- રાજેશ, હવે બહુ થયું. સમાધાન કરવાના મારા દરેક પ્રયત્નો તમે નિષ્ફળ બનાવ્યા છે. હવે આ વાત પર અહીંથી જ પૂર્ણવિરામ મૂકી દેવું પડશે. આપણા દાંપત્યજીવનમાં તિરાડ પડવાનું જ લખેલું હશે. હું સુખ-શાંતિભર્યું જીવન ઈચ્છતી હોવાથી ચૂપચાપ બધું સહેતી રહી, પરંતુ તમે કદાચ એનો એવો અર્થ કર્યો છે કે હું તમારાથી દબાયેલી હોવાથી બધું સહી રહી છું.
આશા રસોડામાંથી બહાર નીકળી અને નેપ્કીનથી હાથ લૂછી એણે ડ્રોઈંગ રૂમની બારી પરનો પડદો સહેજ ખસેડયો. રસ્તા પર આવતા-જતા લોકોને એનિર્લેપ ભાવે જોઈ રહી. અચાનક એની નજર સામેથી આવતી ત્રણ-ચાર કોલેજિયન યુવતીઓ તરફ ગઈ. તે એકબીજા સાથે કંઈ મજાક-મસ્તી કરતી, હસતી-હસતી આવતી હતી. આશા તેમને જોઈ રહી. એ યુવતીનું હાસ્ય આશાના હૈયામાં વેદના જગાડી ગયું.
એના લગ્નને બે વર્ષ થવાં આવ્યાં હતાં, પરંતુ લગ્ન પછીથી આજ દિન સુધી એ ક્યારેય આમ મુક્ત મને હરીફરી શકી નહોતી. સતત ચોકી કરતા પતિની દ્રષ્ટિમાં શંકાના ભાવ અનુભવીને એ શાંતિથી શ્વાસ પણ લઈ શકતી નહોતી.
આશાની નજર ફરતી-ફરતી ડ્રોઈંગરૂમમાં દીવાલ પર લટકાવેલા પેઈન્ટિંગ પર ગઈ. આછા વાદળી આકાશમાં છવાયેલાં રૂપેરી વાદળાં, ગીચ જંગલમાંથી પસાર થતી કેડી, લીલાંછમ વૃક્ષોની વચમાં છલાંગ મારતી એક હરણી આ પેઈન્ટીંગ આશાની સાહેલીએ એના લગ્ન સમયે ભેટ આપેલું. આશાના પતિ રાજેશને એ પેઈન્ટિંગ એટલું બધું ગમી ગયું હતું કે એમણે ડ્રોઈંગરૂમની દિવાલ તેનાથી જ સજાવી દીધી હતી. કોણ જાણે કેમ, આશા જ્યારે જ્યારે આ પેઈન્ટિંગને જોતી, ત્યારે ત્યારે એ કંઈક અકથ્ય વ્યથા અનુભવતી. અલબત્ત એની આ વ્યથા લાંબો સમય નહોતી ટકતી.
પતિનો અપાર પ્રેમ પ્રાપ્ત થવાથી એ ધન્ય થઈ ગઈ હતી. એમની વચ્ચે કોઈ ત્રીજાના આગમનની સંભાવના ક્યારેય નહોતી. રાજેશ કંપનીમાં ઉચ્ચ અધિકારી હોવા છતાં પટાવાળા સુધ્ધાં કોઈને ઘેર ન આવવા દેતો. જાણે આશાને કોઈની નજર લાગી જવાની હોય. મિત્ર વર્તુળમાં એ સૌની વ્યંગભરી વાતો ચૂપચાપ સાંભળી લેતો, પણ પત્નીને ક્યાંરેય, ક્યાંય સાથે ન લઈ જતો. લગ્ન કરીને સાસરે આવી, ત્યારે એનો ચહેરો સોળે કળાએ ખીલેલા પૂનમના ચંદ્રની ચાંદનીમાં શોભતા પોયણા જેવો હતો. અત્યંત સુંદર આશાના પતિ રાજેશની ઉંમર એની ઉંમર કરતાં દસ વર્ષ મોટી હતી. સોહાગરાતે રાજેશે સોહાગ સેજ પર સોળે શણગારે સજીને પ્રીતમની રાહ જોતી આશાના સૌંદર્યને જોયું, ત્યારે એ જોતો જ રહી ગયો હતો.
