Get The App

સહિયર સમીક્ષા .

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image

- હું 17 વરસની છું. મને 20 વરસના એક છોકરા સાથે પ્રેમ છે. અમારી જ્ઞાતિ અલગ હોવાથી બન્નેના ઘરમાંથી લગ્ન માટે મંજૂરી નથી

હું કિશોરવયના બે પુત્રોનો ૪૨ વર્ષનો પિતા છું. માતાપિતાના છૂટાછેડા બાદ દાદા-દાદીએ મને મોટો કર્યો. છૂટાછેડા બાદ માતા તેના પિયર ચાલી ગઈ. પિતાએ બહેનનાં લગ્ન કરીને બનેવીને ઘરજમાઈ બનાવી દીધા. આજે અમારા ઘર પર તેમનો કબજો છે અને અમે ભાડાના મકાનમાં રહીએ છીએ.

હું લગ્ન બાદ માતાને મારી પાસે લેતો આવ્યો છું. પરંતુ તે અમારી સાથે એડજસ્ટ થઈ શકી નહીં અને ફરી પિયર ચાલી ગઈ. આ વાતથી મારા પિતા મારાથી નારાજ છે. તેઓ કહે છે કે, હું તેમનો દીકરો નથી. બીજી તરફ માનો આરોપ છે કે હું મારા પિતા પર ગયો છું. આ રીતે બાળપણથી જ મા-બાપના પ્રેમથી વંચિત રહ્યો છું. આખરે આમાં મારો શો દોષ હતો?

એક ભાઈ (વડોદરા)

* પારસ્પરિક મતભેદોને લીધે માતા-પિતા અલગ થઈને પોતાની ઈચ્છાનુસાર જીવન જીવવા લાગ્યાં છે. પરંતુ બંનેના અલગ રહેવાને કારણે બાળકોને જ સૌથી વધુ નુકસાન ભોગવવું પડે છે. બાળકો માતા-પિતાના પ્રેમથી વંચિત થઈ જાય છે. તમારે પણ આ અભાવથી દુ:ખ ભોગવવું પડયું છે. પરંતુ તમને એ વાતનો સંતોષ હોવો જોઈએ કે તમને તમારાં દાદા-દાદીનો સહકાર મળી રહ્યો, જેમણે ખૂબ સારી રીતે સારસંભાળ લીધી.

તમને જે નથી મળ્યું તેના માટે તમારે શોક કરવો વ્યર્થ છે. તમારો પત્ની અને બાળકોથી હર્યોભર્યો પરિવાર છે. તમારે તેમની સાથે ખુશ રહેવું જોઈએ અને તમારે તમારાં બાળકોને એ બધી ખુશીઓ આપવી જોઈએ જેનાથી તમે વંચિત રહી ગયા છો.

હું ૧૭ વરસની છું. મને ૨૦ વરસના એક છોકરા સાથે પ્રેમ છે. અમારી જ્ઞાતિ અલગ હોવાથી બન્નેના ઘરમાંથી લગ્ન માટે મંજૂરી મળે તેમ નથી અને ભાગીને લગ્ન કરવાની અમારી ઇચ્છા નથી. તો અમારે શું કરવું?

એક યુવતી (અમદાવાદ)

ભાગીને લગ્ન કરવાની કોઈ જરૂર નથી. હજુ લગ્ન માટે તમારી ઉંમર ઘણી નાની છે. આથી યોગ્ય સમયની રાહ જુઓ. સમય આવતા જ શાંતિથી તમારા મમ્મી-પપ્પા સાથે વાત કરો. આજે નાત-જાતના બંધન રહ્યા નથી. આથી તમારા બન્નેના મમ્મી-પપ્પા તમારી વાત સાથે સંમત થાય એવી શક્યતા છે. આ ઉંમર હજુ નાદાન છે. તમારી પાસે સમય છે. પરિવારમાં લગ્નની વાત શરૂ થાય ત્યારે તમારો ઇરાદો મક્કમ હોય તો વાત આગળ વધારો. મોટે ભાગે આ ઉંમરનો પ્રેમ બાલિશ હોય છે અને આ ઉંમરે વિજાતિય આકર્ષણને પ્રેમ માનવાની ભૂલ થઈ જાય છે આથી ઉતાવળ કરો નહીં.

હું ૩૫ વર્ષીય પરિણીતા છું. મારા પતિ ગેઝેટેડ ઓફિસર છે. પોતાનું ઘર છે. કુલ મળીને આનંદમય પરિવાર છે. મારા સસરા એક વર્ષ પહેલાં જ નિવૃત્ત થયા છે. થોડા દિવસ ઘરે આરામ કર્યા બાદ ફરી પ્રાઈવેટ નોકરી શરૂ કરી દીધી છે. કહે છે ઘરમાં સમય જતો નથી. (મારાં સાસુ હયાત નથી) પતિ ઓફિસે અને બાળકો સ્કૂલે જતાં રહે છે. તેમની સાથે હસવા-બોલવાવાળું કોઈ રહેતું નથી.

તેઓ એવું માને છે કે કામ કરતો રહીશ તો સ્વસ્થ રહીશ. ઘરબહાર નીકળીશ તો મન બદલાઈ જશે. મારા પતિને તેઓ નોકરી કરે છે તે જરાય ગમતું નથી. તેઓ કહે છે કે લોકો વાતો કરશે કે છોકરો તેના પિતાને આ ઉંમરે પણ નોકરી કરાવે છે. તેઓ પિતાને કશું કહી શકતા નથી. ઘરમાં વિચિત્ર વાતાવરણ બની ગયું છે. મારે શું કરવું?

એક મહિલા (મુંબઈ)

* જો તમારા સસરા સ્વસ્થ હોય અને વ્યસ્ત રહેવા માટે નોકરી કરવા ઈચ્છતા હોય તો તેમાં કોઈ વાંધો નથી. પતિને સમજાવો કે લોકોની વાતો પર ધ્યાન ન આપે. લોકો તો કાંઈક ને કાંઈક કહેતા જ રહેવાના, પિતાજી સાથે સામાન્ય વ્યવહાર કરવો જેથી તેમને કોઈ ટેન્શન ન થાય.

મારી નણંદ ૨૬ વર્ષની સાધારણ દેખાવની યુવતી છે. મારાં સાસુ-સસરાને તેનાં લગ્નની કોઈ ચિંતા નથી. અમે ઘણી જગ્યાએ તેનાં લગ્નની  વાતો ચલાવી પરંતુ કોઈ ને કોઈ ખામી શોધીને વાત આગળ વધવા નથી દેતાં! ક્યારેક છોકરાના દેખાવમાં ખામીઓ કાઢે છે તો ક્યારેક તેના ઘર-પરિવારની ખામીઓ કાઢે છે. જો આવું જ ચાલતું રહ્યું તો નણંદનાં લગ્ન કરવાં શક્ય  બનશે નહીં, અમારે શું કરવું?

એક મહિલા (વલસાડ)

* ઘરના કોઈ વડીલ કે એવા કોઈ મિત્ર અથવા સગા-સંબંધીઓના માધ્યમથી (પોતાનાં સાસુ-સસરાને) સમજાવવાં કે તેમની પુત્રીની ઉંમર ઘણી થઈ ચૂકી છે. જો તેઓ છોકરાઓની આ રીકે ખામીઓ જોતાં રહ્યા તો તેમની પુત્રીની લગ્નની ઉંમર વીતી જશે. દરેક મુરતિયામાં તેમને ગમતી વાત જોવા મળશે નહીં. ક્યાંક તો સમાધાન કરવું જ પડે છે.

- નયના