Get The App

વાર્તા : ઉછીનું આયખું

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
વાર્તા : ઉછીનું આયખું 1 - image

- મિસ્ટર અમર, મેં મનોમન આપની વ્યથા દૂર કરવાનું નક્કી કર્યું હતું. આપ એકાદ કલાક મારે ત્યાં રોકાઇને નીકળી ગયા હતા પણ એ દરમિયાન મેં મારી જાત આપને સમર્પિત કરી દીધી હતી. અને આપને એ પણ યાદ હશે જ કે જતાં જતાં આપે કહેલું, માનસી મારી પત્નીનો ખોળો ખાલી છે, કદાચ તું એ ભરી શકીશ.'

માનસીનું મન આજે કંઇક અજબ ઉલઝનમાં પડી ગયું છે. કોઇનું નામ એ યાદ કરવા મથી રહી છે, પણ નામ યાદ આવતું નથી. ચહેરો......? હા, ચહેરો બરોબર યાદ આવે છે, લંબગોળ, હસમુખ, જાડા હોઠ ઉપર ગચ્છાદાર મૂછો અને આંખો પર ઇટાલિયન ફ્રેમના ચશ્મા, પણ નામ યાદ નથી આવતું. બે-ત્રણ બીજા ચહેરા પણ એણે યાદ કરી જોયા........ એ બધાના જ નામો યાદ આવે છે.....ડૉ.ભરત, ડૉ.કમલ, આર્કિટેક્ટ જતીન.......પણ કમાલ છે, જેની એને તલાશ છે એ નામ યાદ નથી આવતું.

આખી રાત એણે આમ જ કાઢી નાખી. ને અચાનક એને યાદ આવી ગઇ એની સખી હેમા. એણે હેમાને ફોન કરવાનું નક્કી કર્યું. એ એક જ એવી છે જે એને એ વ્યક્તિનું નામ-સરનામું બરોબર કહેશે. દોઢેક મહિના પહેલાં હોસ્પિટલના વાર્ષિક મેળાવડામાં એણે જ તો એનો પરિચય એની સાથે કરાવી આપ્યો હતો. એ ટેલિફોન પાસે આવી અને ક્રેડલ પરથી રિસીવર ઉપાડયું. હોસ્પિટલનો નંબર મેળવ્યો.

'હેલો!'

'અરે, હેમા, એ માણસનું નામ શું છે?''

'શું? કોની વાત કરે છે?' સવાર ,સવારમાં એકાએક સંદર્ભ સિવાયનો પ્રશ્ન સાંભળીને હેમા ચોકી. જોકે એ માનસીના ધૂની સ્વભાવથી પરિચિત તો હતી જ.

'તને આજે આખી રાત ઊંઘ નથી આવી કે શું?'

' હા, એવું જ છે, પણ તું કહે પેલા માણસનું નામ શું છે?'

'ક્યો માણસ બાબા?'

'તને યાદ નથી? ફંક્શનમાં મારી સાથે તેં જેનો પરિચય કરાવ્યો હતો......ગુચ્છાદાર મૂછો......હસમુખ ચહેરો.......ઇટાલિયન ફ્રેમ......

'અમર?' હેમા બોલી,

'હા.......' નામ સાંભળતા જ માનસીની આંખો ચમકી ઊઠી. 'એ જ બરોબર. અચ્છા શું તમને એના સરનામાની પણ ખબર છે હેમા?'

'એ માનસી કી બચ્ચી.......' હેમા નાટકીય ઢબે બોલી, 'શું કંઇ પ્યાર-મહોબ્બતનું ચક્કર તો નથી ને!' પછી હેમાએ ડિરેક્ટરીમાંથી અમરના નામની એન્ટ્રી શોધી કાઢવાનું સૂચન કર્યું.

એણે જલ્દી-જલ્દી ડીરેક્ટરી શોધી કાઢી અને પાના ફંફોસવા લાગી. સરનામું શોધી કાઢ્યું. અમર દેસાઇ, શ્રીજી હાઉસ, વરસોવા, અંધેરી પશ્ચિમ, આજે ડયુટી પર ન જવાનો નિર્ણય લઇ લીધો અને બરોબર અગિયારને પાંચ મિનિટે એ અમર દેસાઇની ઑફિસે પહોંચી ગઇ. રિસેપ્શનિસ્ટે પૂછ્યું તો એણે કહ્યું, પોતે અમરબાબુની મિત્ર છે અને મળવા માગે છે.