પલંગની સામે જ રાખેલા ડ્રેસિંગ ટેબલના ફુલ સાઈઝના અરીસામાં બંનેના પ્રતિબિંબ દેખાતાં હતાં. આશાની દ્રષ્ટિ સંકોચને લીધે ઊંચી થઈ શકતી નહોતી, પરંતુ રાજેશની નજર એ પ્રતિબિંબ પર અટકી ગઈ. આમ તો રાજેશ પણ દેખાવમાં સાવ કાઢી નાખવા જેવો તો નહોતો. એના મિત્ર વર્તુળ, કંપનીના સ્ટાફમાં રાજેશની ગણતરી 'સ્માર્ટ' તરીકે થતી. તેમ છતાં ચાંદની શી આશાની સરખામણીમાં એનો શ્યામ વર્ણ... એણે ઝડપથી લાઈટ બંધ કરી પહેલી રાતે જ એના અંતરના અરીસામાં એક તિરાડ પડી ગઈ.
આશાને તો આવી કલ્પના સુધ્ધાં નહોતી. એના માટે જીવનમાં પુરૂષનો પ્રથમ સ્પર્શ સોહામણાં શમણાનું સાકાર સ્વરૂપ બનીને આવ્યો હતો, જ્યારે રાજેશ પત્નીને સંપૂર્ણ સમર્પિત રૂપે પામવા છતાં, કંઈક અપૂર્ણતા અનુભવી રહ્યો.
એ પછી રાજેશનાં મનમાં શંકાનો કીડો સતત સળવળતો જ રહેતો. બારી પાસે ઊભેલી આશાએ દૂરથી આવતા રાજેશને જોયો. એ ઝડપથી પડદો સરખો કરી રસોડામાં આવતી રહી. આ એક જ સ્થળ એવું હતું જ્યાં એને જોઈને રાજેશ રાહત અનુભવતો. રાજેશે ઘરમાં આવીને કપડાં બદલ્યાં, એટલીવારમાં આશાએ ટેબલ પર ચા-નાસ્તાની તૈયારી કરી.
''આશા, ચા થોડીવાર પછી બનાવજે. મને થાક લાગ્યો છે. હું નહાઈ લઉં.'' બાથરૂમમાંથી રાજેશનો અવાજ સંભળાયો.
એ ટેબલ પર નાસ્તાની ડિશ ઢાંકી, તયાં જ બેસી ગઈ. મન હજી વિચારોના વમળમાં જ ફસાયેલું હતું. હમણાં થોડા સમયથી એ સતત વિચારોમાં જ ખોવાયેલી રહેતી, એ રાજેશના વર્તન વિશે જેટલું વધારે વિચારતી. એટલી જ વધારે મુંઝવણ અનુભવતી. ડગલે ને પગલે શંકા અને ક્યારેક આક્ષેપોને કારણે એનું મન ખાટું થઈ ગયું હતું. ક્યારેક એ બહાર વરંડામાં આવીને ઊભી રહેતી, તો રાજેશ પણ કંઈને કંઈ બહાનું શોધી ત્યાં આવી પહોંચતો.
આમ છતાં આશા અંદર ન જાય, તો એ પૂછી જ નાખતો, ''કેમ અહીં ઊભી છે? શું કામ છે?'' અને એની શંકાભરી નજર ચારે બાજુ ફરી વળતી. નહીં, શાકભાજી વેચનારાની લારી નીકળી હતી. મને થયું કે સારું શાક હોય તો થોડું લઈ લઉં.'' એ જવાબ આપીને તરત અંદર જતી રહેતી. સુશિક્ષિત પતિનું આવું સંકુચિત વર્તન એનાથી સહન ન થતું, પરંતુ એ સામો જવાબ વાળીને ઝઘડો ઊભો કરવા નહોતી ઈચ્છતી.
