સહિયર સમીક્ષા .
- મને એક યુવતી સાથે પ્રેમ છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. તે સારું ભણેલી છે અને તેને કારકિર્દી બનાવવી છે જ્યારે મારી ઇચ્છા તે નોકરી કરવાને બદલે ઘર સંભાળે એવી છે. તો મારે શું કરવું?
હું ૨૮ વર્ષની પરિણીત સ્ત્રી છું. મારે બે સંતાન છે. મારા પતિ છેલ્લા એક વરસથી વિદેશમાં છે. લગ્ન પછી અમે ક્યારે છૂટા પડયા નહોતા. મારા પતિ વિદેશ ગયા ત્યારે અમે એકબીજાને વફાદાર રહેવાનું વચન આપ્યું હતું. મારા પતિ હસ્તમૈથુનથી સંતોષ મેળવે છે. પણ મારે શું કરવું? બીજા સાથે સંબંધ બાંધવો નથી. મારા પતિએ બેટરી સંચાલિત કૃત્રિમ લિંગનો વિકલ્પ સૂઝવ્યો છે. યોગ્ય સલાહ આપશો.
એક મહિલા
* પતિને વફાદાર રહેવાની તમારી ઇચ્છાની હું કદર કરું છું. તમે પણ હસ્તમૈથુનનો આધાર લઇ શકો છો. બેટરી સંચાલિત સાધન પણ મળે છે. પરંતુ તેના વપરાશની પૂરેપૂરી માહિતી હોવી જરૂરી છે. તમારે માટે હસ્તમૈથુન જ શ્રેષ્ઠ વિકલ્પ છે. વાઇબ્રેટર સધારણ રીતે પ્લાસ્ટિક કે રબરના બનાવેલા હોય છે. જે ઇલેક્ટ્રીક કરન્ટ કે બેટરીથી ચાલે છે. તેની ધુ્રજારી ઘણી ઉત્તેજનાદાયક હોય છે જે ઝડપથી ઉત્તેજનાનો અનુભવ આપે છે. તમારા જેવી સ્ત્રીઓ જેનો પતિ પાસે ન હોય ત્યારે આવા વાઇબ્રેટર આશીર્વાદ સમાન સાબિત થાય છે. આનાથી સમાજની મર્યાદા જળવાઇ રહે છે. ઇલેક્ટ્રીકના વાઇબ્રેટરને પાણી ન લાગવું જોઇએ. સ્ત્રીઓને યોનિ (ક્લિટોરિસ) પર વાઇબ્રેટર ફેરવાથી ઉત્તેજનામાં વધારો થાય છે.
હું ૩૦ વરસની પરિણીત મહિલા છું. લગ્નને ત્રણ વર્ષ થયા છતાં અમને સંતાન નથી. મારી સાસુનો સ્વભાવ ઘણો ઝગડાળું છે. આ કારણે તેઓ મને મ્હેણા-ટોણા મારે છે. તપાસ કરાવ્યા પછી મારા પતિના ત્રણ-ચાર રિપોર્ટ ઠીક ન હોવાનું જાણવા મળ્યું. મારી એક નણંદ ડૉક્ટર છે અને મારા પતિ તેમના માતા-પિતાના એક માત્ર પુત્ર છે. મારા પતિ ઉપચાર કરાવતા નથી. તેમજ મારી સાસુ તેમના પર દબાણ કરતા નથી. મારી વાત તેઓ સાંભળતા નથી. શું કરવું એ જ સમજ પડતી નથી.
