વિશાલાક્ષીએ આખી નોટિસના શબ્દો સડસડાટ વાંચી ગઈ... એ સ્વગત બોલી, 'ઓહ તો આ કોઈ મેરેનીયાની નોટિસ છે. એ પોતાને મારા અનુચંદ પિતાની પત્ની બતાવે છે..! પણ મારા અનુચંદ પપ્પા તો કહેતા હતા કે મારી મમ્મી તો વર્ષો પહેલાં ગુજરી ગઈ હતી..! પપ્પાનાં દેહાંત સમયે કે તે પછી આજસુધી જે આવી નથી એ લાલચુ સ્ત્રી આજે મારા સુખી જીવનમાં અંગારા વેરવા આવી છે?
વિશ્વતક ટીવી ચેનલની મશહૂર એંકર વિશાલાક્ષી પોતાના રંગદર્શન બંગલામાં પ્રવેશી. દીવાલ ઉપર લટકતી એના સ્વર્ગસ્થ પિતા અનુચંદની તસવીરને એણે વંદન કર્યાં અને ભીની આંખ લૂછતી, એ સોફા ઉપર બેઠી. પાણીનો ગ્લાસ લઈને રામલાલ એની પાસે આવી બોલ્યો,
'બેટી, અનુચંદ તો દેવ સમાન અમર આત્મા છે એેણે મને આ ઘરનો નોકર નહીં. એનો નાનો ભાઈ માન્યો હતો. એમના ગયાને ત્રણ મહિના થયા, છતાં એ ભૂલાતા નથી.'
'હા, કાકા...! સાચી વાત છે.' કહી વિશાલાક્ષી ઉઠી અને બોલી, 'કાકા ખાવાનું શું બનાવ્યું છે...? ભૂખ બહુ લાગી છે.' અ..ને... એણે વાતાવરણ હળવું કરવા, બનાવટી હાસ્ય કર્યું.
ડીનરને ન્યાય આપી, વિશાલાક્ષી ઉઠીને પોતાના કમરામાં આવી. એણે એના લેપટોપ પાસે એક એન્વોલોપ જોયું. 'એ સ્વગત બોલી, આ તો કોઈક લોયરની લીગલ નોટિસ લાગે છે...? શું મારા પ્રાઈમ ટાઈમમાં કોઈકનું મેં કૌભાંડ ખુલ્લું પાડયું હશે...! ના..ના..! એવી નોટિસ તો વિશ્વતક ટીવી ચેનલ ઓફિસે રવાના થાય...'
વિશાલાક્ષીએ એન્વેલોપ ખોલ્યું. એ આખી નોટિસના શબ્દો સડસડાટ વાંચી ગઈ... એ સ્વગત બોલી, 'ઓહ તો આ કોઈ મેરેનીયાની નોટિસ છે. એ પોતાને મારા અનુચંદ પિતાની પત્ની બતાવે છે..! પણ મારા અનુચંદ પપ્પા તો કહેતા હતા કે મારી મમ્મી તો વર્ષો પહેલાં ગુજરી ગઈ હતી..! પિતાનાં દેહાંત પછી એણે એના લોયર મારફતે આ મિલકત, બેંક બેલેન્સ, ફાર્મ વિગેરે ઉપર પોતાનો કાનૂની હક્ક માગ્યો છે..! શું એને ખબર નહીં હશે કે અનુચંદ પપ્પાની દીકરીના સંબંધે હું આ ફરિયાદીની દીકરી થઈ..! પપ્પાનાં દેહાંત સમયે કે તે પછી આજસુધી જે આવી નથી એ લાલચુ સ્ત્રી આજે મારા સુખી જીવનમાં અંગારા વેરવા આવી છે? અરે મેરીનીયા, તે પ્રેમથી મિલકત માગી હોત તો હું હસતા મુખે આપી દેત... અમૃતવાણીનો આસરો લેવાને બદલે તે અંગારા સમાન આ કાનૂની નોટિસ દ્વારા દાવ પેચ રમવાનો નિર્ણય લીધો છે?' અચાનક રામુકાકાએ એના બારણે દસ્તક દીધા. એ બોલ્યા...
