- મારા ભાવિ પતિ વકીલ છે, પરંતુ એરફોેર્સમાં કામ કરતાં એક યુવક સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા છે, પરંતુ તેના ઘરના લોકો અમારા સંબંધનો વિરોધ કરે છે
હું ૩૦ વર્ષની યુવતી છું. લગ્નને ત્રણ વર્ષ થયાં છે. એક વર્ષનો પુત્ર પણ છે. જ્યારથી પુત્રનો જન્મ થયો છે ત્યારથી મારા પતિ મારા પર નારાજ રહેવા લાગ્યા છે. કહે છે કે હું તેને સમય આપતી નથી. હંમેશાં લડવાના મૂડમાં હોય છે. એક દિવસ ઝઘડો એટલો વધી ગયો કે મારા પર હાથ ઉપાડયો. આ વાતની જાણ મારાં મા-બાપને થઈ ત્યારે તેમણે મારા પતિને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે વાત ટાળી દીધી. ત્યારથી અમારી વચ્ચે અબોલા ચાલે છે. આવું ક્યાં સુધી ચાલશે? મન તો થાય છે કે આત્મહત્યા કરી લઉં. પણ મારા બાળકનું પછી શું થાય?
એક સ્ત્રી(નાસિક)
* તમારું બાળક નાનું છે. તમે તેના ઉછેરમાં વધુ પડતાં વ્યસ્ત થઈ ગયાં હો તેવું લાગે છે. એટલે તમારા પતિ ઉપેક્ષિત થયો હોય તેવું બને. ઝઘડાનું મુખ્ય કારણ આ જ છે. બાળકની અને તમારી દિનચર્યા એવી બનાવો કે રાત્રે પતિને તમે પૂરો સમય આપી શકો. તેમને પણ એવું લાગવું જોઈએ નહીં કે તમે તેના તરફ નજર સરખી કરતા નથી.
અંદરના ઝઘડાની વાત મા-બાપોને કરવી જોઈએ નહીં. પતિને આ વાતથી ખોટું લાગ્યું છે. જો તમારી સાથે વાત નથી કરતા તો તમે જાતે તેની સાથે વાત કરવા લાગો. ઘણીવાર દૂર રહેવાથી સંબંધોમાં મધુરતા રહે છે.
મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારા પતિની ઊંચાઈ મારા કરતાં થોડી ઓછી છે. આથી અમારી જોડી જામતી નથી. શું અમારી સમસ્યાનું કોઈ સમાધાન છે?
એક મહિલા (અમદાવાદ)
* તમારા પતિની ઊંચાઈ ઓછી હોવાથી તે વસ્ત્રો બહુ ઢીલા ન પહેરે, તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. તેમણે બૂટ પણ એવા પહેરવા, જેનાથી ઊંચાઈ થોડી વધારે દેખાય. તેમના વાળ પણ ત્વચાથી થોડા ઊંચા અને 'સ્ટેપ્સ'માં કપાવવા, માથા સાથે ચોંટેલા કે સીધા વાળ ન ઓળવા. સીધી ઊભી લાઈનિંગવાળા કપડાં પહેરવાથી ઊંચાઈ વધારે લાગશે.
તમે પણ તમારા વ્યક્તિત્વ પર ધ્યાન આપો. તમે વધારે ચૂસ્ત વસ્ત્રો ન પહેરો. હિલ વિનાની બેલી કે ચંપલ પહેરો. હેરસ્ટાઈલ બહુ ઊંચી ન બનાવશો. જો તમારા બંને વચ્ચેની ઊંચાઈમાં વધારે ફરક નહીં હોય, તો આ પ્રમાણે કરવાથી સમસ્યા ઊકલી જશે.
હું ૨૫ વર્ષની પરિણીતા છું. આજકાલ વાળનો ફેન્સી ગોળ રબ્બરબૅન્ડથી અંબોડો વાળવામાં આવે છે. હું તેના વિશે જાણવા માંગું છું. રબ્બરથી અંબોડો વાળવાથી ધીમે ધીમે વાળ નીકળવા લાગે છે. હું શું કરું?
એક મહિલા (રાજકોટ)
* સામાન્ય રીતે વિવિધ ફેન્સી રબ્બરબૅન્ડથી અંબોડો બહું સહેલાઈથી વળે છે. પરંતુ કાપેલા વાળ હોય તો અંબોડો વાળવાથી ટૂંકા વાળ અંબોડામાંથી બહાર નીકળી જાય છે. તે માટે તમે કાપેલા વાળને બૉબ પિનથી સેટ કરીને અંબોડો વાળો. અંબોડાની નીચેથી જ્યાં વાળ નીકળી જવાની સંભાવના હોય, ત્યાં ૧૨ અંબોડા માટેની પીન ભરાવી દો. તે પછી માત્ર શોભા વધારવા જ ફેન્સી રબ્બર ભરાવો. જો અંબોડો એકદમ નાનો લાગતો હોય, તો એક સાથે બે-ત્રણ રબ્બર ભરાવો. આ રબ્બર તમે એક જ રંગના અથવા પોશાક સાથે મેળ ખાતા કોન્ટ્રાસ્ટ રંગના ભરાવો, તો પણ ચાલે.
હું ૨૨ વર્ષની યુવતી છું, મારી સગાઈ થઈ ગઈ છે. મારા ભાવિ પતિ વકીલ છે, પરંતુ એરફોેર્સમાં કામ કરતાં એક યુવક સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા છે, પરંતુ તેના ઘરના લોકો અમારા સંબંધનો વિરોધ કરે છે તેથી અમારાં લગ્ન થઈ શકે તેમ નથી.
હું મુંઝાઈ ગઈ છું. મારે શું કરવું જોઈએ? જેની સાથે મારા લગ્ન થવાના છે તેના માટે મારા મનમાં સહેજ પણ ઉત્સાહ નથી. શું તેની સાથે લગ્ન કર્યા પછી હું સુખી થઈ શકીશ? મારે માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરવાં જોઈએ ખરાં? મને યોગ્ય માર્ગદર્શન આપશો.
- એક યુવતી (અમરેલી)
* તમને વાસ્તવિકતાની જાણ છે. તમે એ પણ જાણો છો કે મનપસંદ યુવક સાથે તમારાં લગ્ન થઈ શકે તેમ નથી તેમ છતાં તમે વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીને ઝાંઝવાના જળની પાછળ ભટકી રહ્યા છો. તેનાથી તમને કંઈ મળવાનું નથી. તેથી માતાપિતાએ નક્કી કરેલા સંબંધને તમારે અંતરમનથી સ્વીકારી લેવો જોઈએ કારણ કે તમારા માટે પસંદગીને કોઈ અવકાશ જ નથી. તમારા મનમાં કોઈ પૂર્વગ્રહ નહીં રાખો, તો તમને તમારા ભાવિ પતિ જરૂર સારા લાગશે.
- નયના


