ત્વચા પર ફોલ્લીઓ- ચકામા આવવાં કોવિડ-19 સંક્રમણનો સંકેત?
- તબીબીઓ કોવિડ-19ની તીવ્ર અસર ધરાવતાં દરદીઓમાં મધપૂડાની જેમ ઉપસી આવેલી લાલ અને અથવા સફેદ રંગની ફોડલીઓ પણ જોઈ છે.
છેલ્લા નવ મહિનામાં નવા કોરોના વાઈરસ દુનિયાભરના દેશોનો ભરડો લીધો છે. સંશોધકો તેના લક્ષણો વિશે નવી નવી જાણકારી આપતાં રહે છે. આશ્ચર્યજનક વાત એ છે કે હજી તેનું કોઈ નવું લક્ષણ દેખાય અને લોકોને તેના વિશે જાણકારી આપવામાં આવે ત્યાં સુધી વાત કોઈક નવું લક્ષણ દેખા દે છે. અત્યાર સુધી કોવિડ-૧૯ના સામે આવેલા લક્ષણોમાં 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' (હુ)એ આપેલી માહિતી મુજબ શ્વાસ લેવામાં તકલીફ થવી, તાવ આવવો, ધુ્રજારી થવી, ગળું સુકાવું, સ્વાદેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયને અસર પહોંચતા સ્વાદ- સુગંધ ગુમાવવા, શરદી- ખાંસી થવા, તાવ આવવો ઈત્યાદિનો સમાવેશ થાય છે. પરંતુ થોડા સમય અગાઉ સામે આવેલી માહિતી મુજબ કોરોના વાઈરસની અસર ત્વચા પર પણ દેખાય છે. તબીબો અને ડર્મેટોલોજિસ્ટો (ત્વચા નિષ્ણાતો)એ એકઠી કરેલી માહિતી મુજબ કોવિડ-૧૯ના લક્ષણોની યાદીમાં ત્વચા પર અપાઈ જેવી ફોલ્લીઓ ઉપસી આવવી, તેમાં ખંજવાળ આવવી અને બળતરા થવી જેવા લક્ષણો પણ આવે છે.
દુનિયાભરના તબીબોએ નોંધ્યું છે કે કોવિડ-૧૯ના સપાટામાં આવેલા ઘણાં મરીજોને ચામડી પર ફોલ્લીઓ ઉપસી આવે છે અને સોજા પણ આવે છે. ખાસ કરીને અંગુઠા પાસે, અંગુઠા પાસે આવેલા સોજાને 'કોવિડ ટોઝ' નામ આપવામાં આવ્યું છે.
'કોવિડ ટોઝ'ના ઉપચાર માટે ઘણી જાતના મલમ અને ક્રીમનો ઉપયોગ કરી શકાય છે. તેને કારણે તેમાં આવતી ખંજવાળ અને દાહ પણ ઘણાં અંશે ઓછા થઈ જાય છે. આમ છતાં તેનો રોજિંદો પ્રયોગ તેની અસરકારકતા ઘટાડવા સાથે એલર્જી પેદા કરે છે.
સામાન્ય રીતે આપણને ત્વચા પર રેશીશ આવે ત્યારે આપણે ત્વચા નિષ્ણાતની મદદ લઈએ છીએ. પરંતુ કોવિડકાળમાં તબીબો જ પ્રત્યક્ષ મુલાકાતના સ્થાને વર્ચ્યુઅલ વિઝિટ પસંદ કરે છે. પરંતુ ત્વચા રોગના નિદાન માટે પ્રત્યક્ષ મુલાકાત આવશ્યક બની રહે છે. પરંતુ વર્તમાન સમયમાં તબીબની વ્યક્તિગત મુલાકાત ઝાઝી જોખમી ગણાય, તબીબો સ્વયં કહે છે કે કોવિડ-૧૯નો ત્વચાના રેશીશ સાથે સીધો સંબંધ છે તેના વિશે હજી ઊંડો અભ્યાસ નથી થયો. આવી સ્થિતિમાં ડોક્ટર પાસે દોડી જઈને વધારાનું જોખમ શા માટે વહોરી લેવું? તબીબો ચામડીની આ સમસ્યા વિશે કહે છે કે હાથ અને પગ પર આવતી ફોલ્લીઓને કારણે ત્વચા પર સોજા દેખાવા લાગે ચે. આ કથિત 'કોવિડ ટોઝ'થી પીડાતા દરદીઓ ખંજવાળ આવવાની અને દાહ સાથે પીડા થવાની ફરિયાદ કરે છે. કોવિડ-૧૯ના હળવા લક્ષણો ધરાવતા યુવાન દરદીઓમાં આ લક્ષણો વધુ જોવા મળે છે. મોટાભાગે નવો કોરોન ાવાઈરસ લાગૂ પડયાના થોડાં દિવસ પછી જે તે દરદીમાં ત્વચાની સમસ્યા દેખા દે છે અને લગભગ બારેક દિવસ ચાલે છે.
