- એક દિવસ બપોરના વખતે થાક અને કંટાળાથી ત્રાસેલો નવિન ગાર્ડનની સિમેન્ટની બેન્ચ પર આવીને બેઠો હતો, ત્યાં તેની નજરની સામે જ બે-ચાર મવાલી એક યુવતીને આંતરીને ઊભા રહી ગયા હતા. યુવતી કાકલૂદીભર્યા સ્વરે એ ગુંડાઓને વિનવતી સંભળાઇ, ''કૃપા કરીને મને જવા દો, મારા પર એટલી દયા રાખો.....''
આકાશવાણી કેન્દ્રના સ્ટેશન ડિરેક્ટર સુબોધભાઇનો સંદેશો મળતાં જ ભરબપોરે નવિન રેડિયો સ્ટેશન જવા વાંકાનેરથી તાબડતોબ રવાના થઇ ગયો.
રેડિયો ઉપરથી નવિનનો સ્વર લહેરાતો હતો. ''આપની પસંદનો કાર્યક્રમ લઇને અમે હાજર છીએ. પ્રસ્તુત છે પકંજ ઉધાસ એ ગાયેલી ગઝલ અને અનુરોધ કર્યો છે. રાજકોટના નીલમ પ્રતિમા, કાલાવડના અબ્દુલભાઇ, મામદભાઇ, જેતપુરના જયંતભાઇ, કનુભાઇ, બકુલભાઇ અને મિત્રો, જામનગરનાં ઇલાબહેન, સુમનબહેન, નિલમબહેન અને સખીઓ. ગઝલના બોલ છે. ચીઠ્ઠી આઇ હૈ...... આઇ હે.......
પોતાના નામ સાથે ગઝલની રજૂઆત થતાં જ નિલમ અંદરના રૂમમાં ચાલી ગઇ. થોડીવાર પછી અંદરથી જ સાદ કરતાં બોલી, ''મમ્મી! હું ઇલાની સાથે બજારે જાઉં છું. કંઇ લાવવાનું હોય, તો જણાવ અને હા, પાછા આવતાં મોડું થશે એટલે ચિંતા ન કરીશ.
''નિલમ! તારી નાની બહેન માટે તેના સ્કુલ ડ્રેસનો વાદળી દુપટ્ટો લાવવાનો છે. પૈસા તારા પપ્પાના પાકીટમાંથી લઇ લે અને દુપટ્ટો લેતી આવજે....'' મા એ જવાબ આપ્યો.
પપ્પાનું પાકીટ હાથમાં લેતાં નિલમના હાથ સહેજ ધૂ્રજી ગયા. એ મનોમન વિચારવા લાગી કે. એ જે કાર્ય માટે જાય છે એ યોગ્ય નથી. પછી તરત પોતાની જાત પર કાબુ મેળવીને તે ઝડપથી પગલા ભરતી ઘરની બહાર નીકળી ગઇ.
તેણે બહાર રસ્તા પર પહોંચીને એક પણ ક્ષણના વિલંબ વિના રિક્ષા પકડીને બસ-સ્ટેશનનો રસ્તો પકડયો. રસ્તામાં નિલમ વિચારતી હતી કે રેડિયોનો કાર્યક્રમ પતાવી નવિન સાડા પાંચ વાગ્યા સુધીમાં તો આવી જ પહોંચશે અને હજી ઘણો સમય હાથમાં છે......
બસસ્ટેન્ડ પર નિલમ પહોંચી ત્યારે નવિનનો ખાસ મિત્ર સુનિલ ઊભેલો દેખાયો. ગોઠવાયેલી યોજના અનુસાર સુનિલ જ નિલમને લઇને ભાવનગર પહોંચવાનો હતો. નવિન સવા ત્રણ વાગ્યાની બસ રાજકોટથી પકડીને ત્યાં પહોંચશે.
