- એને જોતાં જ પ્રવીણ હોશહવાસ ગુમાવી બેઠો. થોડીવારે એનું મન ઠેકાણે આવતાં એ એકીટસે એની સુંદરતાને પીવા લાગ્યો. પરીને પણ લાગ્યું કે, કોઇક એને નિહાળી રહ્યું છે. એણે ઉપરની તરફ નજર કરી તો પ્રવીણને જોઇને એ મીઠું શરમાઇ પડી અને સહેજ આડશમાં પોતાની જાતને છુપાવી દીધી.
પ્રવીણ દુકાન વધાવીને ઘેર પહોંચ્યો. પરંતુ, ડ્રૉઇંગરૂમના દરવાજા પાસે જ એના પગ થંભી ગયા. અંદર વાતો કરી રહેલાં એનાં મમ્મી-પપ્પાના શબ્દો એના કાને પડયા.
'કન્યા તો માંડ ૧૬-૧૭ વર્ષની છે અને માસ્તરને તો ૫૦ થયાં. બિચારી...'
આટલું સાંભળતાં જ પ્રવીણ ભીંત સરસો, શ્વાસ રોકીને ઊભો રહી ગયો, અને ડ્રૉઇંગરૂમમાં ચાલતી વાતો સાંભળવા લાગ્યો.
'આવાં લગ્ન કરતાં તો એ સારું થાત કે દીકરીને મા-બાપે ઝેર આપીને સ્વધામ પહોંચાડી દીધી હોત', પ્રવીણનાં મમ્મી સવિતાબેન કહી રહ્યાં હતાં.
'તને ક્યાં ખબર છે સવિતા, એનાં મા-બાપ તો એને નાનકી મૂકીને જ સ્વર્ગે સિધાવી ગયાં હતાં. માંડ પેટિયું રળી ખાતાં એનાં મામા-મામીએ જ એને ઉછેરીને મોટી કરી હતી. ચાર-ચાર છોકરીઓને પરણાવવાની છે', પ્રવીણના પપ્પા રમણિકલાલ બોલ્યા.
'આ ય કંઇ વાત થઇ? કંઇ નહીં તો એની ઉંમરનો છોકરો તો શોધી લેવો જોઇતો હતો... સ્વર્ગની અપ્સરા જેવી આ છોકરીને આ બુઢ્ઢા માસ્તરને વળાવવાની શી જરૂર હતી, આમેય ચાર-ચાર છોકરાંનો બાપ છે.
બાપ રે, મને તો એના જોબન પર જીવ બળી જાય છે. બાપડી, કેવી રીતે મારી સામું જોઇ રહી હતી! રામ જાણે અત્યારે એના હૈયા પર શું વીતતી હશે,' સવિતાબેને કહ્યું.
પ્રવીણની અકળામણ હવે વધતી જતી હતી. આનાથી વધુ સાંભળવાની એનામાં હામ ન રહી. એ લપાતો છુપાતો હળવેકથી પોતાના રૂમમાં જઇ ખુરશીમાં બેસી પડયો. આંખો મીંચી દઇ વિચારવા લાગ્યો, 'શું ખરેખર એ ૧૬-૧૭ વર્ષની છે? શું સાચે જ એ સ્વર્ગની અપ્સરા જેવી છે? અને, એ રૂપરૂપનો અંબાર હશે તો શું માસ્તરની ધૂંધળી આંખો એના રૂપની ચમકદમકને સહન કરી શકશે? આજની મહામૂલી રાતે ક્યાં એ... ક્યાં માસ્તર...' આવું વિચારતાં વિચારતાં એનું માથું ભમવા લાગ્યું, અને ખુરશીમાંથી ઊછળીને ઊભો થઇ એ રૂમમાં આંટા મારવા લાગ્યો.
થોડીવાર થઇ એટલે એની મમ્મી એને માટે જમવાનું મૂકી ગઇ. પણ, એનાથી ખવાયું નહીં. મહાપરાણે એ થોડું પાણી પીને પલંગ પર લાંબો થઇ ગયો... ઊંઘ પણ હરામ થઇ ગઇ-એ સૂઇ ન શક્યો અને આખી રાત પડખાં ફેરવતો રહ્યો અને સવાર થતાં સુધી ન જાણે શુંનું શું વિચારતો રહ્યો.