અર્ધા કલાકની પ્રતીક્ષા બાદ અમર દેસાઇએ એને પોતાની કેબિનમાં બોલાવી. પ્રવેશતાં જ માનસીએ ચહેરો ઓળખી લીધો, પરંતુ અમર માનસીને જોઇ જ રહ્યો.

'કદાચ આપને યાદ નથી આવતું. હું માનસી, માનસી જોષી. બોમ્બે હોસ્પિટલમાં હું નર્સ છું. દોઢેક માસ અગાઉ ડૉક્ટરો દ્વારા આયોજીત વાર્ષિક મેળાવડામાં આપની સાથે મુલાકાત થઇ હતી. મારી સહેલી હોસ્પિટલની સ્ટાફ નર્સ-મિસ હેમાએ આપની સાથે પરિચય કરાવ્યો હતો..... હવે કદાચ આપને બધી વાતો યાદ આવી ગઇ હશે....... મિસ્ટર દેસાઇ!'

'હા......હા......યાદ આવ્યું. મિસ માનસી, બધી વાતો યાદ આવી ગઇ.' અમરે કહ્યું 'હું હેમાને સારી રીતે જાણું છું.'

'મિસ્ટર દેસાઇ, ફંક્શનની કોઇ વાતો યાદ છે.......? માનસીએ સહસા પૂછી નાખ્યું. વિષયાંતર થતાં અમર દેસાઇના કપાળની નસો સહેજ સંકોચાઇ. 'હા......હા, ખૂબ યાદ છે. મજાનું ફંક્શન હતું. ખૂબ મજા આવી હતી.'

યાદ છે? આપે કહેલું કે લગ્ન કર્યા ને આપને પંદર વર્ષ થઇ ગયાં છે અને ઘરમાં હજી પારણું નથી બંધાયું?'

'ઓહ!' અમર સહેજ ઝંખવાયો. પણ તરત જ સ્વસ્થ થઇ બોલ્યો, 'હા, સાચું છે, બિલકુલ સાચું, પણ તમે કહેવા શું માંગો છો?' કહેતા અમરે ટેબલ પર કોણીઓ ટેકવી. આશ્ચર્ય અને કુતૂહલથી એણે માનસીની આંખોમાં આંખ પરોવી.

માનસી થોડીવાર મૌન રહી. ટેબલ પર પડેેેલું પેપરવેઇટ સહેજ ખસેડયું અને પોતાની બંને કોણીઓ ટેબલ પર ગોઠવતાં બોલી, 'મિસ્ટર દેસાઇ, યાદ કરો એ મહેફિલ........અને માહોલ...... એ બગીચાના ફૂલ-ઝાડ, રાત્રીનો એ સમય......ખૂબ સૂરત વનરાઇઓ ઉપર ઝગમગાટ કરતી રોશની......આપણે બંને એક એકાંત ખૂણામાં ભીડથી દૂર ટેબલ પર સામસામે બેઠાં છીએ. બિલકુલ આમ જ. બિયરના ગ્લાસો પડયા છે. અને હું જોઇ રહી છું......આપની આંખોમાં આંસુ અને હૃદયમાં નિ:સંતાન હોવાનો સંતાપ!'

અમર દેસાઇ સ્તબ્ધ બની સાંભળી રહ્યો અને બોલ્યો, 'તમારી બધી વાતો સાચી છે, મિસ માનસી, બધું જ સાચું છે.'

અને એ પણ સાચું જ છે ને મિસ્ટર દેસાઇ કે પછી આપે મને મારા ઘર સુધી લિફ્ટ પણ આપી હતી અને મેં આપને ઘરમાં આવવાનું નિમંત્રણ.......! મને આપની વ્યથા ઉપર ખૂબ દયા આવી હતી મિસ્ટર અમર, મેં મનોમન આપની વ્યથા દૂર કરવાનું નક્કી કર્યું હતું. આપ એકાદ કલાક મારે ત્યાં રોકાઇને નીકળી ગયા હતા પણ એ દરમિયાન મેં મારી જાત આપને સમર્પિત કરી દીધી હતી. અને આપને એ પણ યાદ હશે જ કે જતાં જતાં આપે કહેલું, માનસી મારી પત્નીનો ખોળો ખાલી છે, કદાચ તું એ ભરી શકીશ.'