એક બહેન (ભરૂચ)
* તમારી ડૉક્ટર નણંદ તમારા પતિને ઇલાજ કરવા મનાવી શકે છે. તમે એમની સાથે વાત કરી તેમને તમારા પતિને સમજાવવાનું કહો. તેઓ મૂડમાં હોય ત્યારે તમે તેમને સમજાવો. તેમને સમજાવો કે ઇલાજ કરાવવામાં કોઇ શરમ નથી. અને આની જાણ પણ કોઇને થશે નહીં. સાસુનો પ્રશ્ન છે તો આ દરેક ઘરની કથા છે. ભાગ્યે જ એવું ઘર મળશે જયા સાસુ-વહુ સંપથી રહેતા હશે. આથી આમા દુઃખી થવાની જરૂર નથી. આ સાથે તમારે સમાધાન કર્યે જ છૂટકો છે. તમારા પતિ તેમના એકના એક પુત્ર છે આથી સાસુ-સસરા સાથે રહેવા સિવાય બીજો વિકલ્પ જ નથી.
મને બ્લડ પ્રેશરની સમસ્યા છે. આ કારણે હું ઘણી પરેશાન છું. બ્લડ પ્રેશર ઘટાડવા કે વધારવા કઇ દવા લેવી એ જણાવવા વિનંતી.
એક ભાઇ (સુરત)
* ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દેવામાં ભલાઇ છે. આમા ઊંટ વૈદુ કે કોઇની સલાહ માનીને ચાલવામાં જોખમ રહેલું છે. અને આમ પણ બ્લડ પ્રેશરની દવા ઘણા પ્રકારની હોય છે આથી ડૉક્ટરની સલાહ આવશ્યક છે. દવા ઉપરાંત યોગ્ય આહાર દ્વારા પણ બ્લડ પ્રેશર કાબુમાં રહે છે. તમારે નિયમિત રૂપે બ્લડ પ્રેશર ચેક કરાવવાની જરૂર છે.
હું માસિકમાં બેસું છું એના દસ-પંદર દિવસ પહેલા મને સ્તનમાં દુઃખાવો થાય છે જે માસિક પૂરું થતા જ બંધ થઇ જાય છે. આમ કેમ થાય છે. લગ્ન પછી મેં એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું હતું એ પછી મારું માસિક અનિયમિત થઇ ગયું છે. બે માસિક વચ્ચેનો ગાળો બે મહિનાનો થઇ ગયો છે. શું હું માતા બની શકીશ? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (મહેમદાવાદ)
* માસિક આવતા પૂર્વે સ્તનમાં દુઃખાવો થવાની ફરિયાદ ઘણી મહિલાઓને રહે છે. હાર્મોન્સમાં થતા ઘટાડા-વધારાને કારણે આમ થઇ શકે છે. આ કોઇ બીમારી નથી અને આને કારણે તમને ગર્ભવતી બનવામાં પણ વાંધો આવે તેમ નથી. પરંતુ તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટની સલાહ લો તો સારું.
મને એક યુવતી સાથે પ્રેમ છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. તે સારું ભણેલી છે અને તેને કારકિર્દી બનાવવી છે જ્યારે મારી ઇચ્છા તે નોકરી કરવાને બદલે ઘર સંભાળે એવી છે. તો મારે શું કરવું?
એક યુવક (મુંબઇ)
* લગ્ન પૂર્વે તમારે આ મુદ્દો સૂલઝાવવાની જરૂર છે. આજે પતિ-પત્ની બંને નોકરી કરે છે અને નોકરી સાથે ઘર સંભાળતી મહિલાઓ પણ ઘણી મળી આવશે. નોકરી કરતી સ્ત્રી ઘરની સંભાળ રાખી શકતી નથી એ એક ભ્રમ છે. સંતાનના જન્મ પછી તમે સાથે બેસીને કોઇ નિર્ણય લઇ શકો છો. પણ ત્યાં સુધી એ નોકરી ચાલુ રાખે એમા તમને કોઇ વાંધો હોવો જોઇએ નહીં. અને આમ છતાં પણ તમે ઇચ્છતા હો કે તે નોકરી ન કરે તો લગ્ન પૂર્વે ચોખવટ કરી લો. અને સમાધાન ન થાય તો પછી તમારે એ યુવતી સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળવો પડશે.
- નયના