Get The App

સહિયર સમીક્ષા .

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image

- હું 27 વર્ષનો કુંવારો છું મારી સાથે કામ કરતી 33 વર્ષની એક મહિલાને હું મનોમન પ્રેમ કરું છું. 

હું ૨૪ વરસની છું. મારી ઉંમરના જ એક યુવક સાથે મને પ્રેમ છે તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ તે તેની માતાને છોડવા તૈયાર નથી. કારણ કે, તેના પિતા તેની માતાને રોજ જ મારહાણ કરે છે. તેણે મને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તે તેની માતાની મરજીથી જ લગ્ન કરશે. અમારી જ્ઞાાતિ અલગ હોવાથી તેની માતા અમારા લગ્ન માટે રાજી નથી આથી તે મને બીજા સાથે લગ્ન કરવાની સલાહ આપે છે, પણ મારું મન માનતું નથી. મારે શું કરવું એ જણાવવા વિનંતી.

એક યુવતી (વલસાડ)

તમારા પ્રેમીની સલાહ યોગ્ય છે. તે સમજુ લાગે છે. પરિસ્થિતિ જોઈને જ તેણે આ નિર્ણય લીધો હશે એમ મને લાગે છે આથી હવે એની સલાહ માનીને કોઈ યોગ્ય ઉમેદવાર સાથે લગ્ન કરી લો જેના પરિવારમાં તમને બધા અપનાવી છે. આ વાત આસાન નથી એ હું જાણું છું પરંતુ સમય જતા આ ઘા રૂઝાઈ જશે અને તમે તમારા સંસારમાં અને જીવનમાં આગળ વધી જશો. સામે પક્ષે તમારો પ્રેમી પણ તેની મમ્મીની પસંદગીની યુવતી સાથે લગ્ન કરી સુખી સંસાર માણશે. આ વાતથી ખુશ રહો અને તેને ભૂલી જીવનમાં આગળ વધી જાવ.

હું એક વિદ્યાર્થી છું. મારે આગળ ભણવા માટે અમેરિકા જવું છે, પરંતુ મારો સ્વભાવ અંતર્મુખી હોવાથી હું કોઈ સાથે હળી-ભળી શકતો નથી. મારું સામાજિક જીવન પણ નથી આથી હું ત્યાંના વાતાવરણમાં મારી જાતને ગોઠવી શકીશ કે નહીં એની મને ઘણી ચિંતા થાય છે. શું હું મારું વ્યક્તિત્વ સુધારી શકું છું?

એક યુવક (મુંબઈ)

મને લાગે છે કે તમને તમારી જાતમાં વિશ્વાસ નથી. તમારામાં નેગેટિવ વિચારો ભરાયા છે. તમારી જાત વિશે પોઝિટિવ વિચારો કરો. આ ઉપરાંત પર્સનાલિટી ડેવલપમેન્ટ પર આધારિત પુસ્તકો વાંચો તેમજ આને લગતા કોઈ વર્ગ ભરો. જેના તમને લોકો સાથે વાત કરવાની કળા જેવી ઘણી વસ્તુઓનું પ્રેક્ટિકલ જ્ઞાાન આપવામાં આવશે, ત્યાંના તમારા સહાધ્યાયીઓ તેમજ આસપાસના લોકો શું ધારશે? એની ચિંતા છોડી દો, તમારો સ્વભાવ સારો હશે તો બધા તમારી સાથે મૈત્રી બાંધશે અને ધીરે ધીરે તમે બધા સાથે ભળી જશો. 

હું ૨૭ વર્ષનો કુંવારો છું મારી સાથે કામ કરતી ૩૩ વર્ષની એક મહિલાને હું મનોમન પ્રેમ કરું છું. અમારો સ્વભાવ ઘણો મળતો આવે છે, પરંતુ અમારી વચ્ચેના ઉંમરના તફાવતને ધ્યાનમાં રાખીને હું તેને મારા મનની વાત કરી શકતો નથી. સમાજ અમારી વચ્ચેના આ તફાવતને માન્ય રાખશે નહીં. મારે શું કરવું?