સવાર પડી કે તરત, મોંમાં બ્રશ લઇ એ ટેરેસ પર ચાલ્યો ગયો, અને આંટા મારતો મારતો માસ્તરના આંગણામાં ડોકિયા કરવા લાગ્યો. અને, થોડી વારમાં જ આંગણામાં એક પરી એને દેખાઇ.
એને જોતાં જ પ્રવીણ હોશહવાસ ગુમાવી બેઠો. થોડીવારે એનું મન ઠેકાણે આવતાં એ એકીટસે એની સુંદરતાને પીવા લાગ્યો. પરીને પણ લાગ્યું કે, કોઇક એને નિહાળી રહ્યું છે. એણે ઉપરની તરફ નજર કરી તો પ્રવીણને જોઇને એ મીઠું શરમાઇ પડી અને સહેજ આડશમાં પોતાની જાતને છુપાવી દીધી.
પણ, પ્રવીણ એના ફૂલ જેવા નિર્દોષ ચહેરાને આંખોમાં ભરી લઇ ક્યાંય સુધી એના વિચારોમાં ડૂબેલો રહ્યો... એનું હૃદય બમણી ગતિએ ધબકવા માંડયું. હૃદયમાં એક નવી લગન જન્મી ચૂકી હતી. ફરી વાર એનું મન એ પરીને નિહાળવા ઝંખતું હતું, પણ એ નજરે ન પડી.
આ દિવસ પછી એ રોજ સવારે સવારે મોંમાં બ્રશ સાથે ટેરેસ પર ચાલ્યો જતો. પરી આંગણામાં આવતી, એની નજર પ્રવીણની નજર સાથે ટકરાતી, અને વળી પાછી એ શરમાઇ પડીને છુપાઇ જતી...
પણ, એક દિવસ પ્રવીણને જોઇને એની આંખો સ્થિર જ થઇ ગઇ, એ એને જોતી જ રહી. પ્રવીણની આંખો પણ એના પર ખોડાયેલી જ રહી. પછી એમનાં ચહેરા પર સ્મિતની કૂંપળો ફૂટવા લાગી, અને એકબીજાના ધ્યાન બહાર જ એમની વચ્ચે ઇશારાનો દૌર શરૂ થઇ ગયો!
હવે, એમની વચ્ચે બસ વાત થવા જેટલી જ વાર હતી. પણ, એ માટે પ્રવીણે બહુ રાહ ન જોવી પડી. માસ્તર સવારના પહોરમાં ઘેરથી નીકળી જતા અને છેક સાંજે સ્કૂલથી પાછા ફરતા. એમનાં સંતાનો પણ સ્કૂલે ચાલ્યાં જતાં. ઘરમાં રહેતી એકમાત્ર, માસ્તરની અંધ-બધિર મા.
એક દિવસ એ પરીના ઇશારે પ્રવીણ લપતો-છુપાતો એના ઘરમાં ઘૂસી ગયો. પરી એને હૃદયના સિંહાસને બેસાડી પોતાના રૂમમાં લઇ ગઇ, અને એને પલંગ પર બિરાજવાનો ઇશારો કરીને પોતે પણ એની પાસે બેસી જ ગઇ.
આછા ગભરાટ સાથે એમની વચ્ચે વાતોનો દૌર શરૂ થયો. પરીએ પોતાનું નામ કહ્યું : પ્રેમીલા. પ્રવીણે પોતાનું નામ કહ્યું. અને, બંનેએ એકરાર કર્યો કે, બંને એકમેક પર દિલથી મરે છે.
પ્રવીણે પ્રમીલાના બંને હાથ પર પોતાનો હાથ મૂકી દીધો. એ રોમાંચિત થઇ ઊઠી અને એના પર જાણે એક નશો છવાવા લાગ્યો... પ્રવીણ ધીરે ધીરે એની કંચન જેવી કાયા પર હાથ ફેરવવા લાગ્યો. એ ચૂપ જ રહી અને પોતાની તપ્ત કાયાને પ્રવીણને સમર્પિત કરતી જ ગઇ!
