Get The App

વાર્તા : પહેલી એપ્રિલ .

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
વાર્તા : પહેલી એપ્રિલ                             . 1 - image

- શ્રૃતિને એમ લાગી રહ્યું હતું કે પહેલી એપ્રિલે તેને મૂર્ખ બનાવી હતી, કે પછી તે મૂર્ખ ઠરી હતી

શ્રૃતિ અને નિશા-નિશિથની વચ્ચે ટપકી પડીને તેમણે તેમની કિંમતી ભેટ દંપત્તીના હાથમાં પકડાવી નિશા-નિશિથને મુબારકબાદ આપ્યા પછી તેમણે શ્રૃતિ સામે તુચ્છકારભરી નજરે જોયું. શ્રૃતિ માથાથી પગ સુધી સમસમી ગઇ. 

શ્રૃતિ આજે ઘણાં દિવસ પછી નવરાશના સમયમાં ડાયરી લખવા બેઠી. શ્રૃતિને રોજરોજ ડાયરી લખવાની ટેવ નહોતી. પણ ખાસ પ્રસંગો ક બનાવો તે ડાયરીમાં અચૂક ટપકાવતી. છેલ્લા થોડાં દિવસોથી જિંદગી રોજિંદી ઘરેડ મુજબ વહી રહી હતી. પતિ શૈલેષ ઓફિસે ચાલ્યા ગયા હતા અને બાળકો શાળાએ. ગૃહકાર્ય આટોપીને નવરી પડેલી શ્રૃતિને થયું કે ઘણાં દિવસથી ખાસ કાંઇ બન્યું નથી તોય ડાયરીમાં કાંઇક તો લખું. આજની તારીખ કાઢવા તે ડાયરીના પાનાં પલટી રહી હતી  ત્યાં તેના હાથ પહેલી એપ્રિલના પાનાં પર અટકી ગયા.

એપ્રિલ માસની પહેલી તારીખે તેને ખરેખર મૂર્ખ બનાવી હતી, કે પછી તે મૂર્ખ ઠરી હતી. અનાયાસે તેની નજર પોતાના લખેલા શબ્દો પર અટકી ગઇ. ''નિશા, આજે તારા ઘરમાં મારું જેવું અપમાન થયું છે. એવી અવહેલના અગાઉ ક્યારેય નથી થઇ. તું તો આવી નહોતી. તો પછી શા માટે તેં મારી આવી ઉપેક્ષા કરી? આ સવાલ ઝેર પાયેલા તીરની જેમ મારા હૃદયને વિંધીને મારા સમગ્ર અસ્તિત્વને હચમચાવી રહ્યું છે. મારી રાત્રિની મીઠી નિંદર હરામ થઇ ગઇ છે.''

આટલું વાંચીને શ્રૃતિએ ડાયરી બંધ કરી દીધી. તે આ દિવસ યાદ કરવા નહોતી ઇચ્છતી. પણ મન હતું કે પહેલી એપ્રિલમાં જઇને અટવાઇ ગયું હતું. નિશા સાથે તેની મુલાકાત તેની નાની બહેન નમ્રતાએ કરાવી હતી. નમ્રતા  અને નિશા નિયમીત રીતે જિમમાં જતી. અહીં જ બંનેની મૈત્રી થઇ હતી. બંને ફિગર કોન્શિયસ અને સૌંદર્યની  આળપંપાળ કરનારી યુવતીઓ વચ્ચે ગાઢ મૈત્રી થઇ ગઇ હતી. બેઉને કોઇ સંતાન નહોતું અને બાળકની ખાસ ઇચ્છા પણ નહોતી. હરવું-ફરવું, ખાવું-પીવું અને મોજથી જીવવું. એક સમાન વિચારસરણી ધરાવતી સખીઓના પતિ પણ ધીમે ધીમે દોસ્ત બની ગયા હતા. ઘણીવાર તેઓ સાથે ડિનર કરવા કે ફિલ્મ જોવા જતાં. ચુલબુલી નમ્રતાની બધી વાતોમાં ધીરગંભીર પ્રકૃતિની  મોટી બહેન શ્રૃતિ પ્રત્યેનો પ્રેમ છલકાતો. નમ્રતાની શ્રૃતિ વિશેની વાતો સાંભળી સાંભળીને નિશા પણ તેને ઓળખવા લાગી હતી.

