સહિયર સમીક્ષા .
- હું 20 વરસની છું. મારાથી છ વરસ મોટા છોકરા સાથે મને પ્રેમ છે. પરંતુ હું એને મારા મનની વાત કહી શકતી નથી.
મારી પુત્રી ત્રણ વરસની છે. તે મારા વગર એક ક્ષણ પણ રહેતી નથી. આખો દિવસ મારી પાછળ-પાછળ જ ફર્યાં કરે છે. બહાર જતી વખતે હું તેને સાથે લઈ જાઉં નહીં તો તે ઘણી જીદ કરે છે. અને રડે છે. તેની આ આદત છોડાવવા માટે શું કરવું એનું માર્ગદર્શન આપવા વિનંતી.
એક બહેન (પાલનપૂર)
આ ઉંમરના બાળકોને બહાર ફરવાની અને નવી-નવી વસ્તુઓ જોવાની મઝા આવે છે. આ કારણે બાળકોને કોઈ પણ મોટા વ્યક્તિનો સાથે જોઈએ છે. કદાચ તમારો પરિવાર નાનો છે અને તમે ઘરગૃહિણી હશો આ કારણે તમારી પુત્રી તમારા પર વધુ નિર્ભર છે. તમારા ઘરના બીજા સભ્યો હોય તો તેની સાથે તેને હળવા-ભળવા દો. તેને વઢો નહીં કારણ કે, આ કારણે તેના સ્વાભાવિક વિકાસ પર અસર પડી શકે છે. તમારી સમસ્યા ગંભીર નથી. તમારી પુત્રી સ્કૂલમાં જવા માંડશે પછી ધીરે ધીરે આ સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.
હું ૨૭ વરસનો છું અને મારી જ ઉંમરની એક યુવતી સાથે મને પ્રેમ છે. અમે મધ્યમ વર્ગના છીએ. શરૂઆતમાં તેની મમ્મી આ સંબંધની વિરુદ્ધ હતી. પરંતુ પાછળથી મારી પ્રેમિકાએ તેને સમજાવતા તે માની ગઈ હતી. આ પછી મારા પરિવારના વિરોધને કારણે મેં તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. આ કારણે આ છોકરી ડિપ્રેશનમાં આવી ગઈ છે અને મારી પણ આ જ હાલત છે. તે હવે કોઈ સાથે લગ્ન કરવા તૈયાર થતી નથી. મારે શું કરવું તે સમજાવવા વિનંતી.
એક ભાઈ (નડિયાદ)
શું કરવું એનો નિર્ણય તમારે જ લેવો પડશે. તમે પગભર હો અને પરિવારનું ભરણપોષણ કરવા સમર્થ હો તો તમે લગ્ન કરી શકો છો. લગ્ન કરતા પૂર્વે આ સાથે આવતી જવાબદારી ઉપાડવાની તૈયારી હોવી જોઈએ. અને તમારો પરિવાર તમને ઇમોશનલી બ્લેકમેઈલ કરે એ યોગ્ય નથી. તમારી જિંદગી તમારી રીતે જીવવાનો તમને અધિકાર છે. મારે કોઈ વડીલની સલાહ લઈ તમારા માતા-પિતાને મનાવો. તમે મક્કમ હશો તો તેઓ જરૂર આ લગ્ન માટે રાજી થશે.
હું ૩૦ વરસની નોકરિયાત મહિલા છું. મારા એક સહ કર્મચારીએ મારી સાથે લગ્ન કરવાની માગણી કરી હતી. પરંતુ મારી સમસ્યા એ છે કે મને મેનોપોઝ આવી ગયું છે. તો શું હું હોર્મોન થેરપી લઈ શકું છું?
એક બહેન (ગુજરાત)
૩૦ વરસની વયે મેનોપોઝ આવે એ વાત ગળે ઉતરે તેવી નથી. શું તમે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પાસે તમારી તબીબી તપાસ કરાવી છે. તમારે કોઈ પ્રતિષ્ઠિત ગાયનેકોલોજીસ્ટ પાસે તમારો સંપૂર્ણ ચેકઅપ કરાવવાની જરૂર છે. હું ડૉકટર નહોવાથી આ બાબતે સલાહ આપી શકું તેમ નથી. પરંતુ મને લાગે છે કે યોગ્ય સારવારથી પરિસ્થિતિમાં ફેર પડી શકે છે. લગ્નની વાત છે તો તમારે એ પુરુષને વિશ્વાસમાં લઈ આ વાત જણાવવી જોઈએ. આ પૂર્વે તમે તમારી તબીબી તપાસ કરાવી લો.
મારી પ્રેમિકા મારા કરતા વધુ હોંશિયાર છે. શું આ વાત અમારા પ્રેમ આડે આવી શકે છે. હું સાધારણ કરતા પણ વધુ બુદ્ધિશાળી છું એ વાતનો મને પૂરેપૂરો વિશ્વાસ છે, પરંતુ આ બાબતે મારે તમારી સલાહ જોઈએ છે.
એક યુવક (મુંબઈ)
બુદ્ધિમત્તાનો આંક માપવાની પદ્ધતિ ઘણી છે અને શિક્ષણ અમાની એક છે. વ્યક્તિત્વ મેચ્યોરિટી જેવી ઘણી બાબતો એક વ્યક્તિને સંપૂર્ણ બનાવવા જરૂરી છે. હજુ સુધી તમે કોલેજમાં ભણો છો આથી તમને આવા વિચારો આવે છે.
બહારની દુનિયામાં ભણતર કરતા ગણતર મહત્ત્વનું સાબિત થાય છે. આથી મારી સલાહ એ છે કે એ છોકરીનો રિઝવવાનો પ્રયાસ કરો અને પ્રેમની વચ્ચે માર્કશીટ આડું આવવા દો નહીં. પ્રેમ આ બધાથી પર છે. પ્રેમના માર્ગમાં ભણતર આડું આવી શકતું નથી. પરંતુ હા, ભવિષ્યમાં તમારે સારું કમાવાની અને એ છોકરીને સુખી રાખવાની જવાબદારી પાર પાડવી પડશે એની તૈયારી રાખો.
હું ૨૦ વરસની છું. મારાથી છ વરસ મોટા છોકરા સાથે મને પ્રેમ છે. પરંતુ હું એને મારા મનની વાત કહી શકતી નથી. કારણ કે તે શ્રીમંત છે અને હું મધ્યમ વર્ગની છું. આથી તેને પામવો એ મારે માટે એક સપના સમાન જ છે. આની અસર મારા અભ્યાસ પર પણ પડે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (મુંબઈ)
તમારી ઉંમરમાં આવી લાગણી થવી એ સ્વાભાવિક છે. પરંતુ હમણા તમારે આ બધુ છોડીને તમારા અભ્યાસમાં જ ધ્યાન પરોવવું જોઈએ. પ્રેમમાં પડનારી વ્યક્તિ માટે આ સલાહનું પાલન કરવાનું કામ મુશ્કેલ છે એ હું જાણું છું પરંતુ તમારે મન મક્કમ કરવું જ પડશે. તેને ભૂલીને અભ્યાસમાં ધ્યાન પરોવો. આ એક ક્ષણિક આવેગ હોઈ શકે છે. આ ઉપરાંત તેને તમારામાં રસ છે કે નહીં એ પણ તમે જાણતા નથી. આથી આગળ વધીને નિરાશ થવાને બદલે અત્યારથી જ વ્યવહારું બનવામાં જ ભલાઈ છે.
- નયના