'બેટી, હું જરા બહાર જઈને આવું... શાકભાજી લાવવાના છે...'
'અરે રામુકાકા તમે કોઈ મેરીનિયાને ઓળખો છો? મારી ગેરહાજરીમાં એ પપ્પાને મળવા આવી હતી...?' વિશાલાક્ષી બોલી...
'ના... બેટા...! મેં આ બહેનનું નામ ના તો અનુચંદ પાસે સાંભળ્યું હતું કે ના એમના મિત્રો પાસે સાંભળ્યું છે...! વીસ વર્ષથી હું તારા પપ્પા સાથે રહું છું. પપ્પા ઇંગ્લેંડથી અહીં આવ્યા ત્યારે તું સાતેક વર્ષની હતી. હું ત્યારથી તમારા બન્ને સાથે રહું છું...' રામુકાકાએ ઉત્તર આપ્યો.
'કા..કા.. આ મેરીનીયા પોતાને પપ્પાની પત્ની બતાવી પપ્પાની બધી મિલકત ઉપર હક્ક માગે છે...! પપ્પાની અબજો રૂપિયાની સંપત્તિ ઉપર એ એનો ગેરકાનૂની કબજો જમાવવા માગે છે...! કા..કા... આ બાઈ કોઈક તકસાધુ લાગે છે. પપ્પા ગયાને ત્રણ મહિના પછી કઈ પાપ ભૂમીમાંથી એ અળસિયાની જેમ બહાર નીકળી છે...' વિશાલાક્ષી બોલી..
'બેટી તે અનુચંદની તિજોરી, કબાટ, ટેબલ, બધું જોયું છે કે નહી. એમણે પાંચેક વર્ષ પહેલા વસીયતનામું બનાવ્યું હતું. સાક્ષી તરીકે મારી અને તારા કાકાની સહી લીધી હતી.. અમે બન્ને કોર્ટમાં પણ ગયા હતા.. તારા કાકા પણ ગુજરી ગયા છે...! તે પછી તું ઇંગ્લેંડ ભણવા ગઈ હતી... કદાચ અનુચંદ તને આ વાત જણાવવાનું ભૂલી ગયો હશે.' રામલાલ બોલ્યો...
રામલાલ બહાર જતાં એ બિછાનામાં આડી પડી. એ સ્વગત બોલી, 'પપ્પા મને ઇંગ્લેંડથી ઇન્ડિયા લઈને આવ્યા હતા, એ મને યાદ છે. જર્નાલીઝમમાં માસ્ટર્સ કરવા ફરીથી ઇંગ્લેંડ મોકલી હતી, તે પણ યાદ છે..! પ..ણ... આ મેરીનીયાનું ભૂત ક્યાંથી ટપક્યું, એ સમજાતું નથી..! રામુકાકા કહે છે, એ પ્રમાણે પપ્પાના બધા કાગળો તો મેં જોયાં હતાં..! પરંતુ એમાં વસિયતનામું તો જોવા મળ્યું નહીં હતું. મારા વકીલ, મિ. હર્ષવર્ધને પપ્પાનાં ડેથ સર્ટિફિકેટના આધારે પપ્પાની બધી મિલકતમાં મારું નામ દાખલ કરાવાની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ આ મેરીનીયાની લીગલ નોટિસથી તો આ આખી હસ્તાંતર વિધી અડચણમાં પડી જવાની! લા..વ.. મિ. હર્ષવર્ધનને આ વાત જણાવું...!' અ..ને.. વિશાલાક્ષીએ એમને પેલી નોટિસની નકલ ઈ મેલથી રવાના કરી અને એણે તેમને ફોન જોડયો...
'હા, વિશાલાક્ષી..! એનીથીંગ અર્જટ?' સામેથી હર્ષવર્ધને કહ્યું..
