સહિયર સમીક્ષા .
- મને જાતીય ક્રિયામાં જરા પણ આનંદ નથી આવતો. જનનેંદ્રીય સ્તરે કોઈ સમસ્યા નથી, પત્નીને સંતોષ મળે છે, પણ મને જ કોઈ અનુભૂતિ નથી થતી.
* હું ૩૪ વર્ષનો પરિણીત પુરુષ છું. લગ્નને ૩ વર્ષ થઈ ગયાં છે. મને જાતીય ક્રિયામાં જરા પણ આનંદ નથી આવતો. જનનેંદ્રીય સ્તરે કોઈ સમસ્યા નથી, પત્નીને સંતોષ મળે છે, પણ મને જ કોઈ અનુભૂતિ નથી થતી. ૨૨-૨૩ વર્ષની ઉંમરમાં જ જાતીય સુખ તરફથી મન ઊઠી ગયું હતું. કેટલાય ડૉક્ટરોની સલાહ લીધી છે, બધાનું કહેવું છે કે સમસ્યા માનસિક સ્તરે છે. આ નિરાશામાંથી બહાર આવવા માટે મારે શું કરવું જોઈએ?
એક પુરુષ (અમદાવાદ)
* આપણી સેક્સુઅલ ડ્રાઈવ આપણા શરીરમાં બનતા સેક્સ હોર્મોન્સ પર નિર્ભર હોય છે, પણ વ્યક્તિગત અનુભવ જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ, સેક્સુઅલ પાર્ટનરનો વ્યવહાર, પરસ્પરના સંબંધ, વ્યક્તિગત સ્વાસ્થ્ય બધી બાબતોની સેક્સુઅલ ડ્રાઈવ પર અસર થાય છે.
વિભિન્ન માનસિક ચિંતાઓ, તાણ, ખોટી ચિંતા, દુઃખ અને પરસ્પર સંબંધોમાં નિરુત્સાહ પુરુષ અને સ્ત્રી બંનેની સેક્સુઅલ લાઈફ પર ગંભીર અસર કરનારા પરિબળ છે. કામનું વધારે દબાણ અને થાક પણ સેક્સુઅલ ડ્રાઈવમાં અવરોધક પરિબળ છે.
શારીરિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા પણ હોઈ શકે છે. શરીરમાં સેક્સ હોર્મોન્સ ઓછી માત્રામાં બને, કોઈ લાંબી માંદગી થઈ જાય. ડાયાબિટીસ હોય, હૃદયની બીમારી હોય, થાઈરોઈડ ગ્રંથિ બરાબર કામ ન કરતી હોય, તો પણ સેક્સુઅલ ડ્રાઈવ પર વિપરીત અસર થઈ શકે છે.
ઘણા લોકો માટે કોઈ અન્ય બીમારીની ચાલતી દવાઓ પણ સમસ્યારૂપ પરિબળ બની જાય છે. બ્લડપ્રેશરમાં અપાતી બીટા બ્લોકર એન્ટિહાઈપરટેંસિવ દવાઓ, ડિપ્રેશનમાં અપાતી એન્ટિડ્રિપેસેંટ દવાઓ, પેપ્ટિક અલ્સરમાં અપાતી એચ-૨ બ્લોકર દવાઓ અને બીજી ઘણી દવાઓ સેક્સુઅલ ડ્રાઈવમાં અવરોધક બની શકે છે.
વધારે દારૂનું સેવન કરતાં લોકોમાં પણ સેક્સુઅલ ડ્રાઈવ પર વિપરીત અસર થાય છે. હવે આ બાબતોની જાણકારી મળ્યા પછી તમે સ્વયં સરળતાથી એ સમજી શકો છો કે તમારી સમસ્યા માટે કયું પરિબળ જવાબદાર છે. તેમાંથી બહાર આવવા માટે જરૂરી ઉપાય અજમાવો. પત્ની સાથે યોગ્ય વાતચીત કરવાથી પણ તમારા પ્રેમનો બાગ લીલોછમ રહેશે.
તેમ છતાં જો લાગે કે કોઈ કારણ નથી મળતું, તો કોઈ સારા સાઈકોસેક્સુઅલ થેરપિસ્ટનો સંપર્ક કરો અને કાઉન્સેલિંગ કરાવો. દિલથી સારવાર કરાવશો તો તમારા દામ્પત્યજીવનમાં આનંદ છવાઈ જશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી.
* હું ૨૮ વર્ષની પરિણીતા છું. અમારાં લગ્નને ૫ વર્ષ થઈ ગયાં છે. મારા પતિને ઊંઘમાં ઘણા જોરથી નસકોરાં બોલાવવાની ટેવ છે. હું તેનાથી ખૂબ પરેશાન છું. એકવાર ઊંઘ ઊડી જાય પછી ઈચ્છવા છતાં પણ ઊંઘ આવતી નથી. બીજો આખો દિવસ હું પરેશાન રહું છું. કોઈ સરળ ઉપાય જણાવશો?
એક પત્ની (સુરત)
* ઊંઘમાં નસકોરાં બોલાવવાની સમસ્યા માત્ર તમારા પતિને જ નહીં, ઘણા લોકોને હોય છે. તે હકીકત છે કે તેના લીધે બીજાની ઊંઘમાં ખલેલ પડે છે. જો તમારા પતિ નીચે જણાવેલી નાની-નાની સાવધાની વ્યવહારમાં અમલી બનાવે તો બની શકે કે તેઓ નસકોરાં બોલાવવાનું બંધ કરી દે.
તેમને કહો કે ચત્તા ઊંઘવાને બદલે કોઈ પણ એક પડખે સૂવાનું રાખે. તેનાથી શ્વાસ લેવાનો ઉપરનો ભાગ ખુલ્લો રહેવામાં મદદ મળશે અને કદાચ તેમને નસકોરાંથી છુટકારો મળી જાય.
તેમનું નાક જો બંધ રહેતું હોય કે તેમને નાક અને ગળાની એલર્જી રહેતી હોય, તો તેમને ઈ.એન.ટી નિષ્ણાત પાસે લઈ જાઓ. તેમનો વ્યવસ્થિત ઈલાજ કરાવો.
તેમને સચેત કરી દો કે કોઈ પણ એવી દવા જે ગળાની માંસપેશીઓને શિથિલ કરે દા.ત.ઊંઘની દવા (સ્લીપિંગ પિલ્સ). બ્લડપ્રેશરની દવા અને એન્ટિહિસ્ટામિન દવા શક્ય હોય એટલી ઓછી લો.
દારૂનું સેવન કર્યા પછી નિશ્ચિંત થઈને સૂવાથી નસકોરાં બોલવા સ્વાભાવિક છે. જો તેમને દારૂનો વધારે શોખ હોય તો તેના પર થોડોક અંકુશ મૂકી દો. જો દારૂ લેવો જ હોય તો ૬૦ મિ.લિ.થી ઓછો પીવો અને સેવન કર્યા પછીના ૨-૩ કલાક ઊંઘવાનું અચૂક ટાળો.
જો તેમનું શરીર ભારે હોય તો તેમને વજન ઘટાડવા પ્રોત્સાહિત કરો. નિયમિત કસરત કરવાથી શક્ય છે થોડાં મહિનામાં ફરક દેખાવા લાગે. સ્થૂળતા હોવાથી ચરબીના લીધે ઊંઘ લેતી વ્યક્તિનો શ્વાસ લેવામાં ઉપરના ભાગમાં અવરોધ ઊભો થાય છે. જે તેને નસકોરાં લેવા માટે મજબૂર કરે છે.
- નયના