મિડલ-એજ (વચલી વય)ના દરદીઓમાં પેટ અને પૂંઠ ઉપરાંત કોઈક દરદીમાં હાથ પગ પર અળાઈ જેવી નાની નાની ફોલ્લીઓ જોવા મળે છે. મહત્ત્વની વાત એ છે કે આવી નિશાનીઓ કોવિડના અન્ય લક્ષણોથી પહેલા જોવા મળે છે અને તે દસેક દિવસ સુધી રહે છે. તેથી જો કોઈને ત્વચા પર આવી કોઈ નિશાની દેખાય તો તરત સાવધ થઈ જવું.
તબીબીઓ કોવિડ-૧૯ની તીવ્ર અસર ધરાવતાં દરદીઓમાં મધપૂડાની જેમ ઉપસી આવેલી લાલ અને અથવા સફેદ રંગની ફોડલીઓ પણ જોઈ છે. આવી ફોલ્લીઓ સાત દિવસ સુધી રહે છે.
ચામડી પર ચતાં ચકામા ઉપસી આવવા પણ કોરોનાના તીવ્ર લક્ષણોનો સંકેત આપે છે. અલબત્ત, આ સમસ્યા આપણા માટે નવી નથી. કોઈપણ વ્યક્તિન ેગમે ત્યારે આવા રેશિશ આવી શકે છે. કોવિડ-૧૯ના કેસમાં તે નવેક દિવસ ટકે છે.
જ્યારે નેક્રોસીસમાં રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે. પરિણામે તેમાં લેસ જેવી પેટર્નમાં જાંબુડી રંગના ચકામા ઉપસી આવે છે. તે જાંબુડી ઉપરાંત તે રાતા કે કથાઈ કલરના પણ હોય છે. આવા ચાંઠા કોવિડ-૧૯ તીવ્ર હોવાનો સંકેત આપે છે.
જોકે તબીબો આ માહિતી આપવા પછી પણ કહે છે કે ત્વચાની આવી સમસ્યા અન્ય ઘણાં કારણોસર પેદા થતી હોય છે. માનસિક તાણ, કોઈક ઔષધિની આડઅશર તેમજ રોગપ્રતિકારક શક્તિમાં થયેલો વધારો પણ ચામડી પર ફોલ્લીઓ પેદા કરવામાં નિમિત્ત બને છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ ત્વચાના કોષોમાં જ ચેપન ેલડત આપે છે ત્યારે ચામડી પર ફોલ્લીઓ ઉપસી આવે છે. તેથી કેટલાંક કેસમાં કોવિડ-૧૯ પણ આવી સમસ્યા પેદા કરી શકે છે. પરંતુ તે માત્ર નવા કોરોના વાઈરસના સંક્રમણ સામે લડતી વખતે જ પેદા થઈ હશે એમ ખાતરીપૂર્વક ન કહી શકાય. વળી ઓરી, અછબડા કે હર્પીસ (વિસર્પિકા)માં પણ ત્વચા પર ફોલ્લીઓ આવે છે અને તેમાં બળતરા થાય છે. તેથી જ્યારે આવી સમસ્યા સર્જાય ત્યારે એવા તારણ પર ન કૂદી પડવું કે તમે કોવિડ-૧૯ના સપાટામાં આવી ગયા છો. બલ્કે જ્યારે ત્વચા પર ફોલ્લીઓ, ચકામા ઈત્યાદિ જોવા મળે ત્યારે સૌથી પહેલા તેના ઉપર ખંજવાળ ન કરવી. તેના સિવાય સુતરાઉના સુંવાળા વસ્ત્રો પહેરવા. સિન્થેટિક કપડા બિલકુલ ન પહેરવા, તડકામાં ન જવું કે ગેસ પાસે ઝાઝીવાર ઊભા ન રહેવું,તમારા તબીબનો ઓનલાઈન સંપર્ક કર્યા પછી એકાદ અઠવાડિયામાં તમને ફાયદો ન થાય તો ડોક્ટરની રૂબરૂ મુલાકાત લેવી.