ભાવનગર પહોંચીને સુનિલ સાથે નિલમ નવિનના આવવાની રાહ જોતી બેસી રહી. આવતાં-જતાં સહુની પ્રશ્નાર્થભરી દ્રષ્ટિ બંનેનેે મનોમન મૂંઝવતી હતી, સાથોસાથ નિલમના મનમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ ઉત્પન્ન થઇને વિરમી જતી હતી. નિલમ જાણતી હતી કે આજની પરિસ્થિતિ જ એવી છે કે શુભને બદલે અશુભ આશંકાઓ જ વધારે ઉદ્દભવે...... અને આ નવિન! એ કદી જીવનમાં નિયમિત બની શકશે ખરો? એનું તો પહેલેથી જ ઉડબંગ જેવું ખાતું રહ્યું છે. જીવનને ક્યારેય ગંભીરતાથી જોતાં જ નથી શીખ્યો.
નવિન જ્યારે પણ ''આપના અનુરોધ પર'' કાર્યક્રમ આપવા આકાશવાણી પર જતો, ત્યારે પ્રોગ્રામની શરૂઆતમાં એક ખાસ ગઝલ વગાડે, ત્યારે નિલમ સમજી જતી કે આજે તેણે નવિનને ક્યાં અને ક્યારે મળવા પહોંચવાનું છે! આ તેમનો અફલાતૂન મિલન સંકેત હતો. તેમાં કોઇ ડર કે ચિંતાને અવકાશ જ નહોતો. વળી તેમાં કાસદ કે કબૂતરની જરૂર ન રહેતી. આજે તો ભાવનગરના બસસ્ટેન્ડ પર મળવાની વાત પાકી થઇ ગયેલી હતી, છતાં તેને શા માટે વિલંબ થયો?
રડમસ બની ગયેલી નિલમ ઘડીભર ઘર ત્યાગવાના પોતાના નિર્ણય અંગે સાશંક બની થઇ. બરાબર એ જ વખતે પોતાના બે મિત્રોની સાથે આવી રહેલો નવિન નજરે પડયો. નિલમ લગભગ ચિત્કાર કરી ઊઠી હોય તેમ બોલી, ''જો આજે પણ આમ મોડું થવાનું હતું, તો મને શા માટે આટલી વહેલી બોલાવીને બેસાડી રાખી? નાહકના મારા ઘરનાં લોકો ઊંચા-નીચાં થઇ જશે.....
''અરે, નિલમ! આમ અકળાઇ ન જા. જરા અમસ્તુ મોડું થઇ ગયું, તેમાં ક્યો પહાડ તૂટી પડયો? હવે ઘરનાં લોકોની ચિંતા છોડી દે અને આપણી પોતાની ચિંતા કર......!'' નવિને સ્મિત કરતાં કહ્યું.
ટેક્સીમાં બધા બેઠા. પછી પણ નિલમ ધૂંધવાયેલી જ હતી. નવિનની નફિકરાઇ તેને જરાપણ પસંદ નહોતી. કોઇ વાતને એ ગંભીરતાથી લેતો નહીં..... એવા વિચારોમાં ડૂબેલી નિલમની તંદ્રાનો ભંગ, ટેક્સીના અટકીને ઊભી રહેવાના. આછા ઝાટકાથી થયો.
''નીચે ઊતરો, આર્યસમાજનું મંદિર આવી ગયું....'' નવિનના એક મિત્રે ટેક્સીમાંથી નીચે ઊતરતાં કહ્યું.
અહીં અગાઉથી જ લગ્નની તમામ તૈયારીઓ કરવામાં આવેલી હોવાથી, બિનજરૂરી વિલંબ વિના, અગ્નિની સાક્ષીએ બંને લગ્નબંધનમાં બંધાઇ ગયાં. લગ્નવિધિ પતાવીને નજીકની એક સુપ્રતિષ્ઠિત હોટલમાં ભોજન લીધા પછી નવિનના મિત્રોએ નવદંપતીને પોતાના ઘેર ઓછામાં ઓછું એક-એક અઠવાડિયા સુધી રહેવા જમવાનું નિમંત્રણ આપ્યું. જેથી એટલા સમયમાં નવિન-નિલમ પોતાના આગવા વસવાટ માટેની વ્યવસ્થા કરી શકે અને સારી નોકરીનો પણ પ્રબંધ કરી શકે.