એક દિવસ અચાનક નમ્રતા નિશાને લઇને શ્રૃતિના ઘરે ટપકી પડી. શ્રૃતિએ બંનેનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરતાં કહ્યું, 'નિશા, નમ્રતાના મોઢે તમારા વિશે જેટલું સાંભળ્યું હતું તેના કરતાં વધારે ખૂબસુરત છે તું અને તારું નામ પણ.' શ્રૃતિની વાત સાંભળી નિશા બોલી  ઉઠી, 'મારા નામનો અર્થ તો રાત્રિ થાય. તો પછી મારું નામ ખૂબસુરત શી રીતે થયું? અંધકાર ક્યારેય આકર્ષક હોઇ શકે ખરૃં? 'કેમ ન હોઇ શકે? ચાંદ-તારાની ખૂબસુરતી જોવા અને રજનીગંધાની સુગંધ માણવા અંધારું ખપે. દિવસના અજવાળામાં આ સૌંદર્ય-સોડમ સાથે રાત  જેવી શાંતિ પણ મળે ખરી?' શ્રૃતિએ નિશાને તેના નામનું રહસ્ય સમજાવ્યું. નિશા ખુશ થતાં બોલી ઉઠી હતી, 'વાહ શ્રૃતિદીદી, તમે તો  મારા નામ પ્રત્યેનો મારો અણગમો દૂર કરી દીધો. હજી સુધી કોઇએ  મને 'નિશા'નો આવો સરસ અર્થ ક્યારેય નથી સમજાવ્યો.'

ચા-નાસ્તાને ન્યાય આપતાં આપતાં ત્રણે જણી વાતે વળગી. નિશાએ શ્રૃતિને કહ્યું હતું, 'દીદી, નમ્રતા કહેતી હતી કે તમે બહુ સરસ કવિતાઓ લખો છો. તો  મારા  માટે પણ સરસ મઝાની કવિતા લખો ને.' 'તારા માટે પણ લખીશ. કોઇક સરસ મોકો આવવા દે.' શ્રૃતિએ કહ્યું હતું.

નિશાએ ઝટપટ  આ તક પણ આપી દીધી હતી. તેની મેરેજ એનિવર્સરીની. શ્રૃતિએ પોતાના હાથે નિશા અને તેના પતિ નિશિથ માટે સરસ મઝાનું કાર્ડ બનાવ્યું. કાર્ડમાં તેણે નિશા-નિશિથ માટે કવિતા પણ લખી. નિશા શ્રૃતિના ઘરે આવીને પ્રેમપૂર્વક તેમની લગ્નતિથિમાં સપરિવાર આવવાનું આમંત્રણ આપી ગઇ. શ્રૃતિ નિશાની  વિનમ્રતાથી ખાસ્સી પ્રભાવિત થઇ હતી. આટલી શ્રીમંત હોવા છતાં નિશામાં ઘમંડનું  નામોનિશાન નહોતું. પહેલી એપ્રિલે સવારે શ્રૃતિએ પોતાના બગીચામાંથી તાજાં ફૂલ તોડયા. પોતાના હાથે સુંદર પુષ્પગુચ્છ બનાવ્યો. શનિવારનો દિવસ હતો તેથી સંજય અને બાળકો પણ વહેલા આવી જવાના હતા. શ્રૃતિ આતુરતાપૂર્વક તેમની રાહ જોવા લાગી. તેણે અત્યાર સુધી પતિ અને બાળકોને પાર્ટીમાં જવા વિશે જણાવ્યું નહોતું. તેને એમ હતું કે તે અચાનક બાળકોને પાર્ટીમાં જવાનું કહેશે તો તેઓ ખુશ થઇ જશે. ચારેક વાગે બધા આવી પહોંચ્યા પછી શ્રૃતિએ તેમને પાર્ટીમાં જવા વિશે કહ્યું. પણ સંજયે સ્પષ્ટ નનૈયો ભણી દીધો. 'શ્રૃતિ, મિત્રતા અને પાર્ટી બરાબરીના લોકોમાં થાય. આ પૈસાદારોની પાર્ટીમાં આપણું કામ નહીં. મારી સલાહ છે કે તું પણ કોઇક બહાનુ કાઢીને પાર્ટીમાં જવાનું કેન્સલ કરી દે.' સંજયે કહ્યું હતું. પણ શ્રૃતિની નજર સમક્ષ નિશાએ આપેલું પ્રેમભર્યું  આમંત્રણ તરવરી રહ્યું હતું. તે જાણતી હતી કે સંજયની 'ના' ની 'હા' નહીં થાય. બાળકોએ પણ પપ્પા સાથે બેસીને સીડી પ્લેયર પર પિક્ચર જોવાનું પસંદ કર્યું. શ્રૃતિએ ઝપાટાભેર ત્રણે માટે રસોઇ બનાવી અને પોતે પાર્ટીમાં જવા તૈયાર થઇ.

