સહિયર સમીક્ષા .
અમારી જ્ઞાતિના એક યુવક સાથે મને પ્રેમ છે, પરંતુ અમારો પરિવાર અમારાં લગ્ન માટે રાજી નથી. મારા ઘરમાં આ વાત ખબર પડતાં જ તેઓ મને ઘરની બહાર નીકળવા દેતા નથી.
* હું ૩૩ વર્ષની મહિલા છું. છેલ્લાં પંદર વર્ષથી એક સુંદર સહેલીને પ્રેમ કરું છું. અમારે બંનેને બે-બે બાળકો છે. અમારા પતિને પણ અમારી મિત્રતા સામે કોઈ વાંધો નથી. અમે બંને જ્યારે સાથે હોઈએ છીએ ત્યારે સૌથી વધુ સુખની અનુભૂતિ થાય છે અને અમને પતિ, બાળકો, ઘર વિશેની કોઈ ચિંતા નથી થતી. એકબીજા સાથે વધુ ને વધુ રહેવાની ઇચ્છા થાય છે. બધું છોડીને સાથે રહેવાનું મન થાય છે, પરંતુ આવું શક્ય છે ખરું?
એક મહિલા (મુંબઈ)
* તમે અને તમારી સહેલી સજાતીયતાનો ભોગ બન્યા છો તેથી તમારે સંયમપૂર્વક કામ લેવું જોઈએ. તમારી સામે તમારી અંગત ખુશી, સુખ સિવાય તમારા ઘરબાર, પતિ તથા બાળકોની જવાબદારી મહત્ત્વની છે, તેથી તમારી સહેલીમાંથી ધ્યાન ઓછું કરીને બીજાં કાર્યોમાં મન લગાડો. મન મજબૂત કરીને સખીને હળવામળવાનું ઓછું કરી નાખશો તો તેની તરફનું આકર્ષણ ઓછું થતું જશે.
* હું ૨૬ વર્ષની પરિણીતા છું. મારે બે દીકરી છે. મારા પતિ કંઈ કામધંધો કરતા નથી. મારા સસરાએ તેમના નામે બે લાખ રૂપિયા પેન્શન યોજના હેઠળ બેન્કમાં મૂક્યા છે. અમારી પાસે ખૂબ જમીન છે, પરંતુ પતિ ખેતી પણ કરતા નથી કે અન્ય કોઈ કામ પણ કરતા નથી. તેમને કામ કરવા માટે કહીએ છીએ તો તેમને ગુસ્સો પણ નથી આવતો કે બીજી અસર પણ થતી નથી. તો મારે શું કરવું જોઈએ?
એક યુવતી (હિંમત નગર)
* જો તમારી વાતની તમારા પતિ પર કોઈ અસર થતી ન હોય તો તમારે તમારા સસરા કે બીજા કોઈના દ્વારા તમારા પતિને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમને સમજાવો કે તેમની બે દીકરી મોટી થતી જાય છે. તેમના ઉછેર માટે તથા ભવિષ્યમાં તેમને પરણાવવા માટે તેમણે નાનુંમોટું કામ કરવું જોઈએ. બહાર ક્યાંય કામ ન કરવું હોય તો ખેતીવાડી પર યોગ્ય ધ્યાન આપવું જોઈએ.
* અમારે એક જ પુત્ર છે. તેનાં લગ્ન દસ વર્ષ પહેલાં કર્યાં હતાં. પુત્રવધૂ ખૂબ જ હસમુખી છે. તેને અમે ખૂબ લાડકોડમાં રાખી. ઘરમાં બે નોકરો રાખ્યા છે તેથી તેને કશું કામ નથી કરવું પડતું. દિકરો કામ પર જાય પછી તે કીટી પાર્ટી કે સખીઓ સાથે વ્યસ્ત રહે છે. મોટાભાગે દિકરો અને વહુ રાત્રે મોડાં પાછાં ફરતાં. બહાર જમીને આવતાં.
ત્યારબાદ ઘણીવાર દારૂ પીવાં લાગ્યાં. બંને જણાં સવારે નવ-દસ વાગે ઊઠે, પરંતુ અમે ક્યારેય કશી રોકટોક નથી કરી, પરંતુ હવે વહુનો સ્વભાવ બદલાઈ ગયો છે. પતિપત્ની વચ્ચે રોજ્ ઝઘડા થાય છે. તે વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપે છે. તેનાં માતાપિતાનું કહેવું છે કે તેને અમે લોકોએ જ માથે ચડાવી છે અને બગાડી છે. તેઓ હવે તેને સુધારી શકે તેમ નથી. વહુ તેના ઓળખીતાઓને કહે છે કે સાસુસસરા તો સારાં છે, જે કંઈ તકલીફ છે તે પતિને લીધે છે. ઘણીવાર તે પતિને જુદા થવાનું કહે છે ત્યારે તે પણ કહે છે કે તારે મારી સાથે બનતું નથી તો તું જુદી થઈને શું કરીશ? દીકરાવહુના રોજના ઝઘડા અમારાથી જોવાતા નથી. ઘરમાં સુખશાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ?
એક માતા (અમદાવાદ)
* તમારાં વેવાઈવેવાણની વાત એકદમ યોગ્ય છે. લાડકોડ કરવાં જોઈએ, પરંતુ એટલી બધી છૂટ ન આપવી જોઈએ કે વહુ તેની મર્યાદા ઓળંગી જાય. અતિશયતા હંમેશાં ખરાબ હોય છે જેનું પરિણામ તમે ભોગવી રહ્યાં છો. હજુ પણ મોડું નથી થયું. વહુદીકરાને તમે પ્રેમથી સમજાવો અને તેમની વચ્ચેના ઝઘડાનું કારણ શોધો અને તે દૂર કરવાનો પ્રયત્ન કરો. તેમના પર ઘરની નાનીમોટી જવાબદારી નાખી દો. ધીમે ધીમે સમસ્યાનું સમાધાન થઈ જશે.
હું ૧૮ વર્ષથી છું. અમારી જ્ઞાતિના એક યુવક સાથે મને પ્રેમ છે. પરંતુ અમારો પરિવાર અમારા લગ્ન માટે રાજી નથી. મારા ઘરમાં આ વાત ખબર પડતા જ તેઓ મને ઘરની બહાર નીકળવા દેતા નથી. આ યુવકે બધા સામે તે મને પ્રેમ કરતો હોવાનો એકરાર કર્યો હતો. અને મારી સાથે લગ્ન નહીં થાય તો તેણે આત્મહત્યા કરવાનું પણ કહ્યું હતું. તે જીવનભર મારો સાથ નિભાવશે એ હું કેવી રીતે જાણી શકું? શું અમારે ભાગીને લગ્ન કરવા જોઈએ?
એક યુવતી (ખંભાત)
* શું પ્રેમ અને લગ્ન જ તમારા જીવનનું ધ્યેય છે? તમારે આગળ ભણવું હોય તો હજુ ત્રણ-ચાર વર્ષ સુધી લગ્નથી દૂર રહો અને અભ્યાસમાં ધ્યાન આપો. એ યુવક તમને પ્રેમ કરતો હશે તો તે જરૂર તમારી રાહ જોશે અને આ પરથી તેના પ્રેમની કસોટી પણ થઈ જશે.
- નયના