ધીમે-ધીમે ગૃહસ્થી વ્યવસ્થિત થવા તરફ આગળ વધતી હતી. નવિનની ગેર-હાજરી પણ નોંધપાત્ર રીતે વધતી જતી હતી. સારી નોકરીની શોધમાં એ રાજકોટ જૂનાગઢ, પોરબંદર અને વેરાવળ સુધી ચક્કર મારતો હતો. આ દરમિયાન તેની ગેરહાજરીમાં તેના દોસ્તો ખબર-અંતર પૂછી જતા હતા.
એકલતા દરમિયાન નિલમને ઘરની યાદ આવી જતી. એક વખત તો તેણે મનોમન નિર્ણય કરી લીધો કે આજે નવિન ઘેર આવે પછી એક ચક્કર પિયર બાજુ લગાવવાની રજૂઆત કરશે....આમ વિચારો કરતી -કરતી એ નીંદરમાં સરી પડી.
અચાનક ડૉરબેલનો લંબાતો કર્કશ અવાજ કાને પડતાં, આંખો ચોળતી નિલમ સફાળી બેઠી થઇ ગઇ. બારણું ખોલતાં જ સામે સુનિલને ઊભેલો જોયો. આવા કસમયે તેને આવેલો જોઇને નિલમને ભારે આશ્ચર્ય થયું.
તેને એક તરફ ધકેલતાં સુનિલ કહેવા લાગ્યો, ''અરે ભલા માણસ! મને અંદર આવવાનું પણ નહીં કહે? આમ આંખો ફાડી-ફાડીને મને શું જોયા કરે છે?'' એમ કહીને એ અંદર પ્રવેશીને નિલમના પલંગમાં જ ફસડાઇ ગયો. નિલમ તેની વર્તણૂકથી વિમૂઢ બનીને ઊભી-ઊભી તેને જોતી રહી, પછી ગુસ્સે થઇ બોલી, ''નવિન તો આજકાલ અહીં નથી, પછી અત્યારે તમારા આવવાનું શું પ્રયોજન છે?''
''અરે, નિલમ! મેરી જાન!! મને બધી જ ખબર છે. તું આમ અજાણ બનવાનો અભિનય ન કર. હું અને નવિન તો ખાસ મિત્ર છીએ. પછી અમારા બંનેમાં કશો ફરક જ ન ગણાય.
''તમે ભાનમાં છો, સુનિલ? તમે શું બોલો છો એનું તમને કંઇ ભાન છે?'' નિલમે ક્રોધથી ધૂંઆપૂંઆ થતાં પૂછ્યું.
તારી મારકણી જવાનીએ મને બેહોશ બનાવી દીધો છે અને તારા રૂપે મને પાગલ કર્યો છે.....'' એમ કહેતાં જ સુનિલે નિલમ પર ઝપટ મારી તેને પકડી લેવાનો પ્રયત્ન કર્યો.
''સુનિલ! તમે તો મને બહેન તરીકે લગ્ન મંડપમાં લઇ ગયા હતા, પછી હવે તમે આવું ગાંડપણ શા માટે કરો છો, ભાઇ? જરા વિચાર તો કરો......''
''ખબરદાર! જો મને ભાઇ કહ્યો છે તો. ઘેરથી ભાગીને લગ્ન કરનારી છોકરીઓને તે વળી ભાઇ હોતા હશે?''
આટલું મોટું લાંછન સાંભળીને નિલમની આંખો છલકાઇ ઊઠી. એ ''બચાવો...... બચાવો....બચાવો....'' કરતી અંધારામાં નાઠી અને જેમ-તેમ કરીને સ્ટેશને પહોંચી સુબોધભાઇને તેણે ફોન જોડયો.