એટલે તું કહેવા શું માંગે છે માનસી.......?' ઉતાવળમાં અમરથી તુંકારો થઇ ગયો.

'હું આપને કહેવા આવી છું કે હું ગર્ભવતી છું. આપના સંતાનની હું મા બનવાની છું.'

સાંભળતા જ અમર દેસાઇની આંખો વિસ્ફારીત થઇ ગઇ. 'માનસી તું શું મને બ્લેકમેઇલ કરવા આવી છે?

'નહીં, આ હકીકત છે મિસ્ટર દેસાઇ......' માનસીનો અવાજ સહેજ ઊંચો થઇ ગયો' એ દિવસે હું આપની વાતોમાં આવી ગઇ. એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. અત્યારે આપને ફક્ત એટલી જ વિનંતી કરવા આવી છું કે મહેરબાની કરીને મારા ગર્ભપાતનો બંદોબસ્ત કરો. મને કોઇ જ લાલચ નથી. હું ગરીબ ખાનદાન ઘરની છોકરી છું. મારા દિલમાં ઊઠેલી આપના પ્રત્યેેની સહાનુભૂતિના પરિણામે જ મારે આજે આ દિવસો ભોગવવાના આવ્યા છે. મિસ્ટર દેસાઇ મારી પાસે, એટલા પૈસા નથી કે હું કોઇ પ્રાઇવેટ નર્સિંગહોમમાં જઇને ગર્ભપાત કરાવી શકું. મારા પર બહુ જવાબદારીઓ છે. મિસ્ટર દેસાઇ, મારો બધો પગાર એમાં વપરાઇ જાય છે. હું સીધી મારા ઘરે જ ચાલી જઇશ. કોઇને એક શબ્દ પણ નહિં કહું.'

અમર વિમાસણમાં પડી ગયો. વિચારવા લાગ્યો. 'માનસી અંગે જે તર્ક કર્યો.  એ તદ્દન ખોટો નીકળ્યો. છોકરી પાખંડી નથી, બ્લેક મેઇલર પણ નથી. બલ્કે ખાનદાન ઘરની સુસંસ્કૃત છે. એનો રંતૂબડો ભોળો ચહેરો અને નિર્દોષ આંખો.....જોઇને કોઇ પણ એમ કહી શકે કે છોકરી નિષ્પાપી છે. તે કોઇ મેલી રમત નથી રમી રહી. પણ તેના અંતરમનનું દુ:ખ ઠાલવી રહી છે.

'આઇ એમ સોરી માનસી, મારી ગેરસમજ થઇ ગઇ. મને માફ કર......પણ તું સાચું કહે, ખરેખર તું મા બનવાની છે?'

'હું સાચું કહું છું અમર સાહેબ, હું આપના સંતાનની માતા બનવાની છું.'

એક ક્ષણ અમર ચૂપ રહ્યો અને પછી ચપટી વગાડતાં બોલ્યો, 'એક કામ કર, તારે ગર્ભપાત કરાવવાની કોઇ જરૂર નથી માનસી, તારા થકી જ મારું જીવન પુલકિત થઇ જશે. સંતાન મારું જ છે અને મારી પત્નીને જ્યારે ખબર પડશે કે ટૂંક સમયમાં એનાં ખોળામાં બાળક રમવાનું છે ત્યારે એ ખુશીથી ઝૂમી ઊઠશે. માનસી, તારી પ્રસુતિનો બધો ખર્ચ હું કરીશ. તું બેફિકર રહે જે. કોઇને વાતની જાણ નહિં થાય. અને હું તને મોં માગ્યા પૈસા આપીશ. બોલ છે તૈયાર!'

મોં માગ્યા પૈસા........! માનસી જેવી સામાન્ય નર્સને આ શબ્દો સાંભળતા જ નજર સમક્ષ પૃથ્વીનો રંગીન ગોળો ફરતો નજરે ચડયો. 'કેટલા રૂપિયા? જેટલા જોઇએ એટલા? તારૂ દળદર ફિટી જશે બાવરી, તારા નાના-નાના ભાડુંઓ, બીમાર બાપ......આ બધાનું ભવિષ્ય તારી એક જ હાલમાં પલટાઇ જાય એમ છે........હા કહી દે, તારા બાપનું બધું દેવું પણ ચૂકવાઇ જશે.......'

