એક મજાની વાર્તા - સંપાદક: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
તલાક-તલાક...
સલમાએ હવામાં ઉડતો દુપટ્ટો મુઠ્ઠી વાળી કચકચાવીને પકડી રાખ્યો, જાણે કે એણે રફીકનો હાથ પકડયો હોય ... પણ પવનનું જોર વધતું જતું હતું, એ એને છોડવા નહોતી માંગતી અને એટલે જ રફીકનો ગુસ્સાવાળો અને શંકાશીલ સ્વભાવ એ સહન કરી લેતી.
કચકચાવીને પકડેલો દુપટ્ટો જેવો હાથમાંથી છોડયો કે એમાં અસંખ્ય કરચલીઓ દેખાઈ. આમ પણ એનાં જીવનમાં પણ નસીબની રેખાઓમાં પણ જાણે રફીકનાં રોજ બરોજનાં જુલમની ઘટનાઓનાં અનેક સળ પડી જઈ દેખાતાં હતાં.
એને યાદ આવી ગયું કે એ દિવસે મેડમનાં કપડા સંકેલતી હતી. મેડમે બૂમ પાડી કહ્યું હતું કે, સલમા કપડા ભાર દઈને સંકેલ બહુ ક્રીઝ દેખાય છે. એ શબ્દ એની માટે અઘરો હતો પણ યાદ રહી ગયો હતો. હવે એને કરચલી/ક્રીઝ વાળો દુપટ્ટો પોતાની જિંદગી જેવો જ લાગ્યો.
કેટલી બધી ક્રીઝ! એણે મનોમન એ શબ્દ વાગોળ્યો.
ક્યારેક- ક્યારેક એની અમ્મીને ફરિયાદ કરતી તો ક્યારેક પડોશમાંથી એની અમ્મીને દિકરીને આ જુલમ માંથી છોડાવવાની ભલામણ કરતાં. પણ સલમાની વિધવા મા લાચાર હતી. એ એક જ સલાહ આપતી કે હશે બેટી સહન કરી લે. તારી નિયત સારી છે અને આ બચ્ચાની સામું ઉપર વાળો માલિક ક્યારેક જોશે.
સદીઓથી સ્ત્રીઓ પર થતાં જુલમો આ 'ઉપરવાળા'ની ફિલોસોફીથી બરકરાર રહ્યાં છે. કોઈપણ ધર્મનાં ઠેકેદારો સ્ત્રીઓના આ પ્રશ્નનાં ઉકેલમાં રસ નથી લેતાં. પણ એ સમજવાની કે એને પડકારવાની મા - દીકરી માં તાકાત નહોતી કે નહોતી પૈસાની પહોંચ.
એ હતાશ ચહેરે બાંકડા પર બેઠી હતી. બાજુમાં બેઠેલી મુનીરા અને મન્સુરનાં નિર્દોષ ચહેરા તરફ નજર જતી અને એનું અંતર કોરાઈ જતું હતું. ઘરે હજુ બીજી તેર વર્ષની બે જોડિયા દીકરીઓને રસોડાનું થોડું કામ પતાવી લેવાની સૂચના સાથે એ આજે મુદ્દત હોઈ કોર્ટે આવી હતી. કોર્ટમાં ભેગા થયેલાં જમેલામાં કોઈ કોઈ વિકૃત નજરો એને જાણે વીંધી નાખતી હતી. એ વારે વારે એના દુપટ્ટાનો છેડો મો આડો રાખતી હતી. પણ દુપટ્ટાની આરપાર એની કરૂણતા ભરેલી આંખો અનેક સવાલો સાથે ઘડીક પોતાનાં બચ્ચા સામે તો વળી પોલીસ વાળા ક્યારે રફીકને લઈને કોર્ટે આવશે એ રાહમાં દરવાજાની દિશા તરફ તાકીને જોતી હતી. પારકા ઘરકામ કરી ઘર ચલાવતી સલમાને ઘરમાંથી હાંકી કાઢી રફીકે ઘરના દરવાજા બંધ કરી એના માટે કોર્ટના દરવાજા ખોલ્યાં હતા.