થોડીક પળો પછી જ્યારે બંને એકમેકથી વિખૂટાં પડયાં ત્યારે, પ્રેમીલા એની વેદના વ્યક્ત કરવા લાગી. આ એવી વેદના હતી જેની પ્રવીણને પહેલેથી જ ખબર હતી. પણ, પ્રેમીલાના મોઢે આ સાંભળીને પ્રવીણને પોતાના અંદાજનો તાળો મળી ગયો... અને, આનાથી એમનું બંધન ઑર ગાઢ થયું.
પ્રેમીલાને પોતાના બાહુમાં જકડી લેતાં એ બોલ્યો, 'હવે હું તને ક્યારેય દુ:ખી નહીં થવા દઉં.'
બસ, આ પછી તો એમની આ મુલાકાતનો સિલસિલો શરૂ થઇ ગયો. અને પ્રમીલાના પ્રેમપાશમાં જકડાયેલો પ્રવીણ હવે રોજ સવારને બદલે બપોરે દુકાને જવા લાગ્યો. સવાર પડે અને ૧૦ વાગ્યા સુધી એ માસ્તર અને એમનાં સંતાનો સ્કૂલે જાય એની રાહ જોઇને બેસતો. જેવા એ રવાના થતા કે પ્રેમીલાના ઇશારે એ એની પાસે પહોંચી જતો.
એક દિવસ એ માસ્તરના પલંગ પર પડયો પડયો રેડિયો પર ગીતો સાંભળી રહ્યો હતો. પ્રેમીલા એને માટે કિચનમાં ચા બનાવતી હતી. આમ તો એ રોજ બારણું અંદરથી બંધ કરી દેતી હતી, પણ આજે ખુલ્લું જ હતું.
એકાએક જ માસ્તર આવી ચઢ્યા. એમના કંઇક જરૂરી કાગળ ઘેર રહી ગયા હતા. પ્રવીણને એમના પલંગ પર આરામથી પડેલો જોઇને એમનું રોમરોમ સળગી ઊઠયું! પણ, એમણે ધીરજથી કામ લીધું. એક ફાઇલમાંથી હળવેકથી જરૂરી કાગળ કાઢી તેઓ ચૂપચાપ કિચનમાં ચાલ્યા ગયા.
'પ્રવીણ અહીં શું કરે છે?', એમણે પ્રેમીલાને જરા કરડાકીથી પૂછ્યું.
એકાએક માસ્તરનો અવાજ સાંભળતાની સાથે પ્રેમીલાના આખા શરીરમાં વીજળી ફરી વળી! ચહેરા પર કાળાશ છવાઇ... પણ, પળવારમાં જ એ પોતાની જાતને સંભાળી લેતાં બોલી, 'હા, એ તો એમ જ... રેડિયોનો તાર તૂટી ગયો હતો એટલે મેં એને બોલાવ્યો હતો.'
માસ્તર આ સાંભળીને એક પણ શબ્દ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગયા.
એમના ગયા પછી પ્રેમીલાના જીવમાં જીવ આવ્યો. કિચનમાં ચા બનતી છોડીને પ્રવીણ હતો એ રૂમમાં દોડી આવી. પ્રવીણ હજુ સુધી પલંગ પર સંકોડાઇને બેઠો જ હતો.
એણે ધૂ્રજતા સ્વરે પૂછ્યું, 'ગયા?'
'હા', પ્રેમીલા ધીરેથી બોલી.
'બારણું બંધ નહોતું કર્યું?', પ્રવીણે પૂછ્યું.
'ખ્યાલ ન રહ્યો', પ્રેમીલા બોલી.
'સારું થયું કે આપણે...' પ્રવીણ ઊંડો શ્વાસ લઇને બોલ્યો.
'લાગે છે, એમને શક થઇ ગયો છે', પ્રેમીલાના અવાજમાં ચિંતા હતી.