હાથમાં જાતે બનાવેલું કાર્ડ, બુકે અને  ગિફ્ટમાં કવિતા સંગ્રહ લઇને શ્રૃતિ પાર્ટીમાં પ્રવેશી. ચારે તરફ સરસ મઝાનું ડેકોરેશન કરેલું હતું. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ મહેમાનો હાથમાં ગ્લાસ લઇને ટહેલી રહ્યાં હતાં. નિશા અત્યંત ખૂબસુરત લાગી રહી હતી. નિશીથ પણ ઓછો સોહામણો નહોતો. બંનેની જોડી ખૂબ સુંદર લાગી રહી હતી. શ્રૃતિ તેમની તરફ આગળ વધી રહી હતી ત્યાં એક  મહેમાનની નજર તેના હાથે બનાવેલા કાર્ડ અને બુકે પર પડી. તેણે બીજા મહેમાનને શ્રૃતિ સાંભળે એ રીતે કહ્યું, 'હેન્ડમેઇડ કાર્ડ એન્ડ બુકે, સરપ્રાઇઝ. લોકોને આટલો સમય ક્યાંથી મળે છે? તેમાં પાછી હિન્દી કવિતા. વાહ ક્યા બાત હૈ.' મજાક ઉડાડવાના સ્વરમાં બોલાયેલા આ શબ્દો શ્રૃતિને હાડોહાડ વાગ્યા. પણ તે આંખ આડા કાન કરી નિશા-નિશિથ  તરફ સરકી. બંનેને લગ્નતિથિના મુબારકબાદ આપી તેમના હાથમાં બુકે અને કાર્ડ મુક્યું. ગિફ્ટના પુસ્તકો તેમના હાથમાં મુકે તેનાથી પહેલા શ્રૃતિની મજાક ઉડાવનાર મહેમાન આવી ચડયાં. શ્રૃતિ અને નિશા-નિશિથની વચ્ચે ટપકી પડીને તેમણે તેમની કિંમતી ભેટ દંપત્તીના હાથમાં પકડાવતાં કહ્યું, 'તમારી પસંદ અને કેટેગરીની ગિફ્ટ શોધવા બહુ રખડયાં છીએ.' નિશા-નિશિથને મુબારકબાદ આપ્યા પછી તેમણે શ્રૃતિ સામે તુચ્છકારભરી નજરે જોયું. શ્રૃતિ માથાથી પગ સુધી સમસમી ગઇ. તેણે  આજુબાજુ જોયું. પછી ધીમે રહીને પોતાનું ગિફ્ટનું પેકેટ ટેબલ પર મુકી દીધું.

દંપતી મહેમાનોથી ઘેરાઇ ગયું હતું. શ્રૃતિ એક બાજુ ખસી ગઇ. ત્યાં સામેથી તેણે નમ્રતા અને નીરવને  આવતાં જોયાં. તેના મનને થોડી ધરપત થઇ. નમ્રતા-નીરવને જોઇને શ્રૃતિએ પોતાનો ક્ષોભ છુપાવી ચહેરા પર સ્મિત આણ્યું. બંનેએ શ્રૃતિ સાથે ઔપચારિક વાત કરી અને નિશા-નિશિથને મુબારકબાદ આપવા ચાલ્યા ગયા.

થોડી વારમાં ડીજે ફ્લોર પર જોરશોરથી ડાન્સનો કાર્યક્રમ શરૂ થઇ ગયો. નમ્રતા-નીરવ પણ તેમાં જોડાયા. શ્રૃતિ સાવ એકલી -ઉપેક્ષિત ઊભી રહી. તેનું ગળું સુકાઇ રહ્યું હતું. પાસેથી પસાર થઇ રહેલા વેઇટરની ટ્રેમાંથી તેણે સોફ્ટ ડ્રીંકનો એક ગ્લાસ લીધો. મોઢા પાસે લઇ જતાં જ તેમાંથી આવતી વાસથી તેને ખ્યાલ આવ્યો કે આ માત્ર સોફ્ટ ડ્રીંક નથી. શ્રૃતિએ ગ્લાસ પાછો વેઇટરની ટ્રેમાં મુકી દીધો. તેની આ હરકત જોઇને એક યુવાન પુરુષ મૂછમાં હસ્યો. શ્રૃતિ સમજી ગઇ હતી કે આ પાર્ટી તેના જેવી ઘરેલું અને અંતર્મુખી સ્ત્રી માટે  નથી. બધા પાર્ટી મનાવવામાં મસ્ત હતા ત્યાં શ્રૃતિ ત્યાંથી શાંતિપૂર્વક સરકી ગઇ.

