- મારી 24 વર્ષની પુત્રી એક પરણેલા અને બાળબચ્ચાંવાળી વ્યક્તિને પ્રેમ કરે છે. હું અને મારો પુત્ર આ વાતથી દુ:ખી છીએ.
હું ૪૫ વર્ષની વિધવા છું.મારી મૂંઝવણ મારી દીકરીના કારણે છે. મારી ૨૪ વર્ષની પુત્રી એક પરણેલા અને બાળબચ્ચાંવાળી વ્યક્તિને પ્રેમ કરે છે. હું અને મારો પુત્ર આ વાતથી દુ:ખી છીએ. ઘણીવાર ઝઘડા થાય છે. હું રોજ તેને સમજાવું છું. એકથી એક દેખાવડા અને યોેગ્ય છોકરા તરફથી માંગા આવે છે, પરંતુ તે મક્કમ છે કે તે એ જ યુવાન સાથે લગ્ન કરશે. શું હું તેના વિરુધ્ધ કશું પગલું ભરી શકું?
એક સ્ત્રી-(અનાવલ)
* સૌ પહેલાં તો તમે તમારી પુત્રીને સમજાવો કે તે શા માટે બીજી સ્ત્રીનું ઘર ભાંગી રહી છે. જે વ્યક્તિ પોતાની પત્નીને દગો આપી શકે છે તે કાલે તેના તરફ વફાદાર રહેશે ખરો? તેના પ્રેમીને બોલાવીને ધમકાવી શકો છો કે તેણે તમારી પુત્રી સાથે લગ્ન કર્યા તો તમે તેની વિરુધ્ધ પગલાં ભરશો.
જો તમારી પુત્રી તમારી વાત નથી સમજતી અને લગ્ન માટે મક્કમ છે તો તેને કહો કે પહેલાં તો તેના પ્રેમીના છૂટાછેડા થઈ જવા દે. ત્યાર પછી લગ્ન કરે, નહીં તો તેનાં લગ્ન કાયદેસરનાં નહીં રહે. સારી વાત તો એ છે કે તે વ્યક્તિ તેની પત્નીને છૂટાછેડા નહીં જ આપે. જો છૂટાછેડા માટે તૈયાર પણ થશે તો છૂટાછેડા લેવાની વિધિ એટલી લાંબી હોય છે કે તે પૂરી થતાં સુધીમાં તમારી પુત્રી પરનું પ્રેમનું ભૂત કદાચ ઊતરી જશે.
પ્રશ્ન : હું ૪૯ વર્ષની મહિલા છું. છેલ્લાં ૪ વર્ષથી મને માસિક બંધ થઈ ગયું છે. અમે આ ઉંમરમાં કોઈ સમસ્યામાંથી પસાર થવા ઈચ્છતા નથી. ગર્ભ ન રહે તે માટે મારા પતિ કોન્ડોમનો સતત ઉપયોગ કરે છે. મારે આ સાવચેતી ક્યાં સુધી રાખવાની જરૂર છે?
એક મહિલા (મુંબઈ)
ઉત્તર : જો રજોવૃત્તિની ઉંમરે પહોંચેલી કોઈ મહિલાને સતત ૨ વર્ષ સુધી માસિક ન આવે તો એ માની શકાય કે તેના અંડાશયમાં અંડકોષ બનવાની પ્રક્રિયા પર પૂર્ણ વિરામ લાગી ગયું છે અને તેની ગર્ભધારણ કરવાની ક્ષમતા નથી રહી. હવે તેણે ગર્ભ ન રહે તે માટે કોઈ ગર્ભનિરોધકની જરૂર નથી. તે માટે કોઈ પ્રકારનો ટેસ્ટ કરાવવાની જરૂર નથી. હવે તમે બંને નિશ્ચિંત થઈને સેક્સનું સુખ માણી શકો છો.
