમક્ષ સતત કંટાળાની થાકોડાની લાગણીના રોદણાં ન રડવા માંદી પત્ની કોઈ પતિને ગમતી નથી. આટલી વયે પણ હજુ તમે આકર્ષક છો જ એવું તેને લાગવા દો. આમ કરશો તો પતિને પણ તમારી સમક્ષ આકર્ષક દેખાવાની પ્રેરણા મળશે. સુડોળ પત્ની સમક્ષ તેને પણ એટલા જ હેન્ડસમ દેખાવાનું મન થશે. આમ પણ શરીર સપ્રમાણ, સુડોળ હશે તો તમને પોતાને પણ સારું લાગશે.  થાક નહીં લાગે, હાફ નહીં ચઢે. તંદુરસ્ત કે નિરોગી શરીર હશે તો મનમાં વિચારો પણ વિધેયાત્મક જ આવશે જે સુખી  જીવન જીવવાની દ્રષ્ટિ આપશે. ચરબીના થરના થર ચઢેલા શરીર ધરાવતી પત્ની માટે કયા પતિને આકર્ષણ થઈ શકે? માટે ઘરકામમાંથી સમય કાઢી થોડી કસરત કરો. આ ઘણંું જરૂરી છે.

પતિ જ્યારે મુસીબતમાં હોય ત્યારે તેને સહકાર આપો. તેને લાગવો દો કે મુશ્કેલીમાં તમે તેના ભાગીદાર છો. તેની જરૂરિયાતોનો ખ્યાલ રાખો. માંદા હોય ત્યારે માવજત કરો. તેને મનગમતી સ્વાદિષ્ટ વાનગીઓ જમાડો. મારી કાળજી કરનારું  કોઈ છે એવું તેને અનુભવવા દો. અલબત્ત બદલામાં પતિએ પણ આટલી મહેનત કરી તેની કદર કરવી રહી.

પતિના કામકાજમાં અનુભવવાની મુશ્કેલીઓ તેની આળી લાગણીઓને સાંત્વન આપવા કોશીશ કરો. કુટુંબના પ્રશ્નો સુલઝાવવામાં તેને મદદરૂપ બનો. આમ કરશો તો તે માનસિક રીતે ભાંગી નહીં પડે. મુશ્કલી વખતે તમારી કાળજી, જરૂરિયાતો બાજુએ મૂકી તેને સાથ-સહકાર આપો, સામાન્ય રીતે સામી વ્યક્તિ આપણી સાથે જે રીતે વર્તતી હોય છે એ જ દવાનો ઘૂંટડો  તેને પાવો એવી મનુષ્યની મનોવૃત્તિ હોય   છે. આ હિસાબ ચુકતો કરવાની વૃત્તિ સારી નથી. બીજું દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ હોય છે. આપણને જે ગમતું હોય તે તેને ગમવું જ જોઈએ. આવો દુરાગ્રહ રાખવો ખોટો છે. આમાં કંઈ સંપૂર્ણપણે સમર્પિત થઈ જવાનું નથી. પણ મારું કોઈ છે એવી લાગી જન્માવવા જેટલી જ હદે વર્તવાનું છે. અલબત્ત સામા પક્ષે જો એક જ તરફી લેવાની સ્વાર્થી વૃત્તિ હોય અને તમારી લાગણી કે જરૂરિયાતોની પરવા છેક  જ ન કરવા જેટલી હદે નિર્દયપણું વ્યક્ત થતું હોય એવા સમયે સંબંધો ટકાવી રાખવા કે નહિ તેનો નિર્ણય પક્ષકારે  કરવાનો રહે છે. આ તેનો અધિકાર છે.

કોઈ પતિ-પત્ની જો એમ કહે કે તમારી વચ્ચે ક્યારેય ઝઘડા થતા નથી તો માની લેજો કે તેઓ જુઠ્ઠુ બોલે છે. ગમે તેટલા સુમેળભર્યાં સંબંધો ધરાવતા પતિ-પત્ની વચ્ચે નાની મોટી તકરારો થવી સામાન્ય છે. જો ગુસ્સો વ્યક્ત કરવાની તક જતી કરાય તો ઘણી વખત ગુસ્સો બીજી રીતે બહાર પડે છે. વસ્તુઓની ફેંકાફેંકથી માંડી કટાક્ષમય વાણી સુધી મામલો પહોંચે છે. પણ આવા ઝઘડા વખતે પણ માનસિક સંતુલન ખોરવાઈ ન જાય તે જરૂરી છે. તમારા મનને અકળાતી બાબત વ્યક્ત કરી દો પણ તેને વ્યક્ત કરતી વખતે વિવેક ચુકાય નહિ તે જોવું જરૂરી છે. આનો નિવેડો આણવો જરૂરી છે પણ તેથી તેમાં કોઈને મર્મ ભેદી  નાખે એવા વેણ કહી ઉતારી ન પાડો.

તમારા જીવનસાથીનું આત્મગૌરવ હણાય નહિ એ રીતે તમારા મુદ્દાની-ગુસ્સાની રજુઆત કરો. જીવનસાથી સાથેના ઝઘડામાં કે દલીલોમાં હાથ ઉપર રહે કે વિજયી બનવાની વાતોમાં ક્યારે ન પડશો. દલીલ બાજીની ચડસાચડસીની આ સ્પર્ધામાં એક તો વિજયી બનવું ન જોઈએ અને તે તમે જ હોવા જરૂરી છો એ ખ્યાલ મગજમાંથી કાઢી નાખશો. આમાં કોઈ ટ્રોફી મળવાની નથી ઉલટાનું સમસ્યાનું સમાધાન સાધવા કોશિશ કરો. ઝઘડામાં મૌન સૌથી વધુ અસરકારક શસ્ત્ર સાબિત થાય છે. એક પક્ષે મૌન પાળી લેવાથી વાતનો નિવેડો  જલદી આવે છે.

આપણે ઘણી વખત બીજાની નબળાઈઓ, ઉણપો વિશે જ વિચારતા રહીએ છીએ. કોઈને મોઢા પર આવું રોકડું  પરખાવી દેવાથી સંબંધોમાં કડવાશ જન્મે છે. કોઈની ઉણપો વર્ણવો પ્રત્યેક ઉણપ સાથે તેની બેથી ત્રણ ખૂબીઓને વખાણો. આથી સામા માણસનો અહમ્ ઘવાતો અટકે છે. પ્રશંસા પ્રભુને પ્યારી છે. પતિનો પ્યાર પામવા તેની ખૂબીઓની પ્રશંસા કરો તરત જ તેની અસર તમારા પર તેમની  દ્વારા પણ થશે તો ફાયદો તમને પણ છે જ. શા માટે મોકો ગુમાવી જીવન ઝેર  બનાવવું છે?  સરળતાથી જીવનબાગને મહેકાવવા માટે કાંઈ બહુ ઝાઝી મહેનતની જરૂર નથી. અજમાવી તો જુઓ.

- નીપા

Tags :