ઘરે  આવીને શ્રૃતિએ સંજય અને બાળકોને કહ્યું, 'ચાલો તમને પીરસી આપું.' જલ્દી પાછી ફરેલી શ્રૃતિને જોઇને સંજયને નવાઇ લાગી. તેણે શ્રૃતિ સામે જોયું. તેનો ઉતરી ગયેલો ચહેરો તેની માનસિક સ્થિતિ બયાન કરી રહ્યો હતો. સંજય ઉપાલંભ  આપતો હોય તે રીતે બોલ્યો, 'તું પાર્ટીમાં વેરાઇટી ફુડ ખાવાની હતી એટલે અમે લોકોએ પણ પિત્ઝા-બર્ગર મંગાવીને ખાઇ લીધાં. હવે દાળ-ભાત ફ્રીઝમાં  મુકી દે.' શ્રૃતિને કોઇએ દાઝ્યા ઉપર ડામ આપ્યા હોય એવું લાગ્યું. તે ચૂપચાપ અંદર ગઇ. કપડાં બદલીને રસોડામાં બધુ સમુસુતરું કર્યું. સંજય  અને બાળકો હજી ટી.વી. જોતા હતા. શ્રૃતિએ લાઇટ બંધ કરી પથારીમાં લંબાવ્યું. પાર્ટીમાં જવા બદલ તેને પસ્તાવો થઇ રહ્યો હતો. તેણે સંજયની વાત ન માનીને બહુ મોટી ભૂલ કરી હતી. અંધારામાં તે છત સામે તાકી રહી.

થોડીવારમાં સંજય અંદર આવ્યો. તેણે પોતાની જાતને શાંત કરીને હળવે હળવે શ્રૃતિના વાળમાં હાથ ફેરવ્યો. શ્રૃતિને સંજયનો સ્પર્શ ખરેખર સ્પર્શી ગયો. તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. સંજયે તેને થોડીવાર રડવા દીધી. તે શ્રૃતિની પીઠ પર ધીમે ધીમે હાથ પસવારતો રહ્યો. શ્રૃતિ તેને પાર્ટીમાં બનેલી બીના કહેવા ગઇ પણ તેણે તેના હોઠ પર  આંગળી મુકી કહ્યું, 'તારો ચહેરો જોઇને હું બધું સમજી ગયો છું. બે પળ માટે મને તારી ઉપર ગુસ્સો આવ્યો હતો. પણ આ તો સંસાર છે. ચાલ્યા કરે. આ અનુભવથી તને કાંઇક શીખવા મળ્યું. હવે બીજીવાર ધ્યાન રાખજે.' સંજયના શબ્દોથી સાંત્વન પામેલી શ્રૃતિ તેની છાતીમાં માથું મુકી સુઇ ગઇ.

બીજે દિવસે તેમણે ઘરમાં સરસ્વતી પૂજાનું આયોજન કર્યું હતું. રોજિંદી ટેવ મુજબ શ્રૃતિ પાંચ વાગે ઉઠી ગઇ. સંજય પણ આજે તેની સાથે જ ઉઠયો.  નાહી ધોઇને બંને બગીચામાં ગયા. બગીચામાં આવતા વેંત ફરી પાછા મગજનો કબજો લઇ લીધેલા પાર્ટીના વિચારો ક્યાંક ગાયબ થઇ ગયા હોય  એવું શ્રૃતિને લાગ્યું. શ્રૃતિનો ચહેરો ખીલી ઉઠયો. થોડીવાર બગીચામાં ટહેલ્યા પછી તેમણે મોગરા, મલ્લિકા, ચમેલીના ફૂલ તોડયાં, પૂજાખંડમાં જઇને સરસ્વતી મા માટે ફૂલોનું આસન બનાવ્યું. પૂજા ખંડના ઊંબરા પાસે રંગોળી સજાવી. સઘળું વ્યવસ્થિત ગોઠવ્યા પછી તેણે સંજયને કહ્યું, 'હું બાળકોને ઉઠાડીને તૈયાર કરું છું, પછી આપણે પૂજા કરીએ.' સંજયે પત્નીની વાત પર માથુ ધુણાવ્યું ત્યાં ડોરબેલ રણકી.