પ્રશ્ન : મારા પતિ છેલ્લા કેટલાક વર્ષોથી ગાઉટનો (સંધિવા) રોગ છે. જે નિયમિત એલોપેથિક દવા લે છે. તેનાથી રોગ નિયંત્રણમાં છે. આ રોગ કેમ થાય છે? જણાવવાની વિનંતી. એવો કોઈ ઈલાજ નથી, જેનાથી આ રોગ જડમૂળથી દૂર થાય? તેમણે ખાવા-પીવામાં કોઈ પ્રકારની પરેજી પાળવી જોઈએ?
એક મહિલા (રાજકોટ)
ઉત્તર : ગાઉટ એક મેટાબોલિક રોગ છે. તે શરીરમાં યૂરિક એસિડ વધવાથી થાય છે. શરીરમાં જોવા મળતું લગભગ બે તૃતિયાંશ યૂરિક એસિડ આપણા શરીરમાં કુદરતી રીતે બને છે. આપણા શરીરમાં હંમેશાં તૂટફૂટ અને મરામતનું કામ ચાલતું રહે છે. જૂના કોષ નાશ પામતા રહે છે, નવા કોષ બનતા રહે છે. આ ક્રિયાઓમાં અનેક જૈવિક રસાયણ પણ બને છે. યૂરિક એસિડ તેમાંનું એક છે. આ પ્રમાણે શરીરમાં એમોનિયાના રાસાયણિક ચક્રમાં પણ યૂરિક એસિડ બને છે. કેટલાક ખાદ્યપદાર્થોના વિઘટનથી પણ શરીરમાં યૂરિક એસિડ બને છે. તે લોહીમાં રહેતા યૂરિક એસિડના કુલ ૧૦ ટકા હોય છે.
સામાન્ય રીતે યૂરિક એસિડના સ્તર પર આપણી શારીરિક પ્રક્રિયા અંકુશ રાખે છે. કિડની યૂરિક એસિડને અલગ કરીને મૂત્રમાર્ગે શરીરમાંથી બહાર કાઢે છે. પરંતુ કેટલાક લોકોમાં આ સમતોલન ખોરવાઈ જાય છે ત્યારે કિડની યૂરિક એસિડનો નિકાલ નથી કરી શકતા અથવા શરીરમાં યૂરિક એસિડનું ઉત્પાદન વધી જાય છે. તેનાથી જ ગાઉટ થાય છે. એલોપથી જ નહીં અન્ય કોઈ પણ સારવાર પદ્ધતિમાં ગાઉટને જડમૂળમાંથી દૂર કરવો અત્યાર સુધી શક્ય બન્યું નથી. હા, દવાઓથી રોગ પર અંકુશ ચોક્કસ મૂકી શકાય છે. જો કેટલીક દવાઓ નિયમિત લેવામાં આવે તો તે યૂરિક એસિડ બનવાની જૈવિક ક્રિયાને વચ્ચે જ અટકાવી દે છે અથવા તો કિડનીમાંથી યૂરિક એસિડનો નિકાલ વધારી દે છે. આ દવાઓ આજીવન લેવી પડે છે. જીવનશૈલીમાં પણ થોડું પરિવર્તન લાવવાથી લાભ મળે છે. કેટલાક ખાદ્ય અને પીણા યૂરિક એસિડમાં વૃદ્ધિ કરે છે. જેમ કે, દારૂ, માંસ, વાલોળ, વટાણાં, ફ્લાવર, પાલક, મશરૂમ, મસૂરની દાળ, ચોલાફળી, રાજમા, ચણા અને આખી દાળ આ બધા ખાદ્યપદાર્થ ને ટાળો. પુષ્કળ પાણી અને અન્ય પીણા પીવા પણ ગુણકારી છે. જેથી કિડનીને પેશાબ સાથે યૂરિક એસિડનો નિકાલ કરવામાં સરળતા રહે છે.
જો વજન વધારે હોય તો તેને ઘટાડવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. વ્રત ઉપવાસ વધારે શારીરિક મહેનત અને યૂરિક એસિડમાં વધારે દવાઓ લેવાનું ટાળવું જોઈએ. ટાઈટ જૂતા પહેરવાથી પણ ગાઉટનો સોજો વધે છે.
- નયના