નેવું હજારમાં માનસીએ સોદો કરી નાખ્યો. 'ઓ.કે.ડન. ત્રીસ હજાર હું હમણાં આપું છું, બીજા ત્રીસ હજાર તું હોસ્પિટલમાં દાખલ થશે ત્યારે અને બાકીના ત્રીસ હજાર હું તને ત્યારે આપીશ જ્યારે બાળક અમારા ઘરે આવી જશે......, ઓ.કે.?' કહેતા મિસ્ટર દેસાઇએ ચેકબુક કાઢી અને ત્રીસ હજારનો ચેક લખી માનસીના હાથમાં આપી દીધો.

ચેક હાથમાં આવતા જ માનસીનો હાથ ધૂ્રજવા લાગ્યો. ચેક એને ખૂબ વજનદાર લાગ્યો. આટલી બધી રકમ એક સાથે એણે કદી જોઇ ન હતી.

'રીલેક્સ.....માનસી. અને જો, તારા રહેવાની પણ અલગ વ્યવસ્થા હું કરી દઇશ. મારો જૂહુનો એક ફ્લેટ સાવ ખાલી જ પડયો છે.......તું ત્યાં જતી રહેજે. તારા સુખ સુવિધાની બધી વ્યવસ્થા ત્યાં થઇ જશે. બાકી તારે ગોઠવવું એ તું વિચારી લેજે.'

દિવસો વીતતા ગયા. ડૉક્ટર અમર તેમજ એમની પત્ની બહુ ખુશ છે. જીવનમાં નવી બહાર આવવાની છે. એ વિચાર માત્રથી બંને જણ રોમાંચિત થઇ ઉઠતાં, માનસીને કોઇ વાતનું ઓછું ન આવે, એ વધુ ને વધુ પ્રસન્ન રહે એ વાતની તકેદારી બંને જણાંએ કાળજીપૂર્વક લીધી.

પ્રસૂતિના દિવસે માનસીને બીજા ત્રીસ હજાર મળી ગયા અને થોડા દિવસો બાદ જ્યારે એક સુંદર પુત્રને અમર સાહેબની પત્નીની ગોદમાં મૂક્યો ત્યારે બાકીના ત્રીસ હજારનો ચેક પણ એને મળી ગયો.

અમરબાબુએ વચન બરાબર પાળ્યું હતું. નેવું હજાર રૂપિયા એક સાથે એની પાસે આવી ગયા હતા. એની ખુશીનો કોઇ પાર નહોતો. એણે વિચાર્યું....... નિ:સંતાનોને સંતાન દાન દેવામાં જો એ આમ પોતાની કૂખ ભાડે આપે તો એમાં ખોટું શું છે? માનસીએ હવેથી કૂખ ભાડે આપવાનો વ્યવસાય અપનાવી લીધો. અમરબાબુ બાદ અન્ય ત્રણ વ્યક્તિઓને એ પોતાની કૂખ ભાડે આપી ચૂકી. અને હર વખતે એ ભાવ પણ વધારતી ગઇ. માનસી હવે લાખોમાં રમવા લાગી. કુટુંબ પ્રત્યેની એની લાગણી હજી અકબંધ હતી. એણે બીમાર પિતાને દવાદારૂ કરી સંપૂર્ણ સ્વસ્થ કરી લીધા હતા. એનું બધું દેવું એણે ચૂકવી નાખ્યું હતું. મકાન પણ પાકું કરાવી લીધું અને હવે મોટો થયેલો નાનો ભાઇ પણ ભણતા-ભણતા ઘરનો બધો કારોબાર સંભાળતો હતો. હવે એ નિશ્ચિંત હતી. બલ્કે એનું જીવન એને હવે રોમાંચકારી લાગતું હતું. કોઇ પણ હિસાબે જીવનસંઘર્ષમાં પોતે સફળ થઇ છે એ વાતનું ગૌરવ હંમેશા એના ચહેરા પર અંકિત રહેતું. એણે મહાબળેશ્વરમાં એક બંગલો પણ ખરીદી લીધો હતો. દરેક પ્રસૂતિબાદ હવાફેર કરવા એ થોડો સમય ત્યાં ચાલી જતી.