'સર.. મને આજે એક લીગલ નોટિસ મળી છે.. કોઈ મેરીનીયા છે... આઈ ડોન્ટ નો હર.., નોર રામુકાકા નોઝ હર..! શી ઈઝ ક્લેઇમીંગ હોલ પ્રોપર્ટી ઓફ ડેડી..' વિશાલાક્ષી બોલી..
'ઠીક છે..! હું જોઈ લઉં..! અનુચંદનું વસિયતનામુ તો થયું હશે.. તેં મને આપેલા દસ્તાવેજોમાં એ નથી.. ખેર..! તું પણ તારા રેપ્યુટેસનનો ઉપયોગ કર અ..ને.. હું પણ કરું છું..! અનુચંદ યુ.કેમાં સીનીયર એકેડેમીક પોઝીસનમાં કામ કરીને આવ્યો હતો. એણે આવા મહત્ત્વનાં દસ્તાવેજનું રજિસ્ટ્રેસન તો જરૂર કરાવ્યું હશે. આવતી કાલે કોર્ટમાં જઈ હું પ્રોસીક્યુટર લોયરે કોર્ટને સબમીટ કરેલાં બધાં પેપર્સની નકલો માગીશ.. જોઈએ તો ખરાં હાવ શી ઈઝ ગોઈંગ ટુ પ્રૂવ હર રાઈટ ઓન અનુચંદસ પ્રોપર્ટી... તું આરામ કર બેટી... હું છું, તારો મુંહ બોલ્યો અંકલ...' અને હર્ષવર્ધને ફોન કાપ્યો..
વિશાલાક્ષીની આંખો ભીની થઈ ગઈ..! 'પપ્પા..! આ તે કેવું રહસ્ય તમે છોડી ગયા.., કે જે મને અંગારો બની જંપવા દેતું નથી..!' અ..ને.. એ ઉઠી.
અચાનક રૂમની લાઈટ બંધ થઈ ગઈ.. એણે ઓરડાની બહાર નજર કરી.. સર્વત્ર અંધકારનાં ઓળા પથરાયા હતા. વૃક્ષો ઉપર કીલકીલાટ કરતા પક્ષીઓ પણ ડરીને પાંદડાંનાં ઝૂંડ પાછળ છૂપાઈ ગયા હતા.. દૂર દૂરથી કૂતરાંનો રડવાનો અવાજ આવતો હતો..!
'લાવ.. મીણબત્તી સળગાવું...' કહી વિશાલાક્ષી ઊભી થઈ.. એનાં બેડરૂમ પાસેનાં સાઈડ ટેબલની ઠોકર વાગવાથી વિશાલાક્ષી જમીન ઉપર પટકાઈ. સદનસીબે એને કાતિલ ઈજા તો થઈ નહીં, પણ ક્ષણભર એનાથી ઉઠી શકાયું નહીં, પરંતુ આ ખળભળાટનાં અવાજથી ગભરાઈ ગયેલા રામલાલકાકા એક ફાનસમાં મોટી મીણબતી રાખી, એના રૂમમાં આવ્યા.. વિશાલાક્ષીને ફ્લોર ઉપર પડેલી અને સાઈડ ટેબલ અસ્તવ્યસ્ત પડેલું જોઈને એ બોલ્યા..
'બેટી, આ બ..ધું.. શું.. છે? મને કેમ બૂમ નહીં પાડી..'
'કાકા.. તમે આ ટેબલ સરખું કરો, હું બેડ ઉપર બેસી જાઉં.. મને હાથમાં સ્હેજ દુ:ખાવો થાય છે..' અ..ને.. વિશાલાક્ષી બેડ ઉપર બેઠી..
'બેટી, જો.. આ ટેબલનાં ઉપરના ભાગનું પાટીયું તૂટી ગયું છે.. અ..ને.. આ સી..ડી.. કાગળો.. આ તેં જોયાં?' રામલાલે કહ્યું.
