સહિયર સમીક્ષા .
- છેલ્લા ત્રણ વરસથી એક યુવકના પ્રેમમાં છું. તે ૩૦ વર્ષનો છે. મારી ઑફિસના એક સહકર્મચારીએ મને આ સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. મારે તેની સાથે શારીરીક સંબંધો પણ છે.
હું ૨૭ વર્ષની છું, છેલ્લા ત્રણ વરસથી એક યુવકના પ્રેમમાં છું. તે ૩૦ વર્ષનો છે. મારી ઑફિસના એક સહકર્મચારીએ મને આ સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. મારે તેની સાથે શારીરીક સંબંધો પણ છે. પરંતુ મને લાગે છે કે તે મારે માટે યોગ્ય નથી. અમારા વડીલો પણ અમારા પર લગ્ન કરવા માટે દબાણ કરે છે. પરંતુ મારુ દિલ માનતું નથી મારે શું કરવું એ જણાવવા વિનંતી
- એક યુવતી (મુંબઈ)
* દિલ માને નહીં એ કામ કરવું નહીં તમારે કોઈ માર્ગદર્શનની જરૂર જ નથી. એ છોકરાને સ્પષ્ટ શબ્દોમાં ના કહી દો. કોઈના દબાણથી સંબંધ બાંધવાની કે લગ્ન કરવાની વાત મૂર્ખામાં ખપે છે. અવિશ્વાસના પાયા પર લગ્નજીવનની ઈમારત ચણવાથી નુકસાન થાય છે. આ તમારું જીવન છે. અને તમારી રીતે જીવવાનો તમને પૂરેપૂરો અધિકાર છે. તમે દબાણને વશ થઈને લગ્ન કરશો તો એ લગ્નજીવન સુખી થશે નહીં. આ સંબંધમાંથી મુક્ત થઈ તમારા જીવનમાં આગળ વધો.
હું ૨૨ વર્ષની છું. મારી જ ઉંમરના એક યુવક સાથે મને ત્રણ વર્ષથી પ્રેમ છે. એક ગેરસમજ થતા અમે છૂટા પડી ગયા હતા. પરંતુ હું તેને ભૂલી શકતી નથી. અમારો સંબંધ તૂટયાને છ મહિના થઈ ગયા છે પરંતુ હું આ આઘાતમાંથી બહાર આવી શકી નથી. ઘણી વાર તેની પાસે પાછા ફરવાનો વિચાર થાય છે પરંતુ તે બીજી યુવતી સાથે ફરે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક યુવતી (વલસાડ)
* તમારી લાગણીીઓ પર કાબુ મેળવવાનું કામ તમારા જ હાથમાં છે. તમારા પત્ર પરથી લાગે છે કે યુવકને હવે તમારામાં જરા પણ રસ રહ્યો નથી. આથી હવે તેની પાછળ આંસુસારીને બેસવાનો કોઈ અર્થ નથી. એને ભૂલીને તમે તમારા જીવનમાં આગળ વધી જાવ એમા જ તમારી ભલાઈ છે. ૨૦ વર્ષની ઉંમરે તમારી સામે ઘણા દ્વાર ખુલ્લા છે. આ સંબંધ લગ્નમાં પરિણમે તેવો નથી. પ્રેમ સિવાય પણ બીજી ઘણી વસ્તુઓ છે એનો આનંદ માણો. દુ:ખી થઈને તમારું જીવન બગાડો નહીં. જીવનમાં આગળ વધતા શીખો.
હું ૨૮ વર્ષની હાઉસવાઈફ છું, મારા હાથના નખમાં વારે વારે ફંગલ ઈન્ફેક્શન થયા કરે છે છેલ્લા એક વરસથી મને આ સમસ્યા છે. ડોક્ટરની દવા લઉ તો થોડો વખત ફાયદો જણાય છે. દવા બંધ કરતા જ આ સમસ્યા પાછી શરૂ થાય છે. શું હોમિયોપથીથી ફાયદો થઈ શકે છે?
- એક બહેન (વલસાડ)
* તમારા પત્ર પરથી તમને નખમાં ઈન્ફેક્શન હોય એમ લાગે છે. આ પ્રકારનું ઈન્ફેક્શન હાઉસવાઈફ અને ઘરકામ કરનારાઓને વધુ થાય છે. પાણીમાં હાથ વધુ સમય રહેવાને કારણે તેમ જ ડિટર્જન્ટ અને વાસણ ધોવાના પાવડરને કારણે આમ થાય છે. આના કણો નાના મૂળમાં ભરાઈ ડજાય છે. અને ફંગસ થાય છે. તમારે ઉચ્ચ ગુણવત્તા ધરાવતો ડિટર્જન્ટ અને પાવડર વાપરવાની જરૂર છે. તેમ જ પાણીમાં હાથ નાખવા પડે એવા કામ દરમિયાન હાથ મોજા પહેરવાનું રાખો. અને કામ પત્યા પછી ભરત જ હાથ સૂકા કરી નાખો અને એન્ટી-ફંગલ-ક્રીમ વાપરો. હોમિયોપથી તમને કામ આવી શકે છે. કોઈ સારા હોમિયોપથની સલાહ લો.
હું ૨૬ વરસનો છું, હમણા લગ્ન કરવામાં મને કોઈ રસ નથી. પરંતુ હું મોટી ઉંમરે જન્મ્યો હોવાથી મારા માતા-પિતા તેમની હાજરીમાં હું સેટલ થઈ જાઉં એમ ઈચ્છે છે. મારે શું કરવું એનું માર્ગદર્શન આપશો.
- એક યુવક (સુરત)
* તમારા મનની વાત તમારા માતા-પિતાને કહો. તેમને સંમજાવવાનો પ્રયત્ન કરો કે હમણા તમારે લગ્ન કરવા નથી કારકિર્દીમાં સેટલ થવા માટે હજુ તમને થોડો સમય જોઈએ છે. આ કારણે શક્ય છે કે તમારા ભવિષ્યની તેમની ચિંતા ઓછી થાય. અને તેઓ લગ્ન માટે રાહ જોવા તૈયાર થાય. તમે કારકિર્દીમાં સ્થાયી થયા હો તો તમે લગ્નનો વિચાર કરી શકો છો.
જો કે તમારી ઉંમર જોતા તમે કેટલાક વર્ષ રાહ જોઈ શકો છો. બીજી દ્રષ્ટિએ જોતા તમારા માતા-પિતાની ચિંતા પણ ખોટી નથી. આથી તેમની ચિંતા કેવી રીતે દૂર કરવી એ તમારું કામ છે.
- નયના