સહિયર સમીક્ષા - નયના
- મને મારી સાથે ભણતા એક છોકરા સાથે પ્રેમ છે. એ 19 વર્ષનો છે. જ્યારે હું 18 વર્ષની છું. તે મારી સાથે લગ્ન કે વેવિશાળ કરવા તૈયાર નથી.
હું ૨૭ વર્ષનો પરિણીત પુરુષ છું. મારું વજન માત્ર ૪૮ કિલો છે. છેલ્લા આઠ વર્ષથી મારા વજનમાં કોઈ ફેર પડયો નથી. મારે વજન વધારવું છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક ભાઈ (અમદાવાદ)
વજન વધારવા અને ઓછું કરવા માટે સ્પેશિયાલિસ્ટ હોય છે. તમારે તેમની સલાહ લેવાની જરૂર છે. તમે કોઈ નિષ્ણાત ડાયેટિશયનનો સંપર્ક કરી તેમની સલાહ મુજબ અનુસરો. પરંતુ વજન વધારવા માટે લેવામાં આવતા હાર્મોન્સથી દૂર રહેવાની ચેતવણી છે. આમાં ફાયદાને બદલે જોખમ વધારે છે. તમારે માત્ર તમારા ડાયેટ પર જ ધ્યાન આપવાની જરૂર છે. આ માટે તમને ડાયેટિશયન જ મદદરૂપ થશે.
મને મારી સાથે ભણતા એક છોકરા સાથે પ્રેમ છે. એ ૧૯ વર્ષનો છે. જ્યારે હું ૧૮ વર્ષની છું. તે મારી સાથે લગ્ન કે વેવિશાળ કરવા તૈયાર નથી. તેણે ઘણી વાર મારો વિશ્વાસઘાત કર્યો છે એ પણ હું જાણું છું. મારે તેની પાસેથી લગ્નનું વચન જોઈએ છીએ. હું મારી જાતને ઘણી અસુરક્ષિત માનું છું. મારે શું કરવું જોઈએ એની સલાહ આપવા વિનંતી.
એક યુવતી (જામનગર)
લગ્નનો વિચાર કરવા માટે તમારા બન્નેની ઉંમર ઘણી નાની છે. તમે પણ આ ઉંમરે વચનમાં બંધાવ તો પણ આજથી ચાર-પાંચ વરસ પછી તમે પણ એ વચન પાળશો કે નહીં એ બાબતે શંકા છે. તમારો પ્રેમી એક એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે જે ઉંમરમાં કિશોરોને યુવા છોકરીઓ સાથે ફલર્ટ કરી તેમનું પુરુષાતન સાબિત કરવાની હોંશ હોય છે. વચનબધ્ધ નહીં થઈને તેણે તેની પ્રમાણિકતા દાખવી છે. આથી તમે પણ એ આગ્રહ છોડી અભ્યાસમાં ધ્યાન આપો અને જીવનમાં આગળ વધી જાવ.
મારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમે પૈસે-ટકે સુખી છીએ. અમારા બન્નેની નોકરી પણ સારી છે. અમે પ્રવાસ પણ કરીએ છીએ. હવે મારી પત્નીને એક સંતાનની ઝંખના છે, પરંતુ મને સંતાન જોઈતું નથી. મારા નજીકના સંબંધી અને તેની પત્ની છૂટા પડયા ત્યારે તેમના સંતાનો ઘણા દુ:ખી થયા હતા. સંતાનને જન્મ આપી વધુ બોજો અને માનસિક તાણ કેમ વધારવી એમ મારું માનવું છે.
એક ભાઈ (મુંબઈ)
તમે ઘણા સ્વાર્થી હો એમ લાગે છે. તમારા માતા-પિતાએ પણ આવો વિચાર કર્યો હોત તો તમારું અસ્તિત્વ જ હોત નહીં. તમારા નજીકના સંબંધી જે પરિસ્થિતિમાંથી પસાર થયા એનાથી તમે પણ પસાર થશો જ એવું કોણે લખી આપ્યું છે? આવું વિચારતા બેસીએ તો જીવનમાં કોઈ કામ જ થાય નહીં. સંતાનો એ કુદરતની દેણ છે અને આપણા જીવનનો મહામૂલ્ય આનંદ છે. સંતાનો લગ્ન જીવનને વધુ મજબૂત બનાવે છે અને પતિ-પત્ની વચ્ચે એક સેતુ બાંધે છે આથી આવા વિચારો છોડી એક નવા જીવનું સર્જન કરવા મન બનાવો અને તમારી પત્નીની ઇચ્છાને માન આપો.
હું ૨૨ વર્ષની છું. મારા આગળના એક દાંત પર બીજો દાંત ઉગ્યો છે અને સમય જતા બે દાંત વચ્ચે અંતર આવી ગયું છે જેને લીધે હસતી વખતે ઘણું ગંદુ લાગે છે. મને આથી ઘણી શરમ આવે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (નડિયાદ)
તમારે કોઈ નિષ્ણાત કોસ્મેટિક ડેન્ટિસ્ટસની સલાહ લેવાની જરૂર છે. યોગ્ય તપાસ કર્યાં પછી તેઓ તમારી સમસ્યા દૂર કરશે. દાંતમાં બ્રેસીસ પહેરવા પડે તો ગભરાતા નહીં. આ એક સામાન્ય પ્રક્રિયા છે જેને કારણે કોઈ પણ સમસ્યા થશે નહીં. આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે. આથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. યોગ્ય સારવાર પછી તમારા દાંત પણ સામાન્ય બની જશે.