સહિયર સમીક્ષા .
- હું એક છોકરીને છેલ્લા 2 વર્ષથી પ્રેમ કરું છું. તે છોકરી પણ મને ખૂબ પ્રેમ કરે છે. જોકે અમે બંને અલગઅલગ શહેરમાં રહીએ છીએ, તેથી મળવાનું ખૂબ ઓછું થાય છે...
* હું ૨૬ વર્ષની યુવતી છું અને હું ખૂબ મુક્ત વિચારોની રહી છું, તેથી જે કંઈ મને સારું લાગે તે હું કરું છું. તેના પરિણામ કેવા આવશે તેની પણ કોઈ ચિંતા નથી કરતી. આ જ કારણ રહ્યું છે કે જ્યારે હું સ્કૂલમાં ભણતી હતી ત્યારે મેં છોકરાઓ સાથે ન માત્ર મિત્રતા, સાથેસાથે સેક્સનો પણ ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. શરૂઆતમાં ૪-૫ વાર ગર્ભ રહી ગયો હતો ત્યારે ગર્ભપાત કરાવી લીધો હતો, પરંતુ ત્યાર પછી કોઈ સાવચેતી રાખ્યા વિના મેં પોતાના એક બોયફ્રેન્ડ સાથે વર્ષો સુધી શારીરિક સંબંધ બાંઘ્યા હતા, તેમ છતાં ગર્ભ રહ્યો નહોતો.
હવે લગ્નની ઉંમર થવા પર મેં લગ્ન કરી લેવાનું નક્કી કર્યું છે. મારો મંગેતર પણ મારો બોયફ્રેન્ડ જ છે. આ લગ્ન હું મારી મરજીથી કરી રહી છું, પરંતુ સમસ્યા એ છે કે ઘણાં વર્ષો સુધી હું અનેક વાર કોઈ પણ જાતની સાવચેતી રાખ્યા વિના સહવાસ કરતી રહી તેમ છતાં મને ક્યારેય ગર્ભ રહ્યો નથી. હું જાણવા ઈચ્છુ છું કે શરૂઆતમાં ૪-૫ વાર દવાઓથી ગર્ભપાત કરાવવાના લીધે તો મારામાં કોઈ શારીરિક સમસ્યા નથી આવી ગઈ ને, શું હું ભવિષ્યમાં ક્યારેય મા નહીં બની શકું?
જોકે મેં મારા મંગેતરને પણ આ બાબતે કંઈ જણાવ્યું નથી. આજકાલ તો તે જ્યારે પણ સહવાસની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું. મારા બદલાયેલા વર્તનથી તે પણ આશ્ચર્ય અનુભવે છે. જણાવો હું શું કરું?
એક યુવતી (જામનગર)
* નાની ઉંમરમાં છોકરાઓ સાથે શારીરિક સંબંધ બનાવવા અને તે પણ ૨-૪ વાર નહીં, પરંતુ વર્ષો સુધી અને ગર્ભવતી થઈ જતા ચોરીછૂપી ગમે તે દવાઓથી ગર્ભપાતનો નિર્ણય લઈ લેવો જોખમી બની શકે તેમ હતો, તેમજ તમે કોઈ યૌન રોગના શિકાર પણ થઈ શકતા હતા. તમે જે આચરણ કર્યા છે તેના જે પણ દુષ્પરિણામ આવશે જેમ કે તમે મા બની શકશો કે નહીં, તેના વિશે વિચારવું આ સમયે જ્યારે લગ્નને થોડા મહિના બાકી રહ્યા છે ત્યારે તે નહીં ગણાય. હવે તો આ બધી ચિંતાઓને બાજુમાં મૂકીને તમે લગ્નની તૈયારી કરો.
લગ્ન પછી જો ગર્ભધારણ કરવામાં સમસ્યા આવતી હોય તો ડોક્ટરી તપાસ અને યોગ્ય સારવાર જરૂર લાગે તો લઈ શકો છો. આમ પણ માતૃત્વ પ્રાપ્ત કરવાની રોજ નવીનવી ટેકનિક વિકસિત થઈ રહી છે. તેથી પહેલા તો તમે એક સારી પત્ની બનવાની તૈયારી કરો. મા બની શકશો કે નહીં તે વિચારને ભૂલી જાઓ, કારણ કે આ બધા વિશે વિચારવાનો આ યોગ્ય સમય નથી.
