Get The App

વાર્તા : અવળો આરોપ .

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
વાર્તા : અવળો આરોપ                                . 1 - image


 'મારા મનમાં હજી એણે કહેલી વાતો ધોળાયા કરતી હતી. હું વિચારતો હતો, ''પ્રકાશ આટલી હદે જઈ શકે ખરો? એ આશાને જ ચાહતો હતો, તો પછી બેલા સાથે લગ્ન શા માટે કર્યા? આ રીતે એની લાગણીઓ સાથે રમત રમવાનો એને કોઈ હક નથી. પ્રકાશે લગ્ન પછી આશા સાથે સંબંધ ન રાખવો જોઈએ.'

એક તો રવિવારની રજા... એમાંય શિયાળાની મોસમ... પથારીમાંથી ઉઠવાની ઇચ્છા જ નહોતી થતી. બારીમાંથી રૂમમાં પ્રવેશતાં સૂર્યના કિરણો રૂમના ઠંડા વાતાવરણને હૂંફાળું બનાવી રહ્યાં હતાં. હું પથારીમાં જ આમતેમ પડખાં ફેરવતો હતો.

નેહા તો રોજની જેમ જ ઊઠીને રસોડામાં કામ કરી રહી હતી. મેં બેડરૂમની ઘડિયાળ તરફ નજર નાખી. તો સવારના નવ વાગ્યા હતા. હું હજી ઉઠવા, ન ઉઠવાની દ્વિધામાં હતો, ત્યાં જ ડોરબેલ રણકી.

મેં જઈને બારણું ખોલ્યું. જોયું તો સામે હાથમાં બેગ લઈને બેલા ઊભી હતી. એને આમ સવારમાં જ આવેલી જોઈ મને ખૂબ આશ્ચર્યથયું. મેં એને આવકારતાં કહ્યું, ''અરે, બેલા! આવ, આવ, અંદર આવ...''

બેલા નેહાની નાની બહેન છે. મને હજી આશ્ચર્ય થતું હતું કે એ આટલી વહેલી સવારે કેમ આવી હશે અને તે પણ આમ એકલી જ?

બેલાનાં લગ્ન વડોદરાના પ્રખ્યાત વેપારી કનકરાયના દીકરા પ્રકાશ સાથેે બે મહિના પહેલાં જ થયાં હતાં. ઘરમાં આવ્યા પછી હજી પણ એ ઊભેલી જ હતી. મેં કહ્યું, ''બેસ તો ખરી, બેલા...''

અત્યંત ચંચળ સ્વભાવ અને મનમોહક વ્યક્તિત્વવાળી મોહિનીનું આજનું વર્તન જોઈને મને આશ્ચર્ય થતું હતું. આજે એ એકદમ શાંત હતી. એનો ચહેરો તદ્દન ભાવશૂન્ય હતો.

મેં નેહાને બૂમ પાડી. એ રસોડામાંથી હાથ લૂછતી, બબડતી-બબડતી બહાર આવી. ''શું છે? સવારના પહોરમાં બૂમાબૂમ કેમ કરો છો? નાહવા માટે બાથરૂમમાં ગરમ પાણી તૈયાર રાખ્યું છે.'' એટલામાં એની નજર બેલાં પર પડતાં એ પ્રફુલ્લિત સ્વરે બોલી ઊઠી. ''અરે! બેલા, તું? તું ક્યારે આવી?''

બેલાએ કંઈ જવાબ ન આપ્યો, તેથી નેહા નવાઈ પામતાં એની સામે તાકી રહી.

મેં સહેજ ભારે બની ગયેલા વાતાવરણને હળવું કરવાના ઇરાદાથી વચમાં જ કહ્યું, ''વાતો પછી કરજો... નેહા. પહેલાં તું સરસ મજાની ચા બનાવી લાવ. આપણે ત્રણે સાથે ચા પીશું. હું હમણાં જ નાહીને આવું છું... બરાબર?'

અમે ચા પીતાં હતાં ત્યારે નેહા બેલાને જે કંઈ પૂછતી, તેનો એ ટૂંકાણમાં જ જવાબ આપતી હતી.