'ના.. કાકા..! આ.. ટેબલનાં ટોપમાં તો સીક્રેટ ડ્રોવર છે.. અને.. પપ્પાએ આ ડ્રોવરની વાત આપણને કેમ કરી નહીં હશે..'
'બેટી.., તારા પપ્પાનો પ્રેમ તારાથી વિખૂટો પડયો નથી.. આજે આ મેરીનીયાની નોટિસથી વ્યથિત થયેલી તને મદદ કરવા જ એમણે તને અલ્પ ઈજા પહોંચાડી. આ મહત્ત્વનાં કાગળો સુધી પહોંચાડી લાગે છે..! લે આ કાગળો આ સી..ડી.. બધું તું શાંતિથી જોઈ લે..! હું તારા માટે હળદર નાંખી ગરમ દૂધ લઈ આવું છું..!' કહી રામલાલ ગયા... 'અ..રે..! જો.. લાઈટ પણ આવી ગઈ..! લાવ મીણબતીપાછી.'
વિશાલાક્ષીએ પેલાં કાગળો જોયાં... એક દસ્તાવેજ વસિયતનામાનો હતો, બીજો દસ્તાવેજ ઇંગ્લેંડમાં કોઈ નોટરી પબ્લીક સમક્ષ કરલા એકરારનામાનો હતો. આ બધુ એણે એક નજરે જોયું અ..ને.. એને મેરીનીયાનું પોતાનું અને પપ્પાનું થોડું રહસ્ય સમજાયું. એણે પેલી સી.ડી. લેપટોપમાં ઇન્સર્ટ કરી... એ કોમ્પ્યુટર સ્વીચઓન કરે તે પહેલાં રામુકાકા દૂધનો ગ્લાસ લઈને રૂમમાં દાખલ તયા.. દૂધનો ગ્લાસ ટેબલ ઉપર મૂકી, એ બહાર નીકળી ગયા.
વિશાલાક્ષીએ ઓરડાનું બારણું બંધ કર્યું... માત્ર ટેબલ લેમ્પ એણે ચાલુ રાખ્યો..! કોમ્પ્યુટર ઓન કરતાં જ સ્ક્રીન ઉપર એક ઓડીયો વીડીયો કોમ્પ્યુટર ડીસ્ક ચાલુ થઈ.. સ્ક્રીન ઉપર ઉપસ્થિત અનુચંદ બોલ્યા..
'દીકરી વિશાલાક્ષી, આજે હું તારી સમક્ષ કેટલાંક એવાં રહસ્યો ખુલ્લાં કરવા જઈ રહ્યો છું, એ તને ઝંજોડી નાંખશે..! આ બધું તારાથી આટલાં વર્ષ છૂપાવવાનો મારો કોઈ બદ ઈરાદો હતો નહીં, પરંતુ આ બધું તારી સમક્ષ બોલવાની મારી હિંમત નહોતી. તારી સમક્ષ તારી માતા મેરીનીયાનાં બદચરિત્રની કહાણી કહેવાની તારા બાપની હિંમત નહોતી.'
બેટી, હું અને મેરીનીયા માન્ચેસ્ટરમાં એક કોલેજમાં સીનીયર પોઝીસન પર કામ કરતાં હતાં. બિઝનેસ મેનેજમેંટમાં ગોલ્ડ મેડલ મેળવી મેં માસ્ટર્સની પદવી પ્રાપ્ત કરી હતી, એટલે મને તુરંત જ પ્રોફેસર તરીકે કામ મળી ગયેલું. મારી વાક છટા, વિષયનું જ્ઞાાન, વોકેબીલરીટી એટલી સરસ હતી કે ક્યારેક મને અન્ય પબ્લીક ફંક્શનોમાં પણ એક ઓરેટર તરીકે આમંત્રણ મળતું હતું. અમારી કોલેજની મેરીનીયા પણ ત્યાં કંપની સેક્રેટરી તરીકે કામ કરતી હતી. એક દિવસ મારા મિત્ર રોલેક્ષે મને કહ્યું હતું, 'અનુ, તું સંભાળજે... આપણી કંપની સેક્રેટરી મેરીનીયાએ કોલેજમાં વાત ફેલાવી છે કે તારે અને એને ફીઝીકલ રીલેશનશીપ છે...! તું એની સાથે લગ્ન કરવા એને લલચાવી રહ્યો છે, પરંતુ એ તારો ઉપયોગ માત્ર મજા કરવા કરે છે, બાકી એને તમારા દેશનાં લોકો માટે ધીક્કાર છે. એ તમારા દેશનાં લોકોને માટે ગંદા અપશબ્દો પણ ઉચ્ચારે છે..' રોલેક્ષે તો મને ઘણું સંભળાવ્યું હતું, પરંતુ એ બધું મારા માટે આઘાતજનક હતું.