એક દિવસ સવારમાં બાથરૂમમાંથી સ્નાન કરી એ બહાર નીકળી, છૂટા ભીના વાળને છટકોરતા એ કંઇ ગણગણી રહી ત્યાં જ ડોરબેલ વાગી. એણે દરવાજો ખોલ્યો. ત્રણેક વર્ષના એક સુંદર સોહામણા બાળક સાથે અમર દેસાઇ સ્મિત કરતો ઊભો હતો. 'અરે! અમરજી, આપ? કંઇ ભૂલા પડી ગયા......!' કહેતાં માનસીની નજર એ બાળક પર પડી, માનસીને સમજતાં વાર ન લાગી નખશિષ પોતાને જ મળતો આવતો નમણો ચહેરો......માનસીનું હૃદય નાચી ઊઠયું, ઉમળકાભેર પોતાના બંને હાથ એણે પોતાના કાળજાના ટુકડા તરફ ફેલાવ્યાં.

'જય......બેટા આંટી બોલાવી રહી છે, એમની પાસે જા?' અમરબાબુએ કહ્યું અને માસૂમ બાળક ઝડપભેર દોડીને માનસીના ફેલાયેલા હાથોમાં જઇને ભરાઇ ગયું. માનસીએ એને ખોળામાં બેસાડી દીધો અને ચહેરા ઉપર ચુંબનનો વરસાદ વરસાવી દીધો. પછી સહેજ લજ્જાઇને પરંતુ પુલકિત ચહેરે એનાંથી મિસ્ટર દેસાઇ તરફ જોવાઇ ગયું એ તકનો લાભ લઇને મિસ્ટર દેસાઇ પોતે જે  કારણસર આવ્યા છે એ વાત શરૂ કરી દીધી.

'માનસી મારા એક મિત્રના રીલેટીવ છે, મુકેશ મહેતા, પાવરપેક કંપનીના એ પાર્ટનર છે' કહીને મિસ્ટર દેસાઇએ ખિસ્સામાંથી તૈયાર રાખેલું કાર્ડ કાઢીને માનસી તરફ ધર્યું. 'તને ક્યારે અનુકૂળતા છે એ કહે એટલે મારે એને ફોનથી કહેવાનું છે. રકમ પણ કહી દે જે?

લગ્નને કેટલા વર્ષો થયા?' કાર્ડ ઉપર નજર માંડતા માનસી બોલી.

'પાંચ'

'બે લાખ, શું કહો છો? અમરબાબુ, એને કહીજ દેજો ને' મંજૂર હોય તો આવતીકાલે સાંજે ચાર વાગ્યે હું એની ઑફિસે જઇને મળી જઇશ'

'હમણાં જ ફોન ઉપર નક્કી કરી લઉં છું.' કહેતાં અમર ફોન તરફ જવા લાગ્યો.

'થોભો અમરસાહેબ, પ્લીઝ ઘરેથી નહિં. કદાચ એ મારી હાજરીનો લાભ લઇને રકમમાં બાંધછોડ કરશે.'

'ડોન્ટ વરી માનસી, બે લાખ તો હું મંજૂર  કરાવી લઇશ, આ તો અત્યારે જ વાત થઇ જાય તો પાકું થઇ જાય ને!'

'ઓકે તો આપ ફોન કરો એટલી વારમાં હું આપના માટે કોફી મૂકું છું, પણ જુઓ, આપ મારે ઘરેથી નહિં, બહારથી ફોન કરો છો. ઓકે કહેતી માનસી કિચનમાં ચાલી ગઇ. તેની ચાલ એક ગણતરીબાજ સ્ત્રી જેવી હતી.

ગભરુંમાંથી ચાલાક બની ગયેલી માનસીને અમર દેસાઇ જોતો જ રહ્યો.

બીજે દિવસે ચાર વાગ્યે માનસી મિસ્ટર મહેતાની કેબિનમાં પ્રવેશી. કિંગ સાઇઝની સિગારેટને નાનકડી હોકલીમાં ભેરવી મિસ્ટર મહેતા ધુમાડા કાઢી રહ્યાં હતા. માનસીને જોઇને જાણે એના ચહેરા પર આનંદ છવાઇ ગયો.