એક દિવસ તો આ શંકાની હદ આવી ગઈ. આશા અને રાજેશ ખરીદી કરવા નીકળ્યાં હતાં. બસમાંથી એક સ્ટેન્ડ પર ઉતરતી વખતે કોઈ છેલબટાઉ જાણી જોઈને આશા સાથે પાછળથી અથડાયો. રાજેશની શંકાભરી નજરે આ દ્રશ્ય જોઈ લીધું. બસમાંથી ઉતરતાંવેંત ક્રોધિત નજરે એણે આશા સામે જોયું અને તરત જ રિક્ષા ઊભી રખાવી આશાને તેમાં બેસવાનો હુકમ કર્યો. આખા રસ્તે આંખોમાંથી ઝરતા અંગારા આશાઆને દઝાડતા રહ્યાં.
ઘરમાં પગ મૂકતાંની સાથે જ જાણે જ્વાળામુખી ફાટયો, ''હવે તને બસમાં કેવી રીતે ચડવું-ઉતરવું તે પણ મારે શીખવવું પડશે? તને બસમાંથી નીચે ઉતરવાની એટલી બધી શી ઉતાવળ હતી? સંસ્કારી સ્ત્રીઓ પુરૂષો નીચે ઊતરે પછી જ બસમાંથી ઉતરતી હોય છે. પહેલાં બસમાં મુસાફરી કરતાં શીખ, પછી ઘરની બહાર પગ મૂકજે.''
આશા માનસિક રીતે આ પરિસ્થિતિ માટે પોતાને તૈયાર કરી ચૂકી હતી. આથી એ ચૂપ જ રહી. મનમાંથી ક્રોધનો ઊભરો ઠાલવ્યા બાદ રાજેશ શાંત થયો, ત્યારે આશાએ એને સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ રાજેશે માત્ર મૌન જ સેવ્યું.
આશાએ મુખ્ય વિષય તરીકે માનસશાસ્ત્ર લઈને બી.એ.ની ડિગ્રી મેળવી હતી. રાજેશના આવા વર્તન પાછળનું કારણ એ સમજતી હતી અને તેથી જ એ પોતાના પ્રેમ દ્વારા એ મનોગ્રંથિ દૂર કરવાનો પ્રયત્ન કરતી. આમ છતાં આશાનાં કૂણા વર્તન પ્રત્યે રાજેશનો પ્રતિસાદ શૂન્ય રહેતો. એ આશાના પ્રેમને દંભ માનતો.
શરૂઆતમાં આશાને પતિનો આવો પ્રેમ ગમતો, પરંતુ જેમ તેમ એના મનોભાવ વ્યક્ત થતા ગયા, તેમ તેમ આશાને એ પ્રેમ છીછરો, ઉપરછલ્લો લાગવા માંડયો. હવે જ્યારે રાજેશ એના પ્રત્યે શંકા કરતો, ત્યારે આશાને દુ:ખ થતું. એને ઘર હવે જેલ જેવું લાગતું હતું.
આમ જોવા જાવ તો ઘરમાં સુખ-સાહ્યબીની કોઈ ઉણપ નહોતી, પરંતુ આટઆટલું હોવા છતાં આશા સ્વતંત્ર નહોતી. એક સુશિક્ષિત યુવતી હોવાથી આશાને સ્વતંત્રતાના અર્થ અને ઉપયોગનો બરાબર ખ્યાલ હતો, પરંતુ એ ઝઘડાને ઘરની સુખશાંતિનો શત્રુ માનતી. આજ કારણસર એ શક્ય હોય ત્યાં સુધી રાજેશની ઈચ્છા મુજબ જ વર્તતી. ''હાશ... હવે કંઈક રાહત લાગે છે.'' રાજેશ ભીના વાળ લૂછતો બાથરૂમમાંથી બહાર આવ્યો. આશાની એકદમ નિકટ ઊભો હોવાથી એના શરીરમાંથી આવતી ભીનીભીની સુગંધે પળવાર આશાને પણ મદહોશ કરી દીધી.
એ મોહક સ્મિત કરતાં બોલી, ''તમે હવે ચા-નાસ્તો તો કરી લો.''