મેં બેલા તરફ પ્રશ્નસૂચક નજરે જોયું. એના મનમાં રમતી દ્વિધાના ભાવ એના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતા હતા. તેની દ્રષ્ટિમાંથી વ્યથા ટપકતી હતી. હું આજે પહેલી વાર એને આટલી શાંત જોતો હતો, કેમ કે લગ્ન પહેલાંની બેલા એટલે જાણે વાવાઝોડું. ઘરમાં દાખલ થવાની સાથે જ વાતચીત, હાવભાવ, ચાલવું વગેરે એટલાં ઝડપથી કરતી કે હું એને 'રાજધાની એક્સપ્રેસ' કહેતો.

એ જ બેલા આજે એકદમ ખોવાયેલી, શાંત બેઠી હતી! એને થયું શું હશે? સાસરામાં કોઈની સાથે ઝઘડો થયો હશે? પ્રકાશ પણ સાથે નથી, એકલી આવી હશે, પણ તોય આમ ચૂપ કેમ છે? શક્ય છે કે લગ્ન પછી એણે એના સ્વભાવમાં ફેરફાર કર્યો હોય...'

''રાજેશ, ચા ઠંડી થઈ જાય છે.'' અચાનક નેહાએ મારી વિચારધારાનો ભંગ કર્યો. બેલાને જોતાં તો મારી ચા હજી ગરમ છે...'' મારી મજાક સાંભળી નેહા ખડખડાટ હસી પડી. બેલા મંદ સ્મિત કરી બોલી, ''હું થાકી ગઈ છું. હાથ-મોં ધોઈને ફ્રેશ થઈ આવું...'' અને એ બાથરૂમમાં ચાલી ગઈ.

''રાજેશ, બેલા આપણાથી કંઈ છુપાવતી હોય એવું નથી લાગતું?'' નેહાએ સવાલ કર્યો, ત્યારે મેં પણ ચિંતાતુર સ્વરે જવાબ આપ્યો, ''મને પણ એવી જ શંકા જાય છે. ખેર, રાતે વાત કરીશું...''

રાતે જમીને ડ્રોઇંગ રૂમમાં બેઠાં હતાં. રૂમમાં છવાયેલી શાંતિ સાથે અમે ત્રણે ચૂપ જ હતાં.

છેવટે મેં શાંતિનો ભંગ કરતાં બેલાને પૂછ્યું. ''બેલા, શી વાત છે? એવું કેમ લાગે છે કે તું તારા મનની કોઈ વાત અમારાથી છૂપાવી રહી છે? તારો ચહેરો તારા મનોભાવને સ્પષ્ટ વ્યક્ત કરે છે...''

મારી વાત સાંભળી એણે મારી સામે એવી રીતે જોયું, જાણે મેં એની દુખતી રગ પકડી પાડી હોય.

પછી નિ:શ્વાસ નાખતાં એ બોલી, ''હા, જીજાજી...'' અને એ સાથે જ એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યાં.

નેહાએ એની પાસે બેસી એની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું, ''શી વાત છે બેલા? હું તારી બહેન છું... મને કહે, તારા મન પરનો બોજ દૂર થઈ જશે.... બોલ, બહેન...''

થોડી વાર રડતી રહ્યા પછી એ ધીમા સ્વરે બોલી, ''જીજાજી, પ્રકાશ ચારિત્ર્યહીન છે. હું તો એમને મન કામવાળી જ છું. એમણે ક્યારેય મારી સાથે સરખી વાત સુધ્ધાં નથી કરી. અમારાં લગ્નને બે મહિના થયા, પણ બે ઘડી પાસે બેસવાની વાત તો દૂર રહી, મને તો એય ખબર નથી કે સુહાગરાત કેવી હોય...''

''એવું તો શું થયું?'' નેહાએ દુ:ખી સ્વરે પૂછ્યું.