અને હા, આ નૈતિક બોજ લઈને લગ્ન ન કરો કે તમે જે કર્યું હતું તે ખોટું હતું. ભલે ને તમે જે કરી ચૂકયા છો તેને સામાજિક માન્યતા મળી નથી, પરંતુ આ અપવાદ હાનિકારક છે. ચારિત્ર્ય સાથે તેને કોઈ સંબંધ નથી. લગ્ન પછી તમે પોતાના સાથી રહો અને તમારું દાંપત્યજીવન સુખી રહે તેવા પ્રયાસ કરો.
* હું ૨૦ વર્ષનો યુવક છું. એક છોકરીને છેલ્લા ૨ વર્ષથી પ્રેમ કરું છું. તે છોકરી પણ મને ખૂબ પ્રેમ કરે છે. જોકે અમે બંને અલગઅલગ શહેરમાં રહીએ છીએ, તેથી મળવાનું ખૂબ ઓછું થાય છે, પરંતુ ફોન અને ફેસબુક ચેટિંગ પરથી તો એવું લાગે છે કે દૂર હોવા છતાં પણ અમે એકબીજાથી દૂર નથી.
આ છોકરી જોકે અમારા સમાજની છે, તેથી નાતજાત વગેરેનો કોઈ વિવાદ નથી. મેં મારા ઘરમાં સીધી વાત નથી કરી. ઘરમાં હું સૌથી નાનો છું. તેથી માતાપિતા સાથે મારા પ્રેમ અને લગ્નની વાત કહેવાની હિંમત નથી ચાલતી. બહેન દ્વારા કહેવડાવ્યું ત્યારે મને માત્ર એક આપત્તિ છે કે છોકરી ખૂબ દૂર રહે છે. તેઓ આટલે દૂર જાન લઈને જવા અને અન્ય ખર્ચ ઉપાડવા ઈચ્છતા નથી. તેથી આનાકાની કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અહીં જ આ જુની કોઈ છોકરી સાથે સંબંધ નક્કી કરી લઈશું. બહેને કહ્યું કે ભાઈ તેને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે, ત્યારે પપ્પાએ તેને ઠપકો આપ્યો કે પ્રેમ એ બધી ફિલ્મી વાત છે. આપણા પરિવારમાં લગ્ન પછી પ્રેમ કરવામાં આવે છે. જો છોકરી અહીંની હોત તો એક વાર તો તેમને કોઈ વાંધો નહોતો અને તેઓ માની પણ શકતા હતા, પરંતુ આ સંબંધમાં કંઈ જ થઈ શકે તેમ નથી. તેથી આ છોકરીને તું જલદીથી ભૂલી જા.
આ સ્થિતિમાં અમે બંને પરેશાન છીએ, પરંતુ લાચાર પણ છીએ. અમે ઘરેથી ભાગીને લગ્ન કરવા નથી ઈચ્છતા, કારણ કે આમ કરવાથી બંને પરિવારની બદનામી થશે. હવે હું મારા અભ્યાસ પર પણ બરાબર ઘ્યાન નથી આપી શકતો. કરું તો શું કરું, કંઈ સમજાતું નથી.
એક યુવક (સૂરત)
* તમારી ઉંમર હજી લગ્ન માટે નાની છે. આ સમય તમારી કરિયર પર ધ્યાન આપવાનો છે. તેથી હાલપૂરતું તો તમે પૂરા ઉત્સાહ અને મહેનતથી અભ્યાસ અને નોકરી જે પણ કરી રહ્યા છો, તેમાં જોડાઈ જાવ લગનથી કામમાં ધ્યાન આપો. કરિયરને પ્રાથમિકતા આપો. બીજી વાતો પછી આવે છે.
મજબૂત સ્થાન બનાવી લીધા પછી અને સમયની સાથે બંને પરિવારની માનસિકતા પણ બદલાઈ શકે છે, પરંતુ જો તમે બંને એકબીજા સાથે લગ્ન કરવા મક્કમ રહો તો.
- નયના