કોવિડની ભીતિ વચ્ચે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી છે?
- તો આટલું ધ્યાન રાખો
નવા કોરોના વાઈરસના ઉદ્દભવ અને ફેલાવા પછી નાની નાની કે સામાન્ય બીમારીઓ માટે પણ તબીબની મુલાકાત લેવી જોખમી બની ગઈ હોય એવો તાલ સર્જાયો છે. લોકો એમ વિચારીને ડોક્ટર પાસે જવાનું ટાળે છે કે રખે ત્યાં બેઠેલા અન્ય મરીજોમાંથી કોઈ સંક્રમિત હોય.
તેમને એ વાતનો ડર પણ સતાવે છે કે તબીબ સ્વયં કેટલા બધા દરદીઓને તપાસતા હોય છે. આવી સ્થિતિમાં તેમણે કોઈ અસિમ્પટમેટિક દરદીને પણ તપાસ્યો હોઈ શકે. પૂરા પીપીઈ કવર સાથે કોવિડગ્રસ્તોની સેવા કરનારા સંખ્યાબંધ તબીબી કોરોનાનો કોળિયો બની ગયા છે. આવી સ્થિતિમાં કટોકટી સિવાય ડોક્ટર પાસે દોડી જવામાં કયું ડહાપણ છું. તેમાંય ડેન્ટિસ્ટ પાસે જવામાં લોકો ઝાઝો ભય અનુભવે છે.
દાંતની સારવાર કરાવતી વખતે તબીબને છેક દરદીના ચહેરા નજીક જઈને સારવાર આપવી પડે છે. અલબત્ત, ડેન્ટિસ્ટ્સ સ્વયં માસ્ક અને પીપીઈ સુટ પહેરવાની કાળજી રાખે જ છે. આ મછતાં કોરોના સંક્રમણ બાબતે દરદીઓનો ભય ઓચો નથી થતો. આવામાં કરવું શું? આનો જવાબ આપતાં નિષ્ણાતો કહે છે શક્ય હોય ત્યાં સુધી દંત તજજ્ઞા પાસે જવાનું ટાળો.
એક સમય એવો હતો જ્યારે તબીબો દાંતની સારવારમા ંવિલંબ કરવાની સ્પષ્ટ ના પાડતાં. પરંતુ હવે આ તબીબો જ કહે છે કે જ્યાં સુધી કટોકટી ન હોય ત્યાં સુધી દાંતના ડોક્ટર પાસે જવાનું ટાળવું. આમ છતાં કટોકટીની સ્થિતિમાં જવું જ પડે તો દરદીઓએ તેમ ન ડેન્ટિસ્ટે પણ સાવધાનીના અમુક પગલાં અચૂક લેવાં. જેમકે.....
દરદીઓને અપોઈન્ટમેન્ટ એવી રીતે આપવી કે તેમને તેમના વારા માટે ઝાઝી રાહ ન જોવી પડે. જોકે કયા દરદીની દાંતની સારવાર કેટલો સમય ચાલશે તે ચોક્કસપણે કહેવું અત્યંત કઠિન હોય છે. પરંતુ અંદાજિત સમય મુજબ અપોઈન્ટમેન્ટ આપી શકાય.
દરદીઓ વેઈટિંગ એરિયામાં રાહ જોતાં હોય ત્યારે તેમના વાંચવા માટે મોટાભાગના દવાખાનાઓમાં વિવિધ સામયિકો પડયાં હોય છે. પરંતુ હાલના તબક્કે આવા સામયિકો કે બાળકોને રમવા માટે રાખવામાં આવેલાં રમકડાં ખસેડી લેવા સલાહભર્યાં છે, તેને સ્થાને ઠેકઠેકાણે હેન્ડસેનિટાઈઝર મૂકી દેવા. મરીજોએ પણ પોતાનો વારો આવે તેની રાહ જોતી વખતે માસ્ક અચૂક પહેરી રાખવા. જો તમને ડેન્ટિસ્ટની સૌથી પહેલી અપોઈન્ટમેન્ટ મળે તો તમારું જોખમ ઘણાં અંશે ઓછું થઈ જાય. અલબત્ત, પ્રત્યેક દરદીની સારવાર પછી રૂમને જંતુમુક્ત કરવો જ રહ્યો. તેને કારણે ઝાંઝાં રૂગ્ણોને સારવાર ન આપી શકાય એવું બને. પણ કોવિડ-૧૯ના સંક્રમણથી બચવા આ પગલું અત્યાવશ્યક છે. તબીબે સ્વયં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેની પાસે આવતાં દરદીઓમાંથી કોઈને કોરોનાના લક્ષણો નથી. તેઓ માસ્ક પહેરીને ક્લિનિકમાં આવે છે અને છેક સારવાર કરાવતી વખતે જ માસ્ક ખસેડે છે.
ડેન્ટિસ્ટે સારવાર કરતી વખતે માસ્ક ઉપરાંત ફેસ શિલ્ડ, પીપીઈ સુટનો ઉપયોગ કરવો. ઈન્વેસિવ પ્રોસિજર કરાવવા આવતા દરદીએ ત્રણ દિવસ પહેલા કોવિડ-૧૯નું ટેસ્ટ કરાવીને જ આવવું. ટેસ્ટ રિપોર્ટ જોયા વિના ડેન્ટિસ્ટે જે તે દરદીની ઈન્વેસિવ પ્રક્રિયા હાથ ન ધરવી.
- વૈશાલી ઠક્કર