''પ્રકાશની ઓફિસમાં આશા નામની એક યુવતી છે. એની સાથે એમને... આવા ચારિત્ર્યહીન માણસ સાથે...' બેલાના ત્રુટક-ત્રુટક શબ્દોમાંથી 'ચારિત્ર્યહીન' શબ્દ રૂમમાં જાણે પડઘાવા લાગ્યો. બેલા ફરી રડવા લાગી. રૂમની નીરવતા જાણે બેલાનાં ધૂ્રસકાંથી જ ભરાઈ ગઈ હતી.

થોડી વાર, હું એની સામે જોઈ રહ્યો. પછી મેં કહ્યું, ''એમાં તારે આટલું બધું પરેશાન થવાની જરૂર ખરી? હું પ્રકાશને મળીને વાત કરીશ. બધું બરાબર થઈ જશે.''

''એ તમારું ય મોં તોડી લેશે.'' એ મોટેથી બોલી.

''બેલા, જીવન એક સંગ્રામ છે. મુશ્કેલીઓ સામે એકલે હાથે બાથ ભીડવાને બદલે કોઈ કુશળ સાથી હોય, એ જરૂરી છે. રડવાથી કે ચૂપચાપ સહન કરવાથી કંઈ નહીં વળે.''

''બધું ઠીક થઈ જશે. રાત ખૂબ વીતી ગઈ છે. ચાલ, હવે સૂઈ જા.'' નેહાએ કહ્યું.

બે-ત્રણ દિવસ વીતી ગયા. ઓફિસેથી પાછા ફરતાં બેલા વિશે જ વિચારી રહ્યો હતો. મારા મનમાં હજી એણે કહેલી વાતો ધોળાયા કરતી હતી. હું વિચારતો હતો, ''પ્રકાશ આટલી હદે જઈ શકે ખરો? એ આશાને જ ચાહતો હતો, તો પછી બેલા સાથે લગ્ન શા માટે કર્યા? આ રીતે એની લાગણીઓ સાથે રમત રમવાનો એને કોઈ હક નથી. પ્રકાશે લગ્ન પછી આશા સાથે સંબંધ ન રાખવો જોઈએ.''

મારા માનસપટ પર 'ચારિત્ર્યહીન' શબ્દ છપાઈ ગયો હતો. વિચારોની ગતિની સાથોસાથ કારની ઝડપ પણ વધતી જતી હતી. એમાં ને એમાં ક્યારે ઘર આવ્યું, તેની ખબર પર ન પડી. ડોરબેલ વાગતાં જ બેલાએ બારણું ખોલ્યું. ''જીજાજી...'' એ મોટેથી બોલી ઊઠી. એના ચહેરા પર મંદ સ્મિત રમતું હતું.

''કેમ, બેલા?'' મેં પૂછ્યું.

એના ચહેરા પર એના પતિ પ્રત્યે ઘૃણાનો ભાવ ઉત્પન્ન થઈ રહ્યો હતો. આવી નિર્દોષ પત્નીનો શો દોષ?

લગભગ ૮-૧૦ દિવસ વીતી જવા છતાં ન તો પ્રકાશ તરફથી કોઈ ફરિયાદ સાંભળવા મળી કે ન તો એણે કોઈ તપાસનો પ્રયત્ન કર્યો.

''બેલા, આપણે કાલે પ્રકાશને મળવા જઇશું.'' મારી વાત સાંભળી એને જાણે આંચકો લાગ્યો.

''જીજાજી, મેં તમને પહેલાં પણ કહ્યુ ંહતું, કે ત્યાં જવાથી કંઈ લાભ નથી.''

''પણ આમ કયાં સુધી ચાલશે? તારા ભવિષ્યની તને બિલકુલ ચિંતા નથી? આ તો નાદાની કહેવાય અને તું ગભરાય છે શા માટે? હું તારી સાથે આવીશ.''

બીજા દિવસે અમે વડોદરા બેલાના સાસરે ગયાં. ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસી પ્રકાશ કોઈ ફાઈલ વાંચવામાં મગ્ન હતો. બેલા સાથે મને જોઈ એનો ચહેરો પડી ગયો.

આમ છતાં એણે હસીને અમને આવકાર્યા, ''આવો, રાજેશભાઈ, આવો...''

