સહિયર સમીક્ષા .
- મારાથી બમણી ઉંમરના બે સંતાનના પિતા એવા એક પુરુષ સાથે મને પ્રેમ છે. તેમના સંતાનો મારી ઉંમરના છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ છે.
* હું ૨૮ વર્ષની છું. મારાથી બમણી ઉંમરના બે સંતાનના પિતા એવા એક પુરુષ સાથે મને પ્રેમ છે. તેમના સંતાનો મારી ઉંમરના છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તેમના પરિવારજનોને અમારા પર શક છે. હું પણ પરિણિત છું. મને એક પુત્રી છે. મારા પતિથી હું અલગ રહું છું. મારે શું કરવું તે જણાવશો.
એક મહિલા (વડોદરા)
* તમારે શું કરવું છે એ તમારે જ નક્કી કરવાનું છે. આ પુરુષ સાથે તમારું કોઇ ભવિષ્ય નથી. તેના સુખી સંસારમાં આગ ચાંપવાનું કામ કરો નહીં. આ પુરુષ તમારા પિતાની ઉંમર જેવડા છે. કાલ ઉઠીને તેમના સંતાનોના લગ્નનો પ્રશ્ન આવશે ત્યારે તમારા આ સંબંધને કારણે તેમને મુશ્કેલી નડવાની શક્યતા છે. આ પ્રકારના સંબંધો લાંબા સમય સુધી છૂપા રહી શકતા નથી. તમને લાગતું હશે કે આસપાસના લોકો મુરખા છે તેઓ જાણતા નથી. પણ આ તમારો ભ્રમ છે. મને ખાતરી છે કે તેમના પરિવાર ઉપરાંત પણ ઘણા લોકો તમારા આ સંબંધ વિશે જાણતા હશે. પતિ સાથે છૂટાછેડા લીધા હોય તો કોઇ સારું પાત્ર જોઇ પરણી જાવ. આમ-તેમ હાથ મારવા કરતા એક પાત્ર સાથે જીવન માણવામાં જ તમારી ભલાઇ છે એ સમજી ન શકો એવા તમે મુરખ નથી એમ ધારી લઉં છું.
* મારા લગ્નનો ત્રણ વરસ થયા છે. મારે એક પુત્ર છે. મારી પત્ની અમારા પરિવારમાં એડજસ્ટ થઇ શકતી નથી. તેને વાતે વાતે ગુસ્સો આવે છે. મારા મમ્મી-પપ્પાને પણ સામો જવાબ આપે છે. તેની મમ્મી અમારા ઘરમાં ઘણી દખલ કરે છે. અને તેને ચઢાવ્યા કરે છે. મારે શું કરવું એની સમજ પડતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક ભાઇ (અમદાવાદ)
* લગ્ન પછી નવા વાતાવરણમાં ગોઠવાતા વાર લાગે છે. લગ્ન પછી એક યુવતી ઘણી અપેક્ષાઓ સાથે સાસરે આવે છે એ અપેક્ષાઓ પૂરી ન થતા તે ઘૂંધવાઇ જાય છે. અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે ગુસ્સો આવે છે. પરંતુ વાસ્તવિકતા સપનામાં જોયેલા જીવન કરતા ઘણી અલગ છે. એ વાત તમારી પત્નીએ સમજવાની જરૂર છે. લગ્ન પછી પિયરિયાની દખલ સંસારને કડવો બનાવે છે. પુત્રીના લગ્ન પછી માતા-પિતાએ સમજીને તેના જીવનમાં દખલ કરવી જોઇએ નહીં. તમારી પત્ની હાથે કરીને તેનો સુખી સંસાર નરક જેવો બનાવી રહી છે. તમે તેને સમજાવો. તેને પૂરતો પ્રેમ આપો અને તેના મનને જીતવાનો પ્રયાસ કરો. તો કદાચ પરિસ્થિતિ સુધરી જશે.
* હું ૩૫ વર્ષની પરિણિત મહિલા છું. મારા પતિની એક આદતથી હું પરેશાન છું. તેઓ ઑફિસથી આવ્યા પછી તેમણે પહેરેલાં કપડા અલગ સ્થાન પર મૂકે છે. આ કપડા પેન, ચશ્મા, ગાડી રોજ જ ધૂએ છે અને કલાકો સુધી સ્નાન કરે છે. રસ્તામાં કોઇને અડી જવાય તો તે ઘણા પરેશાન થઇ જાય છે. હું પણ તેમના સામનને અડકું તો તે મારી પાસે ત્રણ-ચાર વાર સાબુથી ધોવડાવે છે. આ સમસ્યા દૂર કરવાનો કોઇ ઉપાય દેખાડવા વિનંતી.
એક મહિલા (નડિયાદ)
* આ એક માનસિક બીમારી છે. તમારા પતિ કોઇ વહેમનો શિકાર બની ગયા છે. તબીબી ભાષામાં આ બીમારીને ઓબ્સેસિવ કમ્પલશન કહે છે. તેમણે કોઇ મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે. આ રોગ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પૂર્વે જ ડૉક્ટરની સલાહ લઇ ઉપચાર શરૂ કરો.
* હું ૩૪ વર્ષનો છું. મને બે સંતાન છે. પરંતુ હું શીઘ્ર પતનથી પીડાઉં છું. આ કારણે મારી પત્ની ચીડચીડી બની ગઇ છે અને ઘરનું વાતાવરણ બગડી ગયું છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક ભાઇ (સુરત)
* શીઘ્ર પતન પાછળ ઘણા કારણો કામ કરે છે. આ કારણ જાણવાનો પ્રયાસ કરો. આમા ચિંતા કરવાની જરૂર નથી. કોઇ સારા સેક્સોલોજીસ્ટની સલાહ લો. યોગ્ય ઉપચારથી તમને તમારી આ સમસ્યાનું નિદાન મળી જશે. આ બીમારી સામાન્ય છે. સમાગમ પૂર્વે માનસિક તાણ ન અનુભવો. આ પરિસ્થિતિમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા કામ આપી શકે છે. આ તકલીફથી પીડાતા લોકોએ સૌ પ્રથમ પત્નીને સંતોષ આપી દેવાની સલાહ ઋષિ વાત્સાયને આપી છે. અગત્યની વસ્તુ સંતોષ છે સંભોગ નહીં.
* આવતે મહિને મારા લગ્ન છે. લગ્ન પછી બે વર્ષ સુધી અમારે સંતાન જોઇતું નથી. શું કોન્ડોમ સંપૂર્ણ સુરક્ષિત સાધન છે?
એક યુવક (કચ્છ)
* કોઇ પણ ગર્ભનિરોધક સાધન સંપૂર્ણ સુરક્ષાની ગેરેન્ટી આપતું નથી. કોન્ડોમ સુરક્ષિત છે. પરંતુ ૧૦૦ ટકા નહીં. આનો વપરાશ કરતી વખતે કેટલીક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. કોન્ડોમ સારી કંપનીનું હોવું જોઈએ. વ્યવસ્થિત પહેરવું જોઈએ. તેમજ સંભોગ દરમિયાન તે ફાટી ન જાય. એનું ધ્યાન રાખવું જોઈએ. આ કાળજી રાખવાથી સુરક્ષાની સંભાવના વધી જશે. પરંતુ આ પૂર્વે તમારે તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
- નયના