સુબોધભાઇએ કહ્યું, ''હેલો, સુબોધ બોલું છું.''
હું નિલમ બોલું છું...નવિનની પત્ની....''
''હા, પણ તમે આટલાં ગભરાયેલાં કેમ લાગો છો?''
''વાત એમ છે કે છેલ્લા બે દિવસથી નવિન ઘેર નથી આવ્યા....'' નિલમે તમામ પરિસ્થિતિથી સુબોધભાઇ સાહેબને વાકેફ કર્યાં. સમગ્ર હકીકત સાંભળીને સુબોધભાઇ ''અચ્છા, હું તપાસ કરું છું.'' કહીને ફોન મૂકી દીધો.
સુબોધભાઇ નવિનના મિત્રો તેમ જ તેનાં બેસવાનાં ઠેકાણાંથી સારી રીતે પરિચિત હતા, એટલા માટે જ તે નવિનની પ્રવૃત્તિઓથી નારાજ હતા. નિલમ સાથે ફોન પર વાત થયા પછી સુબોધભાઇએ મનોમન નક્કી કરી લીધું કે 'હવે જ્યાં સુધી નવિન ઘેર પાછો ન ફરે, ત્યાં સુધી તેને કોઇ નવો કૉન્ટ્રાક્ટ ન આપવો.' આ તરફ સુબોધભાઇએ નિલમને ફરીથી સતામણી ન થાય એટલા માટે તેના વસવાટના સ્થળે અંગત હેસિયતથી તેના સંરક્ષણની વ્યવસ્થા ગોઠવી આપી, પણ તેની જાણ નિલમને ન થવા દીધી. આમ સુબોધભાઇએ ચારે બાજુથી નવિનને સીધા રસ્તે લાવવાનાં ચક્રો ગતિમાન કરી દીધાં હતાં.
એક દિવસ બપોરના વખતે થાક અને કંટાળાથી ત્રાસેલો નવિન ગાર્ડનની સિમેન્ટની બેન્ચ પર આવીને બેઠો હતો, ત્યાં તેની નજરની સામે જ બે-ચાર મવાલી એક યુવતીને આંતરીને ઊભા રહી ગયા હતા. યુવતી કાકલૂદીભર્યા સ્વરે એ ગુંડાઓને વિનવતી સંભળાઇ, ''કૃપા કરીને મને જવા દો, મારા પર એટલી દયા રાખો.....''
આ પ્રકારે ખેંચતાણમાં યુવતીનો દુપટ્ટો સરકીને જમીન પર પડી ગયો, એટલે ગુંડાઓ ખડખડાટ અટ્ટહાસ્ય કરતાં બોલ્યા, ''હિંમત કરીને તારો દુપટ્ટો ઉઠાવી લે.....જા!''
દુપટ્ટો લેવા માટે યુવતી થોડાં ડગ ભરીને નીચે ઝૂકી એટલે લોકોએ તેને પાછળથી જકડી લીધી અને તેની જોડે અડપલાં કરવા લાગ્યા. તેમની રાક્ષસી પકડમાંથી છૂટવા માટે યુવતી તરફડિયા મારતી બોલ્યે જતી હતી, ''મારા ભાઇને જાણ થશે તો તમારા કોઇની ખેર નહીં રહે......મને છોડી દો.....''
''હવે બહુ શર્મીલી બનવાનો દેખાવ ન કર. જે માણસ બીજાની બહેનને ભગાડીને લઇ આવ્યો હોય એ ક્યા મોંએ તને બચાવવા આવે? બોલ!'' એમ કહેતાં સહુ ખંધુ હાસ્ય હસ્યા.
તેમના બોલાયેલા શબ્દ ગરમ સીસાની જેમ નવિનના કાનમાં રેડાયા. નવિનના માથાની નસો ઉશ્કેરાટથી ફાટફૂટ થવા લાગી. તે વધારે કશું જ વિચાર્યા વિના મવાલીઓ પર ઘસી ગયો સહુ ને બરાબરના ખોખરા કર્યાં.