એક દિવસ હું મારા ડાયરેક્ટર સમક્ષ ગયો હતો. મેં એમની ટેબલ ઉપર મારું ત્યાગપત્ર મૂકી કહ્યું હતું,
'સર..! આઈ એમ ફેડ અપ વીથ ધ પોલીટીકસ ઓફ ધીસ કોલેજ. આપણી કંપની સેક્રેટરી મેરીનીયા મેડમ મારી વિરુદ્ધ સ્ટાફ, સ્ટુડંટ વિગેરેમાં ગંદી વાતો ફેલાવે છે...! ધીસ ઈઝ ડેમેઝીંગ માય ઇમેજ એન્ડ હર્ટીંગ માય કેરેક્ટર.' અ...ને... હું આગળ બોલી શક્યો નહોતો.
'પ્રો. અનુચંદ, ઈફ મેરીનીયા ઈઝ કલ્પ્રીડ, શી વીલ બી પનીશ્ડ આઈ એમ એમ્પાવર ટુ રીમુવ હર ફ્રોમ સર્વિસીસ ઓલ્સો...' અને એણે તુરત જ મેરીનીયાને ઇન્ટરકોમ ઉપર ફોન કરી એની કેબીનમાં બોલાવી હતી.
એ તુરંત જ કેબીનમાં આવી હતી, એણે અમારા ડાયરેક્ટરને હસ્તધૂનન કરી મને પણ ગ્રીટ કર્યો હતો અને બોલી હતી,
'હાય..! મિ. અ..નુ..! કોંગ્રેચ્યુલેસન... મેનેજમેંટ હેઝ પ્રમોટેડ યુ ટુ ધ પોઝીસન ઓફ હેડ ઓફ ડીપાર્ટમેંટ...! હું અત્યારે જ હેડ ઓફિસથી પ્રમોશન લેટર લઈને આ..વી..!'
'મેડમ મેરીનીયા... બેસો...! મિ. અનુ હેઝ રીઝાઈન્ડ બીકોઝ ઓફ ગોસીપ... હી હેઝ રીટન શોર્ટ નોટ, વીથ હીઝ રેસિગ્નેશન...! આઈ વોન્ટ યોર એક્સપ્લેનેસન..' ડાયરેક્ટરે કહ્યું હતું...
'સર.., એમનાં આક્ષેપો હું વાંચુ, તે પહેલાં હું તમારી સમક્ષ મારું રાજીનામું અને મારા વિચારો વ્યક્ત કરતો આ પત્ર તમને આપું છું..! બોર્ડની મીટીંગ વહેલી સવારે એટેંડ કરવાની નહીં હોત તો હું... મિ. અનુ કરતાં પહેલાં મારું રેસિગ્નેશન આપી દેત...! આ કોલેજનાં મારી પણ બદનક્ષી મિ.અનુના કારણે થાય છે.'
બેટા... મને અને મેરીનીયાને મારા ડાયરેક્ટરે સમજાવી કહેલું, 'તમારા બંને વચ્ચે કોઈક ત્રીજી વ્યક્તિ છે જે તમને અલગ કરવા માગે છે... અમને બંનેને પણ આ વાત સાચી લાગી હતી..! ધીમે ધીમે અમે બંને પ્રેમમાં પડેલાં.'