બાળકોના બેડરૂમમાં જવાને બદલે શ્રૃતિ ઘરના મુખ્ય દરવાજા તરફ ગઇ. દરવાજો ઉઘાડયો તો સામે નિશા-નિશિથ ઊભા હતા. શ્રૃતિની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. તેના મનમાં અપમાન અને આવકારના ભાવોનું મિશ્રણ થયું. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો. પાછળથી  આવેલા સંજયના અવાજે તેને ચોંકાવી દીધી, 'મહેમાનોને અંદર તો આવવા દે શ્રૃતિ.' સંજયનો અવાજ સાંભળી શ્રૃતિએ નિશા-નિશિથને આવકાર્યાં. તેમને સોફા પર બેસાડી તે પાણી લાવી. 'નિશા-નિશિથ, તમે! આમ અચાનક, સવારના પહોરમાં? 'શ્રૃતિ, તમે તો રાત્રે  અમને કીધાં વગર જ ચૂપચાપ સરકી ગયા.

 મહેમાનોના ગયા પછી અમે બધી ગિફ્ટ જોઇ. તેમાં સૌથી 'કિંમતી' ભેટ તમારી હતી. આવી ગિફ્ટ  અમને હજી સુધી કોઇએ, ક્યારેય નથી આપી. હવે આ ભેટ અમારા તરફથી. નિશા-નિશિથે મખમલના કપડામાં વીંટાળેલી મા સરસ્વતીની મૂર્તિ શ્રૃતિના હાથમાં મુકી. યોગાનુયોગે આજે શ્રૃતિએ પોતાના ઘરમાં પણ સરસ્વતી પૂજાનું આયોજન કર્યું હતું. તેને લાગ્યું જાણે નિશા-નિશિથ રાત્રે પાર્ટીમાં લાગેલા ઘા પર મલમ લગાવી રહ્યાં હતા. તેની આંખો ખુશીના અશ્રુથી છલકી ઉઠી. બાળકોને ઉઠાડીને શ્રૃતિએ બધા માટે ચા બનાવી. ચા પીતાં પીતાં નિશિથે કહ્યું હતું, 'શ્રૃતિદીદી, તમારા ઘરમાં મને મારા બચપણના ઘરનો સ્પર્શ અને મહેક જોવાં મળી રહ્યાં છે. અહીં આવ્યા પછી મને એવું લાગે છે જાણે હું મારી મમ્મીના સજાવેલા ઘરમાં આવી ગયો છું.' નિશિથની વાત સાંભળી શ્રૃતિ ગદગદિત થઇ ઉઠી. તેણે નિશિથને પ્રેમથી કહ્યું, 'મમ્મી નહીં તો દીદીનું ઘર સમજીને ઇચ્છા થાય ત્યારે અહીં આવી જજો.'

શ્રૃતિએ પૂજાખંડમાં નિશા-નિશિથે લાવેલી મા સરસ્વતીની પ્રતિમા પણ  યથાસ્થાને ગોઠવી દીધી. તેને લાગ્યું આજે ખરેખર સરસ્વતી દેવી તેના ઉપર પ્રસન્ન થઇ ગયા છે. તે વિચારી રહી. 'મેં  આ વિનમ્ર દંપતી  વિશે કેવી ખોટી  ધારણાઓ બાંધી લીધી હતી. તેમના મહેમાને મારી સાથે જે વર્તન કર્યું તેમાં તેમનો કોઇ વાંક નહોતો. બલ્કે તેઓ તેનાથી સાવ અજાણ જ હતા. અને આટલાં બધા  મહેમાનો વચ્ચે નિશા-નિશિથ ફક્ત મારું એકલીનું ધ્યાન તો ન જ રાખી શકે ને? શ્રૃતિનું મન એકદમ હળવું થઇ ગયું હતું. 

બધાએ ભેગાં મળીને સરસ્વતી દેવીની પૂજા કરી. નિશા-નિશિથે વિદાય લીધી. હળવી થયેલી શ્રૃતિ ફરી બગીચામાં આવી. તેને લાગ્યું જાણે બગીચામાં રહેલા છોડની બધી બંધ કળીઓ એકસાથે ખીલી ઉઠી છે. ફૂલોની ખૂશ્બુથી બાગ મધમધી રહ્યો છે અને રંગબેરંગી પંતગિયા ફૂલોનો રસ ચૂસવા આવી પહોંચ્યા છે. પહેલી એપ્રિલે તેને મૂર્ખ નહોતી બનાવી કે નહોતી તે મૂર્ખ ઠરી.