એ વિચારમા સરી પડી અને એ દિવસ નું દ્રશ્યએના દિમાગમાં જાણે ફરી ભજવાતું હોય એમ દેખાયું.
એ પોતાના ઘર ઉપરાંત ચાર-પાંચ ઘરે વાસણ ઘરે વાસણ કપડા, સફાઈ વગેરે કામ કરતી અને આમ જ ગુજરાન ચાલતું. પણ પતિ તરીકેના અધિકારો ભોગવવા માં રફીક કાબીલ હતો. એ ક્યારેય સલમાની ઈચ્છાની પરવાહ ન કરતો અને અધિકાર ભાવે સલમાને ભોગવતો. એ ક્યારેક રફીકને બહુ સમજાવતી, વિનંતી કરતી, આ મોંઘવારીમાં આટલાં બધાં બચ્ચા !
તે દિવસે આ વાત કાઢીને સલમાએ હજુ તો કહ્યું કે પેલાં દાકતર બેન ... અને એ વાક્ય પૂરું થાય એ પહેલા જ એક તમાચો મોઢા પર આવ્યો. સાલી બચ્ચા પૈદા કરને મેં જોર આતા હે !!! જે ચહેરાની ખુબસુરતી ને રફીક વરેલો એ ચહેરા પર જ અવારનવાર ઘા થવા લાગ્યા.
એ રફીક સાથે સાથે વિતાવેલ દિવસોમાંથી કૈંક ગમે એવી યાદો મનોમન શોધવા લાગી પણ વ્યર્થ.
બંને મોટી છોકરીઓ ચોથા ધોરણમાં આવી ત્યાં વળી રફીકનું ફરમાન આવ્યું ... કલસે ઈસ્કુલ જાના બંધ. સલમાને આઘાત લાગ્યો કે આ બંને દિકરીઓ ભણશે નહિ તો એની દશા પણ મારી જેવી થશે. એણે રફીકને સમજાવતાં કહ્યું કે,
દેખો આજકાલ તો પઢાઈ કા જમાના હૈ, ઔર ઉનકી ટીચર ભી ઉસ દિન દોનો કી તારીફ કર રહી થી ઔર સ્કુલ પર રેગુરલ ભેજને કો કહતી થી
હાં અબ્બા હમકો સ્કુલ જાના હૈ. નાં મત કહો બંને દીકરીઓ વિનંતી કરતી રહી પણ સમજાવવાનાં પ્રયત્નમાં વધુ સજા મળી. રફીકે દિકરીઓને ધમકાવી મારીને ખૂણામાં હડસેલી. સાલી ઓરત જાત કહી મા દિકરીને રડતી મૂકી બહાર ચાલ્યો ગયો હતો. કુમળા ફૂલ જેવી દીકરી પર રફીકનાં હાથનાં સોળ ઉઠી ગયાં હતાં. એને અંદરથી જાણે અવાજ આવ્યો કે હવે બહુ થયું.
એ ટીચાઈ ટીચાઈને થોડી રીઢી છતાં મક્કમ બની ગઈ હતી. એણે નક્કી કર્યું કે, હવે અહીં ન રહેવાય. એ છોકરાઓને લઈને પોતાની અમ્મીને ત્યાં ચાલી ગઈ.
બેટી સૂન તુમ ભી અભી જવાન હો, ચાર બચ્ચે હૈ, લડકિયાં બડી હો ગઈ હૈ. જમાના ખરાબ હૈ, ખુદા કે વાસ્તે થોડા સહન કર લે હમ યે સબ કૈસે નીપટા પાયેંગે? હજુ તો વાત ચાલતી હતી પણ રફીકને ખબર પડતાજ ગુસ્સામાં ત્યાં આવ્યો. સલમાને ખુબ માર માર્યો અને સલમાની અમ્મીને ઘરે જ તલાકનો તખ્તો જાણે ભજવાઈ ગયો.