હું પ્રકાશની સામેના સોફા પર બેઠો. બેલા કંઈ પણ બોલ્યા વિના અંદર જઈને મારા માટે પાણીનો ગ્લાસ લઈ આવી.

''ઘણા દિવસ પછી દર્શન દીધાં! કહો, કેમ છો?'' એની પ્રશ્ન પૂછવાની શૈલી અનોખી લાગી.

''મારે તમારી સાથે થોડી મહત્ત્વની વાતો કરવી છે.''

''હુકમ કરો. હું તમારી શી સેવા કરી શકું?'' એણે પૂછ્યું.

''વાત કરતાં મને સંકોચ થાય છે.''

''એવી તે શી વાત છે કે જે કહેતાં સંકોચ થાય છે?'' પ્રકાશે ફાઈલના કાગળો ભેગા કરતાં પૂછ્યું.

''પ્રકાશ, તમે તો સમજદાર છો. મારે બેલા વિશે વાત કરવી છે. મેં સાંભળ્યું છે કે તમારે કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે?''

''ઓહ... તમે એમ કહેવા ઇચ્છો છો કે કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો એ ખોટું છે?''

''તમને શરમ નથી આવતી, કોઈ પરસ્ત્રી સાથે સંબંધ રાખતાં?''

પ્રકાશે મારી વાતને વચ્ચેથી જ કાપી નાખતાં કહ્યું, ''રાજેશભાઈ, માફ કરજો. તમે તમારી સાથે સાથે મારો પણ સમય વેડફી રહ્યા છો. તમે જે મહત્ત્વના કામની વાત કરવા આવ્યો છો, તે કહો.'' એનો કટુ સ્વર સાંભળી પળ વાર તો મને ઇચ્છા થઈ કે અહીંથી ચાલ્યો જાઉં, પરંતુ પછી પાછું યાદ આવ્યું કે, હું અહીં કોઈનું ઘર ફરી વસાવવા આવ્યો છું. આ વિચારથી હું અપમાનનો ઘંૂટડો ગળી ગયો.

મેં કહ્યું, ''તમે જે ગુનો કરી રહ્યાં છો, તેની સજા નિર્દોષ પત્નીને શા માટે આપો છો?

''રાજેશભાઈ, તમે કુશળ વેપારી છો. વેપારમાં વધારો કરવા માટે તમે તમારી ઇચ્છા મુજબ આગળ વધો છો. એવું જ જીવન વિશે પણ વિચારશો તો કેવી રીતે ચાલશે? વેપારમાં એક વાર ખોટ જાય. તો બીજી વાર નવેસરથી વેપાર શરૂ કરી શકાય છે. પરંતુ આ તો જીવન છે... તેને તમે ઇચ્છાનુસાર બદલી શકો નહીં. અલબત્ત, જીવનનો આનંદ પોતાની રીતે અવશ્ય મેળવી શકાય છે અને વેપાર હોય કે જીવન, બન્નેમાં ચારિત્ર્યની ભૂમિકા બહુ મહત્ત્વની છે.'' પ્રકાશની આવી સૂફિયાણી વાતો સાંભળી રાજેશ અવાચક બની ગયો. થોડીવાર આડીઅવળી વાત કરી પણ ખાસ કોઈ પરિણામ આવ્યું નહીં.

પ્રકાશના ભવ્ય બંગલામાં મને જાણે ગૂંગળામણ થતી હતી. હું ઊભો થઈ હાથ જોડી બોલ્યો. ''હવે જે ગણો તે, પણ તમારા ઘરની આબરૂ તમને સોંપીને જાઉં છું...' તે પછી હું તરત બહાર નીકળી ગયો. બહાર નીકળ્યા બાદ મેં પાછળ નજર કરી તો બેલા બારણા પાસે ઊભી નિર્લેપ દ્રષ્ટિએ મને જોઈ રહી હતી.