થોડી જ વારમાં ગુંડા, ઉશ્કેરાટથી મરણિયા બનેલા નવિનના ડરથી નાસી છૂટયા. હેરાનગતીનો શિકાર બનેલી યુવતી દોડીને નવિનની પીઠ પાછળ લપાઇ ગઇ. નવિને તેના પર નજર કરી ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે એ યુવતી અન્ય કોઇ નહીં, પણ તેની સગી બહેન શોભા જ હતી. નવિને તેને ખભો થાભડીને સાંત્વના આપતાં કહ્યું, ''ચાલ, ઘેર.......ચાલ.......''
ઘેર પહોંચીને નવિન તેનાં કુટુંબીઓને વળગીને, વરસોથી વિખૂટો પડી ગયો હોય, એમ મન ભરીને રડી પડયો. સુબોધભાઇને પણ આખા કિસ્સાના સમાચાર મળી ગયા એટલે એ પણ તાત્કાલિક આવી પહોંચ્યા અને હાથમાનું પરબીડિયું નવિનને પકડાવતાં તે બોલ્યા, ''લો, હરિચંદ્ર સત્યવાદી! હજી એક ભેટ તો બાકી જ છે.....''
નવિન સંકોચને લીધે સુબોધભાઇ સાથે નજર નહોતો મેળવી શકતો, એટલે નીચી નજર રાખીને બોલ્યો, ''મને ક્ષમા કરી દો, સાહેબ!''
''આમ તો સવારનો ભૂલેલો સાંજે પાછો ફરે તો તે ભૂલો પડેલો નથી કહેવાતો. બસ, હવે તકેદારીથી જવાબદારી સંભાળીને રહેજો. ખૂબ સુખી થજો.... અને હા, આવતી કાલે સાંજનો ''આપના અનુરોધ પર'' રજૂ કરવા હાજર થઇ જજો....''
એ જ ક્ષણે નવિનનાં બાએ પોતાની દીકરી શોભાને બૂમ મારીને કહ્યું, ''શોભા! પેંડા લાવ, સુબોધભાઇનું મોં તો મીઠું કરાવીએ! અને જો મારી વહુ પણ આવી છે એટલે તેને પોંખવા માટે પૂજાપાની થાળી પણ લાવજે.....''
આશ્ચર્યવિમૂઢ થયેલો નવિન આ બધું શું બની રહ્યું છે, તે સમજતો નહોતો. શોભાનો બનાવ કઇ રીતે બન્યો અને એ જ વખતે નિલમ અહીં કંઇ રીતે હાજર થઇ ગઇ, એ વાત તેને સમજાતી નહોતી.
આ તરફ સુબોધભાઇ અને શોભાની નજરો મળતાં બંને દબાયેલું સ્મિત કરી લેતાં હતાં. આખરે સુબોધભાઇએ કહ્યું, ''બોલો, નવિન! અમારા સહુની સંયુક્ત રજૂઆતનો આજનો કાર્યક્રમ તમને કેવો લાગ્યો?''
એનાઉન્સરનો અભિનય કરતાં, હાથને માઇક્રોફોન બનાવીને નવિન બોલ્યો, ''સુબોધભાઇ દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ નાટકના મુખ્ય કલાકારો હતા સર્વશ્રી બાપુજી, બા, શોભા અને નિલમ.......''
ખડખડાટ હાસ્ય વચ્ચે શોભા પોતાની રૂપકડી ભાભીને હાથ પકડીને ઘરમાં દોરી જતી હતી. ચાલતાં-ચાલતાં નિલમ વિચારતી હતી કે, 'ક્યા સુખની પ્રાપ્તિ માટે ઘરનો ઉંબરો ઓળંગીને તે ચાલી નીકળી હશે? સાચું સુખ તો સાસરિયામાં જ નથી હોતું?''
આમ પંખી પાછાં માળામાં આવી ગયાં.