'યસ........પ્લીઝ બી સીટેડ? હેરત પામી ગયેલા મિસ્ટર મહેતા એ કહ્યું, શું લાવણ્ય !! ગોરો વાન.......નરમ-નરમ સસલાના નાના-નાના બચ્ચાઓ જેવી ભરાવદાર કમનીય કાયા!!!

'એક્સક્યુઝ મી મિસ્ટર મહેતા, સિગારેટ મને પસંદ નથી.'

'ઓકે.ઓકે. ' કહેતા ઝટપટ મિસ્ટર મહેતાએ સિગરેટને એશ-ટ્રેમાં બુઝાવી નાખી, 'તમે બેસો તો ખરા તમને મળીને આનંદ થયો.'

'મિસ્ટર મહેતા, હું આપનું બેક ગ્રાઉન્ડ જાણવા માગું છું.'

લગ્ન અગાઉ મિસ્ટર મહેતા એક બિલિયર્ડ ચેમ્પિયન હતો. રાજ્ય સ્તરે એણે ઘણાં ઇનામો મેળવેલા. એના કહેવા મુજબ એની પત્ની એના પ્રત્યે ખૂબ જ પ્રેમાળ છે. પરસ્પર એકબીજાને બંને ખૂબ ચાહે છે, ત્રણ ગાડીઓ, બંગલા, પૈસાની રેલમછેલ છે. સુખનું એવું કોઇ સાધન બાકી નહિં હોય જેની ખોટ મિસ્ટર મહેતાને હોય! છેવટે એણે કહ્યું, 'આ પહેલાં તમે કેટલાક નિ:સંતાનોને સંતાન આપવામાં સફળ રહ્યાં છો તેથી મને ખાતરી છે કે તમે મને પણ એક બાળક આપવામાં સફળ થશો જ. સોદો મને મંજૂર છે.

'હા, પણ મારો એક નિયમ છે જે આપે પાળવો પડશે અને એક શરત છે જે આપે માનવી પડશે.'

'હાજી બોલો.' મિસ્ટર મહેતાએ હસીને કહ્યું.

'નિયમ એ છે કે, આ બાબત આપ પ્રથમ આપની પત્નીને પૂછી જોશો. અને શરત એ છે ક, હું મારી જાત આપને સમર્પિત કરું એ પહેલાં બે લાખ રૂપિયાનો ચેક મારા એકાઉન્ટમાં જમા થઈ ચૂક્યો હોવો જોઈએ.

'ઓકે'

માનસીએ મીઠાશભર્યા લહેકાથી બોલવાનું પૂરું કર્યું અને મિસ્ટર મહેતા સહેજ  મુંઝાયા.

જુઓ, મિસ માનસી, હું મારી પત્નીને સરપ્રાઈઝ આપવા માંગુ છું. એ અંગે તમે પ્લીઝ બહુ આગ્રહ ન રાખો. કમસે કમ તમે ગર્ભ ધારણ કરો ત્યાં સુધી. અને આ અંગે રૂપિયા પચીસ હજાર હંુ તમને વધારાના આપીશ ઓકે?' કહેતાં મિસ્ટર મહેતાએ ચેકબુક કાઢી અને સવાબે લાખનો ચેક ફાડીને માનસીનાં હાથમાં આપી દીધો. પોતાની શરત ઉપર માનસી અડગ રહી ન શકી. સવા બે લાખના ચેકે તેની મતિ મૂંઝવી નાંખી હતી.

થોડા સમય બાદ...

મિસ્ટર મહેતા થકી માનસી ગર્ભવતી બની. એણે એ સમાચાર આપવા માટે મિસ્ટર મહેતાને ફોન કર્યો. મિસ્ટર મહેતાને કલ્પના જ નહોતી કે આ રીતે અચાનક માનસીનો ફોન આવશે. સિગારેટ પી રહેલા મિસ્ટર મહેતાને સમાચાર સાંભળતાજ દમનો એટેક આવ્યો. માનસીએ  મિસ્ટર મહેતાની તબિયત બગડી હોય એવું લાગતા... 'આર યું ઓલ રાઈટ મિસ્ટર મહેતા?' એવું પૂછ્યું અને મિસ્ટર મેહતા દમવાળા અવાજે હાંફતા હાંફતા કહ્યું, 'આઈ એમ સોરી, માનસી, કુદરતે એક અજીબ ખેલ કર્યો છે.'

(વધુ આવતા અંકે)...