અલબત્ત, આપણે સારી રીતે જાણીએ છીએ કે ઘણાં તબીબો હમણાં કોરોનાના દરદીઓની સારવાર પાછળ ગળાડૂબ છે. આવી સ્થિતિમાં તેમના ઉપર વધુ બોજો નાખવાને બદલે સ્વયં જ પોતાનો ઈલાજ કરવો. અહીં જાતે જ દવાઓ લેવાની વાત નથી. પરંતુ આયુર્વેદિક એક્યુપ્રેશરમાં એવા ઘણાં ઉપચારો છે જે આપણા હાથ- પગના માધ્યમથી જ આપણને સાજા કરવાની ક્ષમતા ધરાવે છે. આપણા હાથની આંગળીઓ અને અંગુઠાના ચોક્કસ પોઈન્ટ્સ શરીરના અન્ય ભાગો સાથે એવી રીતે જોડાયેલાં છે કે ત્યાં ચોક્કસ પ્રકારે દબાણ આપવાથી તેની સાથે સંકળાયેલા અંગોને રાહત મળે છે.
આકૃતિઓમાં આપેલા આંકડા હાથ- પગના પ્રેશર- પોઈન્ટ્સના સૂચક છે અને તેના ઉપર ચોક્કસ રીતે દબાણ આપવાથી તેની સાથે સંકળાયેલા સમસ્યાગ્રસ્ત અંગને રાહત મળે છે. જેમકે ૦ (શૂન્ય) પ્રજનન અંગો સાથે જોડાયેલું છે. જ્યારે ૧ આકાશ તત્વ/ ફેફસાં અને મોટા આંતરડા સાથે, ૨ વાયુ તત્વ/ હૃદય અને નાના આંતરડા સાથે, ૩ અગનિ તાવ/ યકૃત અને પિત્તાશય સાથે, ૪ જળ તત્વ/ મૂત્રપિંડ અને મૂત્રાશય સાથે, ૫ પૃથ્વી તત્વ/ બરોળ અને જઠર સાથે સંકળાયેલા છે. તેવી જ રીતે ૬ કાળ (સમય) સાથે, ૭- દિશા સાથે, ૮- મન (ચિત્ત) સાથે ૯ આત્મા સાથે જોડાયેલા છે.
પ્રત્યેક આંગળી અને અંગુઠા, કાંડા અને નખમાં આ તત્વો આડી, ઊભી અને ઊંચી સ્થિતિમાં હોય છે અને આ પોઈન્ટ્સ પર ચોક્કસ રીતે દબાણ આપીને તેને જાગૃત કરવાથી આપણને વિવિધ પ્રકારની ફોલ્લીઓ, ખંજવાળ, દાહ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. અલબત્ત, એક્યુપ્રેશર (પોઈન્ટ્સ પર દબાણ આપવું) શી રીતે આપવું તે પણ એક કળા છે અને તે શીખવી પડે છે અને તે શીખવાનું ખાસ અઘરું નથી. એક વખત તમે એક્યુપ્રેશર શીખી લો ત્યારબાદ તમે જાતે જ આ અદ્વિતીય અને સરળ પધ્ધતિ અપનાવીને સાજાનરવા રહી શકો છો. સામાન્ય સંજોગોમાં પણ તમને ડોક્ટર પાસે દોડી જવાની જરૂર નથી પડતી.
વૈશાલી ઠક્કર