''સામેના મકાનમાં કદાચ નવા ભાડુત રહેવા આવ્યા છે.'' આશાએ કહ્યું કે તરત જ રાજેશના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. એણે તરત જ પૂછ્યું, ''કોણ છે? કેટલા માણસો છે? કેવા છે?''
''ઓફ ઓ... એ બધી ખબર મને ક્યાંથી હોય? મેં તો માત્ર ટ્રકમાંથી સામાન ઉતરતો જોયો હતો.'' આશાઆએ સસ્મિત જવાબ આપ્યો.
ચા પીધા પછી રાજેશ પલંગમાં આડો પડી મેગેઝિન વાંચવા લાગ્યો. આશા અંદર જઈ રસોઈની તૈયારી કરવામાં ગુંથાઈ ગઈ.
બીજા દિવસે રાજેશ સવારે તૈયાર થઈ ઓફિસે ગયો. આશા કામકાજ પતાવી ડ્રોઈંગરૂમમાં આવીને બેઠી હતી. ત્યાં જ અચાનક ડોરબેલ રણકી ઊઠી. એણે બારણું ખોલ્યું તો સામે તો સામે એક આકર્ષક યુવક ઊભો હતો. આશાને જોઈ પળવાર તો જાણે સુધબુધ ગુમાવી બેઠો. પરંતુ તરત જ સ્વસ્થ થઈ થોડું અસંબધ્ધ બોલ્યો, ''મારું નામ પરેશ છે. એમ તમારી સામેના મકાનમાં રહેવા આવ્યા છીએ. હું એન્જિનિયર છું. તમારી પાસે ગેસનું વધારાનું સિલિન્ડર હશે?''
આશાને સહેજ અચકાતી જોઈ એણે કહ્યું, ''હું બને એટલી વહેલી તકે બીજી કંઈ વ્યવસ્થા કરી લઈશ. બે-ત્રણ દિવસ માટે જ જરૂર છે. મારી પાસે સ્ટવ પણ નથી.''
''ઓહ, આવો, અંદર આવો. આશા અંદર આવતાં બોલી, પતિની ગેરહાજરીમાં પરેશને ઘરમાં બોલાવતાં એ ડરતી હતી, પરંતુ શું થાય? નવા આવેલા આગંતુક સાથે ઔપચારિકતા નિભાવ્યા વિના પણ ચાલે એમ નહોતું.
''તમે લોકો ક્યાંથી આવ્યાં છે?'' આશાએ ઔપચારિકતાવશ અને સહેજ ઉત્સુકતાથી પૂછ્યું.
વડોદરાથી, મારી બદલી થઈ છે, મારી પત્ની સાથે જ આવવાની હતી. પરંતુ અમારા સંબંધીનાં લગ્ન હોવાથી તેમાં હાજરી આપવી પણ જરૂરી હતી. ઘરમાં સામાન ગોઠવવાનું કામ મારા પર આવી પડયું છે.'' પરેશે સ્પષ્ટતા કરી.
''એ ક્યારે આવશે?''
''ત્રણ-ચાર દિવસમાં આવી જશે.''
આશાને મનમાં થયું કે એ પરેશને રાતે જમવાનું નિમંત્રણ આપે પણ પછી થયું કે કદાચ રાજેશ આનો ઉંધો અર્થ કરે, આથી એ ચૂપ રહી.
''ચાલો, હું રજા લઉં.'' પરેશ ઊભો થતાં બોલ્યો. આશાએ એને રસોડામાં લઈ જઈ સિલિન્ડર આપ્યું. પરેશ તે લઈને ગયો, પરંતુ આશા વિચારોના વમળમાં ફસાઈ ગઈ. એ નિર્ર્ણય ન કરી શકી કે પરેશ આવીને સિલિન્ડર લઈ ગયો, તે વિશે રાજેશને કહેવું કે નાહીં. જે માણસ શંકાશીલ માનસ ધરાવતો હોય, એ વાતનું વતેસર કરી નાખે. એ દ્વિધા અનુભવતી હતી. જો પોતે રાજેશને વાત ન કરે અને રાજેશની હાજરીમાં જ પરેશ સિલિન્ડર પાછું આપવા આવે, તો રાજેશથી પોતે આ વાત કેમ છુપાવી, એની શંકા કરે.