અડોશ પડોશમાંથી એક જ સલાહ મળી પોલીસ ફરિયાદ કરો, હવે તો ત્રણ તલાક ગુનો છે, જેલમાં જશે તો ભાન આવશે. સતત ત્રાસથી પીડિત સલમા અને એની મમ્મી પોલીસ સ્ટેશને ગયા. કાનૂની કાર્યવાહી શરુ થઇ, રફીક જેલ માં ગયો.
આજે એને કોર્ટમાં હાજર કરવાનાં હતાં. કેન્ટીનનાં બાંકડા પર બાજુમાં બેઠેલી રઝીયાએ પૈસા ગણી ને પોતાનાં પાકીટમાં નાખ્યાં. સલમાએ એની સામે પ્રશ્નસૂચક નજરે જોયું. બંનેને એટલીજ ખબર હતી કે, પોતપોતાનાં પતિ સાથે ઝગડો છે, અલગ રહે છે,અને કેસ ચાલે છે.
રઝીયાએ વાસ્તવિક સ્થિતિ સમજાવી. મારી દશા તારા જેવી જ હતી, રોજ રોજની મારકૂટ, ત્રાસ, અધમુવું થઈને જીવવા કરતાં એનાથી જુદું રહેવું સારું. રાત્રી શાળા માં બેન ભણાવવા આવતા એણે અમ્મીને અને ભાઈને આપણા મુસલમાનનાં કાયદા ય સમજાયવા . અમને ખબર નહોતી હું બહુ ભણી નથી પણ મને એટલું ગનાન મયલું કે આપણી બાયું 'ખુલા' ય માંગી શકે ખરી હું તો જુદી જ રહું છું મારી બેન. પણ મૂળ તો કૈક હિંસાનો કાયદો છે ઈ બધાને લાગુ પડે ને ખોરાકીના થોડા પૈસા પણ મળે તો આપણે એટલી તો શાંતિ એણે એક ભલો વકીલ ગોતી દીધો અને મારો કેસ દાખલ કયરો. પણ હવે આ કૈંક નવા કાયદા પરમાણે મોઢેથી બોલીને તલાક આપી દે તો જેલમાં મોકલી શકાય.
હાં મૈને યહી કિયા થા, સલમાં બોલી. આજ ઉનકો હાજીર કરને વાલે હૈ.
સાંભળીને રઝીયાએ કહ્યું કે, સાચું કહું ને તો આવા જેલમાં મોકલવાના ધખારા ન કરાય, મનેય એક જગા એથી આવી સલાહ મળીતી પણ ન કયરું. બાર હોય તો જે પૈસા આવે ઈ... આપણા બચ્ચાઓના પેટમાં તો જાય. જેલમાં ઈ તો બેઠો બેઠો સરકારી રોટલા તોડે. અને પછી આપણી અસ્ત્રીની જાત હલાલા કરાવે ઈ નોખું. અને ઈમાય સુખ પામશું કે નહિ ઈ તો નક્કી થોડું છે? કેવી કિસ્મત લખાઈ હશે કોને ખબર?
સલમા પોતાની કામ કરી કરી ને ઘસાયેલી હથેળી તરફ જોઈ બોલી હા, હમારે હાથમે કિસ્મત કી લકીર બચી હી નહિ.
કેન્ટીન વાળો અજાણ બની વાત સાંભળતો હતો એ બોલ્યા વગર બંને ને ચા આપી ગયો અને છોકરાવના હાથમાં બિસ્કીટ. બંને અચંબા થી જોઈ રહી, મંગાવ્યા વગર! કેન્ટીન વાળાએ ખુદાઈ સ્મિત કર્યું. બંનેની આંખ ભરાઈ આવી.
લેખક -પ્રતિભા ઠક્કર