- મારો એક બોયફ્રેન્ડ છે. જેને હું છેલ્લાં ૬ વર્ષથી પ્રેમ કરું છું. તે મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. સમસ્યા એ છે કે છોકરો નેપાળી છે
હું ૨૬ વર્ષની યુવતી છું. મને અત્યાર સુધી અનેક છોકરા જોવા માટે આવી ચૂક્યા છે, પરંતુ બધા મને નાપસંદ કરી ચૂક્યા છે. આથી હું ઘણી ચિંતિત થઈ ગઈ છું. વારંવાર મારું પ્રદર્શન થતું હોવાથી અને પછી છોકરાપક્ષની ના સાંભળીને હું ખૂબ જ દુ:ખી થઈ જાઉં છું. હવે તો હું સતત તાણ અનુભવવા લાગી છું, પરંતુ ઘરના લોકો મારી મનોદશાને નથી સમજતા.
આ પ્રકારની ઉદાસીનતા વચ્ચે જીવિત રહેવાનું એક કારણ મારો બોયફ્રેન્ડ પણ છે. જેને હું છેલ્લાં ૬ વર્ષથી પ્રેમ કરું છું. તે મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. તે સારી કંપનીમાં એકાઉન્ટન્ટ છે. તેનાં માતાપિતા નથી. એક બહેન છે, જે કોલેજમાં અભ્યાસ કરે છે. સમસ્યા એ છે કે છોકરો નેપાળી છે , અમારા પ્રેમસંબંધ વિશે મારી બહેન જાણે છે અને તે પણ ઈચ્છે છે કે અમે લગ્ન કરી લઈએ. જણાવો હું શું કરું?
એક યુવતી (રાજકોટ)
* તમે તમારા બોયફ્રેન્ડને લાંબા સમયથી ઓળખો છો અને જો તમને લાગતું હોય કે લગ્ન બાબતે તે ગંભીર છે તો તમારે ઘરના લોકોને આ વિશે જણાવવું જોઈએ. જો તમને સંકોચ થતો હોય તો તમારી બહેન ઘરમાં કહી શકે છે. છોકરો નેપાળી છે તે વાતનું ખાસ મહત્ત્વ નથી. આજકાલ તો આ પ્રકારનાં લગ્ન સામાન્ય છે. તમારી ઉંમર લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે, તેથી વધારે વિચાર કરવાની જરૂર નથી.
સ્કિન ઓઈલી છે. મારે ક્રીમનું કોલોજન સીરમમાંથી કોનો ડેઈલી ઉપયોગ કરવો જોઈએ?
એક યુવતી (સુરત)
સીરમ સ્કિનને રિપેર કરનાર તત્ત્વ કોન્સંટ્રેટેડ ફોર્મમાં હોય છે, જેથી તેનો ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને વધારે અસરકારક હોય છે, જ્યારે ક્રીમ માઈલ્ડ હોય છે. તેથી સીરમ ક્રીમથી વધારે સારું રહે છે. તમારી સ્કિનને ડીપલી નરિશ કરવા માટે રોજ સવારે ફેસ ક્લીન અથવા શક્ય હોય તો લાઈટ સ્ક્રબ કરીને કોલોજન સીરમનો ઉપયોગ કરો. તેનો ડેલી ઉપયોગ કરવાથી તમારી સ્કિનને રિપેર કરીને તેને પ્રોટેક્ટ અને હાઇડ્રેટ કરશે, સાથે એજિંગ સાયન્સને પણ દૂર કરશે. જ્યારે રાત્રે ઊંઘતા પહેલાં એએચ એટલે કે અલ્ફા હાઈડ્રોક્સી એસિડ સીરમ લગાવો. ડ્રાય સ્કિન માટે ક્રીમનો ઉપયોગ વધારે ઠીક છે.