આશા જેટલું વધારે વિચારતી, એટલી જ વધારે દ્વિધા અનુભવતી. શંકાશીલ માનસના પતિથી વાત છુપાવવી કે કહેવી, બંનેમાં જોખમ રહેલું હતું. છેવટે એણે રાજેશને કંઈ નકહેવાનો નિર્ણય કર્યો. અલબત્ત, આ નિર્ણય જોખમી હતો, પરંતુ હવે બીજો કોઈ માર્ગ નહોતો. એણે ત્યારે જ ખોટું બોલીને ના કહી દીધી હોત, તો સારું થાત. ક્ષણાર્ધ માટે એને વિચાર આવ્યો કે એ પરેશને જઈને કહી આવે કે પતિની ગેરહાજરીમાં જ સિલિન્ડર પાછું આપવા આવે પરંતુ એ માણસ શું વિચારશે? કંટાળીને એણે મનમાંથી આ વિચાર જ કાઢી નાખ્યો. છેવટે આશાનો ભય સાચો પડયો. સાંજનો સમય હતો. રાજેશ આજે પ્રફુલ્લિત લાગતો હતો. આશા રસોડામાં ભજિયાં બનાવતી હતી. માનસિક અકળામણ થોડીવાર માટે ક્યાંક ગુમ થઈ ગઈ હતી.
અચાનક ડોરબેલ રણકતાં આશા ચોંકી. બહાર પરેશ સિલિન્ડર લઈ સ્મિત કરતો ઊભો હતો. એના ચહેરા પર ગઈકાલના નવા પરિચયના ભાવ હતાં.
''કોણ છે. આશા?'' રાજેશ તરત જ બહાર આવ્યો. પરેશ પાસેથી વિગતવાર વાત સમજતાં એને થોડીવાર લાગી. જોકે આ દરમિયાન આશાની હાલત કાપો તોય લોહી ન નીકળે એવી થઈ ગઈ. રાજેશે પરેશ સાથે કોઈ પ્રકારની ઔપચારિકતા ન દાખવી. પરેશ સિલિન્ડર પરત કરી ચાલ્યો ગયો. એના ગયા પછી રાજેશનો ક્રોધ આશા પર ઉતર્યો.
આશાએ સ્પષ્ટતા કરતાં કહ્યું, ''મેં તો માત્ર પાડોશીધર્મ દાખવ્યો છે. તમને આ બધુ પસંદ નથી. એટલે મેં તમને વાત નહોતી કરી. તમે સમજવાની કોશિશ કરો...'' આશાની વાત પૂરી થાય એ પહેલાં જ એના ગાલ પર એક જોરદાર તમાચો પડયો.
એ અટકી ગઈ. થોડીવાર રાજેશ સામે લાલઘૂમ આંખે એકીટશે જોઈ રહી. પછી બોલી, ''રાજેશ, હવે બહુ થયું. સમાધાન કરવાના મારા દરેક પ્રયત્નો તમે નિષ્ફળ બનાવ્યા છે. હવે આ વાત પર અહીંથી જ પૂર્ણવિરામ મૂકી દેવું પડશે. આપણા દાંપત્યજીવનમાં તિરાડ પડવાનું જ લખેલું હશે. હું સુખ-શાંતિભર્યું જીવન ઈચ્છતી હોવાથી ચૂપચાપ બધું સહેતી રહી, પરંતુ તમે કદાચ એનો એવો અર્થ કર્યો છે કે હું તમારાથી દબાયેલી હોવાથી બધું સહી રહી છું.