એક ભાઈ (અમદાવાદ)

તમે કયા સમાજની વાત કરો છો એ મને સમજ પડતું નથી. લગ્ન તમારે કરવા છે અને આ તમારું અંગત જીવન છે. અને આમ પણ લગ્ન પછી કોઈ તમારી પાસે આવીને તમારી કે તમારી પત્નીની ઉંમર પૂછવાનું નથી. પતિ કરતા પત્ની મોટી હોવાના ઘણા ઉદાહરણો સમાજમાં મળી આવશે. તમારા પરિવારના સભ્યોનો પ્રશ્ન છે તો તમારે એમને સમજાવવા પડશે પરંતુ આ બધુ વિચારતા પૂર્વે એક વાત મહત્ત્વની છે. એ વાત એ છે કે શું એ સ્ત્રી તમારા પ્રેમમાં છે? એને તમારી સાથે લગ્ન કરવામાં રસ છે ખરો? તેના મનની વાત જાણ્યા વગર શેખચલ્લીના સપના જુઓ નહીં. 

મારી ઉંમર ૨૭ વરસની છે મારી સાથે કામ કરતો ૩૧ વરસનો એક પુરુષ મારા પ્રેમમાં છે. પરંતુ ભૂતકાળમાં થયેલા એક કડવા અનુભવ પછી મને ડર લાગે છે. તેના પર વિશ્વાસ કેવી રીતે મૂકવો?

એક બહેન (વડોદરા)

કોઈ પણ બે વ્યક્તિ કે પરિસ્થિતિ સરખી હોતી નથી. એક વાર દૂધ પીતા દાઝ્યા તો એનો અર્થ એવો થતો નથી કે દરેક વાર દાઝી જ જવાય. હા, બીજી વાર ફૂંકી-ફૂંકીને અને સમજી વિચારીને પગલાં ભરવા જરૂરી છે. ખુશીને સલામતી અને ડર સાથે કંઈ લાગતું-વળગતું નથી. આમાં હિંમત અને વિશ્વાસની જરૂર છે. સૌ પ્રથમ તેના બેકગ્રાઉન્ડ વિશે જાણવાનો પ્રયત્ન કરો. તેના પર વિશ્વાસ કેવી રીતે મૂકવો એ તમારે પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવાનો છે. તે લગ્ન કરવા તૈયાર છે? આ પ્રશ્નના ઉત્તર પછી તમારી ચિંતા દૂર થઈ જશે. 

હું ૧૭ વરસની છું. મારો એક જોડિયો ભાઈ છે. વર્ષોથી હું જોતી આવી છું કે મારી મમ્મી મારા ભાઈને મારા કરતા વધુ પ્રેમ કરે છે. મારી મમ્મીનું આ વર્તનું હું સમજી શકતી નથી. આ કારણે હું ઘણી ડિપ્રેશ રહું છું. કઈ રીતે મારે મારી મમ્મીનો પ્રેમ મેળવવો?

એક યુવતી (સુરત)

લાગે છે તમારી મમ્મી એ જમાનાની છે જ્યારે લોકોને છોકરા પ્રત્યે વિશેષ પ્રેમ હતો અને છોકરીઓને તેઓ એક મોટો બોજ માનતા હતા. પરંતુ હવે આ જમાનો રહ્યો નથી. આજે છોકરાઓ કરતા છોકરીઓ માતા-પિતાની વધુ કાળજી લે છે. તમારો ભાઈ તમારી પરિસ્થિતિ જાણતો હોય તો તે તમારી મમ્મીને સમજાવી શકે છે. આ બાબતે તમારા પિતાનો કેવો વર્તાવ છે એનો તમે ઉલ્લેખ કર્યો નથી, તેમની સાથે તમારે કેવો સંબંધ છે? તમારા પિતા તમારી પરિસ્થિતિ સમજતા હોય તો તમે તેમને વિશ્વાસમાં લઈ શકો છો. અથવા તો તમે પોતે તમારી મમ્મી સાથે ખુલ્લા દિલથી આ વાત કરો.

- નયના