'કંઇ નહીં થાય', પ્રવીણે એનો ખભો દબાવતાં કહ્યું, અને બોલ્યો, 'અચ્છા, મારે હવે જવું જોઇએ'
આટલું કહી એ દુકાને ચાલ્યો ગયો.
આ બનાવ પછી બંનેએ થોડા દિવસ મળવાનું બંધ કર્યું. પણ, જ્યારે તેઓ માસ્તર તરફથી પૂરેપૂરા નિશ્ચિંત થઇ ગયા એટલે ફરી પાછો એમનો એ જ સિલસિલો શરૂ થઇ ગયો...
અને તે મહિનો-માસ નહીં, પણ વર્ષો સુધી ચાલુ રહ્યો. અને આટલાં વર્ષોમાં પ્રેમીલા બે સંતાનોની માતા પણ બની ચૂકી.
એક દિવસ માસ્તર ભયંકર ગુસ્સા સાથે ઘરમાં પ્રવેશ્યા. કોઇકે પ્રેમીલા વિરુધ્ધ એમના કાન ભંભેર્યાં હતા. પ્રેમીલાને જોતાંની સાથે જ એ એના પર ઊતરી પડયા: 'શું સમજે છે તું તારી જાતને... તું જે કરી રહી છે એની શું મને ખબર નથી એમ સમજે છે? આજ પછી જો પ્રવીણ અહીં આવ્યો તો હું એને જીવતો નહીં છોડું.'
આ સાંભળીને પ્રેમીલા ડરી ગઇ, કશું બોલી જ ન શકી.
એ પછી માસ્તર પ્રવીણના પિતા પાસે જઇને બરાડવા લાગ્યા, 'તમારા છોકરાને સમજાવી દેજો, મારી ગેરહાજરીમાં એ મારા ઘરમાં પેઠેલો રહે છે. આજ પછી જો એ ત્યાં નજરે ચઢશે તો ગોળી મારી દઇશ'.
પ્રવીણના પિતા સાચે જ ભગવાનનું માણસ હતા. એમણે પ્રવીણને ખૂબ ધમકાવ્યો અને ફટકાર્યો પણ ખરો. આનું પરિણામ એ આવ્યું કે, એક દિવસ પ્રવીણે માસ્તરને રસ્તામાં જ પકડયા: 'પપ્પાને તમે શું કહ્યું? મને ગોળી મારશો? તમારી ખોપરી ઊડાડી દઇશ, જો એમને કંઇ કહ્યું છે તો,' પ્રવીણે માસ્તરનો કૉલર પકડીને ધમકી આપી.
આ બનાવ બાદ, ન તો માસ્તરે પ્રવીણને ગોળી મારી કે ન પ્રવીણે માસ્તરની ખોપરી ઊડાડી.
સમય વહેતો ગયો અને વાત પર પડદો પડતો ગયો. જિસ્મના ખેલ બંધ થઇ ગયા. પરંતુ, આંખોના ખેલનો સિલસિલો ચાલુ રહ્યો, અને પ્રવીણ પ્રતીક્ષા કરતો રહ્યો કે, પ્રેમીલા એને ઇશારાથી બોલાવે.
પણ, પ્રેમીલાએ ફરી એને ક્યારેય ન બોલાવ્યો. હા, એણે એક પત્ર જરૂર પ્રવીણને મોકલ્યો: 'તમે તો જાણો છો કે, હું મારી કઇ મજબૂરીને લઇને આ પ્રૌઢ પુરુષને પરણી છું. જો એ પણ મને છોડી દેશે તો પછી કોણ મારો હાથ પકડશે? હવે તો હું મા પણ બની ચૂકી છું. બાળકોને કોણ સહારો આપશે? આ બધું વિચારીને ડર લાગી રહ્યો છે. આશા રાખું છું તમે મારી મજબૂરીને સમજવાની કોશિશ કરશો.'
પત્ર વાંચ્યા બાદ, પ્રવીણે બારણા પાસે ઊભા રહી ભારે લાચારી સાથે પ્રેમીલાપર એક નજર નાખી, અને ભારે હૈયે દુકાન તરફ ચાલવા લાગ્યો.