હું માત્ર એક જ કારણસર ચૂપ રહી કે તમે મારા પતિ છો અને પત્ની તરીકે સહન કરવાની માફી ફરજ છે. જોકે આ તમારા મનનો ભ્રમ છે. સાચી વાત કરું તો મેં ક્યારેય સહન નથી કર્યું. હું તો માત્ર તમને માફ કરતી રહી છું. તમારું માનસિક વિશ્લેષણ કરતાં તમે ક્રોધને નહીં ક્ષમાને પાત્ર છો, એવું મને લાગ્યું હતું. જોકે આજે લાગે છે કે તમે તો ક્ષમાને પાત્ર પણ નથી. સ્વતંત્રતા મેળવવાનું મારા માટે અઘરું નથી, પરંતુ મેં આ ઘરની અને તમારી ખુશી માટે સ્વેચ્છાએ તેનો ત્યાગ કર્યો હતો. છતાં મને લાગે છે કે એ મારી ભૂલ હતી.''
''નાહક શક્તિ વેડફવાની જરૂર નથી. અહીં આ ભાષણ આપવાને બદલે કોઈ સ્ટેજ પર આપ્યું હોત, તો તું લોકોમાં લીડર બની જાત.'' રાજેશે કહ્યું.
અલબત્ત, પત્નીને તમાચો મારવા બદલ રાજેશને પણ પાછળથી પસ્તાવો અવશ્ય થતો હતો, પરંતુ પત્નીનું વિદ્રોહિણીનું રૂપ જોઈ એને થયું, અત્યાર સુધી પોતાનાથી છુપાવીને એ કોણ જાણે શું શું કરતી રહી હશે? ચોક્કસ એ અત્યાર સુધી પોતાની સાથે પ્રેમનું નાટક જ કરતી રહી હશે. રાજેશને ખાતરી થઈ ગઈ હતી કે આ અપાર સૌંદર્ય માત્ર એના માટે જ ન હતું. ભલી ભોળી લાગતી આ યુવતી પોતાના તન-મનની પવિત્રતા વિશે વ્યર્થ વાતો કરતી હતી.
રાત્રે ક્યાંય સુધી પથારીમાં પીઠ ફેરવીને રાજેશ જાણે એને આશાની બિલકુલ પરવા જ ન હોય એમ ગાઢ ઊંઘમાં હોય એવો દેખાવ કરી રહ્યો હતો. રાજેશ ઘસઘસાટ ઊંઘે છે એવી ખાતરી થતાં આશા સહેજ પણ પગરવ ન થાય એમ ઊઠી અને બહાર ડ્રોઈંગરૂમમાં આવી.
રાજેશે અધખુલ્લી આંખે આશાને બહાર નીકળતી જોઈ હતી. થોડો સમય પસાર થવા છતાં એ અંદર ન આવી, તેથી એના મનમાં શંકા જાગી કે અત્યાર સુધી આશા શું કરતી હશે? એ પણ ધીમેથી ઊઠીને બેડરૂમના બારણા સુધી આવ્યો. અધખુલ્લા બારણામાંથી બહારના રૂમનો પ્રકાશ દેખાતો હતો. રાજેશે જોયું તો આશા ટેબલ લેમ્પ ચાલુ કરીને કોઈને પત્ર લખી રહી હતી. 'કોઈને પ્રેમપત્ર લખી રહી હોય એમ લાગે છે. એના વર્તન પરથી એ આટલી હલકટ હોય, એવો ખ્યાલ પણ ન આવે.' રાજેશે વિચાર્યું.
એ ચૂપચાપ પાછો આવીને પથારીમાં સૂઈ ગયો. એ વિચારવા લાગ્યો. પત્ર લખી લે, એટલે એની પોલ ખુલ્લી પાડયા વિના નહીં રહું. રાજેશના મનમાં આશા પ્રત્યે ધૃણા જાગી. પોતે આ યુવતીને કેટલો પ્રેમ કર્યો હતો! થોડીવાર પછી આશા અંદર આવીને ચૂપચાપ સૂઈ ગઈ.