ખેર... એક દિવસ મેં અને મેરીનીયાએ ચર્ચમાં જઈને લગ્ન કરી લીધાં હતાં. એ દિવસે ચર્ચમાં એની સાથે તું પણ હતી. મને મેરીનીયાએ કહ્યું નહીં હતું કે એનાં પ્રથમ લગ્ન થયાં હતાં અને તું એમની દીકરી છે.
એટલું જ નહીં, એણે લગ્ન પછી પણ તારા તે પિતા સાથે સંબંધ રાખ્યા હતા...! એ શરાબનાં નશામાં ધૂત થઈ રખડતી... એનાં પ્રથમપતિ સાથે કસીનોમાં જતી...! એ બંને રાત આખી રસ્તાઓ ઉપર નશાચૂર હાલતમાં પડયાં રહેતાં પોલીસ પકડતી... છોડતી...
આખરે મેં કંટાળીને એક રાત્રે ઇંગ્લેંડ છોડી દીધું હતું... તારા જેવી નિર્દોષ, બાલીકાને મારે એ હેવાનો સાથે ત્યાં છોડવી નહીં હતી તેથી હું તને અહીં લાવ્યો હતો. મેં તને તારી માતાનું નામ ક્યારેય જણાવ્યું નહોતું.
બેટી...! મેં તને મારી પોતાની દીકરી માની છે... ભલે આ સાથેની ફાઈલમાં તારી બાયોલોઝીકલ રીપોર્ટ તને મેરીનીયાની દીકરી ઠરાવે પણ પાલન પોષણ અને દેખભાળની દ્રષ્ટ્રિએ કોઈપણ કોર્ટ તને મારી વારસદાર જ માનસે...! આ સાથે નોટરી પબ્લીક સમક્ષ કરેલ એકરાર નામુ, પોલીસનાં કેસોની નકલ બધુ તને અ..ને.. સીડી પૂરી થઈ ગઈ! વિશાલાક્ષી ખૂબ રડી... વહેલી સવારે એ જાગી ત્યારે એણે પિતાની તસવીરને તિલક કરી કહ્યું... 'બાય, ડેડી...! આઈ લવ યુ... આઈ એમ ધ ફર્સ્ટ ગર્લ... હું હેઝ નો મધર... બટ હેઝ ઓન્લી લવીંગ...! ડે...ડ...! આઈ હ ેઈટ માય મધર મેરીનીયા...
એડવોકેટ હર્ષવર્ધને વસિયતનામુ અનુચંદનું ઓડીયો સ્ટેટમેંટ તથા યુ.કે.નાં એનાં મિત્રો દ્વારા મેળવેલા મેરીનીયાનાં વીડીયો વિગેરે રજુ કરી પૂરવાર કર્યું કે એ એક ફ્રોડ વુમન છે અને અનુચંદની મિલકતની ખરી માલિક એની મુહબોલી બેટી વિશાલાક્ષી છે...!
એટલું જ નહીં ઇન્ડિયન સીટીઝન અનુચંદને એબ્યુઝ કરી લગ્નનું નાટક કરી પત્નીધર્મ ભૂલી જવા માટે ઇંગ્લેંડની ગવર્મેંટ મારફતે એનું પ્રત્યાર્પણ કરાવી ભારત લાવી, અહીં એના ઉપર કાનૂની કાર્યવાહી કરવાની વિધી કરવાની સેન્ટ્રલ ગવર્મેન્ટને વિનંતી કરે છે...!
કોર્ટ જજમેંટનાં કારણે વિશાલાક્ષીની જિંદગીમાં ભરતી અને ઓટ બંને આવ્યાં... એને પોતાનાં લોહી ઉપર ધિક્કાર થયો અને પાલક પિતા અનુચંદ ઉપર માન ઉપજ્યું..!
- ઈશ્વર અંચેલીકર


