- મારી એક પરિણીત સાહેલીએ મને ડરાવી છે. તે કહે છે કે તેના પતિ તો અઠવાડિયામાં માત્ર એક જ વાર સંબંધ બાંધે છે. વધુ સંબંધ બાંધવાથી જાતીય રોગ તથા ઘણીવાર એઈડ્સ પણ થાય છે.
હું ૨૬ વર્ષની પરિણીત સ્ત્રી છું. એક ખાનગી સંસ્થામાં કામ કરું છું. મારી સાથે કામ કરતા એક કર્મચારી સાથે મારે વધુ પડતી આત્મીયતા બંધાઈ ગઈ. તેની સાથે હું મારા સુખદુ:ખને શેર કરવા લાગી. એક દિવસ મારા પતિ સાથે મારે ઝઘડો થયો. છૂટાછેડા આપવા સુધીની વાત આવી. પછી અમારી વચ્ચે સમાધાન થઈ ગયું. મેં આ વાત મારા સહકર્મચારીને કહી. બે-ચાર દિવસ પછી દારૂ ઢીંચી તે અમારે ઘરે આવ્યો અને મારા પતિ સાથે ઘણું ખરાબ વર્તન કરી ભાંડવા લાગ્યો. વાત મારામારી સુધી પહોંચી. સોસાયટીના લોકોએ પણ સાંભળ્યું. સૌની સામે મારી આબરૂના ધજાગરા ઊડયા. બીજા દિવસે વારંવાર ફોન કરી પતિ પાસેથી માફી માંગવા લાગ્યો. હવે ઘરના લોકો ઈચ્છતા નથી કે હું ફરી એજ ઓફિસમાં કામ કરું. તો મારે શું કરવું જોઈએ?
એક યુવતી-(ભાવનગર)
* ઓફિસમાં સાથે કામ કરતા કર્મચારી અને તેમાં પણ પુરુષ સહકર્મચારી સાથે ઘરની વાતો કરવી જોઈએ નહીં, નહીં તો આ પ્રકારની વાત બને છે. હવે એ ઓફિસમાં જઈને તમે રાજીનામું આપી દો અને ભવિષ્યમાં બીજી જગ્યાએ કામ કરો ત્યારે તમારા વ્યવહારને સંયમિત રાખવાનું નક્કી કરી લો.
મારાં લગ્નને હજુ બે મહિના જ થયા છે. અમે બંને એકલાં જ રહીએ છીએ અને મોજમસ્તીથી જીવનનો આનંદ માણીએ છીએ. મારા પતિ રોજ (ક્યારેક દિવસમાં બે થી ત્રણવાર પણ) શારીરીક સંબંધ બાંધે છે. ખૂબ મજા આવે છે, પરંતુ મારી એક પરિણીત સાહેલીએ મને ડરાવી છે. તે કહે છે કે તેના પતિ તો અઠવાડિયામાં માત્ર એક જ વાર સંબંધ બાંધે છે. વધુ સંબંધ બાંધવાથી જાતીય રોગ તથા ઘણીવાર એઈડ્સ પણ થાય છે. એ પછી હું ડર અનુભવું છું. પતિને કહ્યું તો તે કહે છે કે તારી સાહેલી કશું જાણતી નથી. બકવાસ કરે છે. શું કરું? તમે માર્ગ બતાવો કે આ યોગ્ય છે? સાથે એ પણ કહો કે કેટલા દિવસ પછી શરીર સંબંધ બાંધવો જોઈએ?
એક યુવતી-(વાંસદા)
* તમે સાંભળેલી કે સંભળાયેલી વાત પર ધ્યાન ન આપો. લોકોને સેક્સ વિશેનું જ્ઞાાન અધકચરું હોય છે. આવું જ્ઞાાન તેઓ બધાંને વહેંચે છે. શરીર સંબંધ બાંધવાથી કશો રોગ થતો નથી. એઈડ્સની વાત છે તો બીજા સાથે કે વધુ વ્યક્તિઓ સાથે અસલામત સંબંધ બાંધવાથી થાય છે. એટલે તમે જીવનનો આનંદ લૂટો.
જ્યાં સુધી સંબંધ જે કેટલીવાર કરવાની વાત છે તો તેનો કોઈ નિયમ નથી. એ વ્યક્તિની ઈચ્છા અને ક્ષમતા પર આધાર રાખે છે.
હું ૪૦ વર્ષની પરિણીત સ્ત્રી છું. અમારે ત્રણ બાળકો છે. તેમ છતાં પતિને બહારનાં સંબંધો છે તે વાત મારી સામે આવી. તેણે સાફ ના કહી, પરંતુ ઘણા લડાઈઝઘડા અને મનામણાં પછી તેણે સંબંધ તોડવાની તૈયારી બતાવી, પરંતુ મને હજુ પણ લાગે છે કે તે ચોરીછૂપીથી મળવા જાય છે. એટલે અમારો ઝઘડો થતો રહે છે, પરંતુ શું કરું, મને સમજાતું નથી. લડયા પછી હું તેમને મનાવી લઉં છું. શું કશો ઉપાય છે, જેનાથી મારા પતિ એ છોકરીને ભૂલી જાય?
એક સ્ત્રી(અમદાવાદ)
* તમે તમારા પતિને સમજાવી શકો છો કે તમારાં ત્રણ સંતાનોને ઉછેરવાની જવાબદારી તેના પર છે. બાળકો માટે મા-બાપ આદર્શ હોય છે. એટલા માટે આપણે એવું કોઈપણ કામ ન કરવું જોઈએ, જેનાથી બાળકો પર ખરાબ અસર પડે. પરંતુ દરેક સમયે શંકા કરવી, ઉપદેશ આપવો, ઝઘડો કરવો તેનાથી પ્રશ્નનો ઉકેલ નહીં આવે. એટલા માટે શાંત રહો. જો તે કહે છે કે તેણે એ યુવતી સાથેનો સંબંધ તોડી કાઢેલો છે તો વિશ્વાસ કરવા સિવાય તમારી પાસે બીજો કશો માર્ગ નથી.
વહુને જ્યારે તેની સાસરીના લોકો ત્રાસ આપે છે ત્યારે તેની મદદ કાનુન કરે છે, પરંતુ જ્યારે વહુ દ્વારા સાસુ અને નણંદને ત્રાસ આપવામાં આવે છે ત્યારે તેનો ન્યાય કોણ કરશે? અમે અમારી વહુથી ખૂબ જ પરેશાન છીએ શું કરીએ?
એક સ્ત્રી(પૂના)
* તમે સ્પષ્ટ કશું લખ્યું નથી. જો તમે આર્થિક રીતે સક્ષમ હો, દીકરાવહુ પર આધારિત ન હો તો સારું એ રહેશે કે તમે જુદા થઈ જાઓ. જો ઘર તમારું હોય તો તમે તેમને તેમની અલગ વ્યવસ્થા કરી લેવાનું કહી દો.
- નયના