આશાને ઘસઘસાટ ઊંઘતી જોઈ રાજેશ... ડ્રોઈંગરૂમમાં આવ્યો. એણે ટેબલ લેમ્પની સ્વિચ ચાલુ કરી. ટેબલ સાવ ખાલી હતું. એ ઝડપથી કાગળ શોધવા લાગ્યો. છેવટે ટેબલના ડ્રોઅરમાં પડેલા એક કવરમાંથી રાજેશને તે પત્ર મળ્યો. કવર પર કોઈનું સરનામું લખેલું નહોતું. રાજેશે એમાંથી પત્ર કાઢ્યો અને વાંચવા લાગ્યો. એ પત્ર આશાએ એક કંપનીમાં ઉચ્ચ અધિકારી અને અપરિણીત એવી પોતાની પ્રિય સખી શોભાને લખેલો હતો.
એ મર્મસ્પર્શી પત્ર વાંચતા-વાંચતાં રાજેશના ચહેરાના હાવભાવ બદલાવવા ગયા.
''શોભા, મેં શમણાંની દુનિયાની એક કલ્પના કરી હતી, પરંતુ તારા બનેવીને મળ્યા પછી મારી એ કલ્પના સજીવ બની હોય એવું લાગતું હતું. મા અને ભાભીને મેં નાનપણથી જ મનોમન અકળાતાં જોયાં હતાં. મોડી રાત સુધી ઘરે ન આવતા મોટા ભાઈની ચિંતામાં ભાભીને ઘણીવાર એકાંતમાં આંસુ સારતાં જોયાં હતાં.
લગ્નનું નામ લેતાં પણ મને ડર લાગતો હતો. તું નહીં માને પણ આવા ચારિત્ર્યવાન અને નિર્વ્યસની ઉચ્ચ અધિકારી પતિ મળતાં હું ધન્ય થઈ ગઈ હતી, પરંતુ મારું સૌંદર્ય જ મારા માટે અભિશાપ નીવડયું. એ મારા પર શંકા કરવા લાગ્યા. મેં મારા પ્રેમ અને સમર્પણથી એ શંકા દૂર કરવાની કોશિશ કરી જોઈ, શંકાનો સર્પ મારા આનંદને ડસી જાય એમ હું નહોતી ઈચ્છતી અને તેથી જ જાણી જોઈને બધુ સહન કરતી રહી. પતિ ભલે ગમે ત્યાં હોય છતાં પોતાનો છે અને આજે પણ હું તે બદલ ગર્વ અનુભવું છું. તેમ છતાં પુરૂષના સ્વભાવમાં જ સરમુખત્યાર શાહી હોય છે. માત્ર એના પ્રકાર જુદા જુદા હોય છે. પિતાજી અને મોટા ભાઈએ પોતપોતાની પત્નીને જુદી રીતે સતાવી અને મારા પતિએ મને હેરાન કરવા જુદો જ માર્ગ અપનાવ્યો. હું એમને અત્યંત ચાહુ છું. પરંતુ તેના લીધે મારું કોઈ અસ્તિત્વ જ ન રહે, એવું અર્થઘટન નથી થતું.
ભલે, એમના મનમાં શંકા જ હોય, પરંતુ એનું સ્વરૂપ એટલું ધૃણાજનક બની ગયું છે કે હવે હું વધારે સમય એમની સાથે રહી શકું તેમ નથી. તું તારી કંપનીમાં ઉચ્ચ અધિકારી છે, તો મારા માટે પણ કોઈ નાનીસુની નોકરી શોધી કાઢ. તારી કંપનીમાં ક્યાંક તો જગ્યા હશે જ. પ્રત્યુત્તર જલદી લખજે. હવે સમાધાનનો કોઈ માર્ગ રહ્યો નથી. હવે હું એમની સાથે બિલકુલ નહીં રહી શકું.
તારી જ આશા.
પત્ર વાંચીને રાજેશને થયું, પોતે આશાના સૌંદર્યથી આટલો અભિભૂત હતો, પરંતુ પોતાની જાત વિશે આટલો અજાણ કેવી રીતે રહ્યો? એને પોતાનામાં રહેલી ખૂબી માટે ગર્વ થયો. આજે પ્રથમવાર એને થયું કે આશા અત્યંત સુંદર યુવતી જ નહીં. અત્યંત પ્રિય પત્ની અને નિપુણ ગૃહિણી પણ છે. તેના મન ચક્ષુ આગળનું ધુમ્મસ હવે વિખરાઈ રહ્યું હતું.