સમયનું ચક્ર વણથંભ્યું ચાલતું રહ્યું. આ દરમિયાન બેલા ઘણી વાર અમારા ઘેર આવી. એક દિવસ ખબર પડી કે બેલા મા બનવાની હતી. મેં વિચાર્યું, કદાચ આવનારું બાળક પ્રકાશના વર્તનમાં ફેરફાર લાવે અને બેલાનો ઘરસંસાર ફરી પાટે ચડી જાય.

જાણે કોઈ પથ્થર મારી કાચ તોડી નાખે એમ મારો આ ભ્રમ પણ ભાંગી ગયો. ફરી એક વાર બેલા અમારે ત્યાં વ્યથિત મને આવી પહોંચી.

અમે જ્યારે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એણે એક જ વાત પકડી રાખી કે, ''મને હવે ફરી એ ઘેર જવાનું દબાણ કરશો, તો હું આપઘાત કરીશ.''

''તું તારા બાળક વિશે તો કંઈક વિચાર...''

''જીજાજી, લીલાછમ ઝાડને વાગવાનો વિચાર કર્યા વિના ઘાવ કરનારો માળી એ ઝાડ પીળું પડી ગયા પછી એના વિશે વિચારે છે ખરો? મારા બાળકનાં 'નસીબ'માં જે ભોગવવાનું લખ્યું હશે, તે બનશે. હવે હું પ્રકાશને મારો પતિ નથી માનતી. મેં એક નિર્ણય લઈ લીધો છે... મારે છૂટાછેડા લેવા છે.'' અમારાથી એની ઉદાસી જોઈ શકાતી નહોતી. હું અને નેહા અત્યંત ભાવુક બની ગયાં હતાં. નેહા પણ એની બહેનની વાત સાથે સંમત હતી.

અમે વકીલને મળવા ગયા. છૂટાછેડા લેવા માટેની વાતચીત કરી અને ટૂંક સમયમાં જ તે માટેના કાગળ તૈયાર થઈ ગયા. બેલાએ પોતાની સહી કરી આપી. એના જીવન પુસ્તકનું એક પ્રકરણ પૂરું કરી દીધું. હવે પ્રકાશની સહી થઈ જાય એટલે છેલ્લું પ્રકરણ પૂરું થઈ જાય. આમ આ કથા કરુણાંતિકામાં પલટાઈ જવાની હતી.

પ્રકાશનાં બંગલે જવાનું મને યોગ્ય ન લાગ્યું એને જાણ કર્યા વિના જ હું એની ઓફિસે જઈ ચડયો.

છૂટાછેડા મેળવવા માટેના કાગળ એના ટેબલ પર મૂકતાં મેં ક્રોધિત સ્વરે કહ્યું, ''જુઓ, આ તમારા ચારિત્ર્યનું પ્રમાણપત્ર છે...''

''આ મારું ઘર નહીં, ઓફિસ છે... તમે જરા ધીમા સ્વરે બોલો.'' એણે હતાશા ભર્યા સ્વરે કહ્યું.

''કેમ? એટલી બધી ફિકર છે તમારી આબરૂની?'' મેં વ્યંગભર્યા સ્વરે પૂછ્યું.

''ના, મને તો તમારી આબરૂની ફિકર છે...'' કહેતાં પ્રકાશે ઉપરછલ્લી નજર છૂટાછેડા અંગેના કાગળો પર ફેરવી અને ઉમેર્યું,

''છૂટાછેડા? આ નિર્ણય બેલા માટે હિતાવહ નથી...''

''બેલા માટે કે તમારા માટે?''

''રાજેશભાઈ, મેં અગાઉ એક વાર તમને કહ્યું હતું કે હું હોશિયાર વેપારી છું અને તેથી જ આના પર સહી કરવાની ના કરું છું. તમે આ કાગળો બેલાને પરત કરી દો, નહીંતર એને જ હાનિ થશે. હા, હું માનું છું કે મેં મારા ચારિત્ર્યની મર્યાદારેખા વટાવી હતી, પણ મારી આંખો ઉઘાડનારા તમે જ હતા. તમે જે  દિવસે બેલાને મૂકવા આવ્યા, ત્યારે જે કંઈ કહ્યું, તે મારા અંતરને સ્પર્શી ગયું હતું. ભલે મોડે-મોડેથી, પણ તમારી વાતનો મર્મ હું સમજી ગયો હતો. મારી ભૂલનો ખ્યાલ આવતાં જ મને પારાવર પસ્તાવો થયો.