હું લિપસ્ટેનિંગ વિશે જાણવા ઇચ્છુ છું. શું તે પરમેનન્ટ લિપસ્ટિકનું એક રૂપ છે?
એક યુવતી (વલસાડ)
લિપ્સને લાઈન ન આપીને તેને હળવો કલર આપવો જ લિપસ્ટેનિંગ કહેવાય છે. ભલે આ લુક બિલકુલ પરફેક્ટ નથી હોતો, પણ ફેસ પર ખૂબ જ સેક્સી દેખાય છે. લિપ્સને પરમેનન્ટ કલરફુલ બનાવી રાખવા માટે પરમેનન્ટ લિપસ્ટિક એક વરદાન છે. આ સ્થિતિમાં તમે નેચરલ શેડ્સ સાથે લિપસ્ટેનિંગ પણ કરાવી શકો છો.
એક વર્ષ પહેલાં મારા ફેસ પર ખૂબ જ પિંપલ્સ થયા હતા. હવે પિંપલ્સ તો દૂર થઈ ગયા, પણ તેના ધબ્બા રહી ગયા છે. તેનાથી છુટકારો મેળવવા શું કરું?
એક યુવતી (વાપી)
પિંપલ્સના ધબ્બાને જવામાં થોડો સમય થશે. તમે ઘરમાં જ આ ડાઘધબ્બાને ઘટાડવા માટે સ્ક્રબ બનાવી શકો છો. તે માટે મસૂરની દાળને ક્રશ કરો. પછી તેમાં મુલતાની માટી અને ફુદીનાનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ સ્ક્રબનો નિયમિત ઉપયોગ કરવાથી ડાઘધબ્બા ઓછા થશે.
આમ તો આ ડાઘધબ્બાથી છુટકારો મેળવવા માટે તમે કોઈ સારા કોસ્મેટિક ક્લિનિકમાં જઈને લેઝર થેરપિ કરાવી શકો છો. આ થેરપિમાં લેઝરના કિરણોથી સ્કિનને રોઝનરેટ કરીને નવો લુક આપવામાં આવે છે. ત્યાર પછી યંગ સ્કિન માસ્કથી સ્કિનને નિખારે છે. આ થેરપિ લગભગ ૩-૪ સિટિંગ્સમાં પૂરી થાય છે અને તેનાથી ડાઘધબ્બાને લગભગ ૭૫ ટકા સુધી દૂર કરી શકો છો.
મારો રંગ શ્યામ છે, જેથી હું ક્યાંક જવાઆવવામાં શરમ અનુભવું છું. મને રંગ સાફ કરવાની કોઈ રીત જણાવો?
એક મહિલા (મુંબઈ)
તમારા મનમાંથી આ વ્યથા કાઢી દો કે તમારો રંગ શ્યામ છે. તમારી અંદર કોન્ફિડન્સ લાવો. કુદરતી રંગને પૂરી રીતે સાફ ન કરી શકાય. હા, કેટલીક ટ્રીટમેન્ટ અને ઘરેલુ ઉપાયથી સ્કિન કલરને લાઈટ કરી શકો છો. તમે સારા કોસ્મેટિક ક્લિનિકમાં જઈને સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટ લો. તે ઉપરાંત ઘરેલુ ઉપાયમાં લેપ લગાવો. તે માટે ચોખાનો લોટ, ચણાનો લોટ અને મુલતાની માટી સમાન પ્રમાણમાં લો. હવે તેમાં ચપટી હળદર અને કાચા પપૈયાનો ગર મિક્સ કરીને ફેસ અને અન્ય ભાગ પર માલિશ કરો. કાચા પપૈયામાં પેપેન નામનું એંજાઈમ હોય છે, જે રંગને સાફ કરે છે. ૧ મહિના સુધી દરરોજ ૧ ગ્લાસ ઓરેન્જ જ્યૂસ પીઓ. તેનાથી પણ રંગમાં નિખાર આવે છે.
- નયના