તે પછી બેલાને મારા તરફથી, મારા વર્તન દ્વારા ક્યારેય કોઈ તકલીફ નથી પડવા દીધી, તો પછી છૂટાછેડા લેવાનું શું કારણ?''

''પ્રકાશ, તમે શું કહો છો, એનો તમને સહેજ પણ ખ્યાલ છે? આ તો તમે તમારો બચાવ જ કરી રહ્યા છો.'' મેં ક્રોધિત સ્વરે કહ્યું.

''હું મારા નહીં, એના બચાવની વાત કરું છું... આ સમાજથી, દુનિયાથી.. તમે જ્યારે બેલાને પાછી મૂકી ગયા હતા, તે પછી બે-ત્રણ દિવસ બાદ એની તબિયત બગડી. ડૉક્ટરે એને તપાસીને કહ્યું કે એ મા બનવાની છે. મારા મનમાં શંકા જાગી કે એ બાળક મારું નહીં, બીજાનું જ હોવું જોઈએ. બેલા તો આ વાત જાણતી જ હતી. એક દિવસ એના કબાટમાંથી મને કેટલાક પત્ર અને ફોટા મળ્યા, તો હું સાવધાન થઈ ગયો. એક બે વાર પિયર ગઈ છે એવું જાણવા મળ્યું ત્યારે મેં તપાસ કરાવી તો ખબર પડી હતી કે એ તેના પ્રેમી સાથે એક રાત બહાર રોકાઈ હતી....

એ અવારનવાર એના પ્રેમી સાથે ફરવા જતી હતી. મેં વિચાર્યું કે જો એ મારી સાથે રહેવા ન ઇચ્છતી હોય તો એના પ્રેમી સાથે રહીને ખુશ રહેશે. આમ વિચારી હું એના પ્રેમીને મળવા ગયો. એની સમક્ષ મેં બેલાને અપનાવી લેવાની દરખાસ્ત મૂકી. પરંતુ મને એની વાતચીત કરવાની રીતભાત બરાબર ન લાગી. એ તો આ બધું માત્ર મોજમજા માટે જ કરતો હતો. એણે તો લગ્ન કરવાની સ્પષ્ટ ના જ કહી દીધી.

બેલાના જીવનમાં આવેલા આ ઝંઝાવાતમાં એ ક્યાંયની નહીં રહે. અલબત્ત, આ ઝંઝાવાતને હું જ શાંત કરી શકું એમ છું. એના બાળકને પિતાનું અને બેલાને પતિનું નામ આપવા માટે જ હું આ કાગળો પર સહી નહીં કરું. જો હું આ કાગળો પર સહી કરી આપું, તો બેલાએ આજીવન પસ્તાવું પડશે. લોકો એને 'ચારિત્ર્યહીન'... કુલટા, પાપીણી, વ્યભિચારી કહેશે.''

આ કટુ સત્ય સાંભળી હું તો આભો જ બની ગયો. પ્રકાશની વાતે મારા મન પરથી  ભ્રમનું આવરણ ખસેડી નાખ્યું. હું તો અહીં પ્રકાશ ઉપર આરોપનો ઘાવ કરવા આવ્યો હતો, પણ એથી વિપરીત એણે મને જ સામો જખમી કરી દીધો. હું બેલાને પ્રકાશના ઘેર પાછી મૂકી આવ્યો, પરંતુ આજ સુધી નક્કી નથી કરી શક્યો કે ખરેખર ચારિત્ર્યહીન કોણ છે? સાથે એ કડવું સત્ય પણ સમજાયું કે આ કળિયુગમાં એ કળવું મુશ્કેલ છે કે સાચું કોણ અને ખરાબ કોણ? સજ્જન કોણ અને દુર્જન